હસાયરામ:સાયરન

13 દિવસ પહેલાલેખક: સાંઈરામ દવે
  • કૉપી લિંક

ગતાંકથી અતુલના લગનમાં આપણે અટવાયા છીએ. એક બાજુ ઈરાન અને ઈરાકના યુદ્ધની સાયરન વાગી, બીજી બાજુ અતુલની પીઠી ચોળાય. 18મી જાન્યુઆરી 1991નો દિવસ અમે કદી ન ભૂલી શકીયે અને અતુલ પણ...! વરરાજા માટે જે એક દરવાજાવાળી ઈમ્પોર્ટેડ કાર મેં રાજકોટથી મંગાવી હતી. અતુલના દાંડિયારાસ પત્યા પછી એ જોવા જાનૈયા ટોળે વળ્યા. ઉતાવળા અણવરે તો શેરીમાં ટ્રાયલ પણ મારી લીધી. ‘ટાંકી ફૂલ છે ને નહીંતર વરરાજો અધ વચ્ચે ઉભો રહેશે?’ એક અંકલની ટકોરે યાદ આવ્યું કે પેટ્રોલની ટાંકી તો ફૂલ છે પણ ગાડી શણગારવાના ફૂલ લેવાના બાકી છે. ફૂલવાળો ‘ફૂલ’ થઈ ગયો હતો એટલે ફૂલની ડીલવરીમાં ભૂલ કરી બેઠો હતો.

અમારા છ મિત્રોમાંથી બે જણાં ફૂલ લેવા રવાના થયા. બે અતુલને નવડાવવા ગયા.(એટલે ડોલ વગેરેની મદદ કરવા) છેલ્લા બે જણા જાનને સેન્ડવિચ પીરસવામાં વ્યસ્ત હતા. અણવરે કાર પાર્ક કરી પરંતુ ઈન્ડિકેટરની દાંડીને સહેજ હાથ અડી ગયો. ઈમ્પોર્ટેડ કારમાં ઈન્ડિકેટર ચાલુ રહી ગયું. કદાચ એ દાંડીએ પણ દાંડિયારાસ રમી લીધા. ગાડી શણગારવાનાં ગુલાબનાં ફૂલનો ટોપલો રાત્રે સાડા ત્રણે આવ્યો. સવારે સાડા સાતે અતુલની જાન ઊપડવાની છે વળી, ગોંડલ ગામમાં પંદર મિનિટના અંતરે જ જાન લઈને જવાનું છે. આવી બધી બાંહેધરીઓને લીધે આ ફૂલ સવારે સાત વાગ્યે જ શણગારશું એવું નક્કી કરી આંખ્યુનું ઝેર મારવા બધા ભાઈબંધો ત્રણ કલાક માટે ઘરે ગયા.

પીઠીના અતિરેકથી અતુલને રાત્રે છ ડોલથી નહાવું પડ્યું. પરિણામે વરરાજાને થોડી ટાઢ ચડી પણ અમે તેને સુવડાવ્યો. ‘કરમ જેના વાંકા તેને પાટા મારે રાંકા’ નસીબ નબળા હોય ત્યારે તમે સાંઢિયા પર બિરાજમાન હોવા છતાં’ય તમને કૂતરું કરડી જાય છે. બીજા દિવસે સવારના સાત વાગ્યા. આખી જાનમાંથી અમે છ ભાઇબંધ જ જાગ્યા હતા. એક વડીલે દાતણ કરતાં કરતાં કહ્યું, ‘અમારા કુટુંબમાં આજ સુધી ટાણાસર જાન ઊપડી નથી. હજી તો વરરાજો પણ સૂતો છે. મોડે’કથી આવજો. આટલું કહી એ વડીલે સાડા સાત મિનિટ સુધી અમારી સામે જોરજોરથી કોગળા કર્યા.(જાણે ગળામાંથી સાંઢિયો ખેંચી કાઢવાનો હોય એમ...!)

અમે ચૂપચાપ વરરાજાની ગાડીને ગુલાબનાં ફૂલોથી મસ્ત શણગારી. ત્યાં મારી નજર ગાડીની અંદર આખી રાત દાંડિયારાસ રમેલા ઈન્ડિકેટર પર ગઈ. મારા મોતિયા મરી ગયા. મેં ગાડી સ્ટાર્ટ કરવાની કોશિશ કરી પરંતુ નિષ્ફળ રહ્યો. આખી રાત ઈન્ડિકેટર ચાલુ રહી ગયું હોવાથી તેમાં બેટરી ઊતરી ગઈ. હવે વરરાજાની ગાડીને ધક્કો મારીને જાનમાં થોડી લઈ જવાય? ગાડીની સાથે સાચું કહું તો અમારી છ ભાઈબંધોની બેટરી પણ બેસી ગઈ. પેટમાં ફાળ પડી. હવે અતુલને પહોંચાડશું શેમાં? અમારામાંથી બે જણા ગાડી માટેના મીકેનિકને લેવા રવાના થયા.

આખી જાનને આ આફતની ખબર ન પડે એ માટે ગાડી અતુલના ઘરથી થોડે દૂર લઇ ગયા (અલબત્ત ધક્કા મારીને..!) અતુલને આ સમાચાર દેવા ઘરમાં આવ્યા ત્યાં અતુલને તો 102 ડિગ્રી તાવ હતો. બીજા બે જણા વરરાજા માટે ડોક્ટરને લેવા ઊપડ્યા.

