ડૂબકી:આભારી તો અમે તમારા છીએ

3 મહિનો પહેલાલેખક: વીનેશ અંતાણી
  • કૉપી લિંક
  • આપણે એકબીજાને મદદ કરવા તૈયાર ન હોઈએ એવા જગતમાં રહેવાનો અર્થ શો?

એક શહેરના ફ્લાય ઓવર પર વરસાદના ઝાપટાં પછી એક પછી એક ટપોપટ લપસી જતાં ટુ વ્હીલર્સ, પ્રૌઢ મહિલાને ભરી બજારમાં શીંગડાંથી ફંગોળતી ગાય, એક યુવકને રસ્તા વચ્ચે લાકડીઓથી ફટકારતા ગુંડા – આ અને એવા વિડીયો સોશિયલ મીડિયામાં અને સમાચારોની એપમાં જોવા મળે છે. દરવખતે પ્રશ્ન થાય કે આપણી સંવેદનશીલતા વિડીયો ઉતારી આપલોડ કરવા પૂરતી જ મર્યાદિત થઈ ગઈ છે? વિડીયો લેનારને મુશ્કેલીમાં મુકાયેલી વ્યક્તિને મદદ કરવાનું સૂઝતું નહીં હોય? કદાચ કોઈ મદદ કરવા પહોંચે ત્યાં સુધીમાં વિડીયો ઉતારનારે રસ ગુમાવી દીધો હોય અથવા એમાં સનસનાટી જેવું દેખાયું ન હોય.

આ સ્થિતિની બીજી બાજુ પણ છે. ઘણા લોકો તદ્દન અજાણી વ્યક્તિને માનવતાથી પ્રેરાઈને સહાયતા કરે છે. જોકે એવા પ્રસંગના વિડીયો ભાગ્યે જ જોવા મળે. એનો ‘વિડીયો’ માત્ર અણધારી સહાય મેળવનાર વ્યક્તિના ચિત્ત પર જ લાંબો સમય સચવાઈ રહે છે. કેનેડાના લેખક ચાર્લ્સ દ લિન્ટે કહ્યું છે: ‘આપણે એકબીજાને મદદ કરવા તૈયાર ન હોઈએ એવા જગતમાં રહેવાનો અર્થ શો? પરિચિતોને જ નહીં, અજાણ્યાને પણ મદદની જરૂર હોય તો તરત દોડી જવાની ભાવના આપણામાં હોવી જોઈએ.’ કોઈ સામયિક-અખબારમાં કે ગૂગલ પર અજાણી વ્યક્તિને મદદ કરવાના કિસ્સા વાંચીએ ત્યારે ધરપત થાય કે સંવેદનશીલતા હજી મરી પરવારી નથી. એ બહુ મોટી મદદના કિસ્સા ન હોય, છતાં જે સમયે – જે સંજોગોમાં – મળતી નાનીઅમથી સહાયનું મૂલ્ય મોટું છે.

અમેરિકાની કેરોલિન પતિ અને બે સંતાનો સાથે બીજા દેશના પહાડી વિસ્તારમાં સહેલ કરવા ગઈ હતી. ભાડે લીધેલી કાર તળેટીમાં મૂકી હતી. પાછાં આવીને જોયું કે કોઈ બદમાશોએ કારને ઘણું નુકસાન કર્યું હતું. કારમાં મૂકેલો સામાન ચોરાઈ ગયો હતી. પાછા વળવાની ફ્લાઇટની ટિકિટ, આઇ.ડી. કાર્ડ, ક્રેડિટ કાર્ડ, વૉલેટ, કપડાં બધું એમાં હતું. તેઓ જાણે રસ્તા પર આવી ગયાં હતાં. નજીકના પોલીસ સ્ટેશને ગયાં. એક મહિલા અધિકારી ડ્યુટી પર હતી. એણે સહાનુભૂતિપૂર્વક એમની ફરિયાદ નોંધી. એટલું જ નહીં, એમને પોતાને ઘેર ડિનર માટે લઈ ગઈ અને રાતે ત્યાં જ સૂવાની વ્યવસ્થા કરી. બીજે દિવસે એણે એક જગ્યાએથી પૈસાની લોન અપાવી અને એરપોર્ટ સુધી જવાની વ્યવસ્થા કરી આપી. કેરોલિને લખ્યું છે: ‘એ ભલી મહિલાની મદદ વિના અમે પરદેશમાં રઝળી પડ્યાં હોત.’

