માય સ્પેસ:‘સ્પા’ અને ‘હમામ’ : અનીતિનો ધીકતો વ્યાપાર

કાજલ ઓઝા વૈદ્ય7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતી સામાન્ય રીતે વ્યાપારી પ્રજા તરીકે ઓળખાય છે. પૈસા કમાવા એ મોટા ભાગના ગુજરાતીઓનો ‘શોખ’ છે. વ્યાપારના સમયે ગુજરાતી કોઈ ‘મસાજ પાર્લર’, ‘સ્પા’ કે ‘હમામ’ના વેઈટિંગમાં બેઠેલો દેખાય તો સહજ રીતે નવાઈ લાગે. જોકે, હવે આ બહુ આશ્ચર્યજનક દૃશ્ય નથી રહ્યું. યુવાન અને આધેડ વયના કેટલાય પુરુષો આવા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલા ‘સ્પા’ કે ‘મસાજ પાર્લર’માં જોવા મળે છે. એની સાથે સાથે છેલ્લા કેટલાય સમયથી લગભગ દર અઠવાડિયે સમાચારોમાં ‘સ્પા’માંથી ઝડપાયેલા ગેરકાયદે ચાલતા વ્યવસાય વિશે વાંચતાં અને સાંભળતાં રહીએ છીએ. ગુજરાતના અનેક મોટા શહેરોમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સીસમાં ‘સ્પા’ના નામે એક નવા જ પ્રકારનો વ્યવસાય શરૂ થયો છે. બધા જ ‘સ્પા’ કે ‘મસાજ પાર્લર’ આવા ખોટા વ્યવસાય કે ગેરકાયદે ચાલતા સેક્સવર્કર્સના ધામ છે એવું નથી, પરંતુ એના નામ નીચે જે થઈ રહ્યું છે એ નજરે દેખાય એવું અને ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ માટે એક ચિંતાજનક પ્રશ્ન છે. કેટલાક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આંટો મારીએ તો સમજાય કે, ચાઈનીઝ, આસામીઝ અને સેવન સિસ્ટરના પ્રદેશમાંથી આવેલી કેટલીય છોકરીઓની સાથે સાથે બિનગુજરાતી અને ક્યારેક ગુજરાતી છોકરીઓ પણ આ ‘સ્પા’ના નામે ચાલતા ગોરખધંધાનો હિસ્સો બની ચૂકી છે. આ વિશે કોઈ ન જાણતું હોય એવું શક્ય નથી, કારણ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સની વચ્ચોવચ આવેલા આવા ‘સ્પા’ અને ‘હમામ’માં ખરા બપોરે કે વર્કિંગ અવર્સ દરમિયાન મુલાકાત લેનારા મુખ્યત્વે પુરુષો જ કેમ છે? આવા ‘સ્પા’ કે ‘હમામ’માં આપણને ભાગ્યે જ સ્ત્રી ગ્રાહકો જોવા મળે છે... એ વિશે કોમ્પ્લેક્સની લગભગ દરેક વ્યક્તિ જાણતી હોવા છતાં સૌ ચૂપ રહીને આ ગેરકાયદે પ્રવૃત્તિ તરફ આંખ આડા કાન કરી રહ્યા છે. ર. વ. દેસાઈ નામના ગુજરાતી ભાષાના મૂર્ધન્ય લેખકે ‘અપ્સરા’ નામના પુસ્તકમાં (પાંચ ભાગ) ગણિકા વ્યવસાય વિશે છેક ગ્રીસની સંસ્કૃતિથી શરૂ કરીને દેવદાસીઓ અને મુંબઈની ફોકલેન્ડ રોડ-ખેતવાડી અને ગ્રાન્ટ રોડની બજારો સુધી ચાલતા સેક્સ વર્કિંગના વ્યવસાય વિશે વિસ્તૃત શોધ-નિબંધ લખ્યો છે. કલકત્તાની સોનાગાચ્છી કે લખનઉના અને બનારસના મુજરા વ્યવસાય આપણે માટે કોઈ તિરસ્કાર કરવા જેવી બાબત નથી, કારણ કે આવા પ્રકારના વ્યવસાય માટે કોઈ જુદો વિસ્તાર કે જુદી જ ગલીઓ ફાળવવામાં આવતી હતી. સેક્સ વર્કિંગ મોટા ભાગે સ્વેચ્છાએ પસંદ કરેલો વ્યવસાય નથી હોતો. સેક્સ વર્કર, ગણિકા, વેશ્યા, નગરવધૂ, દેવદાસી જેવા શબ્દો આપણે સાંભળતા આવ્યા છીએ. આનંદ બક્ષીએ ફિલ્મ ‘અમર પ્રેમ’ના ગીતમાં લખ્યું છે, ‘હમ કો જો તાને દેતે હૈ, હમ ખોયે હૈ ઈન રંગરલિયોં મેં, હમને ઉનકો ભી છુપ છુપ કે આતે દેખા ઈન ગલિયોં મેં...’ જો ગણિકા આ સમાજનું પાપ હોય, તો એ પાપને ઊભું કરનાર કોણ છે? મોટા ભાગની સ્ત્રીઓ શોખથી શરીર વેચવા તૈયાર થતી નથી ને જેમ હું હંમેશાં પૂછું છું એમ આજે પણ પૂછું છું કે વેચનાર જો પાપી છે તો ખરીદનારને પાપી ગણવા કે નહીં? પોલો કોયેલોની નવલકથા ‘ઈલેવન મિનિટ્સ’માં શરીર વેચીને કમાવા ગયેલી એક છોકરી મારિયા પોતાની ડાયરીમાં લખે છે, ‘અહીં આવનારા લોકો ડરે છે, પણ મને સવાલ થાય છે એ કોનાથી ડરે છે? ડરવું તો મારે જોઈએ. હું મોડી રાત્રે ક્લબની બહાર અજાણી હોટેલમાં એમની પાસે જાઉં છું. મારી પાસે હથિયાર નથી હોતું કે મર્દ જેવી તાકાત પણ નથી... આ મર્દ સ્ત્રીને મારી શકે છે, એના પર બૂમો પાડી શકે છે. દર્દ આપી શકે છે, બળાત્કાર કરી શકે છે, પણ એ પોતાની જ વાસના સામે લડી શકતા નથી માટે ડરે છે! એ ડરે છે કારણ કે, એને ખબર છે કે એની વાસના-એનું પાપ-એની આ તીવ્ર પુરૂષએષણા જો શરીરની બહાર કાઢી નાખવામાં નહીં આવે તો એ જાનવરમાં પરિવર્તિત થઈ જશે. એ ડરે છે કારણ કે અમારા જેવી સ્ત્રીઓ એમનામાં રહેલા એ જાનવરને નાથી શકવાની ક્ષમતા ધરાવે છે.’ ક્યારેક વિચારીએ તો સમજાય કે, સેક્સ વર્કરનું કામ કરતી આ મજબૂર સ્ત્રીઓ ન હોત, તો બળાત્કારની સંખ્યા આ દેશમાં છે એના કરતાં કેટલી વધુ હોત? અહીં આપણે જે વાત કરી રહ્યા છીએ એ આવી મજબૂર, ઉઠાવી લવાયેલી કે વેચી નાખીને ફસાવી દેવામાં આવેલી સ્ત્રીઓની પીડા વિશે વાત નથી કરતા. છેલ્લા થોડા સમયથી આપણે જે કંઈ જોઈ રહ્યા છીએ એ ચિંતાજનક છે, કારણ કે જે લોકો પોતાની જાતને ‘સંસ્કૃતિ’ના રખેવાળ ગણાવીને સફળ, હિંમતવાળી કે અવાજ ઉઠાવનારી સ્ત્રીઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવા નીકળી પડે છે એ લોકો આવા કહેવાતા ‘સ્પા’ના અડ્ડાઓ વિશે કંઈ કરવા તૈયાર નથી... મહેનત કરતી અને આપબળે, પોતાના બુદ્ધિ-સંઘર્ષથી આગળ આવેલી સ્ત્રીઓ વિશે મોટા ભાગના લોકોને ઘણું કહેવાનું હોય છે, પરંતુ આવા અનીતિના ધામ વિશે પોતાના સોશિયલ મીડિયા પર લખવાની આવા પુરુષોની હિંમત કેમ નથી હોતી? આવા ‘સ્પા’માં કામ કરતી બધી જ સ્ત્રીઓ ‘સેક્સ વર્કર’ છે? ના, બિલકુલ નહીં. કેટલાક સાચા અર્થમાં જેન્યુઈન અને ખરેખર મસાજ પાર્લર તરીકે સેવા આપતા હેલ્થ સેન્ટર્સ છે જ... પરંતુ, એમના અને આવા ઓઠા હેઠળ ચલાવવામાં આવતા અનીતિના ધામ વચ્ચે ભેદ કેવી રીતે પાડવો? ગુજરાતના કેટલાય યુવાનો ફક્ત સિગારેટ, તમાકુ, બીડી કે વીડ નહીં, બલ્કે આવા સેક્સના રવાડે ચડી રહ્યા છે. બે-ચાર અનીતિના ધામ પર દરોડા પાડવાથી કે ત્યાં બેઠેલા ગ્રાહકો અને ‘સેવા’ આપતી સ્ત્રીઓને પકડવાથી શું ખરેખર આ પ્રવૃત્તિ અટકાવી શકાશે? સત્ય તો એ છે કે, આવા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં દુકાન કે ઓફિસ ભાડે આપતાં પહેલાં આ ‘સ્પા’ કે ‘મસાજ પાર્લર’ની સચ્ચાઈ ચકાસવી જોઈએ. એક વાર કદાચ ભૂલ થઈ પણ જાય તો કોમ્પ્લેક્સના સર્વ મેમ્બર્સે ભેગા થઈને આવી પ્રવૃત્તિ સામે વિરોધ નોંધાવવો જોઈએ. સ્ત્રીએ કેવા કપડાં પહેરવાં, શું બોલવું અને કેમ જીવવું એ વિશે ‘વિશેષ ટિપ્પણી’ કરતા રહેતા નવરેશોએ ગુજરાતી સંસ્કૃતિને જો ખરેખર બચાવવી હોય તો આ વિશે વિચારવા જેવું છે. ⬛kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...