હસાયરામ:સૂતા રસોડા

23 દિવસ પહેલાલેખક: સાંઈરામ દવે
  • કૉપી લિંક

ક સમયે ઘરમાં બેઠાં રસોડા હતા. પછી ઊભા થયા, અને હવે બસ હડી કાઢીને હાલતા થવાની અણી ઉપર છે. ચૂલો અપડેટ થઈને સગડીનું સ્વરૂપ પામ્યો. સગડીઓની ફરજીયાત નિવૃત્તિ થઈ એટલે કોલસાઓ રખડી પડ્યા. સગડી ગડી અને પ્રાઇમસ જનમ્યો. સવાર-સાંજ બે વાર પ્રાઇમસને પંપ મારીએ ત્યારે એ શરૂ થતો. મને લાગે છે કે આ પંપ મારવાની પ્રથા ત્યારથી અમલમાં આવી હશે. કેરોસીનની લાઇને કૈંક મરદ મૂંછાળાના સીન વીંખી નાખ્યા. સ્ટવ અને પ્રાઇમસ બંનેએ ધારાસભ્ય અને સંસદસભ્યની જેમ રસોડા સર કરેલા. અત્યારે જેમ મોબાઈલ રીપેર કરવાની દુકાનો છે એમ એક સમયે પ્રાઇમસ રીપેર કરવાની દુકાનોનો રાફડો ફાટેલો. નેવુની સાલમાં બાટલાઓની બોલબાલા હતી. એ સમયે ગ્લુકોઝના બાટલા તંદુરસ્તી આપતા; ગેસના બાટલા ક્ષુધા શાંત કરતા. મને બરાબર યાદ છે કે માણસોના મગજના બાટલા બહુ ફાટતા નહીં, કારણ કદાચ એ જ કે તે ગેસના બાટલા લેવા-દેવામાંથી નવરો જ ક્યાં હતો? જેવી સાવચેતીથી આજની મમ્મીઓ બાળકને સ્કુલે પીકઅપ-ડ્રોપ કરે છે, કદાચ એથી વધુ માવજતથી દરેક વ્યક્તિએ બાટલા લેવા-મૂકવા જવું પડતું. ‘હાય હાય બાટલો ગ્યો!’ મહેમાન દિવાનખંડમાં હોય અને ઘરવાળી આ વાક્ય ઉચ્ચારે તો ઘરધણીના મગજના બાટલા પણ ફાટતા. આડોશી-પાડોશી સાથે ‘બાટલા વ્યવહાર’ સમયાંતરે અસ્તિત્વમાં આવ્યો. (જે આગળ જતાં બાટલી વ્યવહારમાં પરિણમ્યો.) લગ્ન-પ્રસંગે આજુબાજવાળાના ઘરેથી બે-ચાર બાટલાનો જુગાડ કરવાનું લગભગ દરેકના ભાગ્યે આવતું. એક્ચ્યુલી બાહુબલીના પ્રભાસને શિવલીંગ ખભા પર ઉપાડવાની પ્રેરણા ગુજરાતના બાટલા ઊંચકતા પતિદેવોને નિહાળીને મળી છે. બાટલા જ્યારે બદલાઈ જતાં ત્યારે ગાયનેક હોસ્પિટલમાં બાળક બદલી ગયા જેવી ફીલીંગ આપતું. વાસણો પર ‘ઢરરર..’ નામ લખાવાતા એમ બાટલા ઉપર કે લોટ દળાવવાના ડબ્બા ઉપર ‘ફલાણા પરિવાર’ના નામ લખાતા. એ વાંચીને મને કાયમી આશ્ચર્ય થતું કે આ ભાઈનો આખો પરિવાર આ બાટલા કે ડબ્બામાં હશે કે પછી તેમનો પરિવાર જ ડબ્બો હશે...! દરેક ગામ દીઠ એકાદી અને શહેરમાં એરિયા પ્રમાણે ફ્લોરમિલ રહેતી. મિલ-માલિકો ત્યારે એક-ચક્રી શાસન ભોગવતા. તેમના ગંજી ને લેંઘા પર લગભગ બે ચાર કિલો લોટના થર રહેતા. મિલ માલિકની ‘લોટાચ્છાદિત મૂંછો’ જોવા હું બા સાથે મિલ પર જાતો. ‘અત્યારે બાજરાનો ઘાણવો હાલે છે, બે કલાક પછી ઘઉં થાશે!’ આવું આજ્ઞાર્થ વાક્ય મિલ-માલિકોને મોઢે શોભતું પણ ખરૂં! વળી કશી દલીલ વગર ગ્રાહકો શાંતિથી મિલના પગથિયે રાહ જોતા. સોશ્યલ મીડિયાની લાઈક ત્યારે અસ્તિત્વમાં જ નહોતી એટલે ગ્રામલોકો એકબીજાને ભરપુર લાઈક કરતાં હતાં. તો વળી શેરીના ઓટલે બેઠેલા સાક્ષાત c.c.t.v.ના અવતાર જેવા દાદીમાં ગામના કોઈપણ જૂવાન દિકરા-દિકરી માટે ટપારીને કોમેન્ટ પાસ કરતાં તો’ય કોઈને ખોટું પણ ના લાગતું, ઊલ્ટાનું સાચું લાગતું. જ્યાં સુધી ઘરમાં રસોડા બેઠા હતા ત્યાં સુધી ઘરની સ્ત્રીઓની તંદુરસ્તી પણ બેઠી નહોતી. જેવા રસોડા ઊભા થયા એટલે બહેનોને ગોઠણના દુ:ખાવા પણ ઊભા થયા. રસોડા જો હડી કાઢશે તો કોઈ ગૃહિણી તેને પકડી નહીં શકે કારણ કે અઠાણુ ટકા પત્નીઓ સાંધાના દુ:ખાવાવાળી હશે. એક સમયે રસોડામાં એક એવી બારી રખાતી જ્યાંથી ઘરની ડેલી સ્પષ્ટ દેખાતી. જેના લીધે ઘરની આવનજાવન પર રસોડું નજર રાખતું. ખોંખારો ખાઈને ફળિયામાં સસરા કે જેઠના પ્રવેશ સાથે જ રસોડામાં કામ કરતી વહુ લાજનો ઘુમટો તાણી લેતી. જૂના જમાનાની વહુઓ લાજ કાઢતી પણ ખરા અને રાખતી પણ...! આ ત્યારની વાત છે જ્યારે ઘરની સ્ત્રીઓ માત્ર સાડી જ પહેરતી. ઘરમાં પંજાબી ડ્રેસ પણ વર્જિત હતો. નવી નવાઈનું ગાઉન માર્કેટમાં એન્ટર થયેલું જે બેડરૂમની લક્ષ્મણરેખા ઓળંગવા પ્રતિબંધિત હતું. સમય જતાં અમુક વહુઓએ ગાઉન ઉપર ચૂંદડી ચીપકાવી ફ્રીડમ અને મર્યાદા બંનેનું જતન કર્યું. જે રીતે અમેરિકા ભારતને આતંકવાદના મુદ્દે સાથ આપે અને પાછા પાકિસ્તાનને શાસ્ત્રો વેંચે છે એ જ રીતે...! વહુઓ જેમ જેમ ભણતી થઈ એમ ગાઉન રસોડાથી શાકમાર્કેટ સુધી પહોંચ્યું. પંજાબી ડ્રેસ ઘર ઘરમાં સર્વસામાન્ય થયા અને ઓઢણીઓ અકાળે અવસાન પામી...! ચુન્નીઓએ સાગમટે પક્ષાન્તર ધારાની જેમ સ્થળાંતરિત ધારો લાગુ પાડ્યો. તે ખભા પરથી મોં ઉપર સ્વેચ્છાએ બંધાવા લાગી. જૂના રસોડામાં એક કાયમી ‘ખાંડણીયો’ જમીનમાં જ રાખવામાં આવતો. જ્યાં બા કે દાદી લસણની ચટણી લસોટીની બનાવતી. ખાંડીને બનાવાતી એવી કેટલીય નાની