‘પુસ્તકો જૂનવાણી થયા. ખાલી પુસ્તકોમાંથી જાણકારી મળે એવું હવે રહ્યું નથી. ગમે ત્યાંથી શીખી શકાય છે. નેટથી માંડીને માણસો સુધી દરેક પાસેથી….’ UPSCની તૈયારીનો અલગ જ અભિગમ ધરાવતા નવી દિલ્હી પોલીસમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા અમદાવાદના આલાપ પટેલના આ શબ્દો છે. આલાપભાઈનું સ્કૂલિંગ સેન્ટ ઝેવિયર્સ લોયલા અને કોલેજ પણ અમદાવાદની ઝેવિયર્સ કોલેજમાંથી જ થયું. પપ્પા કસ્ટમ વિભાગમાં હતા અને તેમના એક ખાસ મિત્ર પોલીસમાં ઉચ્ચ હોદ્દા પર. બંને પાસે યુનિફોર્મ સર્વિસ. બસ! આ છાપ આલાપભાઈના કુમળા માનસે એવી ઝીલી કે સાતમા ધોરણમાં નક્કી કરી નાખ્યું કે પોલીસ સર્વિસમાં જોડાવાનું છે. મક્કમ નિર્ધાર સાથે આગળ વધતા આલાપભાઈએ B. Sc. ઇલેક્ટ્રોનિક્સ કર્યા બાદ MBA અને સોશિયોલોજીમાં M. A. કર્યું. ત્યારબાદ સિવિલ સેવાની તેમની યાત્રા શરૂ થઈ. તેમણે બીજી કોઈ પરીક્ષા આપી નથી. પ્લાન ‘B’ તરીકે MBAની ડિગ્રી હતી જ પણ પ્લાન ‘A’ સફળ થશે એવો તેમને વિશ્વાસ. ‘સ્પીપા’ની લાઇબ્રેરીમાં વાંચવાનું ચાલુ કર્યું. વાંચવામાં આખું પુસ્તક સળંગ ના વાંચી શકે. આલાપભાઈની મોડસ ઑપરેન્ડી થોડી જુદી હતી. ‘3 ઇડિયટ’ના રેન્ચોની જેમ ‘જ્ઞાન હર જગહ બટ રહા હૈ’ ફિલોસોફીમાં માનનાર આલાપભાઈ માત્ર પુસ્તક આધારિત તૈયારી નહોતા કરતા. વિષયને સંલગ્ન ફિલ્મો- ટીવી પ્રોગ્રામ- વેબસાઈટનો ઉપયોગ કરી વિષયને સ્પષ્ટ બનાવતા. જે તે વિષયના જાણકારો પાસે ચર્ચા કરવાથી પણ કોઈ પણ વિષયને ઊંડાણથી સમજી શકાય છે. બીજું તેમણે સફળ ઉમેદવારો કરતા સફળ ના થઇ શકેલા ઉમેદવારો પાસેથી પણ માર્ગદર્શન લીધું જેથી તેમની ભૂલોનું પુનરાવર્તન પોતે ના કરે. આ નોખી રણનીતિ સાથે પહેલા પ્રયાસમાં જ પ્રીલિમિનરી પાસ કરી. મેઈન્સ આડે થોડો જ સમય બાકી. પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને સોશિયોલોજી સાથે મેઈન્સમાં ઊતરેલા આલાપભાઈને આ જ સમયમાં ડેન્ગ્યુ થયો. શરીરમાં પ્લેટલેટ અને કેલેન્ડરમાં દિવસો ઘટતા ગયા. આ જ ગાળામાં પરિવારમાં બહેનનાં લગ્ન પણ ગોઠવાયાં. સામાજિક જવાબદારીઓ અને નાદુરસ્ત તબિયત સાથે મેઇન્સમાં ઊતરેલા આલાપભાઈ આ બાધાઓ વચ્ચે પણ હેમખેમ પાર પડ્યા. ત્યારબાદ પર્સનાલિટી ટેસ્ટ કમ ઇન્ટરવ્યૂમાં આલાપભાઈ પહોંચી ગયા. આલાપભાઈને કેન્ડલ-સ્ટિક પેટર્નના ચાર્ટના વિશ્લેષણનો અનોખો શોખ. મોટે ભાગે શેરબજારના ઉતાર-ચડાવનું ગણિત સમજાવવા વપરાતો આ ચાર્ટ થોડામાં ઘણું કહી દેતો. આ અનોખા શોખ પર ઇન્ટરવ્યૂ લાંબો ચાલ્યો અને હળવા વાતાવરણમાં પૂરો થયો. તેઓ પારિવારિક સંબંધો અને મિત્રો પર પણ ભાર આપે છે. આ તમામ તમારી તૈયારીના દિવસોમાં હૂંફ ભરતા રહેશે. ઇન્ટરવ્યૂ પછી તેઓ મિત્રો સાથે ગોવા ફરવા ગયા. પેરાસેઈલિંગ કરવા બીચ પર ફોન રાખીને દરિયે ગયેલા આલાપભાઈ પાછા ફર્યા ત્યારે ફોન સાચવી રહેલા સ્પોર્ટ્સ એક્ટિવિટીવાળા ભાઈએ કહ્યું, ‘આ કોનો ફોન છે? ક્યારનો વાગી રહ્યો છે?’ એ ના ઉપડાયેલા ફોન ‘અભિનંદન’ માટેના હતા. રિઝલ્ટ આવી ચૂક્યું હતું. પહેલા જ પ્રયાસે સિવિલ સર્વિસ પાસ કરી લીધી હતી. પણ તેમને પોલીસ સેવામાં જવું હતું એટલે ફરી પરીક્ષા આપી. બીજી વારમાં પ્રીલિમિનરીમાં ન નીકળી શક્યા. તેમણે હિંમત હાર્યા વગર તૈયારી ચાલુ રાખી. બીજા પાંચ સાથે કુલ છે પ્રયાસ. છમાંથી ત્રણ પ્રયાસમાં ફાઇનલ સિલેક્શન. અંતે દિલ્હી સહિત કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસ સેવાની તક આપતી DANIPS સેવા પર તેમણે પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો. સાતમા ધોરણમાં જોયેલું સપનું આખરે સાચું પડી ગયું. આ સેવામાં તેમણે લક્ષદ્વીપ જેવા ટાપુ પર ફરજ બજાવી. હાલ તેઓ નવી દિલ્હી ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા છે. અપરાધ માટે સંવેનદશીલ કેટલાય વિસ્તારોમાં મજબૂત પોલીસિંગ કરી શહેરની શાંતિ તેમજ વ્યવસ્થા જાળવવામાં તેમનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. તેઓ કહે છે, ‘દેશની સેવામાં સૌએ પોતાનો ફાળો આપવો જોઈએ. એક પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થા માટે નાગરિકોનો ફાળો પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે.’ આમ, આલાપ પટેલના લક્ષ્યવેધની રોચક યાત્રા એ વાતની સાબિતી છે કે મક્કમ નિર્ધાર હોય તો રસ્તો આપોઆપ મળી જ જાય છે. લક્ષ્ય એક હોય પણ દરેકની યાત્રા અલગ અલગ હોય છે. તમને રસ્તો મળ્યો?⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.