મસ્તી-અમસ્તી:‘ઈંગ્લિશમાં સ્પીકો’ ચેલેન્જ

24 દિવસ પહેલાલેખક: રઈશ મનીઆર
  • કૉપી લિંક

હમણાં દસેક દિવસ પહેલા ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ હતો. સાંધ્યસભામાં ચર્ચા થઈ, ‘કલ્ચર અને રૂટ્સ સાથે કનેક્ટેડ રહેવા માટે માતૃભાષા ઈઝ મસ્ટ!’ અને ખાસ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો, ‘ગુજરાતી કોન્વર્સેશન ચાલતું હોય ત્યારે અન-નેસેસરી અંગ્રેજી વર્ડ્સો ઘૂસાડનારાને હેંગ કરી દેવા જોઈએ!’ પછી ‘હેંગ’ની શરત હળવી કરીને એક અંગ્રેજી શબ્દ દીઠ એક રૂપિયો દંડની જોગવાઈ કરી તો સાંજ સુધી હજાર રૂપિયાનું ફંડ ભેગું થઈ ગયું. આખો દિવસ દંડ બચાવવા પતિદેવોને શુદ્ધ ગુજરાતી બોલતાં સાંભળી બહેનો પણ રણે ચડી અને શાંતિલાલની પુત્રવધુ શશીકાંતાએ સોશિયલ મીડિયા પર બહેનો માટે ‘ઈંગ્લિશમાં સ્પીકો’ ચેલેન્જ મૂકી. શશીવહુનું સોસાયટીમાં ‘શશી થરૂર’ જેટલું માન હતું. શશીવહુએ બીજા દિવસે સવાર સવારમાં મીટિંગ ભરીને બહેનોને અંગ્રેજી શીખવવા માંડ્યુ. સોસાયટીમાં નવા રહેવા આવેલા મિ. જરીવાલાની વાઈફને એણે શીખવ્યું કે કોઈ મળે તો ‘હાઉ આર યૂ?’ પૂછવાનું, સામેથી જવાબ આવશે ‘આઇમ ફાઈન’ તો એને જવાબ આપવાનો કે ‘મી ટૂ!’ ત્યાં જ હેમાબહેન આવ્યાં. મિસિસ જરીવાલાએ હેમાબહેને પૂછ્યું, ‘હૂ આર યૂ?’ બિચારી એમ પૂછવા માગતી હતી કે ‘હાઉ આર યૂ?’ પણ ભૂલમાં ‘હૂ આર યૂ?’ બોલાઈ ગયું. હેમાબહેને પોતાની નારીસ્વાતંત્ર્યવાળી ઓળખ કોરાણે મૂકીને જવાબ આપ્યો, ‘આઇમ હસુ’ઝ વાઈફ!’ મિસિસ જરીવાલા ગોખેલું બોલી, ‘મી ટૂ!’ મનસુખ સટોડિયાની દીકરી મંદાકિની ઉર્ફે મંદી બોલી, ‘આપણે આપણી ‘ઈંગ્લિશ સ્પીકો’ની મીટિંગ કોઈ ‘સસ્પિસિયસ’ જગ્યાએ ભરવી જોઈએ!’ વાતાવરણમાં ગરમાટો વ્યાપી ગયો. એની બહેન તેજલ ઉર્ફે તેજીએ ખુલાસો કર્યો, ‘મંદી એમ કહેવા માગતી છે કે મીટિંગ કોઈ ‘સ્પેસિયસ’ જ્ગ્યાએ ભરવી જોઈએ.’ બધાને એક્સરસાઈઝ તરીકે પોતાની હોબી વિશે અંગ્રેજીમાં બોલવાનું કહેવામાં આવ્યું. કુમુદકુમારી બોલ્યાં, ‘આઈ લાઈક કૂકિંગ માય ફેમિલી એન્ડ માય પેટ્સ!’ મિસિસ જરીવાલા બોલી ઊઠ્યાં, ‘અરે! આ બહેનને એક ખતરનાક, હિંસક અને ક્રૂર માંસાહારી હોબી છે. કૂકિંગ ફેમિલી એન્ડ પેટ્સ! પરિવારજનો અને પાલતૂ પ્રાણીના ટુકડા કરી રસોઈ બનાવવાની હોબી!’ કુમારી કુમુદબહેને કહ્યું, ‘આમાં મારી એક નહીં ત્રણ લાઈકિંગની વાત છે. પહેલું રસોઈ, બીજો પરિવાર અને અને ત્રીજું પાળેલા પ્રાણી.’ શશીવહુ બોલ્યાં, ‘ભલે આપણું ઈંગ્લિશ વીક છે પણ આપણે આખું વીક ‘સ્પીકો ઈંગ્લિશ વીક’ ઊજવીશું.’ શશીવહુ બીજા દિવસે મારા શ્રીમતી પાસે કાતર માગવા આવી, કહે, ‘ડૂ યૂ હેવ કાતર્સ?’ શશીવહુને જરૂર ન હોય ત્યાં પણ બહુવચન કરવાનો બહુ શોખ. હું એને માટે કાતર્સ શોધવા લાગ્યો, તો એ શ્રીમતીજીને કહેવા લાગી, ‘યોર હસબન્ડ્સ આર વેરી નાઈસ!’ એ ગઈ પછી સાંજે કાતરિયામાંથી કાતર્સ મળી. એટલે હું એના ઘરે આપવા ગયો. મને કહે ‘અંકલ્સ આવો, ચેર્સ પર બેસો, ટીઝ કે કોફીઝ શું પીશો? આન્ટીઝ મજામાં?’ હું મનમાં બોલ્યો, ‘એક જ આન્ટી છે, હું મજામાં ન રહું એ માટે એક જ કાફી છે.’ એટલીવારમાં એનો પુત્ર ‘તેજ’ સ્કૂલથી આવ્યો, ‘લાઈટ! ડૂ યોર હોમ વર્ક. ફાસ્ટ!’ મને થયું, તેજ એટલે લાઈટ પણ થાય અને ફાસ્ટ પણ થાય. એના પતિનું નામ સુરેન્દ્ર, પણ શશીવહુ એને surrender કહીને જ બોલાવતી અને સુરેન્દ્ર કાયમ surrender કરતો પણ ખરો. મેં પૂછ્યું, ‘આમ તમે પુત્રને લાઈટ અથવા ફાસ્ટ કહો અને પતિને સરેન્ડર કહો તો એ સમજી જાય?’ ‘ના ના, મારા દીકરાને હું ‘ડર્ટી બોય’ કહીને જ બોલાવું છું. યૂ સી, ક્લીનતાની હેબિટ પડે એ માટે!’ અગાઉ શ્રીમતીજીએ મને જણાવ્યું હતું કે શશીવહુ મૂડમાં હોય ત્યારે એના પતિને ‘નૉટી બોય’ કહે છે. તેથી એકવાર એનો દીકરો સ્કૂલમાં પરિચયમાં એમ બોલી આવેલો કે માય નેમ ઈઝ ડર્ટી બોય. માય ફાધર્સ નેમ ઇઝ નૉટી બોય. મેં એની રજા માગી. મને કહે, ‘સીટ ફૉર અ બીટ! કાતર્સનું કામ પતી જ જશે, એ લઈને જ જાવ.’ હું બેઠો. કાતરથી કપડું વેતરતાં એ એના દીકરાને ભણાવવા લાગી. શશીનો દીકરો તેજ ભણવાને બદલે બહાર બચ્ચા સાથે હૂપાહૂપ કરી રહેલ પોતાની દૂરની પૂર્વજ વાંદરી પર ધ્યાન આપી રહ્યો હતો. શશીવહુ ગુસ્સે થઈ બોલી, ‘વ્હાય આર યૂ લૂકિંગ એટ મંકી-મધર્સ આઉટસાઈડ્સ વ્હેન આઇમ ઇનસાઈડ્સ!’ પછી ગુસ્સે થઈ કહેવા લાગી, ‘યૂ એન્ડ યોર ફાધર્સ ઓલ્વેયઝ ડૂ કર્ડસ ઑફ માય બ્રેઈન્સ!’ દીકરાએ સ્કૂલથી આવી શર્ટ લટકાવવાને બદલે આમતેમ નાખી દીધો હતો એના પર નજર પડી. શશીવહુ ગુસ્સામાં બોલી, ‘હેંગ યોર શર્ટ્સ અધરવાઈઝ આઈ વિલ હેંગ માયસેલ્ફ!’ હું ડરી ગયો. પણ એ એમ કહેવા માગતી હતી કે તું શર્ટ ટીંગાડે કે હું ટીંગાડું. મેં વાત બદલવા પૂછ્યું, ‘શશી, તારા સાસુ-સસરા-પતિ ક્યાં છે?’ ‘ફાધર્સ ઈન લો પીસ-ફાધર(શાંતિબાપા) શોપ્સથી આવ્યા નથી અને મધર્સ ઈન લો ફ્લાવરમધર(પુષ્પામમ્મી) ટેમ્પલ્સ ગયા છે.’ પુષ્પા(ભાભી)ની વહુનો ‘સાલા ઝૂકેગા નહીં’ એટિટ્યૂડ જોઈ મારા હેડ્સમાં સણકા, બેક્સમાં ચસકા, બટ્સ પર ચટકા અને હાર્ટ્સમાં ભડકાનો સહિયારો અનુભવ થતા મેં એક્ઝિટ્સ લીધી. આટલા બધા પ્લુરલ્સ સાંભળી મને પણ વિચાર આવ્યો કે આપણે બધા માનવીઓ પણ હિંદુઝ અથવા મુસ્લિમ્સ ટોળાનો ભાગ બની સહુ પ્લુરલ્સ તરીકે જ જીવી રહ્યા છીએ ને! ક્યાંય છે કોઈ સિંગ્યુલર માનવી? ⬛amiraesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...