તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાહિત્ય વિશેષ:મધ્યમ વર્ગના તાણાવાણા આલેખતી વાર્તાઓ

રઘુવીર ચૌધરી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લેખકને પ્રથમ પુરુષ એકવચનમાં વાર્તા કહેવાની ફાવટ છે. એથી વસ્તુની વાસ્તવિકતા અંગે પ્રતીતિ જાગે છે

પ્રો. રાકેશ દેસાઈએ છેલ્લા બે દાયકામાં લખેલી અને પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થયેલી પંદર વાર્તાઓનો સંગ્રહ છે ‘ટ્રાયલ રૂમ’. પ્રકાશન પાર્શ્વનું છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર અને વિભાગના અધ્યક્ષ પ્રો.દેસાઈ વિવેચક, અનુવાદક અને સંપાદક તરીકે પ્રતિષ્ઠિત છે. એમનાં અંગ્રેજી પુસ્તકો પણ આવકાર પામ્યાં છે. એ ગુજરાતી સાહિત્યની પરંપરાથી અવગત છે. પ્રાસ્તાવિકમાં લખે છે: ‘જીવનલક્ષિતા અને પ્રયોગશીલતાના ચુંબકીય ધ્રુવો વચ્ચે વિસ્તરેલી-વિસ્તરતી ગુજરાતી ટૂંકી વાર્તાએ વારસારૂપે આજના લેખકને ખાસ્સી સ્વરૂપગત સગવડો કરી આપી છે.’ આ સંગ્રહમાં રચનારીતિના પ્રયોગો છે તેમ મધ્યમવર્ગના પરિવારોના સભ્યોના આંતરસંબંધોની ઝીણી સૂઝ સમજ છે. જેના નામ પરથી સંગ્રહનું નામ આપ્યું છે તે વાર્તા ‘ટ્રાયલ રૂમ’ પતિની નજરે પત્ની સાથેના સંબંધોની ઝાંખી કરાવે છે. તૈયાર કપડાંની મોટી દુકાનમાં પસંદ કરેલાં કપડાં પહેરીને ચકાસી જોવા માટે લાકડાની એક કેબિન હોય છે. અંદર પૂરા કદનો આયનો હોય છે. ત્રણ ચાર જોડમાંથી એક જોડ પસંદ કરવા જેટલો સમય જોઈએ એથી સહેજ વધારે મિનિટ લઈને નિખિલ જુદી જુદી જોડ પહેરીને નક્કી કરવા માગે છે કે કઈ જોડ એને વધુ અનુરૂપ આવશે. વચ્ચે વચ્ચે પત્ની અવનિ સાથેના સંબંધોની ઝાંખી થતી રહે છે. પત્નીને છૂટાછેડા આપવા સુધીના તરંગો પણ નિખિલ અનુભવે છે. પિયર માટે વધુ પડતી ખેંચાતી, નિખિલના મહેમાનની પરવા ન કરતી, કોઈક રુસ્તમની વધુ કાળજી લેતી અવનિ તેને ક્યારેક નથી સમજાતી. જુદા જુદા રંગનાં પેન્ટ-શર્ટ ઉતારીને રંગો જોતો નિખિલ અનુભવે છે: ‘આમ બધું જ સરખું ને આમ બધું જ જુદું.’ કેબિનની બહાર ધસારો છે, ટક ટક થયા કરે છે. છેવટે નિખિલ જે બ્રાઉન પેન્ટને ઓફવાઈટ શર્ટ પસંદ કરે છે, એ અવનિને પહેલીવાર મળતી વખતે ધારણ કરેલા રંગો છે. રંગોના જુદા જુદા શેડમાંથી પ્રથમ મુલાકાતના રંગો પર એના હાથની પકડ મજબૂત બને છે. થોડીક ક્ષણોમાં નિખિલના દાંપત્યજીવનનું સરવૈયું, જમા પાસા સાથે રજૂ કરવાની કલાત્મકતા સુજ્ઞ વાચકો માણી શકશે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘ઉધના-મગદલ્લા રોડ’ મર્મસ્પર્શી છે. યુવાન