લેખક અન્નુ કપૂર, જાણીતા અભિનેતા, દિગ્દર્શક અને સંચાલક છે.
ભય અને લોભ એક જ સિક્કાની બે બાજુ છે અને મનુષ્યની ઉત્પતિથી માંડીને આજ સુધી આ બંને ભાવ અલગ અલગ રૂપમાં લગભગ દરેક વ્યક્તિમાં જોવા મળે છે. ભય શારીરિક અને માનસિક કષ્ટનો! આ ભય, ડર અને ખોફની જાળમાં બંધાયેલી પ્રેત, પિશાચ, જીન, ડાકણ, શેતાન, ડેવલ જેવી પાશવી શક્તિ અને શેતાની તાકતનો સામનો કરવા માટે તેમજ પોતાની જાતનું રક્ષણ કરવા માટે લગભગ દરેક ધર્મ પોતાના અનુયાયીઓને મંત્ર, આયત તેમજ પ્રાર્થનાના માધ્યમથી દિશા નિર્દેશ કરે છે. ઉદાહરણ તરીકે શ્રી હનુમાન ચાલીસાનો નીચેનો છંદ છે.
भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे।
કે પછી મહામૃત્યુંજય મંત્રનો જાપ:
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥
પ્રભુ જીસસ ક્રાઇસ્ટના અનુયાયી મોટાભાગે PSALMS 9: 1-16, PSALMS 37: 1-40, MATTHEW 6: 9-13નો પાઠ કરે છે. મુસ્લિમ કુરાન-એ-પાકના સૂરા 23 અલ મોમીનૂનની આયાત 97, સૂરા 113 અલ ફલકની આયત 1 તથા સૂરા અલ-બકરાના આયતુલ કુર્સીને વાંચીને શેતાની તાકાતનો સામનો કરે છે! દરેક વસ્તુનો વિકલ્પ શોધવાની વ્યક્તિની આદત હોય છે અને એટલે પછી શરૂઆત થઇ જાદુટોણા, ગંડે તાવીજ, ઝાડ-ફૂંક અને ટોટકા વગેરેની.
તમારા હૃદયના ધબકારા વધારી દેવા એ મારું લક્ષ્ય નથી કારણ કે આજે તો હું એક ફિલ્મી દુનિયાની વાર્તાનો પાયો મૂકી રહ્યો છું. એક રહસ્યમય મહિલા. કરોડરજ્જુમાં લખલખું પસાર થઇ જાય એવી એક ઘટના છે જેનો ઉલ્લેખ મેં ઘણાં સમય પહેલાં મારા એક રેડિયો શોમાં પણ કર્યો હતો અને જેનો ઉલ્લેખ સ્વર્ગીય દિલીપકુમારની આત્મકથામાં પણ છે.
ડિરેક્ટર સમી ઉલ્લાહ સની (એસ. યુુ. સની) સાથે દિલીપકુમારે 1948થી માંડીને 1955 સુધી ‘મેલા’, ‘બાબુલ’, ‘ઉડન ખટોલા’ જેવી ત્રણ બહુ જ સફળ ફિલ્મો કરી ચૂક્યા હતા અને ચોથી ફિલ્મ ‘કોહિનૂર’ બની રહી હતી. આ ફિલ્મમાં દિલીપકુમારની હિરોઇન મીનાકુમારી હતી. દિલીપકુમાર એ મીનાકુમારી સાથે પહેલાં ‘ફૂટપાથ’, ‘આઝાદ’ અને ‘યહુદી’ જેવી ત્રણ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હતા અને ‘કોહિનૂર’ આ જોડીની ચોથી ફિલ્મ હતી. ‘આઝાદ’ પછી દિલીપકુમાર અને મીનાકુમારીની જોડી ફરી વખત ‘કોહિનૂર’ જેવી હળવી અને કોમેડી ફિલ્મમાં સાથે કામ કરી રહી હતી. ફિલ્મના ડિરેક્ટર સની સાથે દિલીપકુમારની સારી મિત્રતા હતી. એક દિવસ દિલીપકુમારી ડિરેક્ટરને કહ્યું કે આપણે આઉટડોર શૂટિંગ માટે સારું લોકેશન