મસ્તી-અમસ્તી:‘ગરીબી નિવારણ દિવસની અજીબોગરીબ ઉજવણી’

રઈશ મનીઆર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોતાની અંદરના રાવણનું નિવારણ કરીને બેઠેલી સાંધ્યસભાને મેં નવી માહિતી આપી, ‘આજે આંતરરાષ્ટ્રીય ગરીબી નિવારણ દિવસ છે!’ ‘રાષ્ટ્રીય અને આંટળરાષ્ટ્રીય ગળીબી અલગ હોય?’ બાબુએ જિજ્ઞાસા દાખવી. હસુભાઈએ મોરચો હાથમાં લીધો, ‘હા, રાષ્ટ્રીય ગરીબીની વાત કરું તો.. 1975માં ઈન્દિરાજી કહેતાં હતાં કે ‘ગરીબી હટાવો’ પણ ત્યારે ગરીબી હટાવવાનું અશક્ય હોવાથી એમના સુપુત્ર સંજય ગાંધીએ ઝૂંપડપટ્ટીઓમાં નસબંધી કરાવીને ભવિષ્યના ગરીબોને હટાવ્યા હતા અને નસબંધી કરાવનારને 270 રૂ. પકડાવીને રાષ્ટ્રીય ગરીબી નિવારણની દિશામાં મક્કમ પગલું ભરેલું!’ ‘આ તો રાષ્ટ્રીય પગલું થયું, આંતરરાષ્ટ્રીય ગરીબી નિવારણ કોને કહેવાય?’ મેં પૂછ્યું. ‘ટ્રમ્પ ભારત આવેલા ત્યારે અમદાવાદમાં જે દીવાલ રચાયેલી, એને ‘આંતરરાષ્ટ્રીય ગરીબી નિવારણ દીવાલ’ કહી શકાય!’ ‘અરે! ટ્રમ્પ ખુદ મેક્સિકો-અમેરિકા વચ્ચે ગરીબી નિવારણ દીવાલ બનાવવા માંગતા હતા, એની સરખામણીમાં આ તો નાનીસરખી દીવાલ કહેવાય!’ ભગુ ભાજપી બોલ્યો. ‘આ પેટ્રોલના ભાવ લોહી પીએ છે! અમીરોને પણ ગળીબ જેવી અનુભૂટિ થાય છે!’ બાબુ બોલ્યો. અકળાયેલો ભગુ ભાજપી બોલ્યો, ‘પેટ્રોલ પીવાનું છે તમારે? જે પીઓ છો એના ભાવ જુઓ! એક લિટર પેટ્રોલ ક્વાટરિયા કરતાં તો સસ્તું છે ને? કારની બે-કાર સંસ્કૃતિ છોડી આપણને બળદગાડા સંસ્કૃતિ તરફ પાછા જવાની તક મળી છે!’ બાબુએ ઓફર મૂકી, ‘આંટળરાષ્ટીય ગળીબી નિવારણના ડિવસે કરવાનું સું હોય? હું કોઈ યોગડાન આપી શકું?’ ‘બાબુડિયા! તું આજે મોંઘા આંતરરાષ્ટ્રીય પીણાંને બદલે રાષ્ટ્રીય પીણું પી!’ ધનશંકર બોલ્યા, ‘બીજું કંઈ ન કરીએ તો પણ આ દિવસે દરિદ્રનારાયણ પ્રત્યે ‘ભાવ’ વધારવો જોઈએ!’ કનુ કોંગ્રેસી બોલ્યો, ‘આખું વર્ષ ચીજવસ્તુઓના ‘ભાવ’ વધારો અને એક દિવસ ગરીબો પ્રત્યે ‘ભાવ’ વધારો!’ ‘ભાવવધારો એટલે કેવો ભાવવધારો!’ મનસુખ સટોડિયો બોલ્યો, ‘આવા આંકડા તો કદી નથી જોયા. આઈ.પી.એલમાં દોઢસો રન નથી થતા અને શાકભાજી દોઢસો રૂપિયે કિલોને આંબી ગઈ છે. રોયલ ચેલેન્જર અને મુંબઈ ઈન્ડિયન કરતાં ટીંડોળા-ભીંડાનો સ્કોર ઊંચો રહે છે. લોકો શાકભાજીના ભાવ પર સટ્ટો રમે છે!’ ‘સટ્ટો રમી શકે એ પ્રજા ગરીબ કહેવાય?’ બાબુએ સર્ટિફિકેટ આપ્યું, ‘પ્રજાની ગળીબી સળકારની જવાબડારી નઠી! પ્રજા ગળીબ હોય તો સળકારને ટેક્સ ઓછો મળે!’ ‘પણ આ ગરીબીનો ઉકેલ શું?’ હસુભાઈ પ્રશ્ન મૂકવા ગયા.. ‘લઘુત્તમ વેતન..’ ધનશંકર વેતનની વાત કરવા ગયા. હેમિશે એમને વેતરી નાખ્યા, ‘છોકરાઓ માટે લઘુત્તમ પોકેટમની નક્કી કરો પહેલાં!’ પ્રેરણાડીએ નારીસહજ નારો લગાવ્યો, ‘ગરીબી દૂર કરવા છોકરીને પોકેટમની આપો. 150 રુપિયામાં હાફ પિત્ઝા નથી આવતો!’ બંને બાળખજૂરોને સંબોધી બાબુ બોલ્યો, ‘સારું! ટમે બંને ‘ગળીબી એટલે શું?’ ટેનું વરનન કરો, તો 150 રૂપિયા હું આપીશ!’ બંને મોડર્ન બાળકોએ થોડો વિચાર કરીને ‘પોતે જોયેલી ગરીબી’નું વર્ણન કર્યું! પ્રેરણાડી : ગરીબો પાસે સેકન્ડ-હેન્ડ મર્સીડીઝ હોય.. હેમિશ : એ લોકો ફાઈવસ્ટારમાં જાય તો મેન્યૂમાં સૌથી સસ્તી વસ્તુ શોધે... પ્રેરણાડી : સૂપ ટુ બાય થ્રી કરવાને બદલે વન બાય ટુ કરે. રોસ્ટેડ પાપડ ઓર્ડર કરે.. હેમિશ : પિત્ઝા પર એક્સ્ટ્રા ચીઝ ન મંગાવે. જમ્યા પછી પાન ખાય! હેમિશ : પ્લેનમાં ઈકોનોમી ક્લાસમાં ટ્રાવેલ કરે… પ્રેરણાડી : ફોરેન ટૂર કરવાની હોય તો નેપાળ, શ્રીલંકા અને મોરેશિયસની કરે.. હેમિશ : આઈફોન 12 માંડ વાપરી શકે, મોટા ભાગના પાસે આઈફોન 11 હોય! પ્રેરણાડી : ગરીબોના બાળકો અમેરિકા, કેનેડા ભણી ન શકે તેથી રશિયા કેે ચીન જાય! હેમિશ : મેરેજ ફંક્શન 3 દિવસનું રાખે.. પ્રેરણાડી : લગ્નમાં 12-15થી વધુ ડ્રેસ ન સીવડાવે. બાળકોની વાતમાં ટપ્પો ન પડ્યો એટલે ધનશંકર ફિલોસોફી તરફ સરી ગયા, ‘ગરીબી એક ભ્રામક માનસિક અનુભૂતિ છે, સાચું સુખ ધનમાં નથી, મનમાં છે!’ ધનશંકરના સમર્થનથી પ્રોત્સાહિત થયેલો ભગુ બોલ્યો, ‘ક્યાં છે ગરીબી? છે કયાં ગરીબી? હું બાઈકમાં પહેલાં પણ સો રૂપિયાનું પેટ્રોલ ભરાવતો હતો અત્યારે પણ સો રૂપિયાનું જ ભરાવું છું! ’ આ સાપેક્ષવાદથી ખુશ થયેલા હસુભાઈ બોલ્યા, ‘દેશે સિદ્ધ કરી દીધું કે દેશના નિરાધારને આધાર ભલે ન અપાય, આધારકાર્ડ તો આપી જ શકાય. હવેે દરેક ગરીબ પાસે આવક હોય કે ન હોય, પણ પાનકાર્ડ હોય!’ ‘પાનકાર્ડ મેળવી કરડાતા ઠવાની લહાયમાં રેશનકાર્ડ અને મા-અમૃત કાર્ડ છિનવાઈ જહે!’ બાબુ બોલ્યો. ‘સવાલ એ છે કે ગરીબીનું સન્માન કરવું જોઈએ કે નિવારણ?’ મેં પૂછ્યું. ‘સન્માન!’ ધનશંકરે સમાપન કર્યુ, ‘ગરીબ ‘દરિદ્રનારાયણ’ કહેવાય છે, એ વિકાસ કરીને મધ્યમ વર્ગમાં આવી જશે તો એનું ‘નારાયણ’નું છોગું છિનવાઈ જશે! અમીરીની ‘ભવ્યતા’ પશ્ચિમી વિચાર છે, ગરીબીની ‘દિવ્યતા’ આપણી સંસ્કૃતિ છે!’ ⬛ amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...