તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિમ્પલ સાયન્સ:સુપરબગ : વાઈરસથી કંટાળ્યા? તો હવે જરા બેક્ટેરિયાની હકીકત જાણો!

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: જ્વલંત નાયક
  • કૉપી લિંક
  • એક અંદાજ મુજબ પૃથ્વી ઉપર બેક્ટેરિયાની કુલ વસ્તી 5X1030 જેટલી છે! આપણા શરીરમાં પણ ઢગલાબંધ બેક્ટેરિયા છે!

છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન આખી દુનિયા એક વાઈરસના નામથી ફફડી ઊઠી છે. અહીં એ હકીકત ભૂલવી ન જોઈએ કે બેક્ટેરિયા પણ વાઈરસથી કમ નથી હોતા. ઊલટાનું બેક્ટેરિયાનો પ્રતિકાર કરતી દવાઓએ જ અનેક બેક્ટેરિયાને પહેલાં કરતાં વધુ શક્તિશાળી બનાવ્યા છે! કદમાં માત્ર થોડા માઈક્રોમીટર લાંબા બેક્ટેરિયાને નરી આંખે નથી દેખાતા. જમીનમાંથી લીધેલા માટીના 1 ગ્રામ જેટલા નમૂનામાં ચારેક કરોડ જેટલા અને માત્ર એક મિ.લિ. શુદ્ધ પાણીમાં દસેક લાખ જેટલા બેક્ટેરિયા હોય છે! એક અંદાજ મુજબ પૃથ્વી ઉપર બેક્ટેરિયાની કુલ વસ્તી 5X1030 જેટલી છે! વિશ્વમાં તમામ વૃક્ષો અને વનસ્પતિઓ ભેગી થઈને જેટલો બાયોમાસ ધરાવે છે, એના કરતાં વધુ બાયોમાસ બેક્ટેરિયાનો છે. આપણા શરીરમાં પણ ઢગલાબંધ બેક્ટેરિયા છે!

લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા પાચન-ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે, તો બેક્ટેરિયાને કારણે થતાં રોગોનું લિસ્ટ પણ લાંબુ છે. માત્ર અમેરિકામાં જ દર વર્ષે લગભગ 23,000 લોકો બેક્ટેરિયાથી થતા રોગોથી મૃત્યુ પામે છે. તકલીફ એ છે કે દરેક વિપરીત પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવામાં બેક્ટેરિયા મનુષ્યો કરતાં બહેતર છે. આથી લગભગ દરેક પ્રકારની દવા સામે બેક્ટેરિયાએ ‘પ્રતિકારશક્તિ’ કેળવવા માંડી છે અને રોગજન્ય બેક્ટેરિયાનો નાશ કરવા વપરાતી એન્ટિબાયોટિક બેઅસર થઇ રહી છે!

આપણે જે ‘બેક્ટેરિયા’ શબ્દ વાપરીએ છીએ તે બહુવચન છે, જે અતિસૂક્ષ્મ જીવોના ચોક્કસ પ્રકારના સમૂહ માટે પ્રયોજાય છે. આ સમૂહ પૈકીનો એક સજીવ ‘બેક્ટેરિયમ’ તરીકે ઓળખાય છે. આપણી ઉપર કોઈ રોગનો-બેક્ટેરિયાના સમૂહનો હુમલો થાય અને આપણે બચાવ માટે એન્ટિબાયોટિકનો ડોઝ લઈએ, એટલે બેક્ટેરિયાના સમૂહ પૈકી જે સાધારણ કે નબળા બેક્ટેરિયમ હશે, એ નાશ પામશે, પરંતુ જે સબળ બેક્ટેરિયમ હશે, એ બચી જશે. આ બચેલા બેક્ટેરિયમનું જૂથ, બેક્ટેરિયાની નવી પેઢી પેદા કરશે, જે જૂની પેઢી કરતાં વધુ મજબૂત હશે અને એન્ટિબાયોટિક સામે લાંબો સમય ઝીંક ઝીલશે! જેમ બેક્ટેરિયાની નવી પેઢીઓ આવતી જાય, તેમ એન્ટિબાયોટિક્સની અસર ઘટતી જાય! એક સમય આવશે કે એન્ટિબાયોટિકનો ગમે તેવો ભારે ડોઝ લેવાથી બેક્ટેરિયાને અસર નહીં થાય! આવા બેક્ટેરિયાને તબીબો ‘સુપરબગ’ તરીકે ઓળખે છે.

આ પ્રકારના સુપરબગ બેક્ટેરિયાનું ઉદાહરણ MRSA (Methicillin-Resistant Staphylococcus Aureus) નામના બેક્ટેરિયા છે. જેમના ઇજા પામેલા અંગોમાં ઊંડા જખ્મો હોય એવા સૈનિકો, જેલના કેદીઓ કે હોસ્પિટલના દર્દીઓ, યોગ્ય વૈકલ્પિક સારવારની શોધના અભાવે, દાયકાઓ સુધી MRSAનો ભોગ બનતા રહ્યા! સુપરબગનું સૌથી ભયાનક ઉદાહરણ હોય તો, ડ્રગ રેઝિસ્ટન્ટ ટયુબરક્યુલોસીસ (ટીબી). 1953માં ફિલ્મનો હીરો ટીબીથી મરી શકતો હતો અને કદાચ 2030માં પણ ફિલ્મનો હીરો-અનેક પ્રકારની એન્ટિબાયોટિક લેવા છતાં-ટીબીથી મરતો હશે! એ સમય કહેવાશે ‘પોસ્ટ-એન્ટિબાયોટિક યુગ’!

પોસ્ટ-એન્ટિબાયોટિક યુગ ખૂબ ઝડપથી આવી રહ્યો છે! પરિણામે નાની-મોટી ઇજાઓ અને ઇન્ફેક્શન માણસના મૃત્યુનું કારણ બનશે. દાયકાઓ પૂર્વે ડાયેરિયા, ગોનોરીયા કે યુરિનલ ઇન્ફેકશન જેવી સામાન્ય લાગતી બીમારીઓ ફરીથી ‘જીવલેણ’ બનશે! ડ્રગ-પ્રતિકારક શક્તિ કેળવી ચુકેલા સુપરબગ બેક્ટેરિયાને કારણે સાઉથ એશિયન દેશોમાં, દર પાંચમી મિનિટે એક બાળક મૃત્યુ પામે છે! WHOનો અહેવાલ જણાવે છે કે ભારત સહિતના ઘણા દેશોમાં લોકોને પ્રિસ્ક્રાઈબ કરાતી દવાઓ પૈકી અડધોઅડધ દવા ખાવાની જરૂર હોતી નથી! છતાં લોકો દવા ખાય છે, જે બેક્ટેરિયાને ‘સુપરબગ’ બનાવેે છે!

પોસ્ટ-એન્ટિબાયોટિક યુગમાં રોગ પ્રતિકાર કઈ રીતે કરવો? વિજ્ઞાનીઓ સૌથી આસાન રસ્તો સૂચવે છે-કુદરતે માણસને જે મૂળભૂત રોગપ્રતિકારક શક્તિ આપી છે એનું જતન કરવું! પૂરતી ઊંઘ, થોડો શારીરિક શ્રમ, સારો ખોરાક અને જરૂર મુજબનું પ્રવાહી લેતાં રહેવું. થોડું સહેતાં શીખવું! નાની અેવી બીમારીમાં એન્ટિબાયોટિક્સનો ‘નાસ્તો’ વ્યક્તિને નુકસાન કરે છે.- jwalantmax@gmail.com

અન્ય સમાચારો પણ છે...