રાગ બિન્દાસ:સેન્ડવિચનો સત્યાગ્રહ: બૈરન, બ્રેડ ના છૂટી જાયે…

એક મહિનો પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક

છીંક, બગાસું ને ભૂખ કોઇ ના રોકી શકે. (છેલવાણી) એક મિત્રે હંમેશની જેમ ફરિયાદ કરી: ‘યાર, બ્રાઉન-બ્રેડ કેટલી મોંધી થઈ ગઈ.’ મેં કહ્યું, ‘તો સફેદ બ્રેડ ખા.’ તો મને કહે, ‘એય ક્યાં સસ્તી છે? સરકાર, ખાવાપીવા પણ ભાવ વધારે છે?’ ‘બ્રાઉન-બ્રેડ, ખાવી ફરજિયાત નથી.’ ‘એમ તો વોટ આપવો પણ ફરજિયાત નથી.’ ‘પણ આપણી ફરજ છે,’ મેં ફરજિયાતમાંથી ’ફરજ’ શોધીને ગુજરાતી ચિંતકની અદામાં કહયું. મિત્રે કહ્યું, ‘… પણ હું બ્રાઉન-બ્રેડ જ ખાઈશ, હેલ્થ માટે એ સારી!’ ‘એમ તો ‘મજબૂત સરકાર’ દેશની હેલ્થ માટે સારી! વળી બ્રેડ, વિદેશી આઈટેમ છે ને તું દેશવિરોધી છે.’ મેં સામી દલીલ કરી. એણે કહ્યું, ‘મારી બ્રેડ, દેશમાં જ બને છે, ફોરેનથી નથી મગાવતો, ઓકે?’ એ માનવા જ તૈયાર નહોતો અને હું ગમેતેમ એને સમજાવવા જ માગતો હતો તો મેં ગુણિયલ ગૂગલી ફેંકી,‘અરે, તું રોટલા-રોટલી ખા. બ્રેડ, તો અંગ્રેજો લાવેલા. ગાંધીજીએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાનું શીખવેલું.’ એણે મારો કોલર પકડીને કહ્યું, ‘અબે, જે મોબાઈલ તારા હાથમાં છે એય વિદેશી આઈટેમ છે ને આ કોલર જે મારા હાથમાં છે એ શર્ટ પણ વિદેશની દેન છે. ગાંધીજી જે સ્ટીમરમાં બેસીને ગોળમેજી પરિષદમાં ગયેલા એ પણ વિદેશી હતી…’ મને થયું આમને આમ તો આઝાદી કાળ પછી પથ્થરયુગ પર વાત પહોંચશે ને અમારા વચ્ચે પથરાઓ ઊડશે એટલે પ્રેમથી કહ્યું, ‘યાર, બ્રેડ છોડને? ના પોસાય તો ના ખા. આ દેશમાં ખાવું કમ્પલસરી નથી!’ ઇન્ટરવલ ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, બ્રેડમાંનું બટર પણ સળગાવી નાખશે! (ઉમાશંકરજીની માફી સાથે) મિત્રે સમજાવ્યું, ‘જો સેન્ડવિચ તને ભાવે છે ને એમાં બ્રેડ જ જોઈએ. સેન્ડવિચ ખાવી ગુનો છે?’ મેં સામી દલીલ કરી, ‘ના, