માનસ દર્શન:ભૂલોમાંથી મુક્ત થવાનો ઉપાય છે આત્મનિવેદન

મોરારિબાપુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • }}} આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો સ્વીકાર કરી લેવો. ભૂલો કોણ નથી કરતું?

મુંબઈથી એક સાધકે મને પૂછ્યું કે બાપુ, અમારાથી ભૂલો બહુ થાય છે; વર્તમાન સમયમાં પણ ભૂલો કરીએ છીએ; કથા સાંભળીએ છીએ; ‘હનુમાનચાલીસા’ કરીએ છીએ; ‘માનસ’નો પાઠ કરીએ છીએ છતાં ભૂલો બહુ કરીએ છીએ. એમણે તો ‘અપરાધ’ કે ‘પાપ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. પૂછે છે કે એનું પ્રાયશ્ચિત્ત બતાવો. કેવાં ક્રિયા-કર્મ કરવાથી અમે એનાથી મુક્ત થઈ શકીએ? કેમ કે મન ગ્લાનિથી ભરેલું રહે છે. એમણે લખ્યું છે, બાપુ પાસે જઈએ છીએ; બાપુ અમને બેસાડે છે, ચાય પીઓ, એવું કહે છે; અમે કથા સાંભળીએ છીએ છતાં અમે નિરંતર કેટલીક ભૂલો કરતાં રહીએ છીએ! કોઈ એવું પ્રાયશ્ચિત્ત બતાવી દો કે એ બધાં અમારાં કલ્મષ નીકળી જાય. આપણે ત્યાં સ્મૃતિગ્રંથોમાં પાપોનાં ઘણાં પ્રાયશ્ચિત્ત બતાવવામાં આવ્યાં છે. કર્મકાંડપ્રધાન ગ્રંથોમાં પણ પ્રાયશ્ચિત માટે ઘણીબધી વિધિઓ બતાવવામાં આવી છે. બધી વિધિઓને નમન. હું કોઈ વિધિનો માણસ નથી; હું વિશ્વાસનો માણસ છું. વિધિ-વિધાનનું મને જ્ઞાન નથી; એમાં મને રુચિ પણ નથી. છે બધી શાસ્ત્રોની વાતો. પરંતુ હું તો એટલું જ કહીશ, જો આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો સ્વીકાર કરી લેવો. ભૂલો કોણ નથી કરતું? જ્ઞાત-અજ્ઞાત દશામાં, મૂઢતાવશ ભૂલો થઈ ગઈ હોય. મને પૂછયું છે એટલે કહું છું, લાંબી-ચોડી વિધિઓમાં ન જશો. તમારી રુચિ હોય તો જરૂર જજો. એ પણ એક માર્ગ હોઈ શકે છે નિ:શંક; પરંતુ એ એના જ્ઞાતાને પૂછો. બાકી એક વાર કબૂલ કરી લો; ખૂલીને કહી દો; જેમના પ્રત્યે આપણે ભૂલો કરી છે એમને સજલ નેત્રે કહી દો, ભૂલ થઈ ગઈ છે; માફ કરશો. વાત ખતમ! ભૂલોમાંથી મુક્ત થવાનો ઉપાય છે આત્મનિવેદન. ખરેખર આત્મનિવેદન સરળ અને અંતિમ ઉપાય છે. આપણી સિદ્ધ મહિલા તોરલ, તોરાંદે; જ્યારે જેસલે કહ્યું કે મેં જિંદગીમાં બહુ પાપ કર્યાં છે; હું કેવી રીતે તરીશ? તોરાંદેએ કહ્યું, ‘પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ. તારી બેડલીને ડૂબવા નહીં દઉં.’ અને જેસલ હૃદયથી બધું પ્રકાશિત કરી દે છે. એણે કર્મકાંડની કોઈ વિધિ નથી કરાવી. કરાવી હોત તો એ થઈ શકે તેમ હતી, પરંતુ સિદ્ધ મહિલાએ કહ્યું, પ્રાયશ્ચિત કરી દે, આત્મનિવેદનમ્. આપણાથી કેટલીક ભૂલો થઈ ગઈ હોય તો ‘આત્મનિવેદનમ્.’ એનો એકમાત્ર અંતિમ અને આખરી ઉપાય છે આત્મનિવેદન. ‘મો સમ કૌન કુટિલ ખલ કામી.’ એક નાની બોધકથા છે. એક માતાએ મજૂરી કરીને પૈસા એકઠા કર્યા. એનો ઈરાદો હતો કે એ પૈસામાંથી હું બોધગયાની યાત્રા કરું. બુદ્ધમાં એમની ખૂબ જ પ્રીતિ હતી. એક તોલો સોનું પણ બચાવી રાખ્યું હતું. વૃદ્ધ માતા ન જઈ શકી. એને એક પુત્ર હતો. પુત્ર જુવાન થઈ ગયો હતો. વૃદ્ધાના શરીરમાં ક્ષમતા નહોતી કે એ બોધગયા પહોંચી શકે. એણે પુત્રને કહ્યું કે બેટા, એક કામ કર; આ પૈસા તું લઈ જા અને બોધગયાની યાત્રા કર. મારી ઈચ્છા પૂરી થશે અને આ જે સોનું છે એમાંથી બોધગયાથી ભગવાન બુદ્ધનો દાંત લઈ આવજે. કહે છે કે ભગવાન બુદ્ધના દાંત મોટા હતા. એક દાંત શ્રીલંકામાં છે. લોકો ત્યાં દર્શન કરવા જાય છે. માની ઈચ્છા પૂરી કરવા દીકરો માની કમાણીના પૈસા, એ સોનાનો ટુકડો લઈને જાય છે. મા ખુશ થાય છે. રસ્તામાં એવા-એવા પ્રસંગો બન્યા કે એ રંગરેલીમાં છોકરો પૈસા બરબાદ કરી નાખે છે. જે સોનું બચ્યું હતું એ પણ નૃત્યાંગનાની મહેફિલમાં ગુમાવી દે છે. એ જમાનાની પદયાત્રા હતી. એ પાછો ફરે છે. વિચારે છે કે હું ત્યાં પહોંચ્યો, એનું તો મારી મા શું પ્રમાણ માગશે પરંતુ માએ કહ્યું હતું કે બુદ્ધનો દાંત લઈ આવજે, તો દાંત માગશે તો હું શું આપીશ? ગામથી બે-ત્રણ કિ.મી. દૂર એ વિચારે છે કે ઘેર જઉં કે ન જઉં? શું કરું? રસ્તામાં એક મરેલો કૂતરો પડ્યો હતો. કૂતરાનું મોઢું ખુલ્લું હતું. એના એક-બે દાંત તૂટી ગયા હતા. એમાંથી યુવકે એક દાંત લઈ સાફ કરી લીધો. વિચાર્યું કે મા ભોળી છે. આ દાંત આપી દઈશ. બધું બરાબર થઈ જશે. એ દાંત માને આપે છે. મા તો રડી પડી! મારા દીકરા, ખૂબ જીવો! તેં મારી ઈચ્છા પૂરી કરી! બુદ્ધનો દાંત લઈ આવ્યો! ગામમાં જાણ થઈ કે દીકરો બુદ્ધનો દાંત લઈ આવ્યો છે. બધાં દાંતનાં દર્શન કરવા આવ્યાં. લોકોની ભીડ થવા લાગી. કોઈએ માતાને સલાહ આપી કે થોડી જમીન ખરીદીને એક નાનું મંદિર બનાવો ને ત્યાં દાંતને સ્થાપિત કરો. લોકો કતારમાં દર્શન કરશે. એક તીર્થ જેવું બની ગયું. અચાનક એક દિવસ એ યુવાનથી રહેવાયું નહીં એટલે જ્યાં લોકો ભાવથી દર્શન કરે છે એ સ્થાનમાં દોડ્યો. માનાં ચરણ પકડી લીધાં. મા, મને માફ કરજો; મા, આ બધું બંધ કરી દો! આ દાંત ફેંકી દો! આ મારું જૂઠ છે! મા કહે છે, બેટા, તું શું કહી રહ્યો છે? દીકરો કહે છે, હા, હું તારી સામે અને આખી દુનિયા સામે કહેવા માગું છું; તેં જે પૈસા આપ્યા હતા એ બધા મેં રસ્તામાં રંગરાગમાં ખર્ચી નાખ્યા હતા! છેલ્લે જે સોનું બચ્યું હતું એ એક નર્તકીને ત્યાં ઉડાડી દીધું! પહેલાં તો મેં વિચાર્યું કે શું મોઢું લઈને હું ઘેર જઉં? પરંતુ વિચાર્યું કે તને ખબર આપું. ગામથી દૂર એક કૂતરો મરેલો પડ્યો હતો. એના એક-બે દાંત તૂટેલા હતા. એનો એક દાંત મેં લઈ; ધોઈ નાખ્યો અને સારા કપડામાં બાંધીને તને આપી દીધો કે આ બુદ્ધનો દાંત. તારી શ્રદ્ધાએ મારા પર આશીર્વાદનો ઢગલો કરી દીધો! બુદ્ધના દાંતનાં દર્શન કરવા માટે લોકોની કતારો લાગી! એક સ્થાન ઊભું થઈ ગયું. પરંતુ હું બહુ જ પીડિત છું. મા, મને માફ કર. આ કૂતરાનો દાંત છે. એ કહેવા લાગ્યો કે આ કૂતરાનો દાંત છે, બુદ્ધનો દાંત નથી. હું બોધગયા પહોંચ્યો જ નથી! બધાં હેરાન છે! મા બોલી કે બેટા, તેં કહી દીધું એટલે વાત ખતમ! આપણે દુનિયાને કહી દઈશું કે મને અને મારા દીકરાને માફ કરો. એટલામાં એક બૂઢો માણસ આવે છે. એણે કહ્યું, સાંભળો, હું બૂઢો નથી; હું બુદ્ધ છું અને આ દાંત મારો છે. વાર્તા પૂરી થાય છે. કહેવાનો મતલબ કે દિલથી થયેલું આત્મનિવેદન બુદ્ધત્વ પ્રગટ કરી દે છે. દાંત મારો છે, કહીને બુદ્ધે પ્રણામ કર્યાં. આપણે પણ આવું શીખી લઈએ તો કોઈ વિધિ-વિધાનની જરૂર ન પડે. કહી દઈએ કે અમારી ભૂલ થઈ ગઈ, એટલે વાત ખતમ! ⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...