ન્યૂ રિલ્સ:શૂજિત સરકાર : નવી ફિલ્મે નવું રિસ્ક

એક મહિનો પહેલાલેખક: વિનાયક વ્યાસ
  • કૉપી લિંક

બોલિવૂડને સતત નીચા દેખાડવાનો આજકાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે પરંતુ આ જ બોલિવૂડે છેલ્લા બે દાયકામાં બિલકુલ અલગ પ્રકારની ફિલ્મો બનાવનારા ડિરેક્ટરો પણ આવ્યા છે. શૂજિત સરકાર એમાંના એક છે. ‘વિકી ડોનર’, ‘પિકુ’, ‘ગુલાબો સિતાબો’ અને ‘સરદાર ઉધમ’ જેવી ફિલ્મોથી જાણીતા થયેલા આ યુવાનની જર્ની કંઈક અલગ જ છે. તમે માનશો? શૂજિત સરકારે કોઈ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં તાલીમ લીધી નથી. એ તો સીધા સાદા B.com ગ્રેજ્યુએટ હતા! દિલ્હીની એક એજન્સીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા. પણ મૂળ બંગાળનું લોહી ખરું ને! એટલે નાટક-ડ્રામા-થિયેટર એમના જિન્સમાં હતું. દિલ્હીમાં પેલી નોકરી કરતાં કરતાં એ યુવાને ‘એક્ટ-વન’ નામનું થિયેટર ગ્રુપ શરૂ કર્યું હતું, જેમાં એ જમાનામાં જરાય ફેમસ નહોતા છતાં ટેલેન્ટથી ભરપૂર એવા કલાકારો એમાં જોડાયેલા હતા. જેમ કે પિયુષ મિશ્રા, મનોજ બાજપેયી, આશિષ વિદ્યાર્થી વગેરે. નાટક અને માત્ર નાટકનો નશો કરીને જીવી રહેલા શૂજિત સરકારને ફિલ્મોનો રંગ ચડ્યો બે ચોક્કસ ફિલ્મોને કારણે. જ્યારે દિલ્હીમાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો ત્યારે એક ડોક્યુમેન્ટ્રી ‘ડિયર અમેરિકા: લેટર્સ ફ્રોમ વિયેતનામ’ જોઈને તે હલી ગયા. એ જ ફેસ્ટિવલમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’ પણ હતી. આ બે ફિલ્મોએ શૂજિતને ફિલ્મોની ચાનક લગાડી દીધી. છતાં એ ચાનક અને પોતાની પહેલી ફિલ્મની વચ્ચે લગભગ દસ-બાર વરસનું અંતર પડી ગયું. જરા વિચારો, 2004માં માત્ર છ-આઠ મહિનાના ગાળામાં જેના પિતાજી કેન્સરમાં ગુજરી ગયા અને માતાજી બ્રેઈન સ્ટ્રોકનો શિકાર થયાં એ જ વરસે શૂજિતને પોતાની પહેલી ફિલ્મ બનાવવાની તક મળે છે! કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદ અને આર્મી ઓપરેશન્સની વચ્ચે એક સૈનિક અને સ્થાનિક યુવતી વચ્ચેની આ પ્રેમ-કહાણી અત્યાર સુધી અણી ચૂકેલી ટિપિકલ ચાંપલી ‘શાંતિપ્રેમી’ ફિલ્મોથી ઘણી અલગ હતી. ‘યહાં’ (2005, જિમિ સેરગિલ, મનીષા લામ્બા) એક તરફ કાશ્મીરની કડવી વાસ્તવિકતાને બતાડવામાં જરાય અચકાતી નહોતી છતાં બીજી તરફ એમાં ડ્રામા પણ ભરપૂર હતો. ફિલ્મ ખાસ ચાલી નહીં છતાં શૂજિત સરકારની ફિલ્મ મેકિંગની ‘સ્ટાઈલ’થી ઈન્ડસ્ટ્રીના લોકો અંજાયા હતા. જરા વિચારો, ‘યહાં’ પછી શૂજિત અમિતાભ બચ્ચન જેવા મેગા-સ્ટારને ‘શૂ બાઈટ’ નામની ફિલ્મ કરવા માટે મનાવી લે છે, જેની સ્ક્રિપ્ટ ઈન્ટરનેશનલ હોલિવૂડ ફિલ્મ મેકર મનોજ નાઈટ શ્યામલનની એક ટૂંકી વાર્તા ઉપર આધારિત છે! ફિલ્મ આખેઆખી બની ગયા પછી વરસો