સ્પોર્ટ્સ:સેરેના વિલિયમ્સ - "The Greatest of All Time’

16 દિવસ પહેલાલેખક: નીરવ પંચાલ
  • કૉપી લિંક
  • ઓપન એરામાં સેરેનાએ જીતેલા 23 ગ્રાન્ડ સ્લેમ અન્ય કોઈ પુરુષ કે મહિલા ટેનિસ ખેલાડીઓ જીતી શક્યા નથી

ગત અઠવાડિયે યુ.એસ. ઓપનના ત્રીજા રાઉન્ડમાં આલા તોમલાનોવિચ સામે હાર થતાં ભૂતપૂર્વ નંબર 1 ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે રિટાયરમેન્ટની ઘોષણા કરી દીધી છે. 14 વર્ષની ઉંમરથી પ્રોફેશનલ ટેનિસ કેરિયરની શરૂઆત કરનાર સેરેનાની ઉંમર હવે બે અઠવાડિયામાં 41 વર્ષ થશે. કોઈ પણ પ્રકારના પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં આટલી લાંબી અને સફળ કેરિયર હોવાના દાખલ જૂજ હોવાના. પોતાની બહેનની સરખામણીમાં વિનિંગ સ્ટ્રિકની શરૂઆત થોડે મોડેથી શરૂ કરનાર સેરેનાની કેરિયર અભૂતપૂર્વ રહી છે. અમેરિકન સ્પોર્ટિંગ હિસ્ટ્રીમાં મહંમદ અલી પછી સેરેના વિલિયમ્સ બીજી આફ્રિકન અમેરિકન ખેલાડી બની છે જેની ઇતિહાસ નોંધ લેશે. 23 ગ્રાન્ડ સ્લેમ, 14 ડબલ્સ અને 2 મિક્સ્ડ ડબલ્સ, સિંગલ્સ અને ડબલ્સમાં ગોલ્ડન સ્લેમ જીતનારી સેરેના વિલિયમ્સની કેરિયર શાનદાર રહી છે. અમેરિકન ટેનિસ સર્કિટમાં વ્હાઇટ ટેનિસ પ્લેયર્સ બહુમતીમાં છે. તેવા સંજોગોમાં ટીનએજ ઉંમરથી આફ્રિકન અમેરિકન ટેનિસ પ્લેયર તરીકે તેની કેરિયરમાં સેરેનાએ સતત રેસિઝમ, સેક્સિઝમ, ગલીચ કૉમેન્ટ્સ, જીવલેણ ઈજાઓ, બીમારીઓ, મેટરનિટી બ્રેક્સ વચ્ચે એક પછી એક ટાઇટલ જીતીને કોર્ટમાં તેમજ 319 વિક સુધી નંબર વન ખેલાડી રહીને પોતાની સર્વોપરિતા સતત સાબિત કરી છે. ભૂતકાળમાં આર્થર એશ કે પછી આલ્થીયા ગિબ્સન જેવા અશ્વેત ટેનિસ સ્ટાર્સ પણ રેસિઝમનો ભોગ બની ચુક્યા હતા પરંતુ માત્ર અને માત્ર પોતાના આત્મબળ અને પોતાની સ્કિલ્સ પર ભરોસો કરતી સેરેનાએ તમામ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં જયારે સિમોન બાઈલ્સે જયારે મેન્ટલ હેલ્થના કારણોસર બ્રેક લીધો ત્યારે સૌએ તેના નિર્ણયને વધાવી લીધો હતો. આપણે મેન્ટલ હેલ્થના જ કારણોસર સેરેનાની કેરિયરને માઇક્રોસ્કોપ હેઠળ મૂકીએ તો ખ્યાલ આવે કે રંગભેદ અને ભદ્દી કૉમેન્ટ્સનો સામનો કરી કરીને તેનું આત્મબળ કેટલું મજબૂત બન્યું હશે કે 27 વર્ષ સુધી તે રમી શકે. માત્ર ગ્રાન્ડ સ્લેમ જ નહીં પણ 4 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારી સેરેનાએ 94 મિલિયન ડોલર્સ જેટલી પ્રાઈઝમની પણ જીતી છે. 2013 ઓસ્ટ્રેલિયન ઓપનમાં 128 માઈલની સ્પીડે સર્વિસ કરીને સૌને ચોંકાવી દીધા હતા. ક્રિકેટના સંદર્ભમાં જોઈએતો સૌથી વધુ ઝડપે બોલિંગ કરનાર શોએબ અખ્તરે એક વાર 100.2 માઈલની ઝડપે બોલ ફેંક્યો હતો. ટેનિસ ઇતિહાસમાં સ્ટેફી ગ્રાફ, મોનીકા સેલેસ, જેનિફર કેપ્રિયાતી, નાઓમી ઓસાકા, કિમ ક્લાઇસ્ટર્સ જેવા ખેલાડીઓ પણ ઝડપી સર્વ કરવા જાણીતા છે પરંતુ સેરેનાની તુલનામાં તેઓ સાતત્ય જાળવી શક્યા નથી. ઓપન એરામાં સેરેનાએ જીતેલા 23 ગ્રાન્ડ સ્લેમ અન્ય કોઈ પુરુષ કે મહિલા ટેનિસ ખેલાડીઓ જીતી શક્યા નથી. સતત 186 અઠવાડિયા સુધી તે નંબર 1 ખેલાડી રહી અને તે સિવાય 2002માં ફ્રેન્ચ ઓપન જીત્યા બાદ છેક 2003માં ઓસ્ટ્રેલિયન ઓપન સુધી તમામ સ્લેમ જીત્યા અને આવો જ બીજો રેકોર્ડ કે જે હવે સેરેના સ્લેમ તરીકે ઓળખાય છે તે 2014-15ની સીઝનમાં પણ બનાવ્યો. સૌથી વધુ કમાણી કરતી મહિલા એથ્લિટ્સમાં સેરેનાનું નામ ટોચ પર છે. કેરિયર અર્નિંગનો આંકડો તો $450 મિલિયન સુધીનો માનવામાં આવે છે. સેરેના હિમાટોમાની બીમારી, પલ્મોનરી એમ્બોલિઝમ (ફેફસામાં થતી લોહીની ગાંઠ) અને તે સિવાય ઘણી બધી ઈજાઓ સામે લડી છે. સેરેના દર વખતે દેવહુમા પક્ષીની જેમ રાખમાંથી બેઠી થઇ અને ફરીથી ટોચે પહોંચી. સેરેના વિલિયમ્સની સૌથી મોટી ઉપલબ્ધિ એ નથી કે તેણે કેટલા ગ્રાન્ડ સ્લેમ જીત્યા પરંતુ એ છે કે તેણે ટેનિસની રમતને એક નવી ઊંચાઈએ પહોંચાડી દીધી છે. ⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...