• Gujarati News
  • Magazine
  • Rasrang
  • Subramaniam Swamy's Habit Of Expressing His Thoughts On The Media As Soon As He Doesn't Think So Is Getting Heavy

ઈધર-ઉધર:પોતાનું ધાર્યું ન થાય એટલે તરત મીડિયા પર વિચારો જણાવવાની ટેવ સુબ્રમણ્યમ સ્વામીને ભારે પડી રહી છે

વિક્રમ વકીલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુબ્રમણ્યમ સ્વામી યશવંત સિંહાને રસ્તે?

કટ્ટર જમણેરી નેતા ગણાતા સુબ્રમણ્યમ સ્વામી છેલ્લા કેટલાક સમયથી નરેન્દ્ર મોદી અને ભાજપથી નારાજ લાગી રહ્યા છે. ભાજપે જાહેર કરેલી છેલ્લી રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યોની યાદીમાં સ્વામીનું નામ નથી. સુબ્રમણ્યમ સ્વામી ગાંધી કુટુંબના વિરોધ અને બિન્દાસ્ત બોલવા માટે જાણીતા છે. ભાજપની ટોચની નેતાગીરી એમની દરેક વાત સાથે સંમત નથી. 2016ના એપ્રિલ મહિનામાં ભાજપે સુબ્રમણ્યમ સ્વામીને રાજ્યસભામાં મોકલ્યા હતા. તત્કાલીન પક્ષપ્રમુખ અમિત શાહના કહેવાથી સ્વામીએ કરેલી અરજીમાં પોતાને ભાજપના સભ્ય ગણાવ્યા હતા. ભાજપ સંસદીય પક્ષની શરૂઆતની બે મીટિંગમાં સ્વામી હાજર રહ્યા હતા. જોકે ત્યાર પછી એમને આમંત્રણ આપવામાં આવ્યું નથી. રાજ્યસભામાં એમની બીજી ટર્મ દરમિયાન પક્ષે એમને ઓગસ્ટા વેસ્ટલેન્ડ સોદા બાબતે બોલવા માટે નેતા તરીકે ચૂંટ્યા હતા. ત્યાર પછી સ્વામી હાંસિયામાં ધકેલાઈ ગયા છે. પોતાની મનમરજીનું નહીં થાય એટલે તરત જ ટ્વિટર પર વિચારો વ્યક્ત કરવાની એમની ટેવ એમને ભારે પડી રહી છે. લાગે છે કે આવનાસ સમયમાં જો તેઓ ભાજપની ટોચની નેતાગીરી સાથે સમાધાન નહીં કરે તો એમની હાલત પણ યશવંતસિંહા જેવી થશે!

ગોવાની ચૂંટણીમાં મમતા બેનર્જીનો મોટો જુગાર

છેલ્લા કેટલાક દિવસોથી ગોવામાં મમતા બેનર્જીના મોટાં હોર્ડિંગ્સ દેખાઈ રહ્યાં છે. આવતા વર્ષે યોજાઈ રહેલી ગોવા વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારી પ્રશાંત કિશોરે અત્યારથી જ શરૂ કરી દીધી છે. પ્રશાંત કિશોર મમતા બેનર્જીના ચૂંટણી સલાહકાર છે. તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય ડેરેક ઓ બ્રાઇનએ ગોવામાં ઓફિસ પણ શરૂ કરી દીધી છે. તેઓ પોતાનો મોટા ભાગનો સમય ગોવામાં જ વિતાવી રહ્યા છે. ગોવાના સૌથી જૂના અખબાર ‘ઓ હેરાલ્ડો’ના તંત્રી વિજય સરદેસાઈ પણ તૃણમૂલ કોંગ્રેસને મદદ કરી રહ્યા છે. તૃણમૂલના માંધાતાઓનું માનવું છે કે ગોવા નાનું રાજ્ય હોવાથી તેઓ ત્યાં છ જેટલી બેઠકો મેળવશે, તો પણ મુખ્યમંત્રીની પસંદગીમાં એમની મોટી ભૂમિકા રહેશે.