વૃદ્ધ મહિલા જીન હૉલનો અનુભવ એના શબ્દોમાં: ‘હું એકલી રહું છું. કોરોનાના સમયમાં મારે અગત્યનું પાર્સલ કરવા પોસ્ટ ઑફિસ જવું જ પડે તેમ હતું. મારી ઉંમરને કારણે ઘરમાંથી બહાર નીકળતાં મને બહુ ડર લાગતો હતો. પડોશમાંથી કોઈ જવા તૈયાર ન થયું. નાછૂટકે મારે જ જવું પડ્યું. પોસ્ટઑફિસમાં પહોંચી. કાઉન્ટર પર પાંચ- છ જણ ઊભા હતા. હું થોડે દૂર ઊભી રહી. હું ઘણા મહિના પછી પહેલી વાર લોકોની વચ્ચે આવી હતી. સતત ફફડતી હતી કે મને ચેપ લાગશે તો? મારો વારો આવ્યો. હું કાઉન્ટર પાસે જતાં ખચકાઈ. પાર્સલ લેવાનું કામ કરતી યુવતી મારો ભય સમજી ગઈ. એ ઊભી થઈને થોડી પાછળ ખસી અને મને આગળ આવવા ઇશારો કર્યો. એણે કહ્યું તેમ મેં વજનકાંટા પર પાર્સલ મૂક્યું. યુવતીએ હાથ હલાવી મને પાછળ ખસવા સંકેત કર્યો. હું દૂર ખસી પછી એ નજીક આવી અને મને પાર્સલનો ચાર્જ જણાવ્યો. પોતે પાછળ ખસી ગઈ. હું ફરી આતંકિત થઈ ઊઠી કે કાર્ડથી પેમેન્ટ કરવાના મશીન અને કાઉન્ટરની સપાટી પર મારો હાથ અડકી જશે તો? યુવતીએ ખૂબ કાળજીપૂર્વક સેનિટાઈઝરથી બધું લૂછી નાખ્યું અને પાછળ ખસી ગઈ. મેં પેમેન્ટ કર્યું અને નીચે વળીને એનો આભાર માન્યો. એણે પણ દૂરથી પ્રણામ કર્યા. મારા જેવી વૃદ્ધાને કોરોનાનો ચેપ ન લાગે તે માટે એણે બતાવેલું સૌજન્ય હું ક્યારેય ભૂલીશ નહીં.’

એક કિસ્સો એરપોર્ટનો. મારિલિન કિન્સેલા નામની પેઇન્ટિંગનું કામ કરતી મહિલા બીજા શહેરમાં જતી હતી. એણે એના રંગોનો સામાન કેબિનમાં રાખવાની હેન્ડબેગમાં મૂક્યો હતો. એમાં પ્રવાહી પણ હતું. સિક્યુરિટી ચેકમાં એને તે બધું જ છોડી જવાનું કહેવામાં આવ્યું. મારિલિને ઘણી દલીલ કરી, પરંતુ એણે બધું ત્યાં જ છોડીને જવું પડ્યું. એક અઠવાડિયા પછી એ પાછી આવી ત્યારે એરપોર્ટના લગેજ કલેક્શન એરિયામાં સિક્યુરિટીનો એ જ માણસ એની રાહ જોતો ઊભો હતો. એણે મારિલિનની રિટર્ન ફ્લાઇટની વિગતો અને સમય વગેરે નોંધી લીધાં હતાં, જેથી એ જાતે એને બધું મટિરિયલ પાછું આપી શકે.

લશ્કરના ચારેક જવાનો રજામાંથી પાછા વળતા હતા ત્યારે સરહદની નજીક આવેલા શહેરના એક રેસ્ટોરન્ટમાં જમીને બિલ ચૂકવવા ગયા. કેશિયરે કહ્યું કે એમનું બિલ એક સજ્જને અગાઉથી ચૂકવી દીધું છે, જવાનોએ એનું નામ પૂછ્યું. કેશિયરે કહ્યું, એ એમનું નામ જણાવવા માગતા નથી. જવાનો રેસ્ટોરન્ટમાં બેઠેલા લોકો સામે વળ્યા અને મોટેથી બોલ્યા: ‘તમે જે હો તે, થેન્ક યુ!’ બધા લોકો ઊભા થઈ ગયા અને જવાનોને સલામ કરી. એ જ લોકોમાં પેલો સજ્જન પણ કદાચ ઊભો હશે અને મનમાં કહેતો હશે: ‘આભારી તો અમે તમારા છીએ!’

અન્ય સમાચારો પણ છે...