તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસાંજો કચ્છ:સુરખાબ મોટા રણની આન, તો ઘુડખર નાના રણની શાન

કીર્તિ ખત્રી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • િબ્રાની બદામી આવૃત્તિ સમા આ પ્રાણીનો પથારો કચ્છ, ઉ. ગુજરાત - સૌરાષ્ટ્રથી વિસ્તરી અમદાવાદ સુધી પહોંચી ગયો છે

સફેદ રણ વિશ્વવિખ્યાત બન્યું એ પહેલાં એટલે કે 2001ના ધરતીકંપ પૂર્વે કચ્છ સુરખાબ અને ઘુડખરની ભૂમિ તરીકે જાણીતું હતું. મોટા રણમાં પ્રજનન માટે આવતા સુરખાબ અને નાના રણમાં મસ્તીથી વિચરતા ઘુડખરની ખૂબીઓ અને વિશેષતાઅો પર પ્રથમ વાર પ્રકાશ પોણી સદી પહેલાં પક્ષીવિદ્ ડો. સલીમ અલીઅે પાડ્યો હતો, તો અેલ.અેમ. પોમલે અેમની સાથે પહેલી વાર તસવીરો ઝડપી હતી. અેશિયામાં અેક સમયે ઘુડખરની પાંચ પ્રજાતિઅો અસ્તિતવમાં હતી. મંગોલિયા, તુર્કસ્તાન, અફઘાનિસ્તાન, કચ્છ, રાજસ્થાન, પાકિસ્તાન, તિબેટ, લદાખ, નેપાળ, સિક્કિમ સહિતના વિસ્તારોમાં અા પ્રજાતિઅોની સારી અેવી વસ્તી હતી, પણ અત્યારે અા પૈકી ત્રણ પ્રજાતિઅો સંપૂર્ણ નામશેષ થઇ ચૂકી છે. બચી ગયેલી બે પ્રજાતિઅો અેટલે ઇન્ડિયન વાઇલ્ડ અેશ-ઘુડખર મહદ્દંશે કચ્છમાં છે. જ્યારે બીજી પ્રજાતિ કીઅાંગ તિબેટ-લદાખમાં છે. અેના પર પણ લુપ્તતાનો ખતરો તોળાઇ રહ્યો છે. બચી ગયેલા અા બે પ્રકારના ઘુડખરની ખાસિયતમાં ઊડીને અાંખે વળગે તેવી વાત અે છે કે તિબેટ-લદ્દાખના બરફથી છવાયેલા ઠંડા પ્રદેશમાં કીઅાંગ માઇન્સ 15 ડિગ્રી તાપમાન વચ્ચેય જીવી શકે છે, તો અેના જ જાતભાઇ અેવા ઘુડખર કચ્છના રણમાં 45થી 50 ડિગ્રી જેટલા અાકરા તાપમાન વચ્ચેય જીવી શકે છે. જેમ કચ્છીમાડુ કુદરતના કોઇ પણ જુલ્મ સામે ટકી રહેવાની તાકાત ધરાવે છે, તેમ કાેઇ પણ સ્થિતિમાં ટકી રહેવાની તાકાત ઘુડખરે મેળવી છે. કેટલુંક ગુણાત્મક સામ્ય છે બંનેમાં! અામ તો અા ભારતીય ઘુડખર પણ નામશેષ થવાને અારે હતા. 1969માં અેની વસ્તી ઘટીને 720 જેટલી થઇ ગઇ હતી, તેથી 1973માં અા પ્રજાતિને નામશેષ થતી અટકાવવા નાના રણમાં અભયારણ્યની જાહેરાત કરવામાં અાવી. નાના રણના અભયારણ્યનોયે અાગવો ઇતિહાસ છે. ભૂતકાળમાં કચ્છ અને સાૈરાષ્ટ્ર બંને અરબી સમુદ્રમાં ટાપુઅો હતા. 3000 વર્ષ પહેલાં કચ્છના અખાતમાં કાંપનો ભરાવો થયો અને કચ્છના નાના રણનું સર્જન થયું. અા રણમાં સૂરજબારી મારફત હજુયે દરિયાનું પાણી ફરી વળે છે. અા રણ ઘુડખરને વસવાટ માટે ફાવી ગયું હોવાથી સરકારે અહીં જ રક્ષિત અભ્યારણ્ય નિર્માણ કરીને પ્રજાતિના અસ્તિત્વને ટકાવી રાખવાનો નિર્ણય કર્યો. જે મુજબ, નાના રણ ઉપરાંત અેની હદને સ્પર્શતા અન્ય ચાર જિલ્લા સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ અને નવરચિત મોરબી જિલ્લાના 100થી વધુ ગામોની ખરાબાની જમીન મળીને કુલ 4953 કિ.મી.ના વિસ્તારમાં ઘુડખરનું અભયારણ્ય જાહેર થયું. અા પૈકી 3500 ચો.કિ.મી.