ડૂબકી:ગાંડા બાવાઓની જમાતની વાતો

વીનેશ અંતાણી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંબંધોમાં માનતાં લોકો એક રીતે ‘ગાંડા બાવા’ હોય છે. એક વાર સંબંધ બાંધે પછી પાછું વળીને જુએ નહીં. પાગલની જેમ સંબંધ સાચવવાની જ ધૂન હોય. અપેક્ષા પણ રાખે કે આપણે પણ એ રીતે જ સંબંધ જાળવીએ. આવા લોકો ગાંડા બાવાની જમાતના હોય છે

મારા નાનપણના ગામમાં એક વાર નાગા બાવા આવ્યા હતા. દસ-વીસ જણની જમાત. ગામના પાદરની પાસે શંકરના મંદિરની આગળ વિશાળ ઓટલા પર એમણે ધામા નાખ્યા હતા. આખો દિવસ ધૂણી ધખાવીને બેસતા. આવતા-જતા લોકો એમની સાથે બેસી ગપાટા મારતા. અમારી નિશાળ બાજુમાં હતી. અમે શાળાએ જતાં અને બપોર પછી છૂટ્યાં પછી શરૂઆતમાં ડરતાં ડરતાં એમને દૂરથી જોયા કરતાં. એક પ્રકારનું બાળસહજ આકર્ષણ હતું. બીજી જ દુનિયાના લાગતા. વસ્ત્રમાં માત્ર લંગોટ. આખા શરીરે ભભૂત લગાવી હોય. લાંબા ગૂંચળા વળેલા વાળ અને લાંબી દાઢી. સંધ્યા ટાણે તેઓ આરતી કરતા અને પ્રસાદ વહેંચતા. બે-ચાર દિવસ પછી ડર ઓછો થયો ત્યારે અમે ભાઈબંધો સાંજની આરતીટાણે ત્યાં પહોંચી જતા. એ લોકો ઘેરા અવાજે મોટેથી કશુંક ગાય, ડમરુ, ખંજરી અને ઢોલકની સાથે ઝાલર-ઘંટારવથી વાતાવરણ ગાજી ઊઠતું. લાંબી આરતી પૂરી થાય પછી ભજિયાં અને એવો પ્રસાદ મળતો. ધીમે ધીમે અમે એમની સાથે હળીમળી ગયા. બંને પક્ષે અશુદ્ધ હિન્દીમાં વાતો થાય. લાંબા રોકાણ પછી એક દિવસ રવિવારે બપોરે તેઓ બાજુના ગામ જવા નીકળ્યા. અમે પણ એમની સાથે ત્રણ-ચાર ગાઉ ચાલીને ગયા. પાછા વળતાં મોડું થઈ ગયું. ઘરમાં કોઈને જણાવ્યું નહોતું, પરંતુ એમને ક્યાંકથી સમાચાર મળી ગયા હતા. બા-બાપુજીને ચિંતા થઈ. અમે પાછા વળી પાદરમાં પહોંચ્યા, ત્યારે મારા પિતાજી સામે ઊભા હતા. મને જોતાંવેંત જ કશું પૂછ્યા વિના એમણે સણસણતો તમાચો ઠોકી દીધો. બાવડું પકડી ઘેર લઈ ગયા. બા પણ વઢી. ‘નાગા બાવા ઉપાડી ગયા હોત તો?’ આ તો નાગા બાવાની વાત થઈ. એ લોકો મને ઉપાડી ગયા નહોતા, પરંતુ એક બીજી જમાતના ગાંડા બાવા મને વારંવાર ઉપાડી જાય છે. સંબંધોની વાત ચાલતી હતી. એમાંથી સૂઝ્યું કે સંબંધોમાં માનતાં લોકો એક રીતે ‘ગાંડા બાવા’ હોય છે. એક વાર સંબંધ બાંધે પછી પાછું વળીને જુએ નહીં. પાગલની જેમ સંબંધ સાચવવાની જ ધૂન હોય. અપેક્ષા પણ રાખે કે આપણે પણ એ રીતે જ સંબંધ જાળવીએ. કોઈનો પ્રતિસાદ મોળો લાગે તો મનમાં ને મનમાં હિજરાય. સંબંધ અંગે એવી સમજ ધરાવનાર લોકો જાણે ગાંડા બાવાની જમાતના હોય છે. શુદ્ધ અને નિ:સ્વાર્થ સંબંધ જેવી પવિત્ર બાબત બીજી કોઈ નથી. પછી તે પતિપત્ની વચ્ચેના હોય, પારિવારિક હોય, મૈત્રીના હોય, સહકાર્યકર્તા સાથે હોય કે સમાન રસરુચિ ધરાવતા લોકો વચ્ચે હોય. સંબંધ બાંધવો સહેલું હશે, પરંતુ અરસપરસની અપેક્ષા મુજબ એ જાળવી રાખવો સહેલું નથી. એક રીતે જોઈએ તો, સંબંધમાં કોઈ શરત હોવી જોઈએ નહીં, સમજ અને પ્રેમલાગણી જ એના મૂળમાં હોવાં જોઈએ. જરૂરી નથી કે સંબંધ ધરાવતી વ્યક્તિ આપણી સાથે અથવા આસપાસ હોય. આપણી સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતાં કેટલાક લોકો આપણાથી ઘણા દૂરના સ્થળે રહેતાં હોય અને સમય-સંજોગોને લીધે ઘણા સમયથી એમને મળવાનું શક્ય બન્યું ન હોય, છતાં આપણા મનમાં ધરપત હોય છે કે એ લોકો ક્યાંક છે અને દૂરથી પણ આપણાં ક્ષેમ-કુશળ ઇચ્છે છે. આપણે પણ એમના માટે એવો જ ભાવ ધરાવીએ છીએ. સંબંધ બેધારી તલવાર જેવા છે. આડીઅવળી ચાલે તો બંને પક્ષને જખમી કરે, લોહીલુહાણ કરી નાખે. ક્યારેક સામેની વ્યક્તિ માટે બાંધેલી અપેક્ષા સંતોષાય નહીં, ત્યારે કડવાશ જન્મવાની શક્યતા રહે છે. અહીંથી જ સંબંધમાં સમજણ અને વિશ્વાસનો પ્રદેશ શરૂ થાય છે. કોઈ વ્યક્તિ અપેક્ષા પ્રમાણે વર્તી ન હોય છતાં આપણને વિશ્વાસ હોવો જોઈએ કે એના એવા વર્તન પાછળ કોઈ ઠોસ કારણ હશે, નહીંતર એ આવું કરે નહીં. ધીરજ રાખ્યા પછી પણ વિશ્વાસ તૂટે તો એ સંબંધને કાચો દોરો માની આગળ નીકળી જવું પડે. ઘણા લોકો ઉપરછલ્લા સંબંધ રાખવામાં નિષ્ણાત હોય છે. બહારથી બતાવે કે આપણા પર અઢળક પ્રેમ છે, પરંતુ સમય આવે ધૂળમાં બેસી જાય છે. એમનો સસ્મિત ચહેરો આપણી સમક્ષ જ હોય, પણ એમણે અંદરથી મોઢું ફેરવી લીધું હોય. પોતાનું કામ કઢાવી લે પછી જાણે ઓળખતાં જ ન હોય. આવી ઘટના બને ત્યારે સંવેદનશીલ વ્યક્તિને અપાર દુ:ખ થાય છે. સ્વાર્થી લોકો માટે સંબંધ એકમાર્ગી પુલ છે, જાણે એના પરથી માત્ર આપણે જ પસાર થવાનું હોય, એમણે નહીં. તેઓ ભૂલી જાય છે કે તોડી નાખેલો પુલ એમને જ ક્યારેક આગળ જવામાં અવરોધરૂપ બનવાનો છે. માણસમાત્રને વિવિધ કારણોસર તંદુરસ્ત સંબંધની આવશ્યકતા રહે છે. એનાથી લાગણીઓ સમૃદ્ધ બને છે, સ્થિરતાનો અનુભવ થાય છે. જીવનમાં કટોકટી વખતે કોઈ આપણી પડખે હશે એ વાતનો ભરોસો રહે છે. સંબંધ વિનાનો માણસ એકલો પડી જાય છે. એકલસૂરા હોવું એક વાત છે, એકલા પડી જવું બીજી વાત છે. સંબંધો જાદુઈ આયના જેવા છે, જેમાં આપણે આપણને માત્ર બહારથી જ જોતાં નથી, આપણી અંદરનું પ્રતિબિંબ પણ એમાં જોઈ શકાય છે. પોતાની ભૂલો ઓળખીને માણસે ક્યારે બદલવું જોઈએ તે પણ સંબંધોના જાદુઈ આયનામાં જોઈને સમજાય છે. સંબંધ માણસને સાચા અર્થમાં માનવીય બનાવે છે. કોઈએ કહ્યું છે કે કોઈ પણ માણસ સમુદ્રમાં એકલ અને નિર્જન ટાપુ જેવો હોતો નથી. એ નથી એકલો હોતો, નથી એકલો રહી શકતો. સંબંધમાં ન માનતાં લોકો પણ એમની જાણ વિના કોઈકની સાથે, કશાકની સાથે, જોડાયેલા તો હોય જ છે. ક્યારેક કહેવાતી બૌદ્ધિકતા માણસને નિ:સંબંધની વાતો કરવા પ્રેરે છે, પરંતુ એ વાતોમાં શણગારેલા શબ્દો જ હોય છે. વાસ્તવની ભૂમિ પર પગ મૂકતાંની સાથે આવા શાણા વિદ્વાનો નિકટતા ઝંખવા લાગે છે. નિ:સંબંધની વાતો પશ્ચિમની સંસ્કૃતિમાં એમની જીવનશૈલીને સુસંગત હશે, પરંતુ ભારતીય સંસ્કૃતિના મૂળમાં જ અરસપરસ જોડાયેલા રહેવાનો ખ્યાલ રહેલો છે. જ્યારે અરસપરસ જોડાવું સંકુચિત બને ત્યારે વ્યક્તિ અને સમાજનું સાફ જળ સડવા લાગે છે.⬛ vinesh_antani@hotmail.com

અન્ય સમાચારો પણ છે...