ડૂબકી:વાનગીઓ સાથે જોડાયેલો સ્મૃતિલોક

18 દિવસ પહેલાલેખક: વીનેશ અંતાણી
  • કૉપી લિંક
  • ભૂતકાળમાં ખાધેલી વાનગીની સાથે કોઈ ને કોઈ સ્મૃતિ જોડાય છે. એ સ્મૃતિઓ આપણા સંબંધ મજબૂત બનાવે છે

આધેડ વયનો ધનાઢ્ય પુરુષ પત્ની અને બે સંતાનો સાથે ગ્રામીણ વિસ્તારમાં ફરવા નીકળ્યો હતો. એ સંતાનોને ગામડાંનું જીવન બતાવવા માગતો હતો. એ પોતે નાનકડા ગામમાં મોટો થયો હતો. એથી ઇચ્છતો હતો કે સંતાનો વૈભવી જીવન સિવાયની અન્ય વાસ્તવિકતાને જુએ અને સમજે. તેઓ એક ગામમાં આવ્યાં. કારમાંથી ઊતરી ગામમાં આંટો મારવા ગયાં. થોડે આગળ ગયા પછી પુરુષ ઊભો રહ્યો. એણે કોઈ જાણીતો અવાજ સાંભળ્યો હોય એવો ભણકાર થયો હતો. આજુબાજુ જોયું. એક ફેરિયો સાઇકલના કેરિયર પર કેન્ડીની પેટી બાંધી ઘંટડી વગાડતો આવતો હતો. એને જોતાં જ એના મનમાં ઝબકાર થયો. એણે ફેરિયા પાસેથી સ્થાનિક વિસ્તારમાં બનતી કેન્ડી ખરીદી. મોજથી ચૂસવા લાગ્યો. સંતાનો પિતાને મામૂલી કેન્ડી આનંદથી ખાતો જોઈ રહ્યાં. પત્નીને પણ નવાઈ લાગી. ક્યાં ફાઇવ સ્ટાર હૉટલમાં ભોજન લેવાની આદત ધરાવતો માણસ અને ક્યાં ગામડાગામની કેન્ડી ચૂસતો માણસ. પિતાએ સંતાનો અને પત્નીના આશ્ચર્યની નોંધ લીધી. એણે બીજી કેન્ડી ખરીદી અને બોલ્યો: ‘આ કેન્ડીનો સ્વાદ મને બાળપણમાં લઈ ગયો છે, જાણે હું અત્યારે મારા ગામમાં છું અને મારા દોસ્તોની સાથે મારા ગામમાં બનતી કેન્ડી ખાઉં છું.’ ત્યાર પછી એણે સંતાનોને બાળપણના મિત્રો, એના ગામનું વાતાવરણ, મેળા અને ઉત્સવોની પેટભરીને વાતો કરી. કોઈ વાનગીનો સ્વાદ, સુગંધ અને ટેક્સચર આપણને આપણા સ્મૃતિલોકમાં લઈ જાય છે. વાનગીની સાથે જોડાયેલું સ્થળ, પરિવેશ અને તે સમયના લોકો યાદ આવી જાય છે. ચૂલા પાસે બેસી રોટલા ઘડતી દાદી, દાળનો વઘાર કરતી મા, રસોડાની બહાર પાટલા ગોઠવી, ઘૂંટણ નીચે ઢીંચણિયું મૂકી, જમવા બેઠેલો પરિવાર, દાળના સબડકા, આખું વર્ષ ચાલે એવું અથાણું – અને એવું ઘણુંબધું યાદ આવી જાય છે. ચણિયા બોર, શેરડીની ગંડેરી, મેળામાં ખાધેલી ભેળ, ટોપરાપાક, બટકાની પતરી અને છાપાના કાગળમાં બાંધેલાં ભજિયાંની સ્મૃતિગંધ એ સમયનાં સેટિંગ્સ સાથે જીવંત થઈ ઊઠે છે. એક ભાઈ રવિવારની સવારે ઇડલી-સંભારનો નાસ્તો કર્યો પછી એના દાંતમાં ડુંગળીનું છોતરું ભરાઈ ગયું. છોતરું કાઢતી વખતે એને એણે પહેલી વાર માણેલા ઇડલી-સંભારની ઘટના યાદ આવી ગઈ. એણે કહ્યું: ‘મારી કિશોરાવસ્થા સુધી મેં ઇડલી-સંભાર ખાધાં નહોતાં. મારા ગામમાં સાઉથ ઈન્ડિયન વાનગીની પહેલી હોટલ ‘મૈસૂર કાફે’ શરૂ થઈ. ત્યાંથી પસાર થાઉં ત્યારે એની સુગંધ લલચાવે પરંતુ મારા જેવા પાસે કાફેમાં જવા જેટલા પૈસા નહોતા. એક દિવસ મારો મિત્ર અમને ત્રણ ભાઈબંધોને ‘મૈસૂર કાફે’માં લઈ ગયો. ઊંડી પ્લેટમાં બબ્બે ઇડલી અને ઉપર રેડેલો સંભાર. અમે ખૂબ ધીરેધીરે ખાધાં હતાં, જાણે આખી જિંદગીમાં એક જ પ્લેટ ખાવા મળવાની હોય. હવે તો સાઉથ ઈન્ડિયન વાનગી મારા ઘરમાં નિયમિત રીતે બને છે પરંતુ મેં પહેલી વાર ખાધેલી ‘મૈસૂર કાફે’ની વાનગીનો સ્વાદ ભૂલી શક્યો નથી. હું ઇડલી-સંભાર ખાઉં ત્યારે એ કાફે અને મારા મિત્રો અચૂક યાદ આવે છે.’ મારા નાનપણના ગામમાં દાળિયા-ચણા-મમરા-ખારી શિંગની નાનકડી દુકાન હતી. હું મોટો થયો પછી પણ ચણા કે ખારી શિંગ ખાઉં ત્યારે મને દુકાનની બહાર મોટા તાવડામાં ચણા શેકતા ‘દાળિયાવાળા કાકા’ યાદ આવી જાય છે. નાનકડી દુકાનની એ શેરી, બાજુમાં ડૉક્ટરનું દવાખાનું, દોડતી આવતી ગાય જેવું કેટલુંય મનમાં જાગી ઊઠે છે. કોઈ પણ શહેરમાં કંદોઈની દુકાનમાંથી આવતી ફરસાણની સુગંધ મને મારા ગામની એકમાત્ર કંદોઈની દુકાનમાં લઈ જાય છે. શિક્ષણ કચેરીના એક ઇન્સ્પેક્ટર એમના જિલ્લાના છેવાડાના ગામની શાળાનું ઇન્સ્પેક્શન કરવા ગયા હતા. રણવિસ્તારના ગામમાં જમવાની લોજ કે ખાવાપીવાની વ્યવસ્થા નહોતી. શાળાના આચાર્યે પોતાને ઘેરથી રોટલા અને ડુંગળીનું રસાવાળું શાક લંચ માટે તૈયાર કરાવ્યું. આવું સાદું ભોજન સાહેબને પીરસતાં એમને સંકોચ થતો હતો પરંતુ એ ધરાઈને જમ્યા. એમને એક ઘટના યાદ આવી. નાનપણમાં બધાં એને ગોલુ કહેતાં. ગોલુ માધ્યમિક શાળામાં ભણતો ત્યારે ઘરની નબળી આર્થિક સ્થિતિને કારણે મા મોટી રિસેસમાં ખાવા માટે રોજ રોટલો અને ડુંગળીનું શાક બનાવી આપતી. બીજા વિદ્યાર્થીઓ વિવિધ વાનગી લાવતા અને ગોલુના ટિફિનની મજાક ઉડાવતા. એક દિવસ ગોલુ બધાથી અલગ બેસી ટિફિન ખોલવા જતો હતો ત્યાં એણે એક છોકરાને ભૂખી નજરે જોતો જોયો. ગોલુએ એનું ટિફિન છોકરાને આપી દીધું. છોકરો દોડતો એના નાના ભાઈ પાસે ગયો અને બધું ખાવાનું એને આપી દીધું. ગોલુએ એને પૂછ્યું કે એણે કેમ ખાધું નહીં? છોકરાએ કહ્યું: ‘અમે બે દિવસથી ભૂખ્યા છીએ પણ મારો ભાઈ મારાથી વધારે ભૂખ્યો છે.’ એ દિવસથી ગોલુએ શાક-રોટલાની શરમ છોડી દીધી. એ જ કારણે આચાર્યના ઘેરથી આવેલું ભોજન સાહેબને અત્યંત સ્વાદિષ્ટ લાગ્યું હતું. માનવમનના અભ્યાસીઓ કહે છે કે ભૂતકાળમાં ખાધેલી વાનગીની સાથે કોઈને કોઈ સ્મૃતિ જોડાય તે માનવસહજ છે. એ સ્મૃતિઓ આપણા પારિવારિક અને સામાજિક સંબંધ મજબૂત બનાવે છે, વિસરાયેલા સમયની યાદ અપાવે છે, વડીલોની સાથે સંબંધ મજબૂત કરે છે, આપણામાં સેન્સ ઓફ બિલોન્ગિન્ગ જન્માવે છે. કોઈએ કહ્યું છે: ‘તમે કોઈ વાનગી સાથે જોડાયેલી તમારી યાદ મને જણાવો, તમારું સમગ્ર વ્યક્તિત્વ મારી સામે ઊઘડી જશે.’ ⬛ vinesh_antani@hotmail.com

અન્ય સમાચારો પણ છે...