દેશ-વિદેશ:મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો એના પરથી આપણે બોધ લઈશું?

17 દિવસ પહેલાલેખક: જય નારાયણ વ્યાસ
  • કૉપી લિંક

મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના બાબતે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારના વડપણ હેઠળની ખંડપીઠે સુઓમોટો દાખલ કરી છે એટલે એ ઘટનાનાં કોર્ટનાં અવલોકનો તેમજ અન્ય સમાચારો ચમકતા રહેશે. આ ઘટનામાં જુદાંજુદાં હિત ધરાવતા નગરપાલિકાથી માંડી ઓરેવા ટ્રસ્ટ અને કલેકટર સુધ્ધાં તેમજ સરકારી વહીવટી તંત્રને જવાબદાર ગણાવાયાં છે. બીજો એક વર્ગ એવો છે જે કહે છે આટલા બધા લોકો પુલ પર ગયા તેને કારણે પુલ તૂટ્યો છે અને એની પરાકાષ્ઠા તો ત્યાં આવે છે જ્યારે જૂનો વિડીયો મૂકીને આ ઘટના માટે દોષનો ટોપલો લોકો પર ઢોળવામાં આવે છે. આવી જ ઘટનામાં દેશના પ્રધાનમંત્રીએ બંગાળમાં ‘એક્ટ ઓફ ગોડ’ નહીં પણ ‘એક્ટ ઓફ ફ્રોડ’ એવું બંગાળના મુખ્યમંત્રીને ચૂંટણી ટાણે પ્રચાર સભામાં સંભળાવ્યું હતું અને કહ્યું હતું કે આ ફ્રોડ મમતા બેનર્જી અને એમની પાર્ટીને સાફ કરી નાખશે. આખા રાજ્યમાં આની કોઈ અસર પડી નહીં અને મમતા બેનર્જી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા તે જોતાં આની અસર આખા રાજ્ય પર નથી પડતી એવું માની શકાય. આનું બીજું પાસું એ પણ છે કે ભલે જેની સાથે એમઓયુ કર્યું હતું એ ટ્રસ્ટને આના માટે જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવે તો પણ પ્રિન્સિપલ ઓનર તરીકે મોરબી નગરપાલિકા આમાંથી છટકી શકતી નથી. ખૂબ માણસો ભેગા થઈ ગયા એ તર્ક વજૂદ વગરનો છે. આ બ્રિજ 140 વરસ કરતાં વધારે જૂનો હતો. એનું સેફ્ટી ક્લીયરન્સ કોઈ તટસ્થ અને સક્ષમ એજન્સી જેવી કે આઇઆઇટી-મુંબઈ અથવા ઈસરો, જેની પાસે નોનડિસ્ટ્રકટિવ ટેસ્ટિંગની આધુનિક મશીનરી ઉપલબ્ધ છે તેની પાસેથી લેવું જોઈતું હતું. આ પુલ પર એકસાથે આટલા બધા માણસો ભેગા થાય તે અક્ષમ્ય બેદરકારી છે. પ્રાઇવેટ સેક્ટર પાર્ટનરે 700 ટિકિટ ફાડી હતી. પુલ ઉપર 450થી 500 જેટલું માણસ એકઠું થયું હતું તે જોતાં આટલા બધા માણસો એકસાથે પુલ પર ન જાય તે માટે સો માણસની બેચ કરી એટલા જથ્થામાં જ માણસો જાય તેવી વ્યવસ્થા પોલીસ અને હોમગાર્ડની મદદથી ગોઠવી શકાઇ હોત. આમાંનું પણ કશું થયું નહીં એટલે વત્તેઓછે અંશે બધી જ એજન્સી આ ઘટના માટે જવાબદાર છે, સરકારના પ્રતિનિધિ તરીકે જિલ્લા કલેક્ટર પણ, કારણ કે એમની હાજરીમાં આ એમઓયુ થયું છે. આ પુલ પર આવનાર લોકો માત્ર મોરબીનાં જ નહોતાં, આજુબાજુનાં ગામનાં પણ હતાં. તે ઉપરાંત રાજકોટ કે સુરતથી દિવાળી-ભાઈબીજ જેવા તહેવારો પોતાના પરિવાર સાથે ઊજવવાં આવેલાં લોકો પણ હતાં અને એટલે એની અસર માત્ર મોરબી પૂરતી જ સીમિત રહે એવું ન માની શકાય. હવે આવી હોનારત બીજી કોઈ જગ્યાએ ન થાય તેવું કરી શકાય? 1963ની આજુબાજુ વડોદરાના કમાટીબાગમાંથી વિશ્વામિત્રી નદી ઉપર બાંધવામાં આવેલો ઝૂલતો પુલ પણ નિર્જળા અગિયારસ જેને ત્યાં સ્થાનિકો ‘ફુગ્ગા અગિયારસ’ તરીકે ઓળખે છે તે દિવસે ઓવર-ક્રાઉડિંગ એટલે કે ખૂબ મોટી ભીડ જમા થવાને કારણે તૂટી પડ્યો હતો. મોરબીની જેમ જ અહીંયાં પણ એક તહેવારનો દિવસ માતમમાં ફેરવાઈ ગયો. આ ઘટના ગુજરાતની છે, ભલે જૂની હોય. આવી ઘટના પશ્ચિમ બંગાળમાં બની એ તો તાજેતરની હતી જેનો ઉલ્લેખ પ્રધાનમંત્રીએ પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન કરીને તે વખતના બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર કટાક્ષના જોરદાર ચાબખા મીઠામાં બોળીને ફટકારતા કહ્યું હતું, ‘દીદી! આ એક્ટ ઓફ ગોડ નહીં એક્ટ ઓફ ફ્રોડ છે’, ગુજરાતમાં શું આવું થયું હોય તેવી શક્યતા ખરી? સરકારે તપાસ સમિતિ તો નીમી પણ એમાં બધા જ સરકારી અધિકારીઓ મૂક્યા છે. મૂકેલા અધિકારીઓ ઉત્તમ જ હશે પણ એ જે સરકાર ઉપર આક્ષેપો થાય છે ‘લેક ઓફ પ્રોપર પ્રિકોશનરી મેજર્સ’ તેની તપાસ કરીને તટસ્થ રીતે અહેવાલ આપે તો પણ જે સૂત્ર કહે છે કે ‘સીઝર્સ વાઈફ શૂડ બી એબોવ ડાઉટ’ તે મુજબ સરકાર કોઈ પણ કામ કરે, તેની વિશ્વસનીયતા બાબત ક્યારેય પ્રશ્ન નહીં ઊઠવા જોઈએ તે રીતે જ રીતે પારદર્શિતા સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન ના મુકાવું જોઈએ. આ બંને મુદ્દે જો કોઈ ઇસરો અથવા આઇઆઇટી-મુંબઈ કે પછી આઇઆઇટી-રૂરકી જેવી સંસ્થાને તટસ્થ કામગીરી સોંપી હોત તો એમના અહેવાલમાં મૂકવામાં આવેલ વિગતો વધુ વિશ્વસનીય રહેત જેનો સરવાળે લાભ તો સરકારને જ થયો હોત. હવે પછી આવી કરુણાંતિકા ન બને તે માટે કોઈ પણ પ્રકારના જૂના પુલ કે સ્થાપત્યની ચકાસણી જરૂરી બની જાય છે. કમનસીબે આપણે ભૂતકાળમાંથી કશું શીખતા નથી અને દરેક સરકારો પોતાને નિર્દોષ સાબિત કરવા છટપટાતી હોય છે. આશા રાખીએ સેફટી માટેની વ્યવસ્થા સઘન બને અને જેમ લિફ્ટનું સમયાંતરે એના ડાયરેક્ટરેટમાંથી આવેલ અધિકારી દ્વારા ચકાસણી કરાવી એનું સર્ટિફિકેટ લેવામાં આવે છે અને લિફ્ટમાં એ સ્ટિકર લગાડેલું હોય છે તે રીતની કાર્યવાહી આવા સ્ટ્રક્ચર માટે કરી ટિકિટ બુકિંગની કેબિનમાં આ સર્ટિફિકેટ કોઈ પણ માણસ વાંચી શકે તે રીતે લગાડવું જોઈએ. જો સ્ટિકર અંગ્રેજીમાં લગાડેલું હોય તો એનો ગુજરાતી અનુવાદ પણ સાથે મૂકવો જોઈએ. ⬛ (લેખક ગુજરાતના આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે.)

અન્ય સમાચારો પણ છે...