સ્ટોરી પોઇન્ટ:સિર્ફ તુમ હી નહીં, તુમ્હારે જૈસે ઓર ભી હૈં જહાં મેં

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

બીજા જ વળાંક પર એમનું ઘર હતું. જાણે મારા આવવાની વાત જોતા હોય એમ બેઠેલા દેખાય. ચોથા દિવસે મારાથી એમની સામે હસી દેવાયું. તરત બોલ્યા, ‘આવ ને બેટા, બે ઘડી બેસ’ જોકે મને બેસવું પોસાય એમ નહોતું. ઘેર ઘેર જઈને માહિતી લેવી, ફોર્મમાં ઉતારવી, એ લાંબું કામ હતું. તેમ છતાં એ વૃદ્ધાની આંખમાં કશુંક એવું હતું જે મને ખેંચતું હતું. હું બેસી ગઈ. એમણે મારી સામે જોઈને કહ્યું, ‘દીકરી તને બે-ચાર દિવસથી ફરતી જોઉં છું. શેનું કામ કરે છે?’ એમના હસમુખા મોં પર વહાલ ઊભરતું હતું. ‘માસી, હું વસ્તી ગણતરીનું કામ કરું છું. તમારી સોસાયટી મારા ભાગે આવી છે. એક દિવસ તમારી પાસે પણ આવીશ.’ એ માજી મને ધારીધારીને જોઈ રહ્યા. મારાં કપડાંને મારા શરીરને. હું ઊભી થઈને ચાલી જાઉં એ એમને પસંદ હોય તેમ કહ્યું, પછી આમેય આવવાનું જ છે ને. આજે જ લખી લે. ચાલ અંદર બેસીએ’ જાણે વર્ષોથી ઓળખતા હોય કેટલા ભાવથી મારો હાથ પકડ્યો. મેં એમને સમજાવ્યું કે મેં જ્યાંથી અધૂરું મૂક્યું છે ત્યાંથી આગળ વધીશ તો ક્રમ જળવાઇ રહેશે. પણ તે મને અંદર ખેંચી જ ગયા. બે રૂમ-રસોડાવાળા ઘરમાં કદાચ એ એકલા રહેતા હશે કે પછી અન્ય લોકો બહાર ગયા હોય એવું લાગતું હતું. ‘માસી, બીજું કોણ રહે છે તમારી સાથે?’ મેં ખુરશી ઉપર બેસતા કહ્યું. એમણે જુદું જ કહ્યું, ‘શું ખાઈશ? મારા ઘરમાં બધું છે. છેલ્લે ચા તો પીવી જ પડશે’ મને માજીની આત્મીયતા જરા વધુ પડતી લાગી, છતાં તેમાં કોઇ સ્વાર્થ દેખાયો નહીં. મને થયું માજીના સ્વજનો દૂર રહેતા હશે, એમને એકલતા સાલતી હશે. જો મારા બેસવાથી કે એમની સાથે એક કપ ચા પીવાથી એમના હૈયાને ટાઢક વળતી હોય તો રૂડું શું? હું હળવાશથી બેઠી. માજી એક વાત પૂછું? તમે કેટલાં સમયથી એકલા રહો છો? મતલબ એકલા છો કે પછી....’ ‘પ્લીઝ ડોન્ટ આસ્ક અબાઉટ ઈટ’ તે ઝડપથી અંગ્રેજી બોલી ગયા એનો મતલબ એમની જીભ ઉપર અંગ્રેજી ચડેલું હતું. મને જરા નવાઈ લાગી. મારા મનની વાત કળી ગયા હોય એમ તરત બોલ્યા, ‘કાં મારા મોઢે અંગ્રેજી સાંભળીને નવાઈ લાગી? હું તો ફ્રેન્ચ ભાષા પણ જાણું છું. એ બધું યાદ કરવા જેવું નથી. તારા માટે ચા મૂકું. કહીને ઊભા થઈ ગયા. હું તેમની પીઠને જોઈ રહી. અંગ્રેજી અને ફ્રેન્ચ બોલનાર આ માજીની જિંદગીમાં કોઈ રહસ્ય હતું. કંઈક વિચારીને મેં કહ્યું, ‘માસી બેસો, આજે હું તમને ચા બનાવી દઉં. જુઓ તો ખરા મને ચા બનાવતા આવડે છે કે નહીં? હું રસોડામાં ગઈ. એ મારી બાજુમાં ઊભા રહ્યા. ચા-ખાંડના ડબ્બા પ્લેટફોર્મ પર મૂકતાં તેમણે કહ્યું, ‘તને જોઈને જ મને લાગતું હતું કે આ છોકરી જુદી માટીની છે’ મેં હસતાં કહ્યું, ‘તમને અંગત પૂછવાનો મને કોઈ અધિકાર પણ નથી. તેમ છતાં તમને વાંધો ન હોય તો મને કહો તમે એકલા શા માટે રહો છો? એમની આંખોમાં ચમક આવી અને ઓલવાઈ ગઈ. થોડીવાર ચૂપ રહ્યા પછી અચાનક જ જોરથી હસી પડ્યા. મારો હાથ પકડી આંખોમાં જોતા કહ્યું, ‘હું તને એક વાત પૂછું જો તને વાંધો ન હોય તો? તારું નામ નીલા છે એ કાર્ડમાં લખેલું વંચાય છે. નીલા તું કુંવારી નથી એ તારું શરીર કહે છે. છતાં તું પરણેલી હોય એવી કોઈ નિશાની નથી દેખાતી, કે ન તો પરણ્યાનું કોઈ સુખ દેખાય છે. તારું મોં ચાડી ખાય છે કે તું પરણેલી છો છતાં નથી.’ મેં ઝાટકાથી માજી સામે જોયું. મારી આંખો સામે વેરણછેરણ ભૂતકાળ તરી આવ્યો. મારાથી નીચું જોવાઇ ગયું. એમણે મારી હડપચી ઊંચી કરતા કહ્યું, ‘એમ નિરાશ નહીં થવાનું. જો હું કેવી મસ્ત જિંદગી જીવું છું. આ દુનિયામાં સ્ત્રી માટે કાયદા ગમે એટલા આકરા બને, પુરુષનું લોહી તો એ જ રહેવાનું. એક વાત કહું? મને અદ્દલ તારા જેવી એક દીકરી હતી. તારી જેમ જ સાડી પહેરતી. તારી જેમ ઠસ્સાથી ચાલતી. પણ જવા દે વાત. હવે જ્યારે પણ મન થાય ત્યારે ચાલી આવજે. આ માસી તારી રાહ જોતી હશે.’ હું જોઈ જ રહી. માત્ર જોઇ રહી.⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...