તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસાંજો કચ્છ:સુરખાબ કચ્છી છે કારણ કે રણ એની જન્મભૂમિ છે

23 દિવસ પહેલાલેખક: કીર્તિ ખત્રી
 • કૉપી લિંક
 • અા રૂપકડા પક્ષીને ‘યાયાવર’ કહેવા ઉચિત નથી. અેતો રોજીરોટીની ખોજમાં કચ્છીઅોની જેમ બેવતન થતા રહે છે

કચ્છનું મોટું રણ જો કુદરતનો બેમિસાલ કરિશ્મા છે, તો અેની વચ્ચોવચ પ્રજનન કરતું સુરખાબ ઇશ્વરે સર્જેલી અેક નખશીખ કલાકૃતિ છે. અા અેક અેવું રૂપકડું પક્ષી છે કે અેક વાર અેને જોયા પછી બીજું કોઇ પક્ષી મનમાં બેસે નહીં. અેમાંયે હજ્જારો (ક્યારેક લાખો) સુરખાબની વસાહતે પહોંચવાનું સદ્્ભાગ્ય પ્રાપ્ત થાય અને દૂરબીનથી અેની જીવનચર્યાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હોય તો અાફરીન થઇ જવાય. મરોડદાર લાંબી ડોક, અાછા ગુલાબી પગ, અનોખી લાલચટક ચાંચ, અેવા જ લાલ પીછાં, અેક પગે ઊભીને પાણીમાં અેકટશે જોવાની અેની છટા, ધીમેથી અેક-અેક ડગ ચાલવાનો શાહી અંદાજ, અાકાશમાં ઊડવાની તૈયારી કરતા હોય ત્યારે કોઇ વિમાન ટેક અોફ કરતું હોય અેવી છટા અને અેવી તો બીજી કેટલીય ખૂબીઅો. કલ્પના કરો અાવા હજ્જારો સુરખાબ તમારી નજર સામે પોતાના માટીના માળા પર ઇંડા સેવતા હોય, માસૂમ બચ્ચાની ચાંચમાં ચાંચ પરોવીને ખોરાક અાપતા હોય કે બચ્ચાંને ચાલવા-ઊડવાની તાલીમ અાપતા હોય તો અે દૃશ્ય જિંદગીનું અેક યાદગાર નજરાણું જ બની જાય ને! સુરખાબને કચ્છીમાં ‘હંજ’ કહે છે અને લાડમાં પોતાના અેક સમયના લોકપ્રિય રાજવી લાખો ફુલાણીના નામ સાથે જોડીને ‘રા’ લાખેજા જાની પણ કહે છે. કચ્છના લોક સાહિત્યમાં પણ ‘હંજ’નો સારો એવો ઉલ્લેખ છે. રણ વચ્ચે વિકસેલી વસાહત હંજબેટ તરીકે અોળખાય છે. અા હંજબેટ કે સુરખાબનગર ખરે જ લાજવાબ છે. બી.અેસ.અેફ.ના જવાનો તેને અંડાબેટ કહે છે. અેશિયામાં સુરખાબના પ્રજનનનું અા સાૈથી મોટું સ્થળ છે. દુનિયાથી વિખૂટા અને નિર્જન અેવા અા સ્થળની પસંદગી સુરખાબે બે કારણસર કરી છે. પ્રથમ છે ખોરાકની ઉપલબ્ધિ. વિશાળ રણ નમકીન છે. વરસાદ અને નદીઅોના પાણી ચોમાસામાં અેમાં ઠલવાય. ખારું-મીઠું પાણી ભેગું થાય તેથી તેમાં ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા પેદા થાય અને અેમાંથી સર્જાતી અલગી જેવી શેવાળ અને અન્ય જંતુઅો સુરખાબના મુખ્ય ખોરાક છે. બીજું કારણ છે, વિશાળ રણની નિર્જનતા. વરસાદ પડતાં જ રણ છીછરા પાણીના સાગરમાં પલટાઇ જાય છે. રણમાં કાળા ડુંગરની ગોદમાં અાવેલા નીરવાંઢ ગામથી દસેેક કિ.મી. દૂર કેટલાક બેટ છે. આ બેટની ચારે બાજુ પાણી હોવાથી માણસ કે પ્રાણી ત્યાં પહોંચી શકે નહીં તેથી સુરખાબે અા સ્થળની પસંદગી કરી છે. કોઇ ખલેલ ન પહોંચાડી શકે અેવું અા વિખૂટું સ્થળ છે. 1892માં મહારાવ શ્રી ખેંગારજીઅે હંજબેટ વિશે ધ્યાન દોરતાં બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના પક્ષીવિદોઅે કચ્છના હંજ વિશે ચારેક લેખ પોતાના મેગેઝિનમાં છાપ્યા હતા. તેથી અાંતરરાષ્ટ્રીય સ્તરે હંજબેટની માહિતી પહોંચતાં 19મી સદીના અારંભે અાેક્સફર્ડ યુનિ. પ્રેસે ‘બર્ડઝ અોફ કચ્છ’ નામક પુસ્તક પ્રગટ કર્યું હતું. 1935માં ‘પ્રિન્સ અોફ વેલ્સ’ મ્યુઝિયમના ક્યુરેટર ચાર્લ્સ મેકને કચ્છયાત્રા પછી હંજબેટને ‘ફ્લેમિંગો સિટી’ નામ અાપ્યું. ત્યાર પછીના સમયમાં પ્રખ્યાત પક્ષીવિદ સલીમ અલી અવારનવાર કચ્છ અાવતા રહ્યા હતા. ’60ના દાયકામાં ભુજના અેલ.અેમ. પોમલે સુરખાબની જીવનચર્યા પેશ કરતી બ્લેક અેન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી કરીને અાંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી હતી. સુરખાબ સાઇબેરિયાથી અાવે છે અેવું અવારનવાર અખબારોમાં પ્રસિદ્ધ થાય છે, પણ અા અેક ગેરસમજ છે. હા, ઇરાન અને અફઘાનિસ્તાનમાં કચ્છથી સુરખાબ જતા હોવાના પુરાવા મળ્યા છે. અેવી જ રીતે અંગ્રેજી અખબારો હંજને યાયાવાર કે સ્થળાંતરીય પક્ષી તરીકે ખપાવે છે, પણ ખરેખર તો સુરખાબ કચ્છમાં પ્રજનન કરતાં હોવાથી કચ્છ અેમની જન્મભૂમિ છે. તેઅો કચ્છી છે. જેમ રોજીરોટીની ખોજમાં કચ્છી દેશ-પરદેશમાં સ્થાયી થયા છે છતાં વતનને ક્યારેય ભૂલ્યા નથી, તેમ સુરખાબ પણ કચ્છના રણમાં પ્રજનન કર્યા પછી ભારતભરમાં ફેલાઇ જાય છે અને કેટલાક વિદેશોમાં પણ જાય છે. તેથી ખરા અર્થમાં તેઅો અેન.અાર.અાઇ. કચ્છી ભારતવાસી સુરખાબ છે. હંજબેટ પર મહદ્ંશે ગ્રેટર ફ્લેમિંગો અેટલે કે મોટા સુરખાબ અાવે છે. નાના સુરખાબનું પ્રમાણ બહુ અોછું હોય છે. ખડીર બેટ નજીકના મીઠા પાણીના જળાશયોમાં લેસર (નાના) ફ્લેમિંગો પાણી પીવા હજ્જારોની સંખ્યામાં ઊતરી પડે છે. જોકે તેમનું પ્રજનન સ્થળ મહદ્દંંશે નાના રણમાં છે અેમ પક્ષીવિદો કહે છે. બંને પ્રકારના હંજ વચ્ચે માત્ર કદનો તફાવત છે અેવું નથી. બંનેની ચાંચ, ખોરાક અને ખાવાની સ્ટાઇલ અલગ અલગ પ્રકારની જ છે. બન્નેના સ્વભાવે અલગ છે. મોટા સુરખાબ પ્રમાણમાં વધુ ડરપોક, શરમાળ અને સંવેદનશીલ છે. તેથી પોતાની વસાહત પર માનવી કે પ્રાણીની ખલેલ અેમનાથી સહન થતી નથી. જ્યારે નાના સુરખાબ માનવ વસ્તીથી ડરતા નથી. તેથી જ નમકના કારખાના કે ખારું-મીઠું પાણી ભેગું થતું હોય તેવી જગા પર તેના કાફલા જોવા મળે છે. 2001ના ધરતીકંપ પછી રણના પર્યાવરણમાં ખાસ તો કચ્છ અને સિંધમાં વરસાદના વધેલા પ્રમાણના કારણે બદલાવ અાવી રહ્યો છે. સિંધમાં તો વારંવાર પૂર આવતા રહે છે અને એ પૂરનું પાણી પણ કચ્છના રણમાં ઠલવાતાં હંજબેટ સહિતના કેટલાક બેટ સારા અેવા સમય સુધી પાણીમાં ગરકાવ થયેલા જ રહે છે. ઉપરાંત, રણમાં સરહદી રસ્તાઅોનું માળખું ઊભું થતાં પાણીના જમાવડાના સ્થળ પણ બદલાતા રહ્યા છે. પરિણામે સુરખાબે પોતાનાં પડાવ બદલવાની ફરજ પડી છે. ઉપગ્રહ તસવીરોના અાધારે સંશોધન કરતા પ્રભુદાસ ઠક્કર આ વાતને સમર્થન આપતાં કહે છે કે છેલ્લા બે દાયકામાં મોટા રણમાં અાઠથી નવ અને નાના રણમાં પણ બે-ત્રણ અલગ અલગ સ્થળે સુરખાબે પ્રજનન કર્યું છે. આ વર્ષે પણ હંજબેટ ઉપરાંત કુંડાના રણમાં પ્રજનન કર્યું છે. કચ્છના પક્ષીપ્રેમીઅો પણ માને છે કે સુરખાબની જીવનચર્યામાં પર્યાવરણના પલટાઅે બદલાવ અાણ્યો છે. અેનું પૂરતું સંશોધન અને અભ્યાસ થાય અે સમયની માંગ છે. ⬛kirtikhatri@hotmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો