માયથોલોજી:બૌદ્ધ સ્તૂપ અને હિંદુ શક્તિપીઠની કથાઓમાં સમાનતા!

દેવદત્ત પટનાયક16 દિવસ પહેલા
  • કૉપી લિંક

બૌદ્ધો અને હિંદુઓમાં એક માન્યતા છે કે કોઇ જમીનને કોઇ પવિત્ર વ્યક્તિ સાથે જોડી દેવામાં આવે ત્યારે એ જમીન પણ પવિત્ર થઇ જાય છે. પહેલાં આ માન્યતાનું બૌદ્ધ વર્ણન જોઇએ. કહેવાય છે કે ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી તેમના અંતિમસંસ્કાર કુશીનગરમાં થયા. તે પછી તેમના અસ્થિ એમના શાક્ય સમૂહને આપવાના હતા, પણ એ સોંપાય તે પહેલાં જ ગંગાના મેદાની ક્ષેત્રોના સાત રાજાઓએ કુશીનગર પર હુમલો કર્યો અને એ અસ્થિઓ પર પોતાનો દાવો કર્યો. એમણે શહેરને ઘેરી લીધું અને યુદ્ધની ચેતવણી આપી. અંતે દ્રોણ નામના ઋષિએ બુદ્ધના અસ્થિઓના લગભગ આઠ જેટલા ભાગ પાડ્યા અને એ આક્રમણકારી રાજાઓને આપી દીધા. રાજા એ અસ્થિઓને પોતપોતાના રાજ્યોમાં લઇ ગયા અને તેને પવિત્ર ટેકરીઓ પર રાખ્યા. સ્તૂપોની ઉત્પતિ ત્યાંથી જ થઇ. સ્તૂપ એવું પવિત્ર સ્થળ છે, જ્યાં બુદ્ધના કોઇ અવશેષ રાખવામાં આવ્યા છે. સમ્રાટ અશોકે બુદ્ધના લગભગ 200 વર્ષ પછી રાજ કર્યું. એમણે બુદ્ધના અવશેષોની પુન: શોધખોળ કરી અને તેને 84,000 ભાગોમાં વહેંચ્યા. તે પછી એ અવશેષોને સમગ્ર ઉપમહાદ્વીપ, દક્ષિણ પૂર્વ એશિયા અને એટલે સુધી દુનિયાભરમાં લઇ જવામાં આવ્યા. આમ, આજેય દુનિયાના વિવિધ ભાગોમાં આપણને બુદ્ધના અવશેષો જોવા મળે છે. થેરવાદ બૌદ્ધ ધર્મના મહાન દર્શનશાસ્ત્રી ‘બુદ્ધઘોષ’ યુદ્ધના લગભગ એક હજાર વર્ષ પછી થયા હતા. કોઇ વિહારનું મહત્ત્વ અને તેનું પ્રભુત્વ એ બાબત પર આધારિત છે કે એમની પાસે કેટલા અવશેષ છે. આ વિચાર બુદ્ધઘોષના સમયમાં લોકપ્રિય થયો. બુદ્ધના વિવિધ અવશેષોની કથાઓ આપણને મ્યાનમાર, કમ્બોડિયા, લાઓસ, થાઇલેન્ડ, ચીન, જાપાન, અફઘાનિસ્તાન અને હવે તો અમેરિકામાં પણ સાંભળવામાં મળે છે. લગભગ એવી જ કથા હિંદુ ધર્મમાં પણ સાંભળવા મળે છે. જોકે આ કથાનું બુદ્ધની કથાના લગભગ 1000 વર્ષ પછી દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું. તે અનુસાર, શિવનાં પત્ની સતીએ પોતાના પિતા દક્ષની ઇચ્છા વિરુદ્ધ શિવ સાથે લગ્ન કર્યાં હતાં. ક્રોધિત દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું અને શિવજીનું અપમાન કરવાના હેતુસર તેમણે શિવજી સિવાય અન્ય સૌને યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપ્યું. સતીએ જ્યારે સભામાં જઇને બંને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે દક્ષે શિવનું વધારે અપમાન કર્યું. સતીથી પોતાના પતિનું અપમાન સહન ન થયું અને એમણે યજ્ઞવેદીના અગ્નિમાં પોતાની જાતને હોમી દીધી. સતીના દહનની જાણ થતાં શિવજીએ ક્રોધે ભરાઇને દક્ષ પ્રજાપતિનું માથું ઉડાવી દીધું, પણ ક્રોધ ઓછો થતાં એમણે દક્ષને ફરી જીવિત કર્યા અને સતીનો દેહ લઇ શોકગ્રસ્ત થઇ ફરવા લાગ્યા. ઋષિ સમજી ગયા કે શિવનો શોક દુનિયાનો વિનાશ કરશે. એમણે વિષ્ણુને સતીના શરીરના નાના ટુકડા કરવાની વિનંતી કરી, એવી આશાએ કે સતીનો મૃતદેહ નહીં હોય તો શિવજીના શોકમાં ઘટાડો થશે. આમ, સતીના શરીરના નાના ટુકડા કરી નાખવામાં આવ્યા. તે ભારતના વિવિધ ભાગોમાં પડ્યા અને જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠો રચાઇ. વિવિધ ગ્રંથ શક્તિપીઠોની સંખ્યા જુદી જુદી દર્શાવે છે – 51થી લઇને 64 સુધી. જેમ કે, પંજાબના જ્વાળામુખીમાં સતીની જીભ છે, આસામના કામાખ્યામાં ગર્ભ છે. એ જ રીતે એમનાં પગની અને હાથની આંગળીઓ અને નાભિ ભારતના વિવિધ ભાગોમાં પડ્યાં છે. આપણે આ કથાઓ પર વિશ્વાસ મૂકવો કે નહીં એ આપણી આસ્થા પર આધારિત છે, પણ બુદ્ધના અવશેષ અને શક્તિના શરીરના વિવિધ અંગો, જે ભૂમિને પવિત્ર બનાવે છે તેની વચ્ચેની સમાનતા સ્પષ્ટ છે. એ એકબીજાથી પ્રભાવિત હતા કે નહીં, તે અંગે ચોક્કસપણે કંઇ કહી શકાય નહીં. ⬛

અન્ય સમાચારો પણ છે...