હસાયરામ:ગીતોનો ઘાણવો

સાંઇરામ દવે6 દિવસ પહેલા
  • કૉપી લિંક

નૂરો અને પીરો બંને એવા મિત્રો છે, જેનું ગામમાં બીજું કોઈ મિત્ર નથી. મીઠાની તાણ અને વાતુની ખાણ બંનેના સ્વભાવની સામ્યતા છે. તળેટીમાંથી નીકળેલા વિષયને સાતમાં આસમાન સુધી લઈ જઈ અને પછી ચૌદમાં પાતાળમાં પહોંચાડવામાં આ બંને મહાનુભાવોની માસ્ટરી છે. આ ધરતી પર સૌપ્રથમ વાર ‘વિષયાંતર’ શબ્દ આ બંનેને સાંભળ્યા બાદ અસ્તિત્વમાં આવ્યો હશે. (જો કે આ વિષયની માહિતી ગૂગલ પાસે પણ નથી.) નવરાત્રિમાં ગવાતા ગીતો અન્વયે નૂરા અને પીરાની જોડલીનો દીર્ઘ વાર્તાલાપ મમળાવો : નૂરો : આપણા જમાનામાં ગરબામાં કેવા સરસ ગીતો ગવાતાં ? પીરો : તો તને વહેલું જનમવાનું કોણે કીધું’તુ ? નૂરો : એમ નહી પણ જાગ રે માલણ જાગ ! પીરો : હા, જાગ માલણ જાગ, મેરુને કારખાને જાવાનું મોડું થાય છે. મંદીમાં નોકરી ગુમાવવાનું નહી પોસાય. જાગીને ટિફિન બનાવી દે બેન. નૂરો : છાનુ રે છપનું કાંઈ થાય નહીં ? થાય નહીં ? પીરો : ના થાય. C.C.T.V. બધે છે, લ્યા ! અને સુશાંતના કેસ પછી તો તમામ રિયાઓ બહુ ચેતીને ચાલે છે ભઈ ! નૂરો : મુને એકલી જાણીને...! પીરો : કર્યા ભોગવો બીજું શું ? નૂરો : ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડમાં..! પીરો : હા, તમને સિક્સ સ્ટેપ નથી આવડતાં એમાં ઢોલીનો શું વાંક ? પંદર મીનિટમાં રાસમાં ચલતી આવી જાય છે. પછી ચલતીમાં સ્ટેપમાં પણ ગોટે ચડો છો એટલે ફેરફુદરડી ફરવા લાગો છો. આના કરતા એકાદ નવરાત્રિ બરોડા રમી આવો. ઢોલીડો ત્યાં ઢોલ પર એક થાપ માર્યા બાદ બીડી જગાવી લ્યે અને પછી બીજી થાપ મારે ! સ્પીડવાળી...! નૂરો : ભલા ભાણેજડા સરોવર જાઉં ત્યાં ઢોલે રમે ! પીરો : ભઈ ! મામાની પ્રોપર્ટીમાંથી જેની મમ્મી અડધોઅડધ ભાગ લગન પછી માગે એના છોરાઓને મામા શા માટે રમવા લઈ જાય ? એના કરતા એમ કહો કે ભલા ભાણેજડાં સારો વકીલ રાખીને કોર્ટે ચડો. નૂરો : આવતા જતા જરા નજર તો નાખતા જજો ! પીરો : કોઈની સામુ નજર નાખો કે ના નાખો, રોડ પર પડેલા ભૂવા (ખાડા)માં નજર કરજો બેન. નહીંતર કમરનો મણકો ખસી જશે. વળી કેમ છો ? ન કયો તો ચાલશે ‘એ બચી ગઈ’ બોલતા બોલતા સર્પાકારે એકટીવા ચલાવતા શીખજો નહીતર દશેરા પછી તમારુ નોમીયુ હશે. નૂરો : જોડે રહેજો રાજ તમે જોડે રહેજો રાજ. પીરો : યસ બેબી ગરબામાં ક્યાય પણ ચપ્પલ કાઢવા હિતાવહ નથી. જોડા પહેરીને જોડે રેજો. નૂરો : ઓરી આવે તો તને વાત કહું ખાનગી. પીરો : કે યાર... બહુ પ્રેશર છે. વોશરૂમ કઈ બાજુ છે ? નૂરો : તમે થોડા થોડા થાવ વરણાગી. પીરો : ઓ ભઈલા, વર્ષો પહેલાંના પ્રેમમાં બજેટ ઓછું હતું એટલે થોડું થોડું થવાનું હતું. હવે તો બધા પાસે ફૂલ બજેટ છે. તમતમારે આખા આખા થાવ વરણાગી. નૂરો : જોબનિયું આજે આવ્યું ને કાલે જાશે. પીરો : જો ભઈ ! સરકાર તો બદલે અને ક્યારેક આખી’ય બદલે હો. નૂરો : પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી. પીરો : Paytm (પેટીએમ) કરો. કોણ ચીલ્લર સાચવે ભાઈ ? નૂરો : ઈંધણા વીણવા ગઈ’તી, મોરી સૈયર ! વેળા બપોરની થઈ’તી. પીરો : આ ગીત રાજકોટવાળા કોઈ બેનનું નથી. બપોરે એકથી ચાર ઓન્લી આરામ એટલે આરામ જ. નૂરો : દેર મારી અંગૂઠડીનો ચોર. પીરો : દેર બિચાડો બહાને ચડી ગયો છે બાકી ભાભી જ હરખુડી હશે. અંગૂઠી વેચીને જ નોરતાંના પાસ લાવી હશે અને બિચાકડાં દેરને વગોવી માર્યો. નૂરો : કહો પૂનમના ચાંદને આજ ઉગે આથમણી ઓર. પીરો : ના થાય બકા. પૂનમ અને ચાંદના મેરેજ હવે ન થાય લવ જેહાદ. નૂરો : સવામણ સોનું ને અધમણ રૂપું. પીરો : તો ટીલડી વેચીને બેંકના હપ્તા ભરી પછી ગરબે રમાય. નૂરો : તારા નામની ચૂંદડી ઓઢી એક વિજોગણ... પીરો : ચૂંદડી આજકાલ માત્ર માસ્ક કે બુકાનીમાં કામ લાગે છે. કોઈ વિજોગણ નથી. દસ લગનમાંથી છના ભરણપોષણના કેસ હાલે છે. નૂરો : તમે કિયા તે ગામનાં ગોરી રાજ ? પીરો : ફેસબુક પ્રોફાઈલ જોઈ લે. કાં તો શાદી ડોટ કોમ પર બધું છે. નૂરો : તને જાતા જોઈ પનઘટની વાટે… પીરો : રેવા દે નૂરા રેવા દે ! હવે પનઘટ એકસપાઈરી ડેટ થઈ ગયા છે. ઘટ ડબલ એક્સલ થઈ ગયા છે. હવે બેબલી બેન ટયુશનનું કહીને મલ્ટિપ્લેક્સની વાંહે જાય છે. તું થોડું રિચાર્જમાં ધ્યાન દે ભાઈ તો ગોરીનું મનડું મોહાશે બાકી વિચારમાં રહ્યો તો જોતો જ રહી જાઈશ ને ગોરી ધૂમ બાઈક પર તારું મન લલચાવી કોઈ કરોડપતિ મનસુખ સાથે ચાલી જાશે. નૂરો : તારી માને બજરનું બંધાણ. પીરો : તો’ય તારા બાપા કરતા સારું. ⬛ }}} હાયરામ જીવ પડીકે બંધાય ત્યારે દોરો લગાવાય કે સ્ટેપલર ? sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...