હિંદુ ધર્મ અનુસાર સમય અસંખ્ય ચક્રોમાંથી પસાર થાય છે. દરેક ચક્રમાં ચાર યુગ હોય છે – કૃત અથવા સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. જેમ જેમ આપણે દરેક ચક્રમાં આગળ વધીએ છીએ તેમ દરેક યુગમાં માનવતાના ધર્માચાર અને એની ભૌતિક સ્થિતિમાં પતન થાય છે. ધર્મના આ પતનને એક ગાય દ્વારા દર્શાવવામાં આવે છે. સતયુગમાં આ ગાય ચાર પગે ઊભી હોય છે અને દરેક યુગ સાથે એ પોતાનો એક પગ ગુમાવતી જાય છે. કળિયુગમાં એ માત્ર એક પગ પર ઊભી હોય છે. કહે છે કે કલ્કિ આવતા સૌથી અંધકારમય અને વિનાશકારી કાળનો અંત આણશે અને સતયુગની પુન: શરૂઆત થશે. કલ્કિનું વિસ્તૃત વર્ણન કલ્કિ પુરાણમાં જોવા મળે છે, જે વિષ્ણુ પુરાણમાં ઓછામાં ઓછા હજાર વર્ષ પછી ગુપ્તકાળમાં લખવામાં આવ્યું. કલ્કિ પુરાણ અનુસાર કલ્કિ વિષ્ણુના અનેક અવતારોમાંથી એક છે. એમને હાથમાં તલવાર સાથે પાંખોવાળા ઘોડા પર સવાર દર્શાવવામાં આવે છે. કલ્કિનું વર્ણન કંઇક આવું છે : તેમનું અવતરણ કળિયુગના અંતને દર્શાવશે. જ્યારે લોકો એકબીજા પર વિશ્વાસ નહીં કરે, જ્યારે સામાજિક સંરચના ભાંગી પડશે, લોકો પુણ્ય કરવાનું ભૂલી જશે, ધરતી પર પાપ, ભ્રષ્ટાચાર અને અત્યાચારમાં અત્યંત વધારો થશે, ત્યારે સુમતિ અને વિષ્ણુયશ કલ્કિને જન્મ આપશે. પરશુરામ તેમના ગુરુ હશે. તેઓ શિવની પૂજા કરશે. એ પદ્મા સાથે લગ્ન કરશે અને જય અને વિજયના પિતા હશે. તેઓ દેવદત્ત નામના ઊડતા ઘોડા પર સવાર થશે. એમની પાસે એક પોપટ અને એક તલવાર હશે. તેઓ કોક અને વિકોક નામના રાક્ષસોનો નાશ કરશે અને તેમના સ્વામી કલિ – જે તમામ ભ્રષ્ટાચારના સ્રોત છે, તેના પર વિજય મેળવશે. તે પછી પવિત્રતા અને આનંદમય સતયુગની શરૂઆત થશે. ભવિષ્યમાં કોઇ આવીને આપણને બચાવશે એ વિચાર એવી સંસ્કૃતિઓ માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે જે એક જીવનમાં વિશ્વાસ કરે છે. આપણે ઇચ્છીએ છીએ કે દુનિયા અને આપણા જીવનનો અંત સુખદ હોય. આ બચાવનાર આપણને પુન:જીવન પ્રદાન કરશે અને સંતુલન જાળવી તમામ મલિનતાને દૂર કરશે. ખરેખર તો આ ઉદ્ધારકની માન્યતા છે, જે યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામમાં જોવા મળે છે. યહૂદી ધર્મમાં આ ઉદ્ધારક આવવાના હજી બાકી છે. ખ્રિસ્તી ધર્મમાં ઇસુ ખ્રિસ્ત એ ઉદ્ધારક છે. ઇસ્લામમાં મુહમ્મદ ઉદ્ધારક છે. કેટલાક લોકો માને છે કે બચાવનારા મહાદૂતનો આ વિચાર જરથુષ્ટ્રના ધર્મ સાઓશયંતમાંથી આવ્યો. આ ધર્મ ફારસમાં ઉદ્્ભવ્યો અને તેણે પૂર્વ અને પશ્ચિમ બંનેના વિચારોને પ્રભાવિત કર્યા. મૌર્યકાળ સુધી ભારતવાસી ચોક્કસપણે આ વિચારોથી જાણીતા થઇ ગયા હતા. બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને હિંદુ ધર્મમાં આ જીવન અનંત જીવનોમાંથી એક છે. દુનિયાનો કોઇ અંત નથી હોતો, માત્ર મૃત્યુ પછી પુનર્જન્મ થાય છે. આથી તેમાં બચાવનારના વિચારનો કોઇ અર્થ નથી. બચાવવા જેવું કંઇ પણ નથી. જે જાય છે, તે પાછું આવે છે. આથી પ્રશ્ન એ ઊભો થાય છે કે શું બચાવવામાં આવે છે? બાઇબલના પહેલાંના નિયમોમાં લોકોને મૂળ પાપ પછી આવનારા દુ:ખથી બચાવવાનું જરૂરી હોય છે. ભારતીય મૂળના પુરાણશાસ્ત્રોમાં લોકોને સતત પુનર્જન્મ લેતાં બચાવવા પણ જરૂરી હોય છે. બાઇબલના દૃષ્ટિકોણથી જોઇએ તો આપણા ઉદ્ધાર થઇ રહ્યો છે, જ્યારે ભારતીય પુરાણશાસ્ત્રો અનુસાર આપણને મુક્તિ મળી રહી છે. બચાવનારાના વિચારોથી પ્રભાવિત થઇને, બૌદ્ધ ધર્મીઓએ મૈત્રેય નામના ભાવિ બુદ્ધનો વિચાર રજૂ કર્યો, જે તમામ પ્રાણીઓને પીડાથી બચાવવા માટે તલવાર લઇને આવે છે. એ જ રીતે હિંદુઓએ કલ્કિના વિચારને રજૂ કર્યો. આ વિચારની ઉત્પત્તિનું અન્ય એક કારણ એ છે કે ઉત્તર બૌદ્ધ કાળમાં ભારતના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં યુનાનીઓ પછી શક, હુણ, ગુર્જર અને કુષાણ જેવી અનેક જનજાતિઓએ હુમલો કર્યો. તેઓ ઘોડા પર બેસીને આવ્યા, જેનાથી સફેદ ઘોડા પર સવાર બચાવનારની ખાસ કૃતિને જન્મ આપ્યો. આ બાબત ઉલ્લેખનીય એટલા માટે છે કેમ કે ભારતમાં ઘોડા મળતા નથી. તે કાયમ ઉત્તર-પશ્ચિમથી આવતા લુંટારાઓ સાથે આવ્યા છે. બનવાજોગ છે કે આ યોદ્ધાઓએ એક એવા દેવતાના વિચારને ઉત્પન્ન કર્યો જે પ્રાચીન ભ્રષ્ટ સત્તાને દૂર કરી એક નવી સત્તાની શક્યતા પ્રદાન કરે છે. ⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.