સહજ સંવાદ:શાંતિનિકેતનના ટાગોર અને માણાવદરની ગૌરા!

2 મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક

એક સરસ અને દળદાર પુસ્તક હાથ લાગ્યું છે. નામ તો ‘ટાગોર: એક જીવની’ છે. લેખક છે કે. સી. અજયકુમાર. મૂળ ભાષા મલયાલમમાં આ ‘રવીન્દ્રનાથમ’ લખાયું અને પછી તેનો અનુવાદ બે ભાષામાં થયો તે અંગ્રેજીમાં અને હિંદીમાં. મજાના વાત એ છે કે આ માત્ર જીવનચરિત નથી, નવલકથાનો અંશ પણ તેમાં છે. એટલે ‘વિશ્વકવિ રવીન્દ્રનાથ ઠાકુર કા ભાવ લોક’ જેવું પરિચયાત્મક ઉપશીર્ષક પણ આપ્યું છે તે એકદમ ઉચિત છે. રવીન્દ્રનાથ અહીં પ્રથમ પુરુષ એકવચનમાં પોતાનાં પાત્રો, સંવદેના અને ઘટનાઓનું વર્ણન કરે છે. જિંદગીના પૂર્ણવિરામ સુધીની આ કથાયાત્રા. ગુરુદેવ ટાગોરના જીવનમાં પ્રવેશ કરી ગયેલાં સ્વજનો: બેલા, રથિ, રાણી, અટાશી, સામી, ક્ષિતિમોહન સેન, ઇન્દિરાજી, જ્યોતીન્દ્રનાથ, નંદિતા, નંદિની, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, કાદંબરી, સૌદામિની, પત્ની મૃણાલિની દેવી… અને દેશવિદેશથી મળેલાં પાત્રો: ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ભગિની નિવેદિતા, રોથેન્સ્ટાઇન, એન્ડ્રુઝ બ્રેડલે, વિલિયમ બટલર, યીટ્સ, સ્ટોપફર્ડ બ્રૂક્સ, રોમારોલાં, આઇન્સ્ટાઇન, એઝરા પાઉન્ડ, મહારાજા ગાયકવાડ… આ યાદી સાવ અધૂરી. વિશ્વપ્રવાસી ટાગોરને ઇટાલીના મુસોલિની પણ મળ્યા હતા! ગાંધીજીને મળવા ટાગોર યરવડા જેલમાં પહોંચ્યા અને કહ્યું, ‘આ ક્યાં કેદ છે, આ તો અતિથિ છે!’ ટાગોરને ખરેખરા જાણવા હોય- એક કવિ તરીકે, એક પ્રવાસી તરીકે, એક પ્રેમી તરીકે, ક્રાંતિ પ્રવૃત્તિ અને અસહકાર સાથે અસંમત વિચારક તરીકે, સુંદર શાંતિનિકેતનના સર્જક તરીકે તો આ નવલકથા અચૂક વાંચવી પડે. ગુજરાતીમાં ભોળાભાઇ પટેલે તેમના જીવનચરિતનો પ્રયાસ કર્યો છે પણ ‘સંપૂર્ણ ટાગોર’ અને તેનો રચના સંસાર, તેમની દ્વિધાઓ, તેમનો રંજ અને અહમ્: આનું વિગતે આલેખન કે. સી. અજયકુમારે 528 પાનાંના દ‌ળદાર પુસ્તકમાં કર્યું છે. ટાગોરની કવિતાઓના વચ્ચે વાર્તાલાપોમાં આવતા અનુવાદો પણ પ્રભાવી છે. આર્જેન્ટિનાની વિક્ટોરિયા ઓકમ્પો અને બંગાળના મૈત્રૈયીદેવી તો ટાગોરના જીવનનો મધુરમ્ય અંશ જ બની ગયાં હતાં. તેનું સંુદર ચિત્રણ આ પુસ્તકમાં છે. ટાગોર રાષ્ટ્રવાદ સાથે ક્યારેય સંમત ન થયા તેને કંઇકેટલા વિચારકો એક મોટી ખામી ગણે છે. રથીન્દ્ર તેમની સાથે દલીલો કરે છે પણ કવિની અવઢવ પ્રકટ થાય છે. વિરોધાભાસો પણ કવિ-જીવનમાં હતા. ‘હું તો વિશ્વનો માત્ર કવિ તરીકે સ્વીકૃત છું… મને રાષ્ટ્રીય આંદોલનો સાથે પ્રત્યક્ષ કોઇ લગાવ નથી’ એમ કહીને ઘણી વાર્તા-નવલકથાઓ (જેમાં ‘ઘરે બાહિરે’, વધુ ચર્ચિત છે)માં તત્કાલીન સશસ્ત્ર ક્રાંતિકારોની કડવી આલોચના કરી, ગાંધીને તેઓ મહાત્મા માનતા પણ તેમનો રેંટિયો, અસહકાર, ખિલાફત વગેરેને જાહેરમાં અસ્વીકૃત કર્યાં. પ્રસ્તુત નવલકથામાં કેટલાંક સ્થાને એક પાત્ર આવે છે: ગૌરા. શાંતિનિકેતનમાં તેણે અભ્યાસ કર્યો. એ જ આપણા સમર્થ હિંદી નવલકથાકાર ગૌરા પંત ‘શિવાના’! ‘શિવાની’નો જન્મ સૌરાષ્ટ્રના માણાવદરમાં થયેલો કારણ કે પિતા ત્યાં રાજ્યના અફસર હતા. સ્વાભાવિક રીતે તેમના વિશે કૌતુક થયું અને અમારો પત્રવ્યવહાર ચાલુ થયો હતો. પછી અમદાવાદમાં તેમને મળવાનું પણ થયું. રસપ્રદ વાત એ પણ છે કે શિવાની જ્યારે શાંતિનિકેતનમાં ભણતાં ત્યારે સહપાઠી હતા સત્યજિત રાય! સુકુમાર રાયનો પુત્ર એટલે ‘આબોલ તાબોલ’ના કવિનું સંતાન, તેનાથી શાંતિનિકેતનના યુવાનો આકર્ષિત થાય જ. (એ દિવસો કવિતા પ્રત્યેના મુગ્ધ સ્નેહના હશે?) એક હસ્તલિખિત પત્રિકા યુવકયુવતીઓ બહાર પાડે. સમરેન્દ્ર તેનો સંપાદક. સમરેન્દ્ર-સત્યજિતની ભાઇબંધી હતી. એક દિવસે કાર્યક્રમ થયો, વેશભૂષાનો. બીજા દિવસે પત્રિકામાં તેની તીખી તમતમતી આલોચના આવી. એક છોકરી પઠાણી યુવક બનીને સિગારેટ પીતી મંચ પર આવી તેની ટીકા: ‘શું શાંતિનિકેતનને સિગારેટના ધુમાડાથી પ્રદૂષિત કરી શકાય?’ આ છાત્રા કે શિવાની! આ ટીકાના મૂળમાં સ્વયં સત્યજિત હતા એ પછીથી ખબર પડી! શિવાનીએ જઇને તેને કહ્યું કે મિત્ર, આ સાચૂકલી સિગારેટ નહોતી, માત્ર કાગળની ભૂંગળી હતી! ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...