ન્યૂ રીલ્સ:ભારતીય ફિલ્મોનો સુપિરિયારિટી કોમ્પ્લેક્સ

વિનાયક વ્યાસ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપણી ફિલ્મો અને વેબસીરિજો ખતરનાક બોમ્બધડાકાને ‘નિવારવાનાં’ સાહસો બતાડે છે. પાકિસ્તાનમાં એની ફિલ્મો બનશે ખરા?

ગયા રવિવારે આ કોલમમાં મુદ્દો ઉઠાવ્યો હતો કે ભારતમાં ‘સુપરમેન’ ટાઇપની ફિલ્મો કેમ આટલી ઓછી છે? જવાબમાં અમેરિકન સમાજની સુપિરિયારિટી કોમ્પ્લેક્સની વાત કરી હતી, પરંતુ સાયન્સ ફિક્શન સિવાયના બીજા એરિયામાં ભારતનો સુપિરિયારિટી કોમ્પ્લેક્સ કંઇ ઓછો નથી. હાલમાં આવેલી ફિલ્મ ‘83’નો જ દાખલો લો. આપણે પહેલી વાર વર્લ્ડ-કપ જીત્યા એની દાસ્તાન કહેતી આ ફિલ્મ થિયેટરોમાં તો હિટ થવાની જ છે, પછી ઓટીટી ઉપર અને છેલ્લે ટીવીમાં વારંવાર દેખાતી રહેશે. માત્ર ભારત જ નહીં, પાકિસ્તાન, ગલ્ફ કન્ટ્રીઝ અને અમેરિકા-યુકેમાં પણ આ યશગાથા ભારતનો ડંકો વગાડશે. સવાલ એ છે કે વર્લ્ડ-કપ તો પાકિસ્તાને પણ જીત્યો હતો. તો શું એ લોકો એમની ફિલ્મ બનાવશે? અથવા બનાવી શકશે ખરા? ધારો કે બનાવી પણ લે, તો શું એ ‘83’ જેવી ભવ્ય અને ધમાકેદાર બનશે ખરી? જવાબ છે, ના. વધુ એક દાખલો લોઇએ. 1965માં રાજસ્થાન સરહદે જે ટેન્ક યુદ્ધ લડાયું તેને તો વિશ્વના સૌથી મોટા ટેન્ક યુદ્ધમાં ગણવામાં આવે છે. એની ઉપરથી આપણે ‘બોર્ડર’ બનાવી. આજે પણ ગર્વથી એ ફિલ્મ ટીવી ઉપર જોવાય છે. એની સામે પાકિસ્તાને તો 1948માં હુમલો કરીને અડધોઅડધ કાશ્મીર જેટલો હિસ્સો પચાવી પાડ્યો હતો! અને આજ દિન સુધી તેનો કબજો છોડ્યો નથી. તો પાકિસ્તાન એને એની ઉપરથી POKને પોતાની ફતેહ ગણાવતી એકાદ ફિલ્મ હજી સુધી કેમ નથી બનાવી? છેલ્લાં પાંચ-સાત વર્ષથી ભારતીય ફિલ્મોમાં દેશપ્રેમ અને સ્વદેશાભિમાનની થીમ બહુ સફળ રહી છે. એમાં પણ તમે જુઓ તો, ભારતીય ગુપ્તચર એજન્સી ‘રો’નાં તો ભવ્ય પરાક્રમો છે. એની વેબસીરિઝો પણ સુપરહિટ છે, પરંતુ એની સામે કડવી વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને ત્યાંના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૌયબાએ ભારતમાં અસંખ્ય હુમલાઓ કર્યા છે. આપણી ફિલ્મો અને વેબસીરિજો ખતરનાક બોમ્બધડાકાને ‘નિવારવાનાં’ સાહસો બતાડે છે. જ્યારે એમણે તો આ બોમ્બધડાકા ખરેખર ‘કર્યા’ છે. છતાં તમને શું લાગે છે, પાકિસ્તાનમાં એની ફિલ્મો બનશે ખરા? જવાબ છે, હરગિઝ નહીં. કેમ કે ભારત એક દેશ તરીકે અને એક સમાજ તરીકે પોતાને સુપીરિયર માને છે. જે રીતે અમેરિકા પરગ્રહવાસીઓનાં કાવતરાં નિષ્ફળ કરવાની ફિલ્મો બનાવે છે. ઇરાન-ઇરાક અફઘાનિસ્તાનના આતંક સામે લડીને વિજેતા બનવાની ફિલ્મો બનાવે છે, એ જ પેટર્ન ભારતની છે. આનું કારણ ભારતીય સંસ્કૃતિની વિચારધારા છે. પાકિસ્તાન નામના દેશનો જન્મ જ નેગેટિવિટીમાંથી થયો છે. ઉપરથી ત્યાંની ધાર્મિક કટ્ટરતા એમને જૂનવાણી વિચારધારામાં જ કુંઠિત રાખે છે. પરિણામે, પોતે ભારત કરતાં કદી સુપીરિયર બની શકશે એવાં સપનાં પણ એમના સમાજને આવતાં નથી. (યાદ કરો, ગયા લેખમાં ફિલ્મના ચાર મહત્ત્વનાં પાસાંની વાત કરી હતી. ડ્રીમ્સ, ડિઝાયર્સ, એસ્પિરેશન્સ અને ફેન્ટસી.) સતત ઇર્ષા અને જલનની નેગેટિવિટીમાં જીવતું પાકિસ્તાન આતંકવાદને પોતાની જીત તરીકે નહીં, પરંતુ ‘બદલા’ તરીકે જુએ છે. જ્યારે ભારત ‘મિશન મંગલ’, ‘પરમાણુ’ અથવા ‘ધ ગાઝી એટેક’ને પોતાના વિજય તરીકે જુએ છે, સિદ્ધિ તરીકે જુએ છે. વળી, તમે એ પણ માર્ક કરજો કે જે સમાજ પ્રગતિશીલ છે, ખુલ્લી વિચારધારા ધરાવે છે અને સતત સમૃદ્ધિને આવકારે છે, ત્યાં જ વાર્તાઓ જન્મે છે. ભારત તો છે જ ‘સ્ટોરી ટેલર્સ’નો દેશ! હજારો વર્ષોથી અહીં રામાયણ, મહાભારત, ઉપનિષદની કથાઓથી લઇને હીર-રાંઝા, શેણી-વિજાણંદ કે તોતામૈના અને વેતાલ પચીશી જેવી લોકશૈલીની કથાઓ ગવાતી અને સંભળાતી આવી છે. સવાલ નાના કે મોટા દેશ હોવાનો પણ નથી. શા માટે જાપાન જેવો દેશ સતત અદ્ભુત ફિલ્મો બનાવે છે? અરે, દક્ષિણ કોરિયા તો ગુજરાત કરતાંય નાનું છે, છતાં એની અડધો ડઝનથી વધુ ફિલ્મોના આપણે ત્યાં રિ-મેક થયા છે! ત્યાં પણ આ જ કહાણી છે. એમનો પાડોશી દેશ, ઉત્તર કોરિયા, કુંઠિત અને બંધિયાર છે, જ્યાં કોઇ સરખી ફિલ્મો બનતી નથી, બનશે પણ નહીં. ⬛

અન્ય સમાચારો પણ છે...