તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાિહત્ય વિશેષ:સાંપ્રત સમાજનું બિંબ રજૂ કરતી સમાજલક્ષી વાર્તાઓ

એક મહિનો પહેલાલેખક: રઘુવીર ચૌધરી
 • કૉપી લિંક
 • ‘આભા’ સંગ્રહની બીજી વાર્તા ‘નરાધમ’ સ્ત્રી-પુરુષ સબંધની સંકુલતા સૂચવે છે

વિજ્ઞાનશિક્ષક અર્જુનસિંહ કે. રાઉલજીએ વિજ્ઞાન વિશે ત્રણ પુસ્તકો લખ્યાં છે તો ત્રણ વાર્તાસંગ્રહો પણ આપ્યા છે. ‘આસકિત (2014), ‘વિસામણ’ (2015) અને ‘આભા’(2016). ત્રણેય સંગ્રહોના પ્રકાશક જુદા જુદા છે. વાર્તાઓ ટૂંકી અને ઘટના પ્રધાન હોવાથી વધતું ઓછું ભણેલા સહુને રસ પડશે. ‘આસક્તિ’ વાર્તા લગ્ન યોગ્ય કોલેજકન્યાની દૃષ્ટિએ રજૂ થઇ છે. એ રહે છે એની સામેના મકાનમાં અસ્મિતા અને એનો પતિ રહે છે. એનો પતિ વગર વાંકે એને મારતો રહે છે. એ જોઇને વાર્તાકથક યુવતીને પુરુષ જાત પ્રત્યે નફરત થાય છે, એની સગાઇ માટે પિતાના ફોન આવે છે ત્યારે એ ભારપૂર્વક ના પાડી દે છે. અસ્મિતાનો પતિ દારૂ પીને મોડી સાંજે આવે ત્યારે ગાળો દેવાની સાથે મારઝૂડ કરે છે. અસ્મિતા કોઈ પુરુષ સાથે વાત કરે છે એ જોઈને કપડાં ધોવાનો પાયો લઈને અસ્મિતાને ઝૂડવા લાગે છે. વાર્તાકથક પુરુષો પર એટલી હદે ગુસ્સે થાય છે કે એમને લાઈનમાં ઊભા રાખી ગોળી એ વીંધી નાખવા જોઈએ એવું વિચારે છે. આ પરિસ્થિતિમાં એકાએક ફેરફાર થાય છે. ઘટના બને છે: ‘આખું ફળિયું રોડ ઉપર આવી ગયું હતું. રોડ વચ્ચે જ અસ્મિતા ચત્તીપાટ પડી હતી. તેનું માથું તેના પતિના ખોળામાં હતું. કપાળમાં મોટો ઘા પડ્યો હતો. શહેરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં અને અસ્મિતા બજારમાંથી ઘેર પછી આવી રહી હતી. ત્યાં જ કોઈક તોફાનીના હાથમાંથી છૂટેલો પથ્થર ગોળીની માફક તેના કપાળે પટકાયો. વ્યસની અને મારઝૂડ કરતો પતિ ઘાયલ અસ્મિતાને જોઈ કલ્પાંત કરે છે. ‘તને હું આમ અધવચ્ચે મને એકલો મૂકીને જવા નહીં જ દઉં.’ માફી માગ્યા કરે છે. ત્યાં એમ્બ્યુલન્સ આવી જાય છે. વાર્તાકથક યુવતીનો લગ્ન ન કરવાનો વિચાર બદલાઈ જાય છે. એ તુરત પિતાને સામેથી ફોન કરી મુરતિયો શોધવા કહે છે. પૈસાદાર નહીં હોય તો ચાલશે પણ પ્રેમાળ હોવો જોઈએ. પિતા આ આસક્તિનું કારણ પૂછે છે. ખબર નથી. આ સંગ્રહની પ્રથમ વાર્તા ‘સાવિત્રી’માં પણ આશ્કા અને સુજાનનું દામ્પત્યજીવન ડામાડોળ છે. એક દિવસ રાત્રે બાર વાગે સુજાન દારૂ પીને ઘેર આવ્યો અને આશ્કાને લાતે લાતે મારીને ઘરની બહાર કાઢી મૂકી. આશ્કા અડધી રાતે રિક્ષા કરીને મા-બાપના ઘેર જતી રહી. આશ્કાની વીતકકથા જાણીને મિત્ર સમભાવ દુઃખી થાય છે. સુજાન પર ગુસ્સે થતો રહે છે. છેવટે સુજાનને ધક્કો મારે છે, ઇજા પહોંચાડવા, મારી નાખવા નહીં, પણ રોડના ડિવાઈડર સાથે માથું અથડાયું. હેમરેજ થયું. કેસ ચાલ્યો. સમભાવને જેલ થઇ. વાર્તાનો આરંભ સમભાવના જેલમાંથી છૂટવા સાથે થાય છે. આશ્કા સાથે લગ્ન કરવાનાં અરમાન છે. પણ આશ્કા લગ્નની વાત સ્વીકારતી નથી. મિત્ર રહીએ એમાંજ ભલાઈ જુએ છે.‘સમભાવ અપલક તાકી રહ્યો એ નારીને....અને આધુનિક સાવિત્રીને મનોમન વંદી રહ્યો.’ ‘આસક્તિ’માં વ્યસની અને ક્રૂર પતિનું જમા પાસું અંતે પ્રગટ થાય છે, તો ‘સાવિત્રી’ માં સહન કરતી આશ્કાની પરંપરાગત ભાવનાની ગ્રંથી પ્રગટ થાય છે. ‘વિસામણ’ સંગ્રહની પ્રથમ વાર્તા ‘કરમ તો’ માં પત્નીના અવસાન પછી એક સમયના ઉત્તમ શિક્ષક રાહુલ સરની અવદશાનું વર્ણન છે. બેઉ દીકરાને ભણાવ્યા. મોટાને પરણાવ્યો. ખૂબ ખર્ચ કર્યું. પણ લગ્ન પછી મોટો દીકરો એની રીતે જીવે છે. પત્નીનો ગુલામ થઇ જાય છે. હવે નાનકો જ બાપનું ધ્યાન રાખે છે. રાતદિવસ સેવા કરે છે. એની વીગતો લેખકે નોંધી છે. બાપા ભાનમાં હોય ત્યારે કે પત્નીના ફોટોગ્રાફ સામે ઊભા હોય ત્યારે નાનકાની સેવા ચાકરીનાં વખાણ કરતા રહે છે. બાનો ફોટો આ સાંભળે છે. કહે છે: ક્યાં સુધી! નાનકો પરણે નહીં ત્યાં સુધીને?’ બેની ચાર થાય ત્યાં સુધી જ ને?’ લેખકે આ રીતે સૂચવ્યું કે લગ્ન પછી પુત્ર વિમુખ થઇ જાય છે. નાનકાનું પાત્રાલેખન અહીં અટકાવી દઈને લેખકે વિકસતી વાર્તાને દષ્ટાંતકથા બનાવી છે. ‘આભા’ સંગ્રહની બીજી વાર્તા ‘નરાધમ’ સ્ત્રી-પુરુષ સબંધની સંકુલતા સૂચવે છે. નરાધમ છે રામાકાકા, શાલિનીના પતિ. શાલિની પરગજુ સ્ત્રી છે. કોઈ પણ માણસની સેવા સુશ્રુષા માટે પહોંચી જતી શાલિની પોતાના પતિંને આજે માર મારે છે. તે પણ અડધી રાત્રે, પતિ લોહીલુહાણ થઇ જાય એટલી હદે. રામાકાકાએ દારૂ અને જુગારમાં શાલિનીનું બધું વેડફી દીધું છે, છેતરતા રહ્યા છે. પણ માર ખાધા પછી, ઘરમાં ફરી ફટક્યો છે તો ટાંટિયા જ ભાંગી નાખીશ એવી ધમકી પછી, રામાકાકા જતા રહે છે. હવે એકલી પડેલી શાલિની એની બહેનપણી સીમાને મદદરૂપ થાય છે. એના પથારીવશ પતિની સેવામાં પણ સાથ આપે છે. સીમાનો પતિ પથારીવશ છે એનો લાભ લઈને રામાકાકાએ એની આબરૂ લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. એ જાણ્યા પછી શાલિનીનો ગુસ્સો વધી ગયો હતો. વખત જતાં શાલિનીને પસ્તાવો થવા લાગ્યો. પતિને શોધવા તેણે આકાશપાતાળ એક કરવા માંડ્યાં. સફળતા ન મળી. એક સવારે શાલિની સીમાને ત્યાં ગઈ તો ગેરહાજર સીમાની ચિઠ્ઠી મળી. ‘તારા નરાધમ રામાકાકા એ તો મારો મનનો માણીગર છે. તેની પાસે જાઉં છું.’ અંતનો આ આંચકો શાલિનીને લાગે, વાચકને વિચાર આવે સીમાના અતૃપ્ત જીવનનો અને એની બેવફાઈનો. પ્રથમ ક્રમની વાર્તા ‘આભા’ સાચા અર્થમાં સામાજિક વસ્તુ ધરાવે છે. પત્ની આશા અને પતિ દીપ પુત્રી આભામાં થતાં જતાં સંધિકાળના ફેરફાર જોઈને ચિંતા કરતાં થાય છે. એક પછી એક બનતી જતી ઘટનાઓ ચિંતામાં વધારો કરે છે. આભા માતાપિતાથી ઘણું બધું છુપાવતી જાય છે. ખોટું બોલે છે. આભાની સહાધ્યાયી નિશા મળી જતાં વાત થાય છે. એ ચેતી જવા કહે છે. દીપ માને છે કે આશાએ દીકરીને સંભાળી લેવી જોઈએ. આશા એની જવાબદારી સ્વીકારે છે. આભા સાથે એના રૂમમાં સૂવાનું નક્કી કરે છે. વાર્તા અંતે સૂચવે છે કે આભાને માતાનો વારસો મળ્યો છે. આશા કહે છે: ‘મારે મારી દીકરીને બીજી આશા નથી થવા દેવી.’ સંતાનની ચિંતાને બદલે એનાં વર્તનનાં મૂળ કારણ સુધી વાર્તા લઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો