ડૂબકી:જોજો, સંબંધો ફોદાફોદા ન થઈ જાય

18 દિવસ પહેલાલેખક: વીનેશ અંતાણી
  • કૉપી લિંક

થોડા સમય પહેલાં રસપ્રદ લેખ વાંચ્યો હતો. એમાં કાશ્મીરનાં એક બહેને જાતઅનુભવની વાત કરી હતી. ચાલીસી વટાવી ગયેલાં એ બહેનને લાગે છે કે એનાં અને એના પતિના સંબંધમાં અંતર આવી ગયું છે. બંને જણાં એકબીજાની આંખમાં આંખ નાખીને જોતાં નથી. સાથે બેસીને નિરાંતે વાતો કરવાનું બંધ થઈ ગયું છે. ઘણા સમયથી ક્યાંય સાથે ફરવા ગયાં નથી. એમણે લખ્યું છે : ‘મોટાં ભાગનાં લગ્નજીવનની તકલીફ એ છે કે સારું ચાલે ત્યાં સુધી જીવનમાં બધું ઉત્તમ લાગે છે, પરંતુ લગ્નજીવન ખોરંભે ચડવા લાગે ત્યારે મામૂલી ખરાબ બાબતો પણ વધારે ખરાબ લાગવા માંડે છે.’ એક દિવસ થોડાં મહેમાનો એમને ઘેર જમવા આવવાનાં હતાં. બહેન કાશ્મીરી નોન-વેજ વાનગી બનાવે છે. એ વાનગીમાં યોગર્ટનો ઉપયોગ થાય છે. એ દિવસે એના મિશ્રણમાં ફોદાફોદા થઈ ગયા. વાનગી સારી રીતે બને તો એ ખૂબ મુલાયમ બને છે. એ દિવસે મિશ્રણ ખૂબ ઘટ્ટ થયું. મૂંઝાઈ ગયાં, એમની શી ભૂલ થઈ. બહેનપણીને પૂછ્યું. બહેનપણીએ પહેલો સવાલ પૂછ્યો કે એણે તેલમાં યોગર્ટ નાખ્યા પછી મિશ્રણ બરાબર હલાવ્યું હતું? પછી સમજાવે છે – ‘એ મિશ્રણ ખૂબ ધ્યાનથી વીસથી ત્રીસ મિનિટ ત્યાં જ ઊભા રહીને સતત હલાવતાં રહેવું જોઈએ, તો જ એમાં સ્નિગ્ધતા આવે.’ આપણે પણ બાસુદી, પંજાબી ખીર કે દૂધપાક બનાવીએ ત્યારે ઊકળતું દૂધ હલાવતાં રહીએ છીએ, જેથી દુણાઈ ન જાય. એ બહેને એમના લેખમાં આ વાતને લગ્નજીવનમાં સંવાદની આવશ્યકતાની સાથે જોડી છે. પતિ અને પત્ની એકબીજાંની સાથે નિયમિત વાતો કરે, પોતાના મનની વાત જણાવે, સામેની વ્યક્તિની વાત અને મુદ્દા ધ્યાનથી સાંભળે અને એ રીતે એમના સંબંધનું મિશ્રણ પ્રેમપૂર્વક હલાવતાં રહે તો એમનો સંબંધ ફોદાફોદા થઈ જતો નથી. એની મુલાયમતા જળવાઈ રહે છે. મૂળ બંગાળનાં પણ વર્ષોથી વિદેશમાં રહેતાં સુપ્રસિદ્ધ અંગ્રેજી વાર્તાકાર-નવલકથાકાર ઝુમ્પા લાહિરીની એક વાર્તા છે – ‘અ ટેમ્પરરી મેટર.’ એમાં યુ.એસ.માં રહેતાં બંગાળી પતિ-પત્ની સુકુમાર અને શોભાની વાત છે. થોડા મહિના પહેલાં સુકુમાર એના કામે બીજા શહેરમાં ગયો હતો. ગર્ભવતી શોભાને અચાનક હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને પહેલું સંતાન મૃત જન્મ્યું. એ પછી સુકુમાર અને શોભાના સંબંધમાં સ્થગિતતા આવી ગઈ છે. સંતાન ગુમાવવાની પીડા, એક પ્રકારના અપરાધભાવ જેવી માનસિક હાલતમાં બંને જણે એમનું જીવન પોતપોતાની રીતે સંકોચી નાખ્યું. પહેલાં કરતાં સાવ અલગ વ્યક્તિ જેવાં બની ગયાં. બેમાંથી કોઈ ખુલીને સંવાદ કરી શકતાં નથી. એ કારણે સંતાન ગુમાવવાની પીડામાંથી બહાર નીકળવા સાથ આપી શકતાં નથી. એમણે સાથે મળીને પીડા સહન કરી હોત, સંવાદ કરીને દુ:ખ વહેંચી લીધું હોત તો સંબંધમાં સ્થગિતતાની પરિસ્થિતિ ઊભી થઈ ન હોત, ઘટ્ટ બની ગયેલી વેદના પ્રવાહી થઈને સમયની સાથે વહી ગઈ હોત. એથી ઊલટું જ બને છે. તેઓ એકબીજાથી દૂર અને મૂંગાંમૂગાં જીવવા લાગ્યાં છે. એમની વચ્ચે ચણાઈ ગયેલી દીવાલ એક સામાન્ય ઘટનાથી તૂટે છે. થોડા સમય પહેલાં આવેલાં વાવાઝોડાને કારણે એમના વિસ્તારની ઇલેક્ટ્રિક લાઇનમાં ફોલ્ટ થયો હતો. વીજળીકંપની એ લાઇન રિપેર કરવા માગે છે. એ માટે પાંચ દિવસ સાંજે આઠથી નવ એક કલાક લાઇટ બંધ રહેવાની છે. સુકુમાર અને શોભા ઘરની બહાર પગથિયાં પર બાજુબાજુમાં બેસે છે. સમય પસાર કરવા માટે તેઓ વાતો કરવા લાગે છે. એમાંથી એમનાં જીવનમાં બનેલી કેટલીક વાતો નીકળે છે. વાતો કરવાનું શરૂ થાય છે એથી ઘણા સમયથી ગંઠાયેલું મન હળવું બનવા લાગે છે. બંને જાણે ફરી નજીક આવવા લાગે છે. છેલ્લા દિવસે અનાયાસ મૃત સંતાનની વાત નીકળે છે. શોભાને તો ખબર પણ નથી કે મૃત જન્મેલું બાળક દીકરો હતું કે દીકરી. સુકુમાર એને કહે છે : ‘આપણું સંતાન દીકરો હતો. એની ત્વચા બ્રાઉન હતી અને વાળ કાળા હતા. એનું વજન લગભગ પાંચ પાઉન્ડ હતું.’ એણે એ બધું શોભાથી છુપાવ્યું હતું કારણ કે એ એને ખૂબ પ્રેમ કરતો હતો અને એને વધારે દુ:ખી કરવા માગતો નહોતો. પહેલું સંતાન ગુમાવવાની પીડામાંથી બહાર નીકળવાનો માર્ગ મળે છે. શોભા ટેબલ પાસે બેસી જાય છે. સુકુમાર પણ એની નજીક જાય છે. બંને સાથે બેસીને રડે છે. ઝુમ્પા લાહિરીએ વાર્તાનો અંત ખુલ્લો રાખ્યો છે છતાં સંવાદનો તૂટી પડેલો પુલ ફરી જોડાવાથી એમનો સંબંધ મુલાયમ બનવાની શક્યતા ઊભી થઈ હોય એવું અનુમાન કરી શકાય છે. અરસપરસ સંવાદ જાળવવાથી બધા પ્રકારના સંબંધો મજબૂત બને છે, ગેરસમજની શક્યતા ઘટે છે. માનવસ્વભાવના અભ્યાસીઓ કહે છે કે આપણે આપણી સાથેની વ્યક્તિને ગમે એટલી ચાહતાં હોઈએ, સદ્્ભાવ ધરાવતાં હોઈએ, પરંતુ આપણી લાગણી, આપણા વિચાર કે આપણો મત મનમાં જ રાખીએ, સાથીદારને જણાવીએ નહીં તો અર્થ સરતો નથી. ગમતી કે અણગમતી બાબતોની પ્રામાણિકપણે ખુલ્લે દિલે વાત કરી શકાય. મૂંગા રહેવું સંબંધોને હાનિ પહોંચાડે છે. આજે બધા ક્ષેત્રોમાં સંવાદ ખોરવાઈ ગયો છે ત્યારે જીવનને મુલાયમ રાખવા સંવાદ દ્વારા સંબંધોનું મિશ્રણ ધીરજપૂર્વક હલાવતાં રહેવું પડે.⬛vinesh_antani@hotmail.com

અન્ય સમાચારો પણ છે...