તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડૂબકી:સાત શ્રમિકો, સાત દિવસ, સાત રાત

વીનેશ અંતાણી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સત્યકથા સામાન્ય માણસોના ગૌરવની છે. વિનોદ કાપરીએ સાત સાઇકલસવાર શ્રમિકોની મુસાફરીનું દસ્તાવેજીકરણ કરી સાચા પત્રકારનો ધર્મ બજાવ્યો છે

કોરોનાનો ચેપ વિસ્તરતો અટકાવવાના શુભ આશયથી ચોવીસમી માર્ચ, 2020ની રાતે આઠ વાગ્યે ભારતભરમાં લોકડાઉનની જાહેરાત થઈ. ચાર કલાકમાં આખો દેશ થંભી ગયો. ઘરમાં હતા એ લોકો ઘરમાં બંધ થઈ ગયા, ઘેર ન પહોંચ્યા એ અધવચ્ચે રહી ગયા, બીજાં રાજ્યોમાંથી રોજીરોટી રળવા આવેલા શ્રમિકો ન ઘરના રહ્યા, ન બહારના. એમની આજીવિકા બંધ થઈ ગઈ, હિસાબે નીકળતા પૈસા ન મળ્યા, મકાનમાલિકોએ રહેઠાણની જગ્યા ખાલી કરાવી. ઉપરથી કોરોનાનો ભય. એવી સ્થિતિમાં લાખો શ્રમિકોને એમનો પરિવાર અને ઘર સાંભરે જ. કોઈ પર, કશાય પર, ભરોસો ન રહ્યો પછી એમણે પગપાળા, સાઇકલથી, પગરિક્ષાથી, કોઈ પણ રીતે પોતાને ગામ પહોંચવા અણધારી હિજરત શરૂ કરી. એમણે ન સેંકડો કિલોમીટરનું અંતર જોયું, ન જાનમાલની પરવા કરી. સમગ્ર દેશની માનવતાએ એમને નિરાધાર છોડી દીધા હતા. રસ્તા પર આવી ગયેલા શ્રમિકો પાસે કોઈ જ રસ્તો નહોતો. એ લોકો ખુલ્લા પગે, તૂટેલાં પગરખાં પહેરી, થાક્યા-ભાંગ્યા, ભૂખ્યા-તરસ્યા, ધગધગતા ઉનાળામાં સડકો પર જતાં હતાં, ત્યારે આપણે ઘરમાં ટી.વી. પર એમની હિજરતનાં દૃશ્યો જોતા હતા અને અખબારોમાં વિગતો વાંચતા હતા. કેટલાય શ્રમિકો રેલવેના પાટા પર કે રોડ એક્સિડન્ટમાં અને ભૂખ-તરસથી બેહાલ થઈ રસ્તામાં મૃત્યુ પામ્યાં. ગુલઝારે ભાગલા વખતની હિજરત યાદ કરી લખ્યું : ‘ખુદા જાને યે બંટવારા બડા હૈ/ યા વો બંટવારા બડા થા.’ ટી.વી.માં તો દર્દનાક વર્તમાનનાં દૃશ્યોના ટુકડા જ દેખાતા હતા. ખૂણેખૂણામાંથી નીકળી પડેલાં લાખો શ્રમિકોની હિજરતને સમગ્રપણે તો આવરી શકાય નહીં. ફિલ્મમેકર અને પત્રકાર વિનોદ કાપરીએ હિજરતીઓના પ્રતિનિધિ જેવા સાત બિહારી શ્રમિકોની હિજરતનું દસ્તાવેજીકરણ કરવાનું નક્કી કર્યું. કેમેરામેન માનવ યાદવની સાથે વેગન-આર કારમાં એ એમની સાથે ગયા. એમણે નક્કી કર્યું હતું કે જે બનશે એને જ કેમેરામાં ઉતારશે, કોઈ જ બનાવટી કે ઉપજાવી કાઢેલાં દૃશ્યો ઊભાં કરશે નહીં, એમના કોઈ નિર્ણયમાં વચ્ચે પડશે નહીં. એ લોકો વાત કરવા માગશે ત્યારે જ અને તો જ એમની સાથે વાત કરશે. દૂર રહીને પણ નજીક રહેશે. તેમ છતાં એમને મુશ્કેલી આવી, ત્યારે માનવતાની દૃષ્ટિએ સહાય કરવાનું ચૂક્યા નહીં. સાત શ્રમિકોએ દિલ્હી નજીક ગાઝિયાબાદથી બિહારમાં આવેલા એમને ગામ પહોંચવા 1232 કિ.મી.નું અંતર સાઇકલ પર સાત દિવસ-સાત રાતમાં કાપ્યું. પાછળથી વિનોદ કાપરીએ એક ચેનલ માટે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી. વિનોદજીને લાગ્યું કે કેમેરા શ્રમિકોના ભય, ચિંતા, સંશય જેવા ભાવ અને ચિંતાતુર પરિવારજનો સાથે સેલ ફોનથી કરેલી વાતો, એમનાં અંગત દુ:ખો અને ઘેર પહોંચ્યા પછી એમનો આનંદ કેમેરામાં ઝીલી શકાશે નહીં. એથી એ આખી મુસાફરીની નોંધ લખતા ગયા. એના પરથી એમણે ‘1232 કિ.મી. : ધ લોન્ગ જર્ની બેક હોમ’ પુસ્તક લખ્યું. એ તાજેતરમાં પ્રકાશિત થયું છે. સુપ્રસિદ્ધ પત્રકાર એન. રામે એ પુસ્તકને ‘નોન-ફિક્શન નવલકથા’ કહી છે. નવલકથા એટલા માટે કે વિનોદ કાપરીએ નજરે જોયેલી સત્યઘટનાઓનું તટસ્થ, પરંતુ શ્રમિકોની અસહ્ય યાતનાઓનું, શારીરિક અને માનસિક પરિતાપનું, એમની હતાશા અને હામનું સંવેદનાત્મક આલેખન કર્યું છે. પુસ્તકમાં સાચા બનેલા બનાવો જ છે, કલ્પનાનો અંશમાત્ર નથી. લોકડાઉનની જાહેરાત વખતે અપાયેલા વાયદા, વ્યવસ્થાનું સખતાઈથી પાલન કરાવવાની મજબૂરીમાં ભુલાઈ ગયા. શ્રમિકો તંત્રની ઉદાસીનતાનો ભોગ બન્યા. વખાના માર્યા ચાલી નીકળેલા, નિર્બળ અને લાચાર, સાત બિહારી શ્રમિકો પાકો રસ્તો છોડી અંદરથી, જંગલમાંથી પસાર થતા, ઊબડખાબડ કાચા રસ્તા પર એકધારી સાઇકલ ચલાવતા રહ્યા. મમરા, બિસ્કિટ, ગરમીમાં બગડી ગયેલી ગંધ મારતી ખીચડી ખાઈ ‘પેટ ભર્યું’. ખાવાનું ન મળ્યું તો ભૂખ્યા પેટે સૂઈ ગયા. મધરાત પછી ચાર-પાંચ કલાકની ઊંઘ કરી વહેલી સવારે પ્રવાસ શરૂ કર્યો. પંક્ચર પડ્યાં, ટયૂબ ફાટી, સાઇકલની ચેનમાં તકલીફ થઈ, પગે ચાલ્યા, માંદા પડ્યા, રસ્તો ભૂલ્યા – પણ કોઈએ હિંમત ન છોડી, કોઈ કોઈને એકલા છોડી આગળ ન ગયું. સાથે માર ખાધો, સાથે રડ્યા અને સાથે પોતાને ગામ પહોંચ્યા. આ ઘટનાઓ અમાનુષી છે, નિષ્ઠુરતાની છે, શ્રમિકોએ ગુમાવેલા વિશ્વાસની છે, તો અણધારી માનવતાના અનુભવોની પણ છે. એમને નિરાધાર છોડી દેવાયા, આંખ સામે મરણ દેખાયું – પરંતુ એમણે સાબિત કર્યું કે ગમે તેવી વિપત્તિ માણસને તોડી શકતી નથી. આ સત્યકથા સામાન્ય માણસોની સામાન્યતાના ગૌરવની છે. વિનોદ કાપરીએ સાત સાઇકલસવાર શ્રમિકોની મુસાફરીનું દસ્તાવેજીકરણ કરી સાચા પત્રકારનો ધર્મ બજાવ્યો છે. એ ઉપરછલ્લા વીડિયો ઉતારી, આમતેમ સાઉન્ડ બાઇટ્સ રેકોર્ડ કરી, સ્ટુડિયોની નિરર્થક અને દંભી, પક્ષપાતભરી, ડિબેટના હિસ્સા બન્યા નથી. એમણે પણ સાઇકલસવારોની સાથે કાચા રસ્તા પર, ક્યારેક ખાલી પેટે, ઉજાગરો વેઠી, મુસાફરી કરી, પછી શ્રમિકોની યાતનાઓનું હૃદયદ્રાવક બયાન કર્યું છે. પુસ્તકના શબ્દેશબ્દમાંથી શ્રમિકોના પસીના અને આંસુઓ ઝરે છે. આપણા વર્તમાનમાં થયેલી હિજરતને કેમેરા કે શબ્દોમાં પૂરેપૂરી ઉતારી ન શકાય, પરંતુ એ સાત શ્રમિકોની સાત સાઇકલમાંથી દેશના લાખો શ્રમિકોની ખરાબે ચડેલી જિંદગીનો એક ગૂંચવાયેલો આંટો તો જરૂર ઊકેલી શકાય. ⬛ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...