સીન-શોટ:આ રીતે રચાયાં ફિલ્મોનાં સુપરહિટ ગીતો

ઉમેશકુમાર ઉપાધ્યાય4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક ફિલ્મ અને ગીતોની આગવી સફર હોય છે. લોકપ્રિય ગીતોની રસપ્રદ વાતો જાણીએ

પ્રથમ વાત કરીએ ફિલ્મ ‘અંકુશ’ના ગીત ‘ઇતની શક્તિ હમેં દેના દાતા…’. જેના ગીતકાર અભિલાષ છે. આ ગીત એટલું લોકપ્રિય છે કે ઘણી સ્કૂલોમાં પ્રાર્થના તરીકે પણ ગવાય છે. અભિલાષે જણાવ્યું, ‘મને ગીતકાર તરીકે ‘અંકુશ’ના ચાર ગીતો લખવા મળ્યા. સંગીતકાર કુલદીપ સિંહ અને નિર્માતા-નિર્દેશક હતા એન.ચંદ્રા. મેં બે ગીતો ‘ઉપરવાલા ક્યા માગેગા…’ અને ‘આયા મજા દિલદારા…’ લખ્યા તે રેકોર્ડ થઇ ગયા, પણ ત્રીજા ગીતમાં એન.ચંદ્રાએ મને પ્રાર્થના લખવા કહ્યું. હું એમને રોજ ત્રણ-ચાર મુખડા લખી આપતો પણ એ રિજેક્ટ કરી દેતા. દોઢ મહિના સુધી મેં લગભગ 60-70 મુખડા લખ્યા, તે તમામ રિજેક્ટ થયા. કંટાળીને એક દિવસ મેં કહ્યું, ‘મને માફ કરો. હું એટલો મોટો રાઇટર નથી. તમે બીજા કોઇ પાસે લખાવી લો.’ અને ફ્લેટની બહાર નીકળી ગયો. ત્યારે મારી પાછળ પાછળ સંગીતકાર કુલદીપસિંહ આવ્યા. એમણે મને કારમાં બેસાડી રસ્તામાં સમજાવ્યો, ‘તમે તો હિંમતવાળા છો, તમારામાં ઘણી શક્તિ છે. નાસીપાસ કેમ થાવ છો?’ આમાં શક્તિ અને નાસીપાસ બે શબ્દો મારા મગજમાં ક્લિક થયા. ‘ઇતની શક્તિ હમેં દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના…’ લખી એમને સંભળાવ્યું. એમણે કહ્યું, ‘વાહ, મુખડું બની ગયું.’ કારનો ટર્ન લઇ પાછા આવ્યાં જ્યાં એન. ચંદ્રા અને નાના પાટેકર બેઠા હતા. તેમને નવાઇ લાગી કે આ પાછાં કેમ આવ્યા? એમને ‘ઇતની શક્તિ…’ સંભળાવ્યું, ત્યારે પળવાર દંગ થઇ ગયા. પછી બોલ્યા, ‘આ જ તો જોઇતું હતું.’ આ ગીત એટલું લોકપ્રિય થયું કે જ્ઞાની ઝૈલસિંહના હસ્તે કલાશ્રી એવોર્ડ, દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિત કુલ 30-40 એવોર્ડ્સ મળ્યા. એ વાત જુદી છે કે તેનું પૂરું પેમેન્ટ અભિલાષને ન મળ્યું. મનોજ મુન્તઝિરનું ફિલ્મ ‘કેસરી’નું ગીત ‘તેરી મિટ્ટી મેં મિલ જાવાં…’ લખાવા પાછળની વાત પણ આવી જ રસપ્રદ છે. આની ટ્યૂન, કમ્પોઝિશન અને ધૂન રોમેન્ટિક સોંગ માટે હતાં. ડિરેક્ટર અનુરાગ સિંહ અને કરણ જૌહરના કહેવાથી મનોજ મુન્તઝિરે રોમેન્ટિક ધૂન પર દેશભક્તિનું ગીત લખ્યું. તેઓ કહે છે, ‘મને થયું કે જો ધૂન રોમેન્ટિક છે, તો તેનું પર્સનલ કનેક્શન હશે. જો આપણે પ્રેમિકા માટે ગાઇએ, તો ભારતની ધરતીને પણ પ્રેમિકા સમજીને આ ગીત કેમ ન ગવાય? આમ, રોમેન્ટિક ધૂન પર ‘તેરી મિટ્ટી મેં…’ લખાયું.’ રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં આ ગીત માત્ર દોઢ મિનિટનું હતું, પણ તેની પંક્તિઓ સાંભળ્યા પછી છ મિનિટનું કરવામાં આવ્યું. મલ્ટિસ્ટારર ફિલ્મ ‘દસ’નું ગીત લખવા માટે પંછી જાલૌનવીને કહેવાયું, ત્યારે એ થોડા ગભરાયેલા હતા, જોકે ધીરે ધીરે એમણે ફિલ્મમાં ધાક જમાવી દીધી. છેલ્લે ટાઇટલ સોંગ લખવાનો સમય આવ્યો, ત્યારે સમસ્યા આવી, કારણ કે ‘દસ’ શબ્દ ગીતમાં રાખવાનો હતો અને એ શબ્દ નોન-મ્યુઝિકલ હતો. તેઓ જણાવે છે, ‘ફિલ્મ ‘દસ’નું ટાઇટલ સોંગ લખતો હતો, ત્યારે કંઇ મેળ નહોતો પડતો. મારી પરેશાનીનો પાર નહોતો. ડર લાગતો કે ક્યાંક ફિલ્મમાંથી મને કાઢી નાખવામાં ન આવે. એક દિવસ અનુભવ સિંહાને ગીત આપી પાછા ફરતાં બસસ્ટોપ પર બસની રાહ જોતો હતો. નજીકમાં ઊભેલા કેટલાક યુવાનો ઉધારી અંગે ઝઘડતા હતા. એકે કહ્યું, ‘તું જ્યારે મળે, ત્યારે દસ બહાનાં કાઢે છે. પૈસા આપવાનું નામ નથી લેતો.’ આ સાંભળી મારા કાન ચમક્યા. મને થયું આ તો મુખડું છે. એ જ ધૂન પર લાઇનઅપ કરીને રાત્રે દોઢ-બે વાગ્યે અનુભવના આસિસ્ટન્ટ મકબૂલને મોકલ્યું તો રાત્રે બે વાગ્યે અનુભવનો ફોન આવ્યો. હું કહેવા લાગ્યો, ‘ઓપ્શન આપીશ…’ પણ અનુભવે કહ્યું, ‘એક શબ્દ પણ બદલવાનો નથી.’ આમ, ટાઇટલ સોંગ પસંદ થઇ ગયું.’ આવા તો અનેક કિસ્સા છે. લિરિક્સ રાઇટર, મ્યુઝિક ડિરેક્ટર, સિંગર નિતિન રાયકવાર કહે છે, ‘કંઇ કામસર આમિર ખાનને મુંબઇના સાનપાડા રેલવે સ્ટેશન પર મળવા ગયો હતો. ત્યાં ‘ગુલામ’ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. વાતચીતમાં એમને ગીત ‘આતી ક્યા ખંડાલા…’ સંભળાવ્યું, ત્યારે બધાંને એટલું ગમ્યું કે એ માટે ફિલ્મમાં ખાસ સિચ્યુએશન બનાવી. એટલું જ નહીં, વિક્રમ ભટ્ટે કહ્યું, ‘આને આમિર ખાન પાસે ગવડાવીશું.’ આમિર ખાને પણ પ્રેક્ટિસ કરી જતિન-લલિત પાસે જઇ રેકોર્ડ કર્યું. ફિલ્મ આવતાં પહેલાં તો ગીત સુપરહિટ થઇ ગયું! એ પછી મન્સૂર ખાનને ત્યાંથી ફોન આવ્યો કે શાહરુખ ખાન અભિનિત ‘જોશ’ ફિલ્મ માટે પણ એવું જ ગીત આપો. ‘અપુન બોલા…’ લખેલું હતું. એ આપ્યું ત્યારે એમણે નક્કી કર્યું કે આ ગીત શાહરુખ ખાન ગાશે. ફિલ્મમાં શાહરુખ પાસે ગીત રેકોર્ડ કરાવ્યું.’ ⬛

અન્ય સમાચારો પણ છે...