એન્કાઉન્ટર:સામાન્ય નાગરિકે રાજકારણમાં રસ લેવો જોઈએ કે નહિ?

21 દિવસ પહેલાલેખક: અશોક દવે
  • કૉપી લિંક

⬛ મારે તમારી બાયોપિક બનાવવી છે, પણ હકીભાભીના રોલ માટે ડિમ્પલ હા નથી પાડતી. શું કરવું? (વિક્રમ જી. પંચોલી, રાજકોટ) - હકીને જ લઇ લો ને!...મને કાપતા નહીં. ⬛ દાળઢોકળ‌ી રવિવારે જ બનાવવાનું રહસ્ય શું?(દીક્ષિત રાવલ, અમદાવાદ) - છ દિવસના ઉપવાસો પછી, રવિવારે જે મળે એ ખાઇ લેવું સારું! ⬛ આપે રાષ્ટ્રગીત માટે કરેલી અપીલ રંગ લાવી રહી છે. રવિવારે નાટક જોવા ગયો ત્યાં પહેલાં રાષ્ટ્રગીત ગવાયું, પછી નાટક શરૂ થયું. (દત્તેશ પુરોહિત, જામનગર) - રાષ્ટ્રગીત આપણા ભારતીયોના હૃદયમાં અંકિત છે... મારા જેવાની અપીલથી નહીં! ⬛ સંબંધી પાસે લેણા પૈસા માગવા છતાં આપતા ન હોય તો શું કરવું? (વિરેેન જસાણી, સોનગઢ) - મને આપી રાખો... પછી પાછા લેવાની તરકીબ બતાવીશ! ⬛ રાષ્ટ્રવિરોધી કહેવાતા બૌદ્ધિકો દેશને મોટું નુકસાન કરી રહ્યા છે... (કાંતિલાલ માકડિયા, રાજકોટ) - ચિંતા ન કરો જી. એક આપણા મોદી બધાયને પહોંચી વળે એવા છે. ⬛ મોર કળા કરે છે... સરકાર ક્યારે કરશે? (હરેશસિંહ બારડ, કોડિનાર) - ઇ.સ. 2014થી આપણો મોર અદ્્ભુત કળા કરી રહ્યો છે. ⬛ પક્ષ બદલવા છતાં ટિકિટ ન મળતી હોય તો આ બધી ભાંજગડો કરવાનો અર્થ શું? (મનન અંતાણી, રાજકોટ) - પક્ષ કોઇ પણ હોય, ટિકિટલાલચુ હંમેશાં એક જ રટણ લગાવે છે, ‘હું તો દેશની સેવા કરવા આવ્યો છું.’ ⬛ આજનાં હિંદી ફિલ્મી ગીતો સાંભળવા કરતાં જોવાં વધુ ગમે એવાં હોય છે... (ધીરેન મોનાણી, જામનગર) - ટીવી અથવા મકાન બદલો! ⬛ જીવનમાં કેટલી વાર પ્રેમ કરી શકાય? (પરેશ પરમાર, મહુવા) - તમારે ટેન્ડર બહાર પાડવું જોઇએ...બધાને ચાન્સ રહે! ⬛ ભગવાન બુદ્ધિ વહેંચતા હતા, ત્યારે રાહુલ ગાંધી ક્યાં હશે?(ભાલચંદ્ર દવે, અમદાવાદ) - એ એમના ઘેર જ બેઠા હશે... તો જ આવો માલ નીકળે ને! ⬛ આ વખતે કહો તો તમને ‘આપ’માંથી ટિકિટ અપાવું!(મહેશ ઠક્કર, અમદાવાદ) - યૂ મીન, તમને મારા માટે કોઇ આદર જ નથી? ⬛ તમને ક્યારેય શોક લાગ્યો છે? (ગોવિંદ ખાટ, અમદાવાદ) - મા-બાપ દેવ થઇ જાય એટલે કોઇ ‘અશોક’ ન રહે! ⬛ બુલડૉઝર ખરીદવાનો ફાયદો શું? (નિખિલ રિંડાણી, અમદાવાદ) - સસુરજીને આપણો બારમાસી ડર રહે રાખે! ⬛ આટલી તોતિંગ મોંઘવારીનું કારણ શું? (ભાલચંદ્ર દવે, સુરેન્દ્રનગર) - અાપણી આવક. ⬛ આપણા જેવા ‘ડ્રાય-સ્ટેટ’માં પણ ‘ડોન્ટ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ’ના બોર્ડ મારવાનું કારણ શું? (ડો. શૈલજા ઠક્કર, અમદાવાદ) - એમ કે… પહેલા પી લો… પછી ડ્રાઇવ કરો! ⬛ સાત દિવસનો વાર હોવા છતાં એને ‘અઠવાડિયું’ કેમ કહે છે? (સાગર ખોરસિયા, પાલિતાણા) - બોલવામાં ‘સતવાડિયું’ સારું ન લાગે… બા ખિજાય! ⬛ હું તમારી કોલમો ટાઇમ મ‌ળે ત્યારે વાંચી લેતો હોઉં છું… મજા આવે છે! (રાજેશ મૌર્ય, અમદાવાદ) - હું તો ટાઇમ ન મ‌‌ળે તોય લખી લેતો હોઉં છું… હાડકાં ઢીલાં થઇ જાય છે! ⬛ EDના છાપા પછી પપ્પુની હાલત કેવી હશે? (હેમંત મહેતા, સુરત) - એમની હાલત પૂછવા જેટલી એ મૂલ્યવાન વ્યક્તિ નથી! ⬛ ‘બુલડૉઝર’ શબ્દ સાંભ‌ળીને કેવી લાગણી થાય છે?(મેધાવી મહેતા, સુરત) - ‘યોગીઇઇઇઇ… અમર રહો!’ ⬛ ‘એર હોસ્ટેસ’ તરીકે સ્ત્રીઓ જ કેમ? (હર્ષ હાથી, ગોંડલ) - પુરુષ એર હોસ્ટેસો સામે છાનુંછપનું જોઇ લેવાનો કોઇ ફાયદો ખરો? ⬛ તમારાથી અમદાવાદની ગરમી સહન થાય કે તમને મુંબઇનો વરસાદ ગમે? ( ધર્મેન્દ્ર રામી, મહેસાણા) - આખા ગુજરાતમાં મુંબઇ જેટલો બફારો ક્યાંય થતો નથી. ગરમી સહન થાય… બફારો નહીં! ⬛ એમાં ગુલાબ કે જાંબુ, બેમાંથી કંઇ હોતું નથી છતાં નામ ‘ગુલાબજાંબુ’ કેમ? (ઝલક શાહ, કપડવંજ) - ‘મોગરાબોર’ કે ‘રજનીગંધાફાલસા’ બેસતું નથી માટે! ⬛ પોપટલાલ કાયમ હાથમાં છત્રી લઇને કેમ ફરે છે? (યોગેશ જોશી, હાલોલ) - ઢીંચણ ઉપર છત્રી બાંધીને ફરવું ના ફાવે! ⬛ આ ‘ભીનું સંકેલાતું’ હોય છે, એમાં જળ ગંગાજીનું વપરાય કે યમુનાજીનંુ? (વિદુર પંડ્યા, ગાંધીનગર) - એમાં ‘ફૅંટ’ કા સબ સે અશુદ્ધ પાની’ વપરાય છે! (ફૅંટ એટલે રાજકીય ફેંટમબાજી!) ⬛ કોંગ્રેસની સત્તા તો ગઇ… હવે સંપત્તિ પણ…? (હિતેશ દમણીયા, સુરત) - પ્રભુ કરે, સંપત્તિ તો રહે… રોજ કેટલા બધા કોંગ્રેસીઓને છાના રાખવાના હોય છે! ⬛ ડાબી કે જમણી આંખ ફરકતી હોય તો શુભ/અશુભ માનવામાં આવે છે, પણ બંને આંખો ફરકતી હોય તો?(સોહેલ પંજવાણી, મહુવા) - ચાલતી વખતે જમીન પર પછાડતા રહેવાની લાકડી સાથે રાખવી સારી! ⬛ ગાયને માતા તો ભેંસને ‘રાષ્ટ્રીય માસી’ ઘોષિત કેમ ન કરાય?(અક્ષય જાની, સણોસરા) - પાડાઓ સાથે ઓળખાણો હોય તો જ આમાં પડજો! ⬛ રાહુલ ગાંધી કોંગ્રેસ માટે શું કરવા માગે છે? (વિનાયક શુક્લ, ગોધરા) - એની તો હજી કોંગ્રેસમાંય કોઇને ખબર પડી નથી… ને દેશને એ જાણવાની પડી નથી! ⬛ ‘મન મોર બની થનગાટ કરે’ તો બીજાં પક્ષી શું કરે?(પાયલ વાઢેર, મલાડ(ઇ)-મુંબઇ) - ચરકાટ કરે. ⬛ તમે ‘બુધવારની બપોરે’ શું કરો છો? (વિજય ગોહિલ, જામખંભાળિયા) - લહેર. ⬛ વાચકો ‘બુધવારની બપોરે’ પહેલા સિક્સર કેમ વાંચી લે છે?(દેવાંગ વ્યાસ, અમદાવાદ) - ટૂંકમાં પતેને…? ⬛ ‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે.’ આમાં લોભિયા કયા અને ધૂતારા કયા? (નૂતનકુમાર ભટ્ટ, સુરત) - હાલના રાજકીય સંદર્ભમાં અનુક્રમે તેજસ્વી યાદવ અને નીતિશ કુમારનાં નામો ફિટ બેસે છે.

અન્ય સમાચારો પણ છે...