નાની વાનગીઓ જ ખાંડણીયા સાથે ખાવામાંથી ગાયબ થઈ ગઈ. ખાંડણીયો મુખ્યત્વે વાટવાનું કાર્ય કરતો. ક્યારેક મને લાગે છે કે એ ખાંડણીયાનું સ્થાન સોશિયલ મીડિયાએ લઈ લીધુ છે. લાઈક-ડીસલાઈક અને કંઈ કેટલાય વિવાદો સોશિયલ મીડિયાના ખાંડણીયે સતત ખંડાયા જ કરે છે. વળી તેમાં પણ લસણ જેવી જ દુર્ગંધ હોય છે. બંનેમાં ફર્ક એટલો છે કે રસોડાવાળો ક્ષુધાને શાંત કરતો જ્યારે સોશિયલ મીડિયાવાળો ખાંડણીયો તો કલાકારોને પણ હારમોનિયમ મૂકાવી ધોકો પકડાવવા સક્ષમ છે. હોંશે હોંશે ‘કિચનવેર’ વસાવતી ગૃહિણીઓને હવે જાણે રાંધવા સાથે જ વેર થતું જાય છે. એ દિવસો દૂર નથી કે નવા બિલ્ડરો ઘરોમાંથી રસોડાનો કોન્સેપ્ટ જ કાઢી નાખશે દરેક સોસાયટી કે બિલ્ડીંગની પોતાની પોતીકી હોટલ હશે. ઈ.સ. 2035માં બાળકોને ગુજરાતીની પરીક્ષામાં પૂછાશે કે ‘એક હતું રસોડું’ વિષય પર આશરે બસ્સો શબ્દોમાં નિબંધ લખો અને બાળકો પાંચ વાક્ય પણ લખી નહીં શકે. રસોડામાં રાંધનારી અને પરસેવે સ્નાન કરનારી દરેક જનેતા સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર છે. મા કે પત્નીના કપડા પર રસોડામાં ચોંટેલો લોટ મારે મન ભોળાનાથની ભસ્મ જેટલો જ પવિત્ર છે. માર્ક કરજો જ્યારથી ઘરમાં રાંધવાનું ઘટ્યું ત્યારથી જ બાધવાનું વધ્યું છે. અતુલ કહે ટૂંક સમયમાં સુતા રસોડા અસ્તિત્વમાં આવશે. વોટ્સએપ કરતાં કરતાં પપ્પાની પરીઓ વઘાર કરશે. પગના અંગુઠાથી રોટલી કે ભાખરી ચોડવી શકાય એવા ચિપિયા માર્કેટમાં આવશે. ‘એલેક્ઝા પ્લીઝ દાળમાં એક ચમચી મીઠું નાખો.’ અથવા ‘હેય સીરી ભીંડો સુધારીને વઘાર કરો.’ આવા હાઈટેક રસોડા આવે તો નવાઈ નહી. જો સુતા રસોડા શોધાય તો મારી રોયલ્ટીના કેસમાં સાક્ષી બનજો. આ કલ્પના સૌથી પહેલા મેં કરી છે. કેસ જીતીશંુ તો આપણે સંપીને ખાશું...! આમપણ હવે રૂપિયા જ ખાવા પડે એવો સમય આવી રહ્યો છે ને! બૈરાઓને રાંધવામાંથી રસ ઉડી રહ્યો છે, અને વધી ગયેલી ફાંદને લીધે આપણે પણ ક્યાં ખાવા જેવા રહ્યા છીએ...! શું ક્યો છો? ⬛ }}} હાયરામ ‘વિથ માય લવિંગ પિયુ’ - ફોટો ડાઉનલોડ કર્યો ત્યારે જ્ઞાન થયંુ કે આ પિયુ પેલીના ગલુડિયાનું નામ છે. sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...