તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પોર્ટ્સ:સુશીલકુમાર - હીરોથી વિલન બનતાં કેટલી વાર લાગે?

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુશીલકુમાર એક યુવા ખેલાડી તરીકે એકાદ દાયકાની અંદર વૈશ્વિક સ્પર્ધાઓમાં ભારતીય કુસ્તીની ટીમનો ચહેરો બની ગયો

નજફગઢથી કુસ્તી શીખવા આવેલો સુશીલકુમાર એક યુવા ખેલાડી તરીકે એકાદ દાયકાની અંદર વૈશ્વિક સ્પર્ધાઓમાં ભારતીય કુસ્તીની ટીમનો ચહેરો બની ગયો. ઘણી વાર ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ભારતીય કન્ટિનજન્ટને સુશીલ કુમારે એક સિનિયર પહેલવાન તરીકે ટીમની આગેવાની કરી છે. કુસ્તીમાં બે વાર ઓલિમ્પિક મેડલ જીતાડીને જેણે પોતાના ખભા પર તિરંગો લહેરાવ્યો છે તેણે ગત અઠવાડિયે ચહેરાને રૂમાલથી ઢાંકીને પોલીસ કસ્ટડીમાં જવું પડ્યું. તેના પર આરોપ છે કે જુનિયર ખેલાડી સાગર રાણાની મારપીટ અને હત્યા કરી છે. ⚫ સુશીલની આંતરરાષ્ટ્રીય કેરિયર ખૂબ તેજસ્વી રહી છે : સુશીલ કુમારે 21 વર્ષની ઉંમરે એથેન્સ ગેમ્સમાં 60 કિલોની ઇવેન્ટમાં હાર્યા બાદ ઉપખંડની વિવિધ સ્પર્ધાઓ સતત જીતતા રહીને પોતાની આવડત અને રમતની કોઠાસૂઝ વિકસાવતો રહ્યો. 2006 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ અને એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતીને બીજિંગ ઓલિમ્પિક્સમાં 66 કિલોની ઇવેન્ટમાં ભાગ લીધો. અત્રે યાદ રાખવું ઘટે કે ભારત માટે કુસ્તીમાં આખરી મેડલ છેક 1952માં કે.ડી. જાધવે જીત્યો હતો. ત્યાર બાદ 2008માં બીજિંગમાં કઝાખી પહેલવાન લેનોઇડ સ્પિરિડોનોવને સિઝર્સ દાવથી પછાડીને ભારત માટે 56 વર્ષ પછી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે પછી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2010માં ગોલ્ડ મેડલ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને કુસ્તીની દુનિયામાં ટોચ પર પહોંચી જવામાં સુશીલકુમારને બહુ વાર ન લાગી. 2012માં ખભાની ઇજા હોવા છતાં લંડન ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતીને પહેલી વાર ઓલિમ્પિક ઇવેન્ટ્સમાં બે મેડલ જીતનાર ભારતનો પહેલો ખેલાડી બન્યો. ⚫ જેટલી ઊંચી ટોચ, એટલી ઊંડી ખીણ : 2016માં અન્ય કુસ્તીબાજ નરસિંહ યાદવ સાથે થયેલો અણબનાવ હોય કે પછી પરવીન રાણા સાથે થયેલી મારામારી, સુશીલકુમાર લંડન ઓલિમ્પિક પછી સતત ખોટા કારણોસર ચર્ચામાં રહ્યો છે. નરસિંહે સુશીલ પર પોતાના ખોરાકમાં પ્રતિબંધિત દવાઓ ભેળવી દીધી હોવાના સનસનાટી ભર્યા આક્ષેપો મૂક્યા હતા. આરોપો સાબિત તો નહોતા થઇ શક્યા, પણ સુશીલની આબરૂ પર બટ્ટો જરૂર લાગ્યો હતો. તે ઉપરાંત, ભારતનું પ્રતિનિધિત્વ કરવાની સાથે સાથે છત્રસાલ સ્ટેડિયમમાં તેની એડિશનલ ડિરેક્ટર તરીકેની નિમણુક પણ ચર્ચાનો મુદ્દો બની હતી. 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની ટીમમાં સ્થાન મેળવવા માંગતા પરવીન રાણાએ સુશીલ કુમારને કુસ્તીમાં ચેલેન્જ આપી. સુશીલ તે ચેલેન્જ જીત્યો, પરંતુ ત્યાર બાદ પરવીને સુશીલ અને તેના સાથી ખેલાડીઓ પર આરોપ મૂકેલો કે તેઓએ પરવીન જોડે મેચ પત્યા બાદ મારપીટ કરી હતી. પરવીનના કહ્યા મુજબ, તેણે સુશીલના આધિપત્યને સ્વીકાર્યું નહીં માટે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. સાગર રાણા હત્યાકેસમાં તેના પર આરોપો મુકાવાથી માત્ર સુશીલ જ નહીં, રમતની આબરૂ પણ દાવ પર લાગી છે. તેની ધરપકડ થઇ છે તે હકીકત છે પરંતુ, તેની સાથે સાથે સુશીલ ‘આરોપો પુરવાર ન થાય ત્યાં સુધી નિર્દોષ’ છે તેવું છાતી ઠોકીને કહી શકાય તેવું બને તેમ પણ નથી. જો સુશીલકુમાર પરના આ આરોપો પુરવાર થઇ ગયા તો સ્ટેડિયમની મેટ પર લાઈમલાઈટમાં ઝળકવાને બદલે આ ઘૃણાસ્પદ કૃત્ય આજીવન સુશીલકુમારના જીવનની ઓળખ બની રહેશે. ⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...