જનરલી સારા સારા મરદ મૂછાળાને લગ્ન પછી તાવ આવી જાય છે. પરંતુ અતુલ અમુક બાબતોમાં એડવાન્સ હતો જે તેણે આ તાવથી સાબિત કર્યું. અમે કંઈ કહીએ ત્યાં ઇરાન ઇરાકનું યુદ્ધ ફાટી નીકળ્યું એટલે ફરી સાયરન વાગ્યું. અતુલનો બાટલો ફાટ્યો, ‘કો’ક આ સાયરન બંધ કરાવોને યાર...! હું લગ્નને બદલે સરહદે જાતો હોઉં એવું લાગે છે. સાંઈ, હવે વરરાજાની ગાડીનું હોર્ન પણ ન મારતો.’ અતુલને કાનમાં ગાડીની દશા કહી. અતુલ ક્યે, ‘હવે હું રિક્ષામાં જાન

લઈને મારી રીતે વયો જાઈશ, તમે બધા ભાઈબંધ સાવ નકામા છો!’

એક્ચ્યુલી આખા લગ્નમાં અમે છ ભાઈબંધો જ કામ કરતા હતા. છતાં’ય અમે નકામા? મેં કહ્યું, ‘અતુલ તાવમાં ઘણીવાર આવા બકવાસ ઊપડી જાય છે. તું ચિંતા કરમા... તૈયાર થઈ જા, ઈમ્પોર્ટેડ નહીં તો એમ્બેસેડર હમણાં મગાવી લઉં છું.’

મારો જવાબ સાંભળીને મારી સાથે હતો એ ભાઈબંધ બસ સ્ટેન્ડથી નાહી ધોયેલી એમ્બેસેડર બાંધવા રવાના થયો. ‘મારી મોજડી ગોતો!’ વરરાજાએ હુકમ કર્યો. અણવરે યાદ અપાવ્યું, ‘આપણે અઠવાડિયા પહેલાં દરજીની દુકાને આ શેરવાની ટ્રાયલ માટે ગયા હતા ત્યાંથી મોજડી તમે પાછી લીધી હતી?’

મેં અને અતુલે નકારમાં ડોકું ધુણાવ્યું એટલે અણવરે સ્વગતોક્તિ કરી, ‘આ લે લે...! મોજડી તો દરજીની દુકાનમાં જ રહી ગઈ! હું હમણાં લેતો આવું!’ કહી અણવર ઊપડ્યા. હવે ભાંગ્યાના ભેરુ ગોપીચંદન અને ગેરુ અમે બે જ રૂમમાં વધ્યા હતા.

ત્યાં મીકેનિકની શોધમાં કોલંબસની જેમ નીકળેલા બે મિત્રોએ પરત આવી વધુ એક માઠા સમાચાર આપ્યા, ‘ગાડી તો ચાલુ થઈ જશે પણ લગ્ન પૂરાં થાય ત્યાં સુધી ગાડી ચાલુ રાખવી પડશે અને અતુલ, અમે તારા ઘરથી થોડે દૂર શણગારેલાં ગુલાબવાળી ગાડી રાખેલી.’

‘હા તો એમાં શું થયું? કોઈએ પાર્કિંગની ના પાડી?’ અતુલે વાસ્તવિક ચિંતા વ્યક્ત કરી.

ભાઈબંધ કહે, ‘ના, પણ શેરીની ભૂખી ગાયું બધાં ગુલાબ ચાવી ગઈ છે. હવે તું ગુલાબની અપેક્ષા ન રાખતો, કાંટા સાથે પરણી જા.’

આ સાંભળી અમે બંનેએ દાંત કચકચાવ્યા. સાડા સાતની જાન સાડા અગિયાર વાગે ઊપડી. ગાયુંએ ખાધેલાં ગુલાબ ન દેખાય એટલે અમે છ જણા ગાડીની ફરતે વીંટળાઈને જ ચાલ્યા. વૈકલ્પિક વ્યવસ્થા માટે એમ્બેસેડરને પાછળ ખાલી ખાલી ચલાવી. અતુલના ફેરા પત્યા ત્યાં ફરી સાયરન વાગ્યું. બધાં જોરથી હસી પડ્યા. દેશમાં પેટ્રોલની અછત હતી પણ પ્રેમની નહીં. અતુલ પરણી ગયો. હાશકારો થયો. આજે એકત્રીસ વરસ પછી પણ ગુલાબ વગરની ગાડી, પીઠાધીશ વરરાજો, જોરથી કોગળા કરતા કાકા ને સાયરન અમને ભુલાયાં નથી. રશિયા-યુક્રેનનું યુદ્ધ ચાલે છે પણ હવે તો અમે સાતે’ય પરણી ચૂક્યા છીએ. પરંતુ અતુલ લગ્ન પછી યુદ્ધના કોઈ પણ ન્યૂઝ ટી. વી.માં જોતો નથી. સાયરન તેના માંહ્યલામાં રોજ વાગે છે.

અન્ય સમાચારો પણ છે...