ના વિસ્તારમાં અફાટ રણ અાવેલું છે. ક્યાંય કાદવ છે તો ક્યાંય સપાટ, અહીં ઘાસચારાનું તણખલુંયે ઊગતું નથી, પણ અા જ રણમાં નાના-મોટા 74 જેટલા ટાપુ છે અને તેના પર ઘાસ ઊગે છે જે ઘુડખરનો ખોરાક છે. પુંગા, નાંદા, કેશમેરા, શેડવા અને ત્રગડી જેવા રણદ્વીપ પર સવારે અને સાંજે ઠંડા માહોલમાં જંગલી ગધેડાને ચરતા જોવા જિંદગીનો અેક લહાવો છે. રણકાંધીના ગામોના ખેતરોમાં ઊભા પાકનોયે ક્યારેક ઘુડખર સોથ વાળી નાખે છે. અા પ્રાણી ગધેડા કરતાં વધુ ભરાવદાર અને દેખાવે અાકર્ષક લાગે છે. ત્રણથી ચાર ફૂટની ઊંચાઈ, લાંબા કાન અને ખાસ તો ઘોડા જેવી ખરી ધરાવે છે. સામાન્ય ગધેડા કરતાં અા ઘુડખર પીઠ, પેટ અને પગ પર રાખોડીને બદલે બદામી રંગની છાપ ધરાવે છે. સ્થાનિક લોકો તેને ‘ખચ્ચર’ના નામે અોળખે છે. અામેય તે ખચ્ચર જેવું પ્રાણી છે, પણ પોતાના પગ અને મજબૂત ખરીના લીધે 50થી 70 કિ.મી.ની ઝડપે રણમાં કે કાદવમાં પૂરપાટ વેગે દોડી શકે છે. અાફ્રિકાના જંગલોમાં જોવા મળતા ઝિબ્રા પણ અા કુટુંબના સભ્ય હોવાનું મનાય છે. ઝિબ્રાના શરીર પર ચટાપટા હોય છે. જો ઘુડખરને અેવા પટ્ટાથી રંગી દઇઅે તો ઝિબ્રા જ લાગે. બીજા શબ્દોમાં અેમ પણ કહી શકીઅે કે, ઘુડખર અેટલે ઝિબ્રાની બદામી અાવૃત્તિ. તે સામાન્ય રીતે ટોળામાં-સમૂહમાં 40થી 50ની સંખ્યામાં વિચરે છે. અેની પ્રકૃતિ શરમાળ હોવાથી માણસને જોતાં અાખું ટોળું નાસવા લાગે છે અને તેથી તેની ફોટોગ્રાફી કરવીયે ઘણી મુશ્કેલ બને છે. વળી, સ્વચ્છતા અે જંગલી ગધેડાનું અાગવું લક્ષણ છે. ઘુડખરને તમે જોશો તો ક્યારેય ગંદું નહીં દેખાય. પોતાના શરીરને સતત ચાટતા રહે છે. નાના રણની અાન, બાન-શાન સમા આ ભારતીય ઘુડખરને અભ્યારણ્ય બનવાથી રક્ષણ મળ્યું છે. અેટલું જ નહીં, પાંચ દાયકામાં અેની વસ્તી 6082 અેટલે કે સાત હજાર નજીક પહોંચી ચૂકી છે. માર્ચ 2020માં હાથ ધરાયેલી ગણતરી અનુસાર ઘુડખરની વસ્તી સુરેન્દ્રનગર જિલ્લામાં 2034, કચ્છમાં 1244, મોરબીમાં 1172, બનાસકાંઠામાં 960 અને પાટણમાં 653 જેટલી નોંધાઇ હતી. અાશ્ચર્યની વાત તો અે બની કે અમદાવાદ જિલ્લામાં પણ 19 ઘુડખર નોંધાયા. મતલબ કે ઘુડખરનો પથારો પાંચથી વધીને છ જિલ્લા સુધીનો થઇ ગયો. અરે! કચ્છમાં પણ ઘુડખર નાના રણથી વધીને મોટા રણમાં છેક ખડીર અને ખાવડા સુધી દેખાવા લાગ્યા છે. ધ્રાંગધ્રાથી અમદાવાદ જતા રસ્તા પર માલવણ નજીક રણનો છેડો સ્પર્શે છે ત્યાં કોઇ પણ સમયે ઘુડખરનું એકાદ ટોળંુ અવશ્ય નજરે પડે છે. અે જ રીતે બનાસકાંઠાના રણથી અાગળ વધીને રાજસ્થાન સુધીયે પહોંચી ચૂક્યા છે. બીજી તરફ ‘ખુશ્બૂ ગુજરાત કી’ અેડ કેમ્પેઇનમાં અમિતાભ બચ્ચને ઘુડખર સાથે શૂટિંગ કર્યા પછી નાના રણમાં પ્રવાસીઅોની સંખ્યામાં 300 ગણો વધારો થયો છે. અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સાૈરાષ્ટ્રના લોકો વીકઅેન્ડમાં અહીં ઉજવણી કરવા અાવી રહ્યા છે. અામ, અેશિયાટિક વાઇલ્ડ અેસ. અભયારણ્ય અે માત્ર કચ્છ નહીં, સમગ્ર અેશિયાનું ગાૈરવ બની ગયું છે.⬛kirtikhatri@hotmail.com

અન્ય સમાચારો પણ છે...