તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનનો મોનોલોગ:ક્લોઝર માટે વલખાં મારતું મન

ડો. નિમિત્ત ઓઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં પાંચ વર્ષથી મારી સાથે કામ કરતા મારા એક પ્રામાણિક, મહેનતુ અને નિષ્ઠાવાન હોસ્પિટલ સ્ટાફે અચાનક નોકરી છોડી દીધી. કોઈ પણ જાતની આગોતરી નોટિસ કે હિન્ટ આપ્યા વગર એક સાંજે ઓચિંતો તેનો મેસેજ આવ્યો કે, ‘કાલથી હું કામ પર નહીં આવું.’ હોસ્પિટલ છોડવાનું કારણ જાણવા માટે મેં બેથી ત્રણ વાર તેને ફોન કર્યો, પણ તેણે રીસિવ ન કર્યો. એ પછી ક્યારેય એનો ફોન આવ્યો નથી. થોડું પરિચિત લાગે છે ને? આપણા દરેક સાથે આવું થતું હોય છે. તમારા સૌથી પ્રિય મિત્ર કે સ્નેહીએ અચાનક વાત કરવાનું બંધ કરી દીધું, સાવ નજીવી વાતમાં બોસ ગુસ્સે થઈ ગયા અને કહી દીધું ‘યુ આર ફાયર્ડ’, ઘર કે ઓફિસમાં કામ કરતા કોઈ જૂના કર્મચારીએ અચાનક આવવાનું બંધ કરી દીધું, બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડે મેસેજ કરીને તમને કહી દીધું કે ‘ઇટ્સ ઓવર’ અને પછી તમને બ્લોક કરી દીધા. બંને પક્ષની સમજૂતી, સ્વીકાર કે તૈયારી વગર અચાનક છૂટા પડવાની દુર્ઘટના, કોઈ એક માટે વધારે વસમી હોય છે. અકારણ, ઓચિંતો કે અણધાર્યો તિરસ્કાર આપણા દરેકનાં મનને કારમો આઘાત પહોંચાડે છે. ઝરણાંનાં શાંત અને નિર્મળ જળની માફક અત્યાર સુધી ખળખળ વહેતો સંબંધ અચાનક ‘ક્યાં’ અને ‘શું કામ’ ફંટાઈ ગયો? એ જાણવા માટે આપણું મન બેબાકળું બની જાય છે. ‘મારો વાંક શું હતો?’ અથવા ‘એક વાર વાત કરીને સમાધાન લાવીએ.’ જેવા સંદેશા પણ એમના સુધી ન પહોંચાડી શકીએ, ત્યારે એક વણઉકલ્યો કોયડો આપણા મનને પજવતો રહે છે. એ વ્યાવસાયિક હોય કે વ્યક્તિગત, કોઈ પણ સંબંધના અકાળે થયેલા અવસાનનું કારણ જાણવાની મથામણ એટલે ‘ક્લોઝર’. સ્વર્ગસ્થ થયેલા દરેક સ્નેહનું ‘કોઝ ઓફ ડેથ’ જાણવું આપણા માટે ફરજિયાત બની જાય છે. આ જ આપણો સ્વભાવ છે. આપણી તાસીર છે. જેનો ‘ક્લાઈમેક્સ’ સારો ન હોય, એવાં મૂવીઝ પણ આપણને નથી ગમતાં. ચાલવાનું શીખવાડતી વખતે અચાનક હાથ છોડી દઈએ, તો એક વાર બાળક પણ પ્રશ્નાર્થભર્યા ચહેરા સાથે આપણી સામે જુએે છે. અનિશ્ચિતતાઓથી ભરેલા આ જગતમાં આપણું મન એક નિશ્ચિત અને સલામત મુકામ ઝંખે છે અને એક વાર મળ્યા પછી જ્યારે એ અચાનક છીનવાઈ જાય, ત્યારે આપણે બેચેન અને ઉદાસ બની જઈએ છીએ. ગમતી પ્રવૃત્તિનો અંત આવ્યો એ કરતાં, એ અંત અણધાર્યો આવ્યો એ વધારે આઘાતજનક હોય છે. સમાધાનની શક્યતા વગર અંતનો સ્વીકાર મેળવવાની કોશિશ એટલે ક્લોઝર. ભાગ્યે જ એવું બનતું હોય છે કે કોઈ પણ જાતની ફરિયાદ કે કડવાશ વગર, છેલ્લી કોફી શેર કરીને બે જણાં સ્વીકાર સાથે