તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટોરી પોઈન્ટ:આજ પછી ગામમાં સખણા રહેજો

9 દિવસ પહેલાલેખક: માવજી મહેશ્વરી
 • કૉપી લિંક

કંઈક ભસે તો ખબર પડે ને! ત્યાંથી આવ્યો છે ત્યારનો ઘરમાં ભરાઈને બેઠો છે. તારું કોઈએ અપમાન કર્યું છે કે પછી કોઈ અડવીતરાએ તને ક્યાંક ફસાવી દીધો છે? આખા ગામમાં વાતો થાય છે કે વટ્ટનો કટકો તમારો રણવીર બીધેલા બિલાડાની જેમ ઘરમાં કેમ ભરાઈ ગયો છે?’ રણવીર તેના ખાસમખાસ ભાઈબંધને જોઈ રહ્યો. ચા દેવા આવેલી રણવીરની પત્નીએ કહ્યું, ‘આ તમારા ભાઈબંધને કંઈક સમજાવો. જ્યારથી ગાંધીનગરથી આવ્યા છે ત્યારથી જાણે કોઈ ઓછાયામાં આવી ગયા હોય હોય તેમ ઘરમાં સૂતા રહે છે. કોઈનો ફોન પણ ઉપાડતા નથી.’ ‘ભાભી મનેય નવાઈ લાગે છે કે મારો ઊછળતા ઘોડા જેવો ભાઈબંધ ગાભણી ભેંસ જેવો કેમ બની ગયો છે?’ રણવીરના ભાઈબંધે તેને હસાવવાનો પ્રયત્ન કર્યો પણ રણવીરે માત્ર માંદલા માણસની જેમ જરાક હોઠ પહોળા કર્યા. કાલે પંચાયતમાં આવજે કહીને તેનો મિત્ર અટકચાળું કરતો ગયો, ‘એય હું ગામમાં સાદ ફેરવું છું કે આપણા સરપંચની જીભને લકવો પડી ગયો છે તે હવે ક્યારેય કશું બોલશે નહીં.’ રણવીર તેને જતો જોઈ રહ્યો. આંગણાંમાં આથમતા સૂરજનું છેલ્લું અજવાળું વેરાઈ રહ્યું હતું. રણવીર ધીરેથી ઊઠ્યો. દેશી ઢબના લાંબી ઓશરીવાળા તેના ઘરમાં ઊભેલા માતેલા સાંઢ જેવા મોટરસાઇકલને જોઈ ઘડીક તેને થયું કે તે મોટર સાઇકલને બહાર કાઢે. ગોગલ્સ ચડાવે અને હંમેશની જેમ શાનથી નીકળી પડે. પંચાયત ઘર ખોલાવી રાજાની જેમ પોતાની ખુરશી ઉપર બેસે. પણ તરત કેટલાંક દશ્યો તેની સામે આવ્યાં. તેણે આથમણે નજર કરી. મનમાં એક કડવાશ ઊભરી આવી. તેણે અવગણ્યું છતાં કિરીટની ઊંચી હવેલી જેવા મકાન સામે જોયા વગર રહેવાયું નહીં. કિરીટ જાણે રણવીરનો હરીફ બનીને જન્મ્યો હોય એવો માણસ. બેય સાથે ભણતા ત્યારે પણ કિરીટ રણવીરને પાછળ રાખી દેતો. રણવીર હંમેશાં મથ્યો તોય કિરીટથી આગળ થઈ શક્યો નહીં. આમ તો એમની વચ્ચે ભાઈબંધી છે એવું ગામને લાગતું. પરંતુ રણવીર જાણતો કે કિરીટની સામે એ હંમેશાં હાર્યો છે. છેલ્લે સરપંચની ચૂંટણીમાં કિરીટે એની સામે ફોર્મ ભર્યું હતું. આમ તો તાલુકા અને જિલ્લામાં રણવીરનું વજન પડતું હતું. તોય એને ફડકો પેઠો કે કિરીટને હળવાશથી લેવાય નહીં. તેણે તમામ જોર અજમાવી ચોકઠાં ગોઠવી લીધાં. ત્યાં જ અચાનક કિરીટે ફોર્મ પાછું ખેંચી લીધું. રણવીરને એ સમજાયું નહોતું કે કિરીટે ફોર્મ શા માટે પાછું ખેંચી લીધું. એટલું જ નહીં, કિરીટના ટેકેદારોએ પણ ફોર્મ પાછાં ખેંચી લીધાં. પંચાયત બિનહરીફ જાહેર થઈ. રણવીર ફૂલ્યો સમાતો નહોતો. તેની સરપંચાઈનો વટ્ટ પડવા લાગ્યો. જોકે તેણે બે વર્ષમાં ગામમાં ખાસ્સા એવા ફેરફાર પણ કરી દીધા. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ એનું નામ ચર્ચાવા લાગ્યું હતું. એવામાં ગાંધીનગર ખાતે પસંદ કરેલા સરપંચોનું સમેલન યોજાયું. જિલ્લામાંથી માત્ર આઠ સરપંચને પસંદ કરાયા હતા. એમા એક રણવીર હતો. રણવીરને હવે તાલુકા કે જિલ્લાની બેઠક હાથવેંતમાં દેખાવા લાગી. તે કાળી જીપ લઈને નીકળી પડ્યો એકલો. જિલ્લાના પ્રમુખે તેને ફોન કરીને ખાસ કહ્યું હતું કે ‘સૌ પહેલા મને મળજે.’ તે પોતાનાં સફેદ કપડાં ખંખેરી કાળા ગોગલ્સ ચડાવીને બેઠકરૂમમાં પહોંચ્યો તે સાથે જ તેની આંખને ધક્કો વાગ્યો. જિલ્લા પ્રમુખની બાજુમાં જ કિરીટ બેઠો હતો. એટલું જ નહીં પંચાયતના ચાર સભ્યો પણ બેઠા હતા. રણવીરને થયું કે આમને કોણે નોંતર્યા છે? તેણે જિલ્લા પ્રમુખ સામે સ્મિત કર્યું. સામે વ્યંગભર્યા શબ્દો આવ્યા, ‘આવો આવો સરપંચ પધારો. સાંભળ્યું છે તમે આજકાલ કિરીટ સામે અવળા ચાલો છો? જુઓ મારે તમને ફોનથી આ વાત કહેવી હતી પણ તમે લોકો બહુ હોશિયાર છો એટલે અહીં જ બોલાવી લીધા. મારે કહેવું નહોતું પણ કહેવું પડે છે કે કિરીટે તમારાથી બીને ફોર્મ પાછું નથી ખેંચ્યું, મારા કહેવાથી ખેંચ્યું છે. તમે ગમે એટલા છેડા લગાડ્યા હોત તોય કિરીટ સામે જીતી શકત નહીં. એટલે આજ પછી ગામમાં સખણા રહેજો. સમજી ગયાને?’ રણવીર બધું સમજી ગયો. ⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો