તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાસ્તાનગોઈ:મહેસૂલ વિશેની વાત

અંકિત દેસાઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાષ્ટ્રના ઉત્થાન માટે આપણે પક્ષે જે આપવાનું થાય છે એ કોઈ પણ પ્રકારના રસ્તા કાઢ્યા વિના રાષ્ટ્રને ચૂકવી દેવું

ફેબ્રુઆરી બેસે પછી એક મોટા વર્ગને 31મી માર્ચ દેખાયા કરતી હોય છે. 31મી માર્ચના સંદર્ભે જ કેટલાય લોકો આયોજનો કરી રહ્યા હોય છે અને શું બતાવવું અને કેટલું બતાવવુંની પળોજણોનાં પ્લાનિંગ કરતા રહેતા હોય છે. એવા સમયે વિનોબા ભાવેના ભૂદાન આંદોલન વખતનો એક કિસ્સો યાદ આવ્યા કરે છે. થયેલું એવું કે બંગાળમાં જ્યારે વિનોબા ભૂદાન આંદોલન ચલાવી રહ્યા હતા ત્યારે પાકુડા નામના ગામમાં દાનમાં મળેલી જમીન વહેંચણીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. કાર્યક્રમમાં વારાફરતી બધાં ગરીબોનાં નામ બોલાતાં અને બધાં સહર્ષ પોતાને દાનમાં મળેલી જમીનનો દસ્તાવેજ લઈને જઈ રહ્યાં હતાં. જીવનભર જેમને સોઈની અણી જેટલી જમીન પણ નસીબ નહોતી થઈ એવા ગરીબોને ખેતી કરી શકાય એટલી જમીન મળી રહી હતી. એટલે ત્યાં હાજર સૌ કોઈ આનંદમાં હતું. અલબત્ત, એ જમીનો દેશભરના જમીનદારોએ વિનોબાની પ્રેરણાથી કચવાટ વિના દાનમાં આપી હતી. એ કાર્યક્રમમાં એક ગરીબ ડોસો પણ ઉઘાડા ડીલે ત્યાં ઊભો હતો. તેને ચાર વીઘા જમીન દાનમાં મળવાની હતી. પરંતુ જ્યારે તેનું નામ બોલાયું અને તેને મંચ પર આવવાનું આહ્વાન કરાયું ત્યારે એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો. કોઈકે તેને પૂછ્યું, ‘વડીલ, તમે કેમ રડો છો? આજે તો તમને જમીન મળવાની છે…’ તો એ ગરીબ કાકા કહે, ‘હવે તો હું ઉંમરે પહોંચ્યો અને મને બાસઠ વર્ષ થઈ ગયાં. મેં ગરીબી એટલી બધી જોઈ છે કે આખી જિંદગીમાં મને મહેસૂલ ભરવાની તક જ ન મળી. પરંતુ વિનોબાના પ્રતાપે હવે મને મહેસૂલ ભરવાની તક મળશે. આ તો ઈશ્વરની કૃપા જ કહેવાય કે મને પણ મહેસૂલ ભરવાની તક મળશે. એટલે આ તો મારા ખુશીના આંસુ છે. આ કંઈ દુઃખના આંસુ નથી…’ કિસ્સો તો અહીં પૂરો થાય છે, પરંતુ એ ગરીબ ડોસો જે વાત સમજાવી ગયો એ કેવી ગહન હતી. તેને મન મહેસૂલ ચૂકવવો એ કેવી પવિત્ર બાબત હતી કે જીવનમાં પહેલી વાર તેને ખેતી કરીને પેટિયું રળી શકાય એટલી જમીન મળી રહી હતી એના કરતા પોતાને મહેસૂલ ચૂકવવાની તક મળશે એની વધુ ખુશી હતી. કદાચ આને જ સાચો દેશપ્રેમ અથવા રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ પણ કહેવાતું હશે. કે રાષ્ટ્રના ઉત્થાન માટે આપણે પક્ષે જે આપવાનું થાય છે એ કોઈ પણ પ્રકારના રસ્તા કાઢ્યા વિના રાષ્ટ્રને ચૂકવી દેવું. જો આમાં પાછી પાની નહીં થાય તો વ્હોટ્સએપ પર દેશપ્રેમ નહીં બતાવો કે સમયાંતરે ભારત માતા કી જય નહીં બોલાવો તો ચાલશે. કારણ કે એ જ સાચો નાગરિકધર્મ પણ છે. આખરે રાષ્ટ્રને શુદ્ધ આચરણની જરૂર છે, આવેશપૂર્ણ કરાતા પોકળ વર્તનની નહીં. બાય ધ વે, વિનોબાજી અને પેલા મહાન કાકા વિશેનો કિસ્સો મને રમેશ સંઘવીના પુસ્તક ‘વિનોબાઃ જીવનપ્રસાદ’માં વાંચવા મળ્યો હતો. ankitdesaivapi@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો