જીવનના હકારની કવિતા:શુભ પાંચમે ભગવદ્ ગીતાનો સાર

અંકિત ત્રિવેદીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણે નાના હતા ત્યારે આ પ્રાર્થના-કાવ્ય આપણા કાનમાં ગુંજતું રહેતું. અત્યારે વર્ષો પછી પણ એને સાંભળીએ છીએ ત્યારે એક જ વિચાર આવે છે. શું આપણે મોટા થયા છીએ ખરા? રસ્તો સીધો પસંદ કરવાનો હતો. રસ્તો સીધો જ હતો. તો પછી આડુંઅવળું કોણ થયું? આ પ્રાર્થના કાવ્ય સ્લેટ ભૂંસીને નવો એકડો ઘૂંટવાની હિંમત આપે છે આપણે જેના લીધે છીએ એને આપણું સર્વસ્વ સોંપી દેવાની વાત છે. આ પ્રાર્થના-કાવ્યમાં ભગવદ્ ગીતાનો સાર છે. આપણા દરેક કર્મમાં કર્તા તો એ જ છે. આપણે તો કર્મ છીએ. આ એ’ને ઓળખવા માટેનું આ કાવ્ય છે. જે આપણા શ્વાસને જીવવાની બાંહેધરી આપે છે. અને ભીતરની ભીતર વસે છે. એની ખુશબૂનું નામ માણસાઈ છે. એની અનુભૂતિનું નામ લાગણી છે. હૃદયને મંદિર બનાવીને આપણામાં આપણી જ પ્રાણપ્રતિષ્ઠા કરાવતું આ પ્રાર્થના-કાવ્ય છે. એને વાંચીને આંખો બંધ કરીને ઈશ્વરનો આભાર માનવાનું મન થાય છે. હે અંતરતર, અમારો રોમાંચ તમારામાં રચ્યો-પચ્યો રહો... ⬛

અંતર મમ વિકસિત કરો! અંતમ મમ વિકસિત કરો, અંતરતર હે – નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે. યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ ચરણપહ્મે મમ ચિત્ત નિસ્પંદિત કરો હે નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે. હે અંતરતર (ભીતરથી વધુ ભીતર) મારા અંતરને વિકસિત કરો. નિર્મલ ઉજ્જવલ કરો. જાગ્રત કરો, કામકાજમાં પ્રવૃત્ત કરો, નિર્ભય કરો. મંગલ, આળસ વિનાનું, સંશયરહિત કરો. સર્વ સાથે એને જોડી, એનાં બંધન છોડો. મારા સકલ કર્મોમાં તમારા શાંત લયનો સંચાર કરો. તમારાં ચરણકમળમાં મારું ચિત્ત હાલ્યાચાલ્યા વગર લીન થાય એમ કરો, એને આનંદિત આનંદિત કરી મૂકો. -રવીન્દ્રનાથ ટાગોર • અનુ. ઉમાશંકર જોશી ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...