માનસ દર્શન:શ્રી હનુમાનજી બ્રહ્મચારી, વનચારી અને ધર્મચારી છે

એક મહિનો પહેલાલેખક: મોરારિબાપુ
  • કૉપી લિંક

‘રાઘણાં વર્ષો પહેલાં ‘હનુમાન-જયંતી’ના અવસરે મેં એક અધ્યાત્મ-ત્રિકોણની વાત કરી હતી. એ ત્રિકોણના ત્રણ ખૂણા - એક સંત, એક હનુમંત અને એક ભગવંત. જો આપણી યાત્રા આપણે સંતથી શરૂ કરીને હનુમંત સુધી પહોંચીએ પછી ભગવંત સુધી જઈએ અથવા તો આપણે ભગવંતથી યાત્રા શરૂ કરીએ, વાયા હનુમંત આપણે સંત સુધી પહોંચીએ. મારું સ્પષ્ટ માનવું છે કે ભગવંત સુધી જવામાં પણ કેન્દ્રમાં હનુમંતતત્ત્વ હોવું જોઈએ અને સંત સુધી જવા માટે પણ કેન્દ્રમાં હનુમંતતત્ત્વ હોવું જોઈએ. ‘હનુમાનચાલીસા’માં આપણે વાંચીએ છીએ- તુમ્હરે ભજન રામ કો પાવૈ.જનમ જનમ કે દુ:ખ બિસરાવૈ. રામ દુઆરે તુમ્હ રખવારે. હોત ન આજ્ઞા બિનુ પૈસારે. કોઈ સાધુ પણ પ્રાણતત્ત્વનો આશ્રય કર્યા વિના ભગવંત સુધી નથી પહોંચી શકતો. જો ભગવંતથી યાત્રા કરીએ તો કોઈ સાધુપુરુષ સુધી પહોંચવા માટે પણ આપણે હનુમાનજીથી જ દીક્ષિત થઈને જવું પડે છે. ચાહે આપણું લક્ષ્ય સંત હો કે ભગવંત હો. હનુમાનજી બુદ્ધપુરુષ છે. હનુમાનજી સદ્દગુરુ છે. હનુમાનજી વૈદ છે. હનુમાનજી ઔષધ છે. હનુમાનજી ઔષધાલય છે. ‘રામ રસાયન તુમ્હરે પાસા.’ આપણા જેવા લોકોએ એવા કોઈ બુદ્ધપુરુષને કેન્દ્રમાં રાખવા પડે છે. મારા જેવા માણસને તો એ જોઈએ; કોઈ સદ્દગુરુ, કોઈ બુદ્ધપુરુષ જોઈએ. આપણા જેવા લોકોને જોઈએ હનુમંત જેવા કોઈ બુદ્ધપુરુષ કેમ કે આપણા જેવા લોકોથી રોજેરોજ સવાર-સાંજ અપરાધ થતા જાય છે. આપણે ચિંતનથી, વિચારોથી, આચરણથી, ઉચ્ચારથી, વ્યવહારથી, નયનથી, હાવભાવથી પળ-પળ અપરાધ કરનારા છીએ! એવામાં કોઈ જોઈએ સંતને ભગવંત સુધી પહોંચાડવા માટે વચ્ચે હનુમંત. ભગવંત તો આપણા હૃદયમાં છે જ, પરંતુ ત્યાંથી યાત્રા કરીને કોઈ પરમ સાધુ સુધી પહોંચાડવા કેન્દ્રમાં જોઈએ હનુમંત. સંત, હનુમંત, ભગવંત, એ ત્રિકોણની ત્રણેય રેખાઓ સમ છે; એક નીચે; એક-એક બાજુમાં, પરંતુ એ જે શિખર છે ત્યાં હું હનુમાનજીને બેસાડું છું. હનુમાનજી સદૈવ શિખરસ્થ છે. જે શરણસ્થ છે, ચરણસ્થ છે એ શિખરસ્થ થઈ જાય છે. એટલા માટે હનુમંતતત્ત્વ બહુ જ નિતાંત આવશ્યક છે. હનુમાનજી સાંપ્રદાયિક નથી; એ વાયુ છે. વાયુને કોઈ ધર્મ નથી હોતો, જીવન હોય છે. એવા હનુમાનજીનું આપણે સ્મરણ કરી રહ્યાં છીએ ત્યારે એક અન્ય ત્રિકોણનું દર્શન કરીએ. આખી દુનિયા હનુમાનજી વિશે એક વાત તો અવારનવાર કહે છે, માને છે, જાણે છે અને એમાં કોઈ સંદેહ નથી તે એ કે હનુમાનજી બ્રહ્મચારી છે. એમાં તો બેમત નથી. હનુમાનજી વનચર પ્રાણી હોવાને કારણે એમનો જે સ્થૂળ દેહ છે એ ચંચળ વાનરનું છે, પશુનું છે અને વાનર મોટેભાગે વનમાં રહે છે. એટલા માટે હનુમાનજીને વનચારી પણ માનવામાં આવ્યા; એ વનચારી છે. હનુમાનજી બ્રહ્મચારી પણ છે, હનુમાનજી વનચારી પણ છે અને ‘વિનયપત્રિકા’ને આધારે