‘ડૉક્ટર, આ મિનોલીને હું તો સમજાવી-સમજાવીને થાક્યો. હું જ્યાં જાઉં ત્યાંથી એને સતત અપડેટ કરતો રહું છું, કે હું આ જગ્યાએ છું, મને આટલી વાર લાગશે, મારી સાથે કોણ-કોણ છે... પણ એ માને જ નહીં ને! પછી મારે એને વૉટ્સ-એપ પર કોલ કરીને સાબિતી આપવી પડે. જો કાર ચલાવતો હોઉં તો હોર્ન મારીને સાબિત કરવું પડે કે હું કાર ચલાવું છું. એ મારી ગમે તે મીટિંગમાં વચ્ચે ફોન કરે તો મારે એનો કોલ ઉપાડવો જ પડે નહીંતર મહાભારત થઇ જાય. એક વખત કોણ જાણે કેમ, એણે મારા શર્ટ પર એક લાંબો વાળ જોઇ લીધો હતો. બસ આવી બન્યું.... ત્યાર પછી એની શંકા વધી ગઇ છે. મારે રોજ સાંજે સાત વાગે ઘરમાં પગ મૂકી જ દેવાનો. છ વાગે ફેક્ટરીથી નીકળું. ઘરે જવાનો રસ્તો પિસ્તાલીસ મિનિટનો છે. ભગવાન ન કરે ને સહેજ મોડું થયું તો મારું તો આવી જ બને. મારી ફેક્ટરી પર માણસોને ફોન કરીને પૂછી લે, ‘સાહેબ કેટલા વાગે નીકળ્યા હતાં? રસ્તામાં બીજે ક્યાંય જવાના હતાં? ગાડીમાં બીજું કોઇ હતું કે સાહેબ એકલા જ હતાં?’ મારો સ્ટાફ પણ શરૂઆતમાં આશ્ચર્ય સાથે મને જણાવી દેતો કે મેડમનો આવો ફોન હતો. પણ, હવે તો કદાચ એમને પણ ખબર પડી ગઇ છે કે, મૅમ આપણા સાહેબ ઉપર નજર રાખી રહ્યા છે. આઇ એમ શ્યોર કે, ક્યારેક એ લોકો મારી ગેરહાજરીમાં મારી મજાક પણ ઉડાવતા હશે. હું આ બધું જાણું છું પણ જ્યારે આપણો જ રૂપિયો ખોટો હોય તો બીજાને શું દોષ દેવો? હું મિનોલીને સમજાવીને થાક્યો કે, હું કામમાં એટલો બધો બિઝી હોઉં છું કે આવા કોઇ ફાલતુ લફરાં માટે મારી પાસે ટાઇમ જ નથી. ડૉક્ટર, સાચું કહું છું, હું એવો માણસ નથી. તમે પ્લીઝ કોઇ રસ્તો કાઢો.’ નીરવ ત્રાસેલો જણાતો હતો. આમ, તો આવા કિસ્સામાં બંને પતિ-પત્નીના સ્વતંત્ર ક્લિનિકલ ઇન્ટરવ્યૂ લેવામાં આવે અને પછી જ ચિકિત્સા કાર્ય આગળ વધે. નીરવની વાત સાંભળ્યા પછી એવું જણાયું કે, એ બીજી બધી રીતે તો નોર્મલ છે પણ ફેમિલીને ઓછો ટાઇમ આપે છે. બીજી બાજુ મિનોલીની હિસ્ટ્રી લેતાં ઘણી મહત્ત્વની વાતો બહાર આવી. મિનોલીના બાળપણમાં ડોકિયું કરતા જણાયું કે, પોતે બાર વર્ષની હતી ત્યારે એના પિતાને એમની ઓફિસની સેક્રેટરી સાથે એકસ્ટ્રા મેરિટલ અફેર હતું. બંને વચ્ચે વારંવાર ઝઘડા થતાં હતાં. મિનોલી આ કંકાસની સાક્ષી હતી. એક વખત એના પપ્પા કોઇને કશું જ જણાવ્યા વગર એ સેક્રેટરી સાથે શહેરથી દૂર ક્યાંક જતા રહ્યા. જતાં પહેલાં એમણે એક ચિઠ્ઠી લખી હતી અને એવું જણાવ્યું હતું કે હવે એમને કોઇ સાથે સંબંધ નથી. આ ચિઠ્ઠી વાંચી અને તરત જ મિનોલીના મમ્મીએ પણ એક ચિઠ્ઠી લખી. એ ચિઠ્ઠી સુસાઇડ નોટ હતી. પછી તરત મિનોલીની મમ્મીએ એમના બેડરૂમમાં સુસાઇડ કર્યું હતું. એ સુસાઇડ નોટમાં મિનોલીની મમ્મીએ બે સલાહ લખી હતી. એક, ‘મિનોલી બેટા, તું ક્યારેય લગ્ન ના કરીશ. આ પુરુષ જાતનો કોઇ વિશ્વાસ નથી.’ અને બીજું, ‘તારી નાની બહેનોની બધી જ જવાબદારી તને સોંપીને હું આ દુનિયામાંથી જઉ છું. આમ તો ભગવાન પર ભરોસો નથી રહ્યો પણ, કદાચ આવતા જન્મે ફરી તમારી મા બનવાનું ઇચ્છીશ.’ મિનોલી પોતે ત્રણ બહેનોમાંની સૌથી મોટી બહેન એટલે બંને નાની બહેનોની બધી જ જવાબદારી માતાની જેમ નિભાવી હતી. કોઇ પણ પિતાને આમ તો દીકરીઓ વહાલી હોય પણ, અહીંયા ચિત્ર સાવ જુદંુ જ હતું. આ બધી ઘટનાઓને લીધે હંમેશાં માટે મિનોલીને એના ફાધર માટે અનિવાર્ય અણગમો અચેતન માનસમાં બેસી ગયો હતો. કોલેજમાં આવી ત્યારે એના બોયફ્રેન્ડે પણ એકાદ વર્ષ પછી એને છોડી દીધી. એ વખતે પણ મિનોલી હળવા ડિપ્રેશનનો ભોગ બની હતી. પછી તો એના મનમાં એવી માન્યતા દૃઢ થતી ગઇ કે ‘બધા પુરુષો ખરાબ જ હોય છે.’ મિનોલીની પુરુષો પ્રત્યેની વિચારધારામાં જ ખામી હતી, મનોવિજ્ઞાનમાં આને ‘ઓવર જનરલાઇઝેશન’નો બિહેવિયર પ્રોબ્લેમ કહેવાય છે. થોડા એકસરખા અનુભવો પરથી બહુ બધા લોકો માટે કોઇ સામાન્ય અનુમાન બાંધી લેવું ક્યારેક વધુ પડતું હોય છે. પોતાના આવા ખામીયુક્ત વિચારમાળખાને લીધે વ્યક્તિ સતત અસલામતી અનુભવ્યા કરે. આવું લાંબો સમય રહે તો પોતાના નજીકના ચોક્કસ વ્યક્તિઓ પ્રત્યે શંકા-વહેમનો જન્મ થાય અને જો આ વિચારધારા લાઇફ-પાર્ટનર પર લાગુ પડી જાય તો લગ્નજીવનમાં સંઘર્ષો ઊભા થાય. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આવા વિકૃત સામાન્યીકરણને લીધે કંઇકેટલાય લોકો પાયા વગરની માન્યતાઓથી પીડાતા હોય છે. પોતાના મનમાં અન્ય વ્યક્તિ વિશેની પૂર્વધારણાઓ આપણને ચોક્કસ પ્રકારનું વર્તન કરવા પ્રેરે છે. આમાં પૂર્વગ્રહો તો બંધાતા જાય છે, પણ સંબંધો તૂટતા જાય છે. ધીરે ધીરે બધા લોકોને કોઇ ચોક્કસ બોક્સમાં મનોમન ગોઠવી દેવાની આદત પડી જાય છે. આવું ઇમોશનલ લેબલિંગ પોતાના અર્થઘટન પર મોટી અસરો જન્માવે છે. સામેની વ્યક્તિના વ્યક્તિત્વ અને વર્તન વિશેનો અંદાજ મેળવવામાં જો આવા ખામીયુક્ત ચશ્મા વપરાય તો સ્પષ્ટ ચિત્ર મળે નહીં. જેના લીધે આપણું પોતાનું વર્તન અને સંબંધ બંને ગંભીર અસરો પામે છે. સામેની વ્યક્તિ માટે પોતાના પહેલેથી નકકી કરી લીધેલા બોક્સ કે મારેલાં લેબલથી એ વ્યક્તિ જુદી હોય તેવું સમજવું જરૂરી છે. જે વ્યક્તિ આવું સમજે છે અને સામેના સાથે સંબંધોમાં લવચિકતા રાખે છે તેનામાં એડજસ્ટમેન્ટની આવડત કેળવાય છે. મોટા ભાગના સંબંધોની આ પાયાની જરૂરિયાત છે. મિનોલીને કોઇ ‘ડિલ્યુઝનલ ડિસઓર્ડર’ નહોતો એવું નિદાન નક્કી થયા પછી એની સાયકોથેરપી કરવામાં આવી. એ સમજી શકી કે, બધા જ પુરુષો ખરાબ કે ભરોસાપાત્ર ન હોય એવું નથી હોતું. શક્ય છે કે સ્ત્રીની અપેક્ષા પ્રમાણે પુરુષ ઇમોશનલી અવેલેબલ ન હોય અથવા પુરતો એક્સ્પ્રેસિવ ન હોય. આ બાબતનું ધ્યાન પુરુષોએ રાખવું જરૂરી છે. પોતાની સ્ત્રીને ગ્રાન્ટેડ લેવાની પુરુષપ્રધાન પરંપરા ક્યારેક મોટી મુશ્કેલી નોંતરી શકે. નીરવ હવે નિયત સમયે ઘરે આવે છે. બંને જણા અઠવાડિયામાં બે-ત્રણ વખત લોન્ગ ડ્રાઇવ પર જાય છે. નીરવ પોતાનો દિવસ કેવો ગયો તે મિનોલીને કહે છે અને મિનોલીની લાગણીઓને પૂરતો પ્રતિભાવ પણ આપે છે. હવેના વિડીયો કોલ તપાસ માટે નહીં, પણ એકબીજાની દરકાર માટે થાય છે. વિનિંગ સ્ટ્રોક : પોતાની સ્ત્રીને ગ્રાન્ટેડ લેવાની પુરુષપ્રધાન પરંપરા ક્યારેક મોટી મુશ્કેલી નોંતરી શકે. એ જ રીતે બધા પુરુષો ચરિત્રહીન હોય તેવું માનવું સંબંધ માટે ભયંકર નિવડી શકે. ⬛drprashantbhimani@yahoo.co.in
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.