છૂટાં પડે છે. બાકી મોટા ભાગના કિસ્સામાં કોઈ એક પાર્ટનર ક્લોઝર મેળવવા મથ્યા કરે છે. ચુકાદો સંભળાવીને એક વ્યક્તિ ગાયબ થઈ જાય છે અને માફીપત્ર લઈને ફરતી બીજી વ્યક્તિ સજાનું કારણ શોધ્યાં કરે છે. તો પ્રશ્ન એ છે કે મિત્રતાના અંતનો સ્વીકાર કઈ રીતે કરવો? આનો જવાબ મને જુલિયા ફિલિપ્સની નવલકથા ‘Disappearing earth’ના એક કેરેક્ટર પાસેથી મળ્યો. નવલકથાના એક પ્રકરણમાં નાયિકાને જાણ થાય છે કે વર્ષો પહેલાં વિખૂટો પડી ગયેલો એનો એક ખાસ મિત્ર, એનાં શહેરમાં આવ્યો છે. લાંબા સમયથી સંપર્ક બહાર રહેલા આ મિત્ર વિશે, કોઈ નાયિકાને પૂછે છે કે,‘શું તમે હજી સાથે છો?’ ત્યારે નાયિકા સુંદર જવાબ આપે છે. તે કહે છે, ‘અત્યારે તો નથી, પણ ભવિષ્યમાં કદાચ હોઈએ.’ અને હકીકતમાં એવું બને છે કે એક દિવસ તેઓ એક પાર્ટીમાં ભેગા થઈ જાય છે. અચાનક આવી પડેલી એક સમસ્યામાં, બંને એકબીજાને સપોર્ટ કરે છે. નાયિકાને રિયલાઇઝ થાય છે કે આટલાં વર્ષો સુધી નિષ્ક્રિય હાલતમાં પડેલો સંબંધ વાસ્તવમાં સપાટી નીચે જીવતો હોવાથી ફરી એક વાર સજીવન થશે. કોઈ પણ જાતના ક્લોઝર વગર એકબીજાંથી અળગાં થઈ ગયેલાં બંને જણાંને, વર્ષો પછી પણ એવું જ કનેક્શન ફીલ થાય છે. વાત એટલી જ છે કે સંબંધોનું સ્વરૂપ બદલાય છે, સ્નેહ નહીં. ક્લોઝર કે નો ક્લોઝર, ગમતી વ્યક્તિમાં આપણે કરેલું સમય, ઊર્જા અને સ્નેહનું ઇન્વેસ્ટમેન્ટ ક્યારેક તો રિટર્ન્સ આપે જ છે. કોઈ કારણસર વિખૂટું પડી ગયેલું પ્રિયજન ‘આઉટ ઓફ ટચ’ હોઇ શકે, ‘આઉટ ઓફ રીચ’ ક્યારેય નહીં, પણ નાયિકાના મુખેથી નીકળેલું આ ‘કદાચ’ બહુ પાવરફુલ છે. ‘અત્યારે તો નથી, પણ ભવિષ્યમાં કદાચ હોઈએ.’ આ ‘કદાચ’ ખૂબ બધી શક્યતાઓ લઈને આવે છે. એ કોઈ પણ દિશામાં જઈ શકે છે. જીવનમાં ‘એક્સ’નું પુનરાગમન થાય તો, એવું પણ બને કે ‘કદાચ’ હું ઈમોશનલી અન-અવેલેબલ હોઉં. ‘કદાચ’ એમના જીવનમાં બીજું કોઈ હોય. ‘કદાચ’ એક સુરક્ષિત અંતર રાખીને અમે સારા મિત્રો બની શકીએ. ‘કદાચ’ હું એમને માફ કરી શકું. ‘કદાચ’ એ મને માફ કરી શકે. અમે ફરી એક વાર સાથે થઈએ અથવા ‘કદાચ’ અમે ક્યારેય પાછાં ન મળીએ. આ ‘કદાચ’ જ આપણું સૌથી મોટું ક્લોઝર છે. પ્રિયજનની વિદાય પછી ક્યારેક આપણા મનમાં ચાલી રહેલા મોનોલોગને યોગ્ય ભાષા આપવી જરૂરી હોય છે. પસ્તાવા કે અફસોસમાં જીવવા કરતાં, સંબંધના અંતને આપેલું ઉદારીકરણ આપણા માટે રાહતકર્તા બની રહે છે. પોતાની જાતથી વધારે સારું ક્લોઝર, આપણને બીજું કોઈ નહીં આપી શકે. તો બનાવી લો તમારા ‘કદાચ’નું લિસ્ટ અને એ યાદીમાંથી જે શક્યતા તમને સૌથી વધારે રાહત, નિરાંત અને શાંતિ આપે, એ જ તમારું ક્લોઝર છે. ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...