પ્રોફેસર પિતા યુનિવર્સિટીથી ઘરે આવી નાનકડી દીકરી ગુડ્ડી સાથે ચાલવા નીકળે છે. એ પહેલાં ઘરે આવતા પિતા સાથેનું સ્નેહભર્યું વર્તન જીવંત લાગે. ભીડવાળા રસ્તે ચાલતાં બાળકીની કાળજી લેવાતી રહે છે. ગલીની ધૂળમાં ચીપકી ગયેલો ચળકતો કાગળ પકડવા મથતી ગુડ્ડીને વારવાનો પ્રયત્ન અને અંતે ગુડ્ડી કપાઈ ગયેલા ઝાડની ખરબચડી સપાટીને એની નાનકડી કોમળ હથેળીઓથી પસવારતી ઊભી રહે છે. ત્રણ વૃક્ષ કપાઈ ગયાં એ પહેલાં ગુડ્ડીને બતાવેલાં. ત્રણનું ગણિત ગુડ્ડી હજી શીખી નથી, તેથી એ આ ઝાડ છે, આ ઝાડ છે, આ ઝાડ છે એમ બોલીને જવાબ આપે છે. એ કપાઈ ગયાં છે, રોડ સરસી સપાટીએ એમની છાલને ગુડ્ડી સ્પર્શે છે. આ સંબંધ લેખકે બોલકા થયા વિના સૂચવ્યો છે. પ્રકૃતિ સાથેની નિસબતને કારણે આ વાર્તા કાનજી પટેલ અને રમેશ ર.દવેને આવકાર્ય લાગી હશે. ‘મિકી માઉસ’ ધનવંતરાય અને ગોરીબેનના પરિવારમાં થોડા દિવસથી ઘરકામ માટે મુકાયેલા આદિવાસી બાળક રમણાની નજરે સાચા ઉંદર અને પ્લાસ્ટિક-રબરના મોટા મિકી માઉસની ખુબીઓ રજૂ થઇ છે. રમણો પિંજરામાં પુરાયેલા ઉંદરને છોડવા જવાનો ઉત્સાહ ધરાવે છે.પણ ત્રીજો ઉંદર ‘મિકી માઉસ’નો ખેલ ખતમ કરે એવી ગોઠવણ કરી રમણો એને ગામ જતો રહે છે. લેખકે સહજ લાગે એ રીતે વાત માંડી છે. ‘બાલ કાંડ’ બાર પૃષ્ઠ લાંબી વાર્તા છે. યુવાન દંપતી ત્રણ વર્ષ પછી નિ:સંતાન છે, એમની ડોકટરી તપાસ, વૃદ્ધ પિતાની નિસબત માતા દ્વારા રામચરિત માનસના બાલકાંડનો પાઠ-આ બધું સમાંતરે લેખકે ગોઠવ્યું છે. વાર્તા હેમખેમ પૂરી થાય છે. ‘સી.ઓ.પી.’ એટલે સોસાયટીનો ખુલ્લો પ્લોટ. મુશ્કેલીઓ વેઠીને પરાગ દસ વર્ષે ખુલ્લા પ્લોટ પાસેનું મકાન પામે છે. પણ હવે અહીં ટેમ્પો મુકાવા લાગ્યો છે, રાત્રે મજૂરો એમાં સૂઈ જાય છે. હોળી પર બધા ગામ જાય છે. પણ એક નથી જતો. ખભેથી સાડી ખોલતી મંજુ ભણી એની નજર ગયેલી. પરાગ ગુસ્સે હતો. અંતે જાણે છે કે આ મજૂરનું સઘળું ખતમ થઇ ગયું છે. ‘એ કહે છે કે ઘર જેવું છે જ ક્યાં હવે કે હોળીમાં જવું.’ સામાન્ય માણસ માટેની સહાનુભુતિ ‘સી.ઓ.પી.’ વાર્તામાં પ્રગટ થાય છે. મધ્યમવર્ગીય બુદ્ધિજીવીની કુદરતી જગ્યા માટેની એષણા પણ અહીં પ્રગટ થઇ છે. લેખકને પ્રથમ પુરુષ એકવચનમાં વાર્તા કહેવાની ફાવટ છે. એથી વસ્તુની વાસ્તવિકતા અંગે પ્રતીતિ જાગે છે. બોલી, પ્રશિષ્ટ ભાષા, અંગ્રેજી શબ્દો ઔચિત્યથી પ્રયોજાય છે. માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનો ઘણી વાર્તાઓમાં સંયોગ સધાય છે. ⬛

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો