થોડા દિવસ પહેલાં ફ્રાન્સના જગવિખ્યાત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 75મી ઇવેન્ટ પૂરી થઇ. એમાં ભારતની કેટલી ફિલ્મો પ્રદર્શિત થઇ, એને કેવો રિસ્પોન્સ મળ્યો, કઇ ફિલ્મોને કેવા એવોર્ડ્સ મળ્યા એ બધાં કરતાં સૌથી વધુ હાઇપ રહી ‘રેડ કાર્પેટની.’ ઐશ્વર્યા રાયે કેવું અફલાતૂન (અથવા કઢંગું) ગાઉન પહેર્યું હતું અને દીપિકાની સાડી વિશે સેલિબ્રિટીઝે શી કોમેન્ટો કરી એની ચર્ચા વધારે ચાલી. સોશિયલ મીડિયા તો છે જ આની પંચાતનો મોટો ઓટલો, પણ મેઇન સ્ટ્રીમ મીડિયામાં પણ બધે આ ગ્લેમરસ તસવીરો અને વિડીયો જ દેખાતા રહ્યા. આખરે શા માટે છે આવી રેડ કાર્પેટની ઘેલછા?
આ અગાઉ પણ ઐશ્વર્યા જ્યારે જ્યારે કાન્સમાં હાજરી આપવા ગઇ છે ત્યારે એણે હોઠ ઉપર ચોપડેલી લિપસ્ટિકના રંગની અથવા તેના ગાઉનની ડિઝાઇનની જેટલી ચર્ચા થઇ છે એટલી તો શું, એનાથી દસમા ભાગની યે ચર્ચા ભારતમાંથી ત્યાં ગયેલી ફિલ્મો વિશે થઇ નથી. અહીં વિદેશી ફિલ્મો કેટલી કલાત્મક અને કેટલી ‘મેટાફરિક’ હતી એમાં ભલે આપણને ચાંચ ન ડૂબે (કેમ કે અમેરિકન અને કોરિયન ફિલ્મો સિવાય અહીં કશું જોવા પણ મળતું નથી) પરંતુ ભારતની ફિલ્મોને કેવો રિસ્પોન્સ મળ્યો એ જાણવામાં તો આપણને રસ હોય કે નહીં? આ વખતે જે છ ફિલ્મો કાન્સ ફેસ્ટિવલ્સમાં દર્શાવાઇ તેનાં નામ સુધ્ધાં ગૂગલ કરીને જ શોધવા પડે તેવી હાલત છે. યાદ રહે, આ વખતે ભારતના ક્લાસિક ફિલ્મકાર સત્યજિત રેને અંજલિ આપવા માટે ‘પ્રતિદ્વંદ્વી’ બતાવવામાં આવી, એ વાતને પણ ખાસ મહત્ત્વ મળ્યું નહીં. બસ! રેડ કાર્પેટ…રેડ કાર્પેટ…રેડ કાર્પેટ…જ ચાલ્યું!
આવી જ ઘેલછા આપણને અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઓસ્કર એવોર્ડ્ઝ માટે પણ હોય છે. ઓસ્કરમાં તો ‘ફોરેન ફિલ્મ’ની એક જ કેટેગરી હોય છે,જેમાં ભારતની એકાદ ફિલ્મને નોમિનેશન પણ મળ્યું હોય એ વાતને વીસેક વર્ષ થવાં આવ્યાં. છતાં આપણા માટે એ ભવ્ય ઇવેન્ટ છે. બીજી તરફ ફ્રાન્સના આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છેક 1946માં ચેતન આનંદની ‘નીચા નગર’ને ‘ગ્રાન્ડ પ્રિ દ ફેસ્ટિવલ’નો એવોર્ડ મળ્યો હતો ત્યારથી દર વર્ષે ઇન્ડિયન સિનેમાનું એક ખાસ સેક્શન હોય છે. દર વર્ષે છ-સાત ફિલ્મો તો ભારતનું પ્રતિનિધિત્વ કરે જ છે. છતાં આપણને રસ શેમાં છે? ઐશ્વર્યાએ ગાઉન કેવું પહેર્યું હતું તેમાં!
ભૂલવું ના જોઇએ કે આ જ કાન્સ ફેસ્ટિવલમાં આપણા શેખર કપૂર, શ્યામ બેનેગલ તથા સંજય લીલા ભણશાળીની તમામ ફિલ્મોનો રેટ્રોસ્પેક્ટિવ પણ યોજાયો છે. અનુરાગ કશ્યપની ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ અથવા શ્યામ બેનેગલની ‘નિશાન્ત’ રજૂ થઇ ત્યારે એમણે રેડ કાર્પેટ ઉપર ‘રેમ્પ-વૉક’ કરવાની જરૂર નહોતી પડી. બલ્કે શબાના આઝમી અને સ્મિતા પાટિલ સુંદર ભારતીય સાડીઓમાં સજ્જ હતાં. મૂળ ભારતીય એવાં દિગ્દર્શક મીરા નાયરની બબ્બે ફિલ્મો ‘સલામ બોમ્બે’ અને ‘મોન્સૂન વેડિંગ’ને સ્ક્રિનિંગ પછી સ્ટેન્ડિંગ ઓવેશન (પ્રેક્ષકો ઊભા થઇને સતત તાળીઓ વગાડે તે) મળ્યું હતું. છતાં લોકોને રસ શેમાં છે? રેડ કાર્પેટ ઉપર દીપિકા કેવી લાગતી હતી? એને જોઇને એના પતિ રણવીરે શું કોમેન્ટો કરી? બસ! આ જ છે આપણું કુતૂહલ?
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ ઉપર ચાલવા મળે એને જો તમે મોટી સિદ્ધિ માનતા હો તો એ પણ જાણી લો કે જો આ ગ્લેમરસ હસ્તીઓના મેનેજરો ત્યાં કાન્સમાં રોનો સંપર્ક કરવાનો છે, કઇ બ્રાન્ડ્સને એન્ડોર્સ કરાવવાની છે, કયા ફોટોગ્રાફરોને કેટલા પૈસા ચૂકવવાના છે અને કયા મીડિયા મેનેજરોની ગુડ બુક્સમાં રહેવાનું છે એ જાણતા હો તો રેડ કાર્પેટનું નિમંત્રણ સામેથી આવે છે!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.