જોઇ આવવું જોઇએ અને તેમની વાત સાંભળીને ડિરેક્ટર પણ પોતાનો સામાન પેક કરવા માટે ઘરે ચાલ્યા ગયા. સનીસાહેબની બેગમ સાહિબા અત્યંત રહસ્યમય મહિલા હતી. તેમને જાદૂટોણા, તાવીજ અને ઝાડ-ફૂંકમાં વિશ્વાસ હતો અને મંત્ર-તંત્રની ચમત્કારિક દુનિયા તેમના રસનો વિષય હતી. સની સાહબ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે બેગમ સાહિબાએ કહી દીધું કે આ રોડ ટ્રિપમાં તે પણ સાથે આવવા ઇચ્છે છે. સની સાહબે તેમને તર્કબદ્ધ રીતે સમજાવાનો પ્રયાસ કર્યો પણ બેગમ જીદ કરીને બેસી ગયા અને બહુ નારાજ થઇ ગયા. બેગમની અવગણના કરીને સની સામાન પેક કરીને દિલીપકુમારના ઘરે પહોંચી ગયા. સનીએ દિલીપકુમારને પોતાની બેગમ વિશે કે તેમની જીદ વિશે કોઇ વાત ન કરી.
ઢળતી સાંજે દિલીપકુમાર, સની અને અસિસ્ટન્ટ કેમેરામેન નીકળી પડ્યા. આ કારમાં ડ્રાઇવર સહિત કુલ ચાર વ્યક્તિ હતી અને કોઇ મહિલા બેસી શકે એવી કોઇ શક્યતા નહોતી. સનીને ખબર હતી કે આ મુદ્દો બેગમ સમજી નહીં શકે અને એટલે જ તેમણે આ વાતની ચર્ચા બેગમ સાથે કરી નહોતી. આખરે સમગ્ર ટીમ મુંબઇથી 190 કિલોમીટરના અંતરે આવેલા નાસિક તરફ નીકળી પડી. થોડા સમય પછી સૂર્યાસ્ત થઇ ગયો અને ધીરે ધીરે રાત થવા લાગી. અંધારું થતાં જ એકાએક વાતાવરણ બદલાઇ ગયું. એ મહિનામાં વાતાવરણમાં ક્યારેય આવો પલટો અનુભવાયો નહોતો. થોડા જ સમયમાં જબરદસ્ત આંધી સાથે વીજળીના કડાકા થવા લાગ્યા અને મુશળધાર વરસાદ શરૂ થઇ ગયો. આ વાતાવરણમાં કારના ફ્રન્ટસ્ક્રીન પર મોટા-મોટા કરા પડવા લાગ્યા. ડ્રાઇવરે વાઇપર ફુલ સ્પીડમાં ચલાવ્યું પણ પ્રબળ વેગ સામે તુચ્છ વાઇપર ઝીંક ઝીલી ન શક્યું. મંજિલ બહુ દૂર હતી અને આગળનો રસ્તો દેખાઇ નહોતો રહ્યો. ડ્રાઇવર બહુ ધીમે-ધીમે સંભાળીને ગાડી ચલાવી રહ્યો હતો. સનીએ સલાહ આપી કે કોઇક જગ્યાએ રોકાઇને વાતાવરણ સરખું થવાની રાહ જોવી જોઇએ. આ સલાહ યોગ્ય હતી અને સલામતી પણ એમાં જ હતી કારણ કે વરસાદ, વીજળી અને આંધી રોકાય એવા કોઇ અણસાર નહોતા. આ સંજોગોમાં ડ્રાઇવરને સાઇડમાં કાચું ઝુંપડું જોવા મળ્યું અને એને જોઇને બધાએ ત્યાં જ રોકાઇ જવાનું નક્કી કર્યું. ડ્રાઇવરે કારને કાચી ઝૂંપડીની દિશામાં વાળી દીધી અને હેડલાઇટને ઓન જ રહેવા દીધી. દિલીપકુમાર અને સની કારમાંથી ઊતરીને ઝૂંપડી તરફ આગળ વધ્યા. તેમણે નજીક જઇને જોયું કે તૂટેલી કાચી છત હતી અને ગુણ પડદાની જેમ લટકી રહી હતી. અંદર થોડાક લાકડાં અને કચરા જેવો સામાન હતો અને પાસે તૂટેલી બેન્ચ પડલી હતી.
કાચી ઝૂંપડીની બહાર એક બકરી દયાની અરજી કરતી હોય એવો અવાજ કરી રહી હતી. સની એ બકરી ખોલવા માટે જેવા આગળ વધ્યા કે એકાએક તોફાની પવનના ઝાપટાથી ગુણનો પડદો હટી અને એની પાછળ જે દેખાયું એ દૃશ્ય ચોંકાવનારું અને એકદમ ડરામણું હતું.
પડદો હટી જતા જોયું તો એની પાછળ એસ. યુ. સનીના બેગમસાહિબા ઊભાં હતાં. લાલ આંખ અને કાતિલ હાસ્યની સાથે. આસિસ્ટન્ટ કેમેરામેનનું તો લગભગ હૃદય જ બેસી ગયું અને તે બીકથી ફફડવા લાગ્યો. સની પણ અવાક બનીને પત્નીને જોતા રહ્યા.
દિલીપકુમારની અંદરના પઠાણે તેમને પડતાં પડતાં બચાવી લીધા. આ પછી સનીની બેગમ અથવા તો એ મહિલાએ પોતાના હોઠ પરથી લાલ લિપસ્ટિક લૂછી અને પછી ગાયબ થઇ ગઇ. એના ગાયબ થતાં જ વાતાવરણ પણ ચોખ્ખું થઇ ગયું. આંધી અને વરસાદ જેવી રીતે શરૂ થયા હતા એવી જ રીતે અટકી પણ ગયાં. ટીમ લોકેશન તરફ આગળ વધી પણ રસ્તામાં કોઇ એક શબ્દ ન બોલ્યું.
બીજા દિવસે પોતાનું કામ પૂરું કરીને બધા સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ફર્યા અને જે થયું એના વિશે કોઇ ચર્ચા પણ કરવા ઇચ્છતું નહોતું.
બીજા દિવસે બપોરાના ભોજન પછી દિલીપકુમાર ચૂપ ન રહી શક્યા અને તેમણે પોતાની બહેનોને આ ચોંકાવનારો, ચમત્કારિક અને ડરામણો ઘટનાક્રમ જણાવ્યો. આ સાંભળીને બધાં જાણે અલ્ફ્રેડ હિચકોકની ડરામણી ફિલ્મ જોતાં હોય એવી રીતે ડરવા લાગ્યા.
દિલીપકુમારે આ કિસ્સો કહેવાનું પૂરું કર્યું કે તરત તેમના બંગલાના ગેટ પર કારના હોર્નનો અવાજ સંભળાયો. એક બહેને ઉત્સુકતાથી જોયું તો તે જબરદસ્ત ડરી ગઇ. તેમની હાલત જોઇને દિલીપકુમાર તેની નજીક ગયા તો બહેને ઇશારાથી નીચે જોવાનું કહ્યું. નીચે કારમાંથી ઊતરીને એક પુરુષ અને એક સ્ત્રી બંગલા તરફ આગળ વધી રહ્યાં હતાં. એ બીજું કોઇ નહીં પણ સને અને તેમના બેગમસાહિબા હતાં.⬛
વો દિલ નવાઝ હૈં લેકિન નજર શનાસ નહીં, મેરા ઇલાજ મેરે ચારાગર કે પાસ નહીં. મુઝે યે ડર હૈ તેરી આરજૂ ન મિટ જાએ, બહુત દિનોં સે તબીયત મેરી ઉદાસ નહીં. પ્રણામ, જય હિન્દ! વંદે માતરમ!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.