વિજ્ઞાનધર્મ:નવ પ્રકારના મહાજ્ઞાનના સ્વામી: સત્ય કે મિથ્યા?

પરખ ભટ્ટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અયોગ્ય હાથોમાં સોંપાયેલી સત્તા વિશ્વસંહારક પુરવાર થઈ શકે છે અને આ વિચાર સાથે જન્મ થયો, નવ સભ્યોના અજ્ઞાત રહસ્યમય સંગઠનનો!

અંગ્રેજી લેખક એચ.જી.વેલ્સ પોતાના પુસ્તક ‘આઉટલાઇન ઓફ વર્લ્ડ હિસ્ટ્રી’માં લખે છે, ‘ઇતિહાસના પાનાં પર દફન થયેલા લાખો શાસકોમાં સમ્રાટ અશોકનું સ્થાન ધ્રુવ તારા સમાન છે!’ કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોક રણભૂમિ પર આવ્યા, ત્યારે તેમનું હૃદય ખૂબ વિચલિત થઈ ગયું હતું. છિન્નભિન્ન થઈ ગયેલા 1 લાખથી વધુ મૃતદેહો, માંસ આરોગવા માટે આકાશમાં ચકરાવા લેતાં ગીધ, લોહીથી લથબથ શરીરની દુર્ગંધ અને ક્ષત-વિક્ષત આત્માઓની અનુભૂતિ! સમ્રાટે તત્કાળ યુદ્ધનો માર્ગ ત્યજીને બુદ્ધનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો. ઇન્ડોનેશિયા, નેપાળ, ચીન, તિબેટ, મોંગોલિયા સુધી તેમણે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો. એવું કહેવાય છે કે, આત્માનુભૂતિના એ સમય દરમિયાન સમ્રાટ અશોકને એ હકીકતનો પણ અહેસાસ થઈ ગયો કે મનુષ્ય જાતિ પાસે હાલ જે વિજ્ઞાન અને ધર્મના સમન્વયથી રચાયેલું સાંયોગિક જ્ઞાન છે, એની માવજત થવી જરૂરી છે. અયોગ્ય હાથોમાં સોંપાયેલી સત્તા વિશ્વસંહારક પુરવાર થઈ શકે છે અને આ વિચાર સાથે જન્મ થયો, નવ સભ્યોના અજ્ઞાત રહસ્યમય સંગઠનનો! ધ સિક્રેટ ઓર્ગેનાઇઝેશન ઓફ નાઇન મેન! વેદ-પુરાણ, ઉપનિષદ અને તમામ ઋષિમુનિઓના પૌરાણિક જ્ઞાનને નવ અલગ-અલગ વિભાગોમાં વહેંચી નાંખવામાં આવ્યા. સમ્રાટ અશોકના કથિત રહસ્યમય સંગઠને છેલ્લા બે-અઢી હજાર વર્ષોની અંદર કેટકેટલી સંસ્કૃતિના ઉત્થાન અને અધઃપતન જોયા. સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે, એ નવ પુસ્તકોમાં એવું તે શું સમાયેલું હતું, જેના માટે આપણે આટલી ચર્ચા કરી રહ્યા છીએ? તેલ્બત મુંડી નામના સંશોધક અને લેખકના મત મુજબ, આ પ્રશ્નનો જવાબ નીચે મુજબ છે : (1) કૂટનીતિ : પહેલા પુસ્તકમાં વૈચારિક યુદ્ધને અંજામ આપવા માટેની ટેક્નિક્સનું જ્ઞાન સમાવિષ્ટ છે. આખા રાષ્ટ્રો અને સમાજના બૃહદ વર્ગના લોકોના મનોમસ્તિષ્કમાં કોઈ એક સ્વતંત્ર વિચારધારા કબજો જમાવી લે, તો શું પરિણામ આવે? ઘણા લોકો એવું માને છે કે ચાણક્યનું અર્થશાસ્ત્ર સમ્રાટ અશોકના પહેલા પુસ્તકનો અંશ માત્ર છે! (2) શરીરવિજ્ઞાન : શરીરના કોઈ નિર્ધારિત ભાગ પરનો સ્પર્શ વ્યક્તિને મૂર્છાવસ્થા અપાવી શકે? જી હા, બેશક. બીજા પુસ્તકમાં શરીરને લગતાં વિજ્ઞાનની સમજ આપવામાં આવી છે. ઝેર બનાવવાની પદ્ધતિથી માંડીને ફક્ત હળવા સ્પર્શના માધ્યમથી દુશ્મનને મૌતને ઘાટ ઉતારી શકવાનું ખતરનાક કૌશલ્ય એમાં શીખવવામાં આવ્યું છે. ‘જૂડો’ માર્શલ આર્ટ્સને એમાંની જ એક પદ્ધતિ તરીકે સ્વીકારવામાં આવે છે. (3) માઇક્રોબાયોલોજી: ત્રીજા ગ્રંથનો સીધો સંબંધ બાયોટેક્નોલોજી અને માઇક્રોબાયોલોજી સાથે છે, જે સૂક્ષ્મ જીવજંતુઓના વિજ્ઞાન આધારિત જ્ઞાન ધરાવે છે. એક માન્યતા એવી પણ છે કે, કોલેરાની રસી આ પુસ્તકની મદદ લઈને જ વિકસાવવામાં આવી હતી, જેણે માનવજાત માટે વરદાનરૂપ કાર્ય કર્યુ હતું. બેક્ટેરિયા કે વાઇરસને રોગના ઉપચાર માટે ઉપયોગમાં લેવાની વિવિધ પદ્ધતિઓનો એમાં ખાસ ઉલ્લેખ છે. (4) રસાયણશાસ્ત્ર : તાંબુ કે પિત્તળ જેવી સામાન્ય ધાતુને સોનામાં ફેરવી શકવાની ક્ષમતા ધરાવનાર પૌરાણિક જ્ઞાનનો સમાવેશ ચોથા પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ધર્મગ્રંથોમાં સૂચવ્યા મુજબ, પહેલાંના સમયમાં અમુક મંદિરોને ભરપૂર માત્રામાં સોનામહોરો મળ્યા રાખતી હતી, પરંતુ તેના મૂળ સ્ત્રોત વિશે કોઈનેય ખ્યાલ નહોતો. તો શું શક્ય છે કે આ કાર્ય માટે પૌરાણિક રસાયણશાસ્ત્રનો ઉપયોગ થતો હોય? જેના પર કદી ક્ષાર નથી જામતો એવા દિલ્હી સ્થિત લોહસ્તંભ વિશે શું માનવું છે? (5) કમ્યુનિકેશન : આકાશગંગાની અન્ય પૃથ્વીઓ પરના જીવ કે અન્ય બ્રહ્માંડો સાથે સંપર્ક સાધવા માટેના નુસખા વિશે પાંચમા પુસ્તકમાં ઝીણવટપૂર્વકની માહિતી છે. આજથી બે હજાર વર્ષ પહેલાં પરગ્રહવાસીઓના અસ્તિત્વ અંગે એ સમયની પ્રજાને જરાસરખી પણ શંકા નહોતી એવું અહીં સ્પષ્ટ જણાઈ આવે છે. (6) ગુરુત્વાકર્ષણ : ગુરુત્વાકર્ષણ બળની વિરૂદ્ધ જઈ શકવાના રહસ્ય વિશે છઠ્ઠા પુસ્તકમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. ઋષિ ભારદ્વાજના ‘વૈમાનિક શાસ્ત્ર’માં તો કેટલાક એવા વિમાનો અને ઉડ્ડયન-પદ્ધતિઓ વિશે વાત કરવામાં આવી છે, જ્યાં સુધી પહોંચવાનું ગજું આપણા આધુનિક એરોનોટિક્સ પાસે પણ નથી! (7) વિશ્વ-ઉત્પત્તિ : બ્રહ્માંડના અજ્ઞાત રહસ્યો અને વિશ્વની ઉત્પત્તિ પાછળના કારણોની સમજ સાતમા પુસ્તકમાં અપાઈ છે. તદુપરાંત, પ્રકાશની ગતિ કરતાં વધુ ઝડપે કાર્ય કરી શકે એવા રોકેટ્સ, સ્પેસ અને ટાઇમના પરિમાણોને ધાર્યા મુજબ ઉપયોગમાં લેવાની પદ્ધતિ, બે જુદા જુદા પરિમાણ વચ્ચે પ્રવાસ ખેડી શકવાના રહસ્યો અને ટાઇમ-ટ્રાવેલ જેવી આધુનિક વિજ્ઞાનની કલ્પનાઓને વાસ્તવિકતામાં બદલતા સિદ્ધાંતોથી ભરપૂર છે આ પુસ્તક! (8) પ્રકાશ : કુદરતી પ્રકાશના સ્વભાવની ઊંડાણપૂર્વક સમજ સમ્રાટ અશોકના આઠમા પુસ્તકમાં સમાવિષ્ટ હોવાની ધારણા છે. પ્રકાશની ગતિ વધારી કે ઘટાડી શકવાના સિદ્ધાંતો તથા વ્યક્તિની ઇચ્છા મુજબ તેને વાળી શકવા માટેના પ્રમેયો અને ત્યાર બાદ તેનો ઘાતક લેઝર-લાઇટ તરીકે ઉપયોગમાં લેવાની ટેક્નિક્સનો એમાં સમાવેશ થયો છે. (9) સમાજશાસ્ત્ર : સંસ્કૃતિઓના ઉત્થાન અને પતન વિશેની જાણકારી આપતો આ ગ્રંથ, અન્ય પુસ્તકોની સરખામણીમાં મહત્ત્વનો એટલા માટે કહી શકાય કેમ કે અહીં સમાજના અલગ અલગ સમુદાયો વિશેની વાત કરવામાં આવી છે. કોઈ પણ સંસ્કૃતિનો નાશ પામવાનો અથવા અધઃપતનનો સમય ચોકસાઈપૂર્વક માપી તથા સમયસર રોકી શકાય છે. ⬛ bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...