વિજ્ઞાનધર્મ:શ્રી ગુરુ: ગોત્રઋષિ અને મંત્રઋષિ થકી સાધનાસિદ્ધિ!

2 મહિનો પહેલાલેખક: પરખ ભટ્ટ
  • કૉપી લિંક

(અંતિમ ભાગ-૬) આજના હાઈ-ફાઈ કમર્શિયલ યુગમાં એવા ગુરુ મળવા અત્યંત મુશ્કેલ છે, જેમણે પોતે વર્ષો સુધી નિરંતર સાધના કરી હોય! પાછલાં મણકાંઓમાં આપણે જોયું કે મંત્રયોગ માટે ગુરુ અનિવાર્ય છે. ઘણા કિસ્સાઓમાં સાધકોને યોગ્ય ગુરુ નથી મળતાં. કેટલીકવાર એવું પણ બને કે ગુરુ બનાવ્યા બાદ એમની અયોગ્યતા અંગે જાણ થાય! તો આવા સંજોગોમાં શું કરી શકાય?

સર્વપ્રથમ તો એ જાણી લો કે, આપણા ઋષિ-મુનિઓએ મંત્રવિજ્ઞાનમાં પ્રત્યેક સમસ્યા માટે ઉપાય સૂચવ્યો છે. અલબત્ત, એને છટકબારી ગણવાની ભૂલ ન કરવી! ઊર્જા સાથે સંકળાયેલું આ વિજ્ઞાન ખરેખર દેખાય છે, એટલું જટિલ નથી. ગુરુની ગેરહાજરી નિવારવા બે સરળ ઉપાયો છે: (૧) ગોત્રઋષિ (૨) મંત્રઋષિ. જેને અહીં વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ.

(૧) ગોત્રઋષિ : દરેક સાધકના પરિવારનું ગોત્ર નિશ્ચિત હોય છે. ધારો કે, તમારું ગોત્ર કશ્યપ છે. આથી, મહર્ષિ કશ્યપ તમારા પૂર્વજ થયા. એવી જ રીતે, ભારદ્વાજ-વશિષ્ઠ વગેરે ગોત્ર ધરાવતાં પરિવારો માટે મહર્ષિ ભારદ્વાજ અને મહર્ષિ વશિષ્ઠ વગેરે એમના પૂર્વજ ગણાય. સાધનાના માર્ગે આગળ વધવા માટે જો તમને માનવદેહે યોગ્ય ગુરુની પ્રાપ્તિ ન થઈ શકી હોય, તો ગોત્રના ઋષિને જ ગુરુપદે સ્વીકાર કરીને સાધનાનો આરંભ કરી શકાય. એનું એક કારણ એ કે, તમારા ગોત્રના ઋષિ હોવાને નાતે એમનો સૂક્ષ્મ-અંશ અથવા રંગસૂત્રનો સૂક્ષ્મ ભાગ તમને વારસામાં મળ્યો કહેવાય. આથી, એ મહાન ઋષિઓએ પોતાના જીવનકાળ દરમિયાન કરેલી સાધનાનું ફળ તમને પણ પ્રાપ્ત થઈ જ શકે. જેવી રીતે રાજવીનો વંશ હજારો વર્ષ પછી પણ રાજવી જ રહે છે, એવી રીતે ગોત્રના મૂળ ઋષિના DNA – રંગસૂત્ર હજારો વર્ષ પછી પણ એટલા જ અસરકર્તા ગણાય. મારો અંગત અનુભવ એમ કહે છે કે, ગોત્રના મૂળ ઋષિને ગુરુપદે સ્વીકાર્યા બાદ સાધના કરવાથી સાધકને ભવિષ્યની સાધના અથવા દિશા અંગે ગોત્રઋષિ દ્વારા માર્ગદર્શન મળી રહે છે.

(૨) મંત્રઋષિ : કોઈપણ મંત્રના છ અંગો (ષડાંગ) હોય છે, જેમાંનું એક અંગ એટલે મંત્રઋષિ! દરેક મહામંત્રના મંત્રદ્રષ્ટા ઋષિ નિશ્ચિત હોય છે. દાખલા તરીકે, ગાયત્રી મંત્રના મંત્રદ્રષ્ટા ઋષિ વિશ્વામિત્ર છે. આથી, જો તમે ગાયત્રી સાધના કરવા માંગતા હો અને કોઈ ગુરુ દ્વારા દીક્ષા પ્રાપ્ત ન કરી હોય તો સ્વયં ઋષિ વિશ્વામિત્રને ગુરુપદે સ્વીકારી સંપૂર્ણ આસ્થા અને શ્રદ્ધાભાવ સાથે ગાયત્રી સાધનાનો પ્રારંભ કરી શકો છો. આ પ્રકારે, ઘણા મંત્રોના ઋષિ સ્વયં પ્રજાપતિ બ્રહ્મા, જગતનિયંતા વિષ્ણુ અને પ્રલયંકારી સદાશિવ પણ હોઈ શકે. નીચે આપેલાં મંત્રનો ત્રણ વખત જાપ કર્યા બાદ સાધનાનો આરંભ થઈ શકે. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्‌ परब्रह्म तस्मै श्री गुरवे नमः॥

આ સિવાય, ઘણા સાધકો પોતાની અંતરાત્મામાં બિરાજમાન શ્રીગુરુને ગુરુપદે સ્થાપિત કર્યા બાદ પણ સાધનાનો આરંભ કરતા હોય છે, જેમાં કશું ખોટું નથી. કારણકે આપણા વેદાંત અને આધુનિક ક્વૉન્ટમ સાયન્સ બંને કહે છે કે ‘જે ભીત્તર છે, એ જ બાહ્ય પણ છે!’ આથી, આજના સમયમાં લોભી ગુરુઓ પાસેથી દીક્ષા લઈને ઊંધા માર્ગ પર દોરાવાને બદલે સ્વયંના ગોત્રઋષિ અથવા મંત્રઋષિને ગુરુપદે સ્થાપિત કરવાથી આધ્યાત્મિક-ઉન્નતિનો માર્ગ સુનિશ્ચિત કરી શકાય છે. અહીં એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે, ભક્તિમાર્ગ પર આગળ વધવા માંગતા શ્રદ્ધાળુઓ માટે ધ્યાનયોગ શ્રેષ્ઠ ગણી શકાય, જેમાં ગુરુની ઉપસ્થિતિ કે અનુપસ્થિતિથી ઝાઝો તફાવત નથી જોવા મળતો! પરંતુ વામાચાર અથવા દક્ષિણાચાર માર્ગ ઉપર પ્રગતિ સાધવા માંગતા મંત્ર-તંત્ર-યંત્રના સાધકો માટે ગુરુ અનિવાર્ય છે; એ પછી મંત્રઋષિ, ગોત્રઋષિ, અંતરાત્મામાં બિરાજમાન ગુરુ અથવા માનવગુરુ.. કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે! ⬛ (સમાપ્ત) bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...