43 વર્ષ સુધી પતિ ન મળતા છૂટાછેડા માંગ્યા

ઈરાનમાં 18 વર્ષની એક યુવતી કુટુંબીઓએ પસંદ કરેલા યુવક સાથે પરણી. 7 વર્ષ સુધી લગ્નજીવન સારી રીતે ચાલ્યું, પણ એક દિવસ અચાનક પતિએ ગૃહત્યાગ કર્યો. પત્નીએ તેના જીવનસાથીની શોધ ચલાવી. આશા સાથે એ સ્ત્રીએ 43 વર્ષ કાઢ્યાં. અંતે તે થાકી અને હાલમાં 68 વર્ષની ઉંમરે કોર્ટમાં છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો. ઇરાનમાં સ્ત્રી માટે છૂટાછેડા મેળવવા લોઢાના ચણા ચાવવા જેવું છે. કોર્ટે જાહેર કર્યું છે કે એ સ્ત્રીને તેના ગાયબ પતિથી છૂટાછેડા આપવામાં આવશે.

કઈ રીતે ચીનના ચોરે સ્વૈચ્છિક કેદ ભોગવી!

ચીનના ઝીનયુઆન પ્રાંતમાં લુ નામના માણસે એક ઘરમાંથી આપણા 650 રૂપિયા જેટલું મૂલ્ય ધરાવતી ચાઇનીઝ ચલણી નોટો ચોરી હતી. પછી પકડાઈ જવાના ડરે તે ગાયબ થઈ ગયો. ચોરીની ઘટનાના 12 વર્ષ બાદ પોલીસે ફરી એક વાર રાબેતા મુજબ લુના ઘરની તપાસ કરી, ત્યારે નહાવાની ઓરડીમાં પોલીસને ફેરફાર જણાયો. તપાસ કરતાં ખબર પડી કે એ ઓરડીની ફર્શમાં એક બાકોરું હતું. એમાંથી પોલીસ ભોંયરામાં પ્રવેશી ત્યારે લુ ભોંયરામાં બેઠેલો મળી આવ્યો. છેલ્લાં બાર વર્ષથી લુ એ ભોંયરામાં જ હતો. લુનું કહેવું છે કે, મોટા ભાગનો સમય તે ભોંયરામાં જ પુરાઈ રહેતો, પરંતુ ક્યારેક રાતના સમયે તે થોડી વાર બહાર નીકળતો હતો.

નંગોની અસર તન, મન અને સંસાર પર થાય છે?

ગ્રહના નંગો પહેરવાથી અમુક-અમુક ફાયદો થાય એવું ઘણા લોકો શ્રદ્ધાપૂવર્ક માને છે. જેમ કે, નારંગી રંગના નંગ પહેરવાથી લોહીનું પરિભ્રમણ અને પાચનશક્તિ સુધરે છે એવું જેમ-થેરપિસ્ટોનું માનવું છે. તેઓ કહે છે કે દુનિયામાં ચારસો પ્રકારનાં રત્નો અને નંગો અસ્તિત્વ ધરાવે છે અને તેની શરીર, મન અને સંસાર પર વિવિધ અસરો થાય છે. આ જેમ સ્ટોન્સમાંથી વાઇબ્રેશન અથવા સ્પંદનો નીકળે છે તેથી ઘણાં લોકો તેને ધારણ કરે છે, ઘણાં તેને નજીકમાં રાખે છે અને ઘણાં તેને પ્રવાહીમાં બોળીને પીએ છે. આ ચારસો રત્નોમાં એક મોતી છે. મોતી મગજને અને ફેફસાંને રક્ષણ આપે છે અને બીજી વ્યાધિઓ પણ મટાડે છે. કોઈ નકારાત્મક સ્પંદનો શરીર તરફ આવતાં હોય તો તેનો નાશ થાય છે એવું મનાય છે. ⬛ vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...