લગી રિલીઝ જ ના થઈ શકી! (કેમ કે ફિલ્મના પ્રોડ્યુસરો વચ્ચે કોપીરાઈટના પ્રોબ્લેમો થયા) જો અમિતાભ બચ્ચનવાળી એ ફિલ્મ 2006માં રિલીઝ થઈ હોત તો શૂજિત સરકારના ખાતામાં વધુ ચાર-પાંચ ફિલ્મો બોલતી હોત. પણ આ માણસ મુંબઈમાં ટકી રહે છે, નાની મોટી ડોક્યુમેન્ટ્રીઓ એક ફિલ્મો કરતો રહે છે. છેવટે 2012માં, પૂરા સાત વરસ પછી ‘વિકી ડોનર’ નામની સાવ જુદી જ થીમ ધરાવતી કોમેડી લઈને આવે છે. ફિલ્મી ભાષામાં જેને ‘નિકલ પડી’ કહેવાય તેમ સફળતા હાથ લાગી ગઇ હોવા છતાં આ માણસ સાવ જુદા જ પ્રકારની ફિલ્મ બનાવે છે: ‘મદ્રાસ કાફે’. શું હતું ‘મદ્રાસ કાફે’માં? ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાનું કાવતરું શી રીતે ઘડાયું અને ભારતની ઈન્ટેલિજન્સ એજન્સીઓને તેની કાચી માહિતી હોવા છતાં રાજીવ ગાંધીની હત્યા શી રીતે થઈ ગઈ એની વાત હતી. પહેલી નજરે તો સનસનાટીથી ભરપૂર સબ્જેક્ટ લાગે છે ને? પણ શૂજિત સરકાર રિસ્ક લે છે. લગભગ ડોક્યુમેન્ટ્રી કહી શકાય એવી બિન-નાટકીય સ્ટાઈલમાં, છેક શ્રીલંકામાં LTTEનાં આતંકવાદી સંગઠનોના તાર ભારત સરકાર સાથે શી રીતે જોડાયા હતા એના ઊંડાણમાં ગયા. સરવાળે શું થયું? ફિલ્મ ખાસ ચાલી નહીં. બીજો કોઈપણ ડિરેક્ટર હોય તો ‘વિકી ડોનર’ પછી હળવી કોમેડી જ બનાવે પણ શૂજિત સરકારે રિસ્ક લીધું. ‘મદ્રાસ કાફે’ બનાવી. 2015માં તે કબજીયાત જેવા વિચિત્ર વિષય ઉપર ‘પિકુ’ નામની કોમેડી બનાવે છે. ફરી એકવાર તે કમાણી કરી આપે છે. છતાં રિસ્ક લેવાનો કીડો ચેન નથી લેતો એટલે 2016માં તે ‘પિંક’ પ્રોડ્યુસ કરે છે જેમાં બળાત્કાર થયો જ નથી છતા આખો કોર્ટરૂમ ડ્રામા સહમતિ અને બળાત્કારની એક ‘લક્ષ્મણ રેખા’ની આસપાસ aફરે છે! ફિલ્મ ‘હિટ’ ગણાય છે. ફરી શૂજિત સરકાર જોખમ લે છે અને ‘ઓક્ટોબર’ (2018) બનાવે છે. જેમાં કહેવા ખાતર વરુણ ધવન એક સ્ટાર છે બાકી તેનો રોલ એક ઈન્ટ્રોવર્ટ, બેદરકાર, ગુસ્સાવાળો, થોડો બાઘો હોય એવા યુવાનનો છે, જેને પોતાની સાથે કામ કરનારી એક યુવતી માટે માત્ર સોફ્ટ કોર્નર છે, છતાં અકસ્માતથી કોમામાં સરી જતાં પહેલાં તેણે માત્ર એટલું જ પૂછ્યું હોય છે કે ‘ડેન (વરુણના પાત્રનું નામ) ક્યાં છે?’ બસ, માત્ર આટલી વાત ઉપર ડેન પેલી કોમાગ્રસ્ત છોકરીની કાળજી કરવામાં પોતાની નોકરી, કરિયર, પૈસા બધું જ હોમી દે છે. અત્યંત ધીમી ગતિએ ચાલતી ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ‘ચાલવાની’ જ નહોતી. છતાં શૂજિત સરકાર એ બનાવે છે. ફરી 2020માં ‘ગુલાબો સિતાબો’ નામની કોમેડી બનાવ્યા પછી તે ‘સરદાર ઉધમ’ બનાવે છે. જેમાં દેશભક્તિને વટાવી ખાવાની તમામ તકો હોવા છતાં શૂજિત તથ્યો અને માત્ર તથ્યોને વળગી રહે છે! ચાલો, આગળ જોઈશું…શૂજિત સરકાર હવે કયું નવું રિસ્ક લે છે! ⬛

અન્ય સમાચારો પણ છે...