તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાહિત્ય વિશેષ:‘સોરઠ, તારાં વહેતાં પાણી’ અને ‘તુલસી-ક્યારો’

રઘુવીર ચૌધરી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેખક આખા સોરઠને બાથમાં લેવા ગયા છે. એ માટે કોઇ એક પાત્રને નાયક બનાવ્યો નથી

આ 346 પૃષ્ઠની કથા ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ 1937માં પ્રગટ થયેલી, પણ લેખકે આ સદીના બીજા દાયકાનું વાતાવરણ આલેખ્યું છે. એ અર્થમાં લેખક એને ઇતિહાસ કથા કહે છે : ‘એ ઇતિહાસ વ્યક્તિઓનો છે અને નથીયે, પણ સમષ્ટિનો ઇતિહાસ તો એ છે જ. કેમ કે ઇતિહાસ જેમ વિગતોનો હોય છે, તેમ વાતાવરણનો પણ હોઇ શકે છે અથવા વિગતો કરતાં પણ વાતાવરણની જરૂર ઇતિહાસમાં વિશેષ છે – જો એ જનસમૂહનો ઇતિહાસ બનવા માગતો હોય તો જ બેશક.’ (પ્રસ્તાવના પૃ. 7) મેઘાણી પોતે ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ને વાતાવરણપ્રધાન નવલકથા કહીને ઇતિહાસ સાથે એનો સંબંધ જોડે છે. એનું બીજું કારણ પણ છે. એમના પરિચયમાં આવેલી કેટલીક વ્યક્તિઓની છાયા એમણે ઝીલી છે. જેમનો ઉલ્લેખ પણ એમણે કર્યો છે. એ અંજલિ આપવાની એક રીત છે. આ એક કથામાં લેખક આખા સોરઠને બાથમાં લેવા ગયા છે. એ માટે કોઇ એક પાત્રને નાયક બનાવ્યો નથી. પિનાકી, શેઠ, સપારણ અને સુરેન્દ્રદેવનાં પાત્રોને લેખકે અંત ભાગમાં તરતાં મૂક્યાં છે, પણ એ પૂર્વે પિનાકીના દાદા મહીપતરામને, તો ક્યારેક કિશોર પિનાકીને કેન્દ્રમાં રાખીને ઘટનાઓ આલેખી છે. ખેતી કરતા નિર્ભય શેઠ અને અંગ્રેજ સરકારની ખુશામદથી દૂર રહીને, પોતાને ખેડૂત તરીકે ઓળખાવી છેવટે ગાદી છોડતા સુરેન્દ્રદેવ ગુણાનુરાગી વાચકોનો વિશેષ પક્ષપાત મેળવી જાય છે. સપારણનું પાત્ર એનું યાદગાર ઉદાહરણ છે. સોરઠની જુદી જુદી કોમોમાં નિરપવાદ પ્રગટતા ખમીરને આલેખવા, લેખકનો પ્રિય ભાવ ‘શૌર્ય’ અહીં પણ ઝળકી ઊઠે એ માટે, મોટા ભાગનાં પાત્રો પોલીસખાતાંમાંથી અને બહારવટિયાઓમાંથી લીધાં છે. શૌર્યને ઉપકારક હિંસા થતી રહે છે. કાયરની હિંસાનું સ્વરૂપ એમણે સામાજિક-અસામાજિક સંબંધોની વાત કરતાં વર્ણવ્યું છે, પણ અપવાદરૂપે પોતાની ટેક ખાતર ફોજદારી ખાતાંની નોકરી છોડતા મહીપતરામ ભાંગી પડે અને મૃત્યુ પામે એમાં સમાજ તરફ અંગુલિનિર્દેશ છે, પરંતુ એ અનિવાર્યતા લાગતી નથી. કોર્ટમાં સપારણ દ્વારા એમને મળેલી અંજલિ પછી એમનું તૂટતું મનોબળ સ્ફૂર્તિ પામે એ શક્યતા જતી કરીને, એમની બીમારી અને મૃત્યુને સુરેન્દ્રદેવની કદરદાનીના પ્રસંગો પૂરા પાડવા ખપમાં લેવાયાં છે. સપારણ હિન્દુ છે, એ બિનજરૂરી રહસ્યસ્ફોટ છે. કદાચ સ્વીકાર્ય બને એવી વાસ્તવિકતાના ભાગ તરીકે લેખકે એ કડી મેળવી હશે. શિષ્ટ ભાષા અને લોકભાષાનું મિશ્રણ વાચક માટે ભાષાને સરળ રાખે છે ને સોરઠનાં માણસોના લહેકાનો આભાસ આપે છે. વર્ણનમાં ઉપમાઓ અતડી પડી જાય છે અને સર્જકતાની ઊણપ સૂચવે છે. ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ પ્રાદેશિક નવલકથાની નવી શક્યતા સૂચવે છે. સુબદ્ધ વસ્તુ-સંકલનના આગ્રહને આ કથા પડકારે છે. લેખક જે સૃષ્ટિ આલેખવા માગે છે એમાં રૂઢ સંકલનાને સ્થાન ન હતું. અહીં એક પ્રકરણ બીજા પ્રકરણ સાથે મુક્ત સાહચર્ય ધરાવે છે અને નાની-નાની અસંખ્ય ઘટનાઓ એક વાતાવરણ ઊભું કરે છે, જેમાં ધરતીનું ધાવણ પીને ઊછરેલું ખમીર એની કેસરિયા અદાથી ઓળખાય. આમ કરવામાં લેખકે પાત્ર-માનસનો શરતી ઉપયોગ કરવો પડ્યો છે. પરિણામે પાત્રો લેખકની જરૂરિયાત પ્રમાણે જીવે છે, પ્રવેશે છે, જાય છે. 1940માં પ્રગટ થયેલી લેખકની ચોથી નવલકથા ‘તુલસી-ક્યારો’ (પૃ. 330)નો આરંભ એવી છાપ ઊભી કરે છે કે પાત્રો પોતાની સત્તા સ્થાપશે. બીજા ખંડમાં ભદ્રાને સંભળાતી વાતચીતમાં ભાસ્કર સંકુલ ચરિત્રની શક્યતા ધરાવે છે, પણ લેખક એનો નિર્વાહ કરી શક્યા નથી. એમણે પોતે આપેલી ઓળખ પ્રમાણે એ અસામાન્ય શક્તિઓ ધરાવે છે, પણ લગ્ન કરાવી આપનારો પોતે લગ્ન કરી શક્યો નથી એ આધારે એનું અતૃપ્ત માનસ આલેખવામાં સમતુલા જળવાઇ નથી. ‘તુલસી-ક્યારો’ એક કુટુંબકથા તરીકે નોંધપાત્ર કૃતિ છે. ભાસ્કર સિવાય બધાં પાત્રો એક જ કુટુંબના છે. પિતા સોમેશ્વર માસ્તર અને પુત્ર પ્રોફેસર વીરસુતનાં વલણોમાં બે પેઢીઓ વચ્ચેનું અંતર વિધવા પુત્રવધૂ ભદ્રાની આદર્શ-પરાયણતા અને સ્વસ્થતાની મદદથી દૂર કરવામાં આવ્યું છે. ઘર છોડ્યા પછી પારકા સંતાનની માતા બનનાર પત્ની કંચનને વીરસુત સ્વીકારે એવી સ્થિતિ ઊભી કરવામાં મામા જ્યેષ્ઠરામનો ફાળો ઘણો છે. એમના વલણમાં સામાજિક સંબંધોના નગ્ન સ્વરૂપની ઓળખ છે. વાર્તા કહેવાની લેખકની આવડત ભૂલી શકાય એમ નથી. ક્યાંક અભિવ્યક્તિની ઊંચી ક્ષમતા પણ જોવા મળે છે. ઉત્તરાર્ધમાં કૃતિની સંકલના જોખમાઇ ન હોત તો ‘તુલસી-ક્યારો’ પ્રથમ પંક્તિની કુટુંબકથા બનત. ભદ્રા જેવું પાત્ર હોવા છતાં ‘કંચનને હમેલ’ અને ‘બાકીનું તપ’ જેવી યુક્તિઓ વાપરીને નાયક-નાયિકાનું મિલન યોજ્યું છે, પણ પાત્રો વચ્ચે આંતરિક સંબંધ પર્યવસાયી બનતો નથી. જુદા-જુદા અંત સૂચવતા વાચકોના પત્રો કથા-લેખનમાં સમાજને ભાગીદાર બનાવવાના પ્રયોગ તરીકે નોંધપાત્ર છે તેમ અંત વિશે લેખકની દ્વિધા પણ સૂચવી દે છે. (ગુ. ન. 11)⬛

અન્ય સમાચારો પણ છે...