કહીએ તો શ્રી હનુમાનજી ધર્મચારી પણ છે. `વિનયપત્રિકા’માં જ્યાં હનુમંત-વંદનાનાં ચાર-પાંચ પદ આવ્યાં છે ત્યાં પાઠ મળ્યો કે હનુમાનજી ધર્મચારી છે. આ ત્રિકોણ છે મારા હનુમંત. શ્રી હનુમાનજી બ્રહ્મચારી, વનચારી અને ધર્મચારી છે. બ્રહ્મચારીનો મતલબ; યોગીઓએ, વિદ્વાનોએ, યોગસૂત્રોએ, મહાપુરુષોએ, સિદ્ધોએ એની વ્યાખ્યા કરી છે અને જે સંસારી છે, જેમના બ્રહ્મચર્યનું કોઈ ઠેકાણું નથી એવા લોકોએ પણ એની વ્યાખ્યા કરવામાં કોઈ કૃપણતા નથી બતાવી! બહુ ઉદારતાથી એની વ્યાખ્યાઓ કરી છે! તલગાજરડા કહેશે, બ્રહ્મચારી એટલે જે નિરંતર બ્રહ્મમાં વિચરણ કરી રહ્યા છે એ. સ્મૃતિ બ્રહ્મની; દર્શન બ્રહ્મનું; શ્રવણ બ્રહ્મનું; જે પણ કંઈ સંભળાય એ બધો બ્રહ્મનો અવાજ. પ્રવાહ બ્રહ્મનો, લહેરો બ્રહ્મની, પક્ષીઓનો કલરવ બ્રહ્મનો. નિરંતર જે બ્રહ્મમાં જ વિચરણ કરે છે. દેશ-કાળ અને પાત્રાનુસાર કાર્ય કોઈ પણ કરશે પરંતુ એની ભીતરી ધારા તૈલધારાવત્‌ બ્રહ્મવિહારી હોય છે. એવા હનુમાનજી બ્રહ્મચારી છે. તો શ્રી હનુમાનજી મહારાજ બ્રહ્મચારી છે એનો મતલબ એ બ્રહ્મમાં રમમાણ રહે છે. બ્રહ્મચારીની વ્યાખ્યા કેવળ સ્થૂળ રૂપમાં ન કરવી જોઈએ. એ પણ એક તપસ્યા છે નિ:શંક. તો હનુમાનજી બ્રહ્મચારી છે. મારા હનુમાનજી વનચારી છે, વનમાં રહે છે. વનમાં રહેવું એ ઉદાસીન સ્વભાવનું પ્રતીક છે, તપસ્યાનું પ્રતીક છે, વૈરાગનું પ્રતીક છે. શ્રી હનુમાનજીને ગોસ્વામીજીએ પ્રબળ વૈરાગ્યનું ઘનીભૂત સ્વરૂપ માન્યા છે. શ્રી હનુમાનજી વનચારી છે. ઉદાસ નહીં, ઉદાસીનતાનો એ સંકેત છે. શ્રી હનુમાનજી વાનરના રૂપમાં વનમાં વિચરણ કરનારા, એક શાખાથી બીજી શાખા પર જનારા છે. એનો મતલબ આ પરમાત્મારૂપી વૃક્ષની જુદીજુદી ધારાઓ પર શ્રી હનુમાનજી મહારાજ વિચરણ કરે છે; શાખામૃગ છે. હનુમાનજી વનમાં રહેનારાઓને બહુ જ નિકટ પડે છે કેમ કે એ વનચારી છે. ‘વિનયપત્રિકા’ના કહેવા મુજબ હનુમાનજી ધર્મચારી છે, ધર્મમાં રમમાણ રહે છે. ‘રામચરિતમાનસ’નો જે સાર છે; ‘સારઅંસ સંમત સબ હી કી.’ હવે તો તલગાજરડાએ ગુરુકૃપાથી જાણીને આપને કહ્યું છે, ધર્મ એટલે સત્ય, પ્રેમ, કરુણા. હનુમાનજી સત્યાચારી છે. હનુમાનજી પ્રેમાચારી છે. હનુમાનજી કરુણાચારી છે. એ રૂપમાં ધર્મચારી છે. અને આ ચરણ, આ વિચરણ માણસને જડ નથી થવા દેતાં. આપણે પહેલાં પણ અનુભવ કરતા હતા; વર્તમાનમાં પણ અનુભવ કરીએ છીએ. ધર્મચારી હોવાનો મતલબ છે નદીની માફક ધર્મવિચરણ; જડતા નહી, મૂઢતા નહીં. ધર્મ-સંમૂઢતા કેટલું બધું સંકટ પેદા કરી શકે છે! એટલા માટે હું કહું છું, હનુમાનજી ધર્મચારી છે મતલબ કે સત્યાચારી છે. તો આ બ્રહ્મચારી, વનચારી અને ધર્મચારી એ પણ હનુમાનજીનો સ્વભાવ-ત્રિકોણ છે; એમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ છીએ. ⬛ (સંકલન : નીતિન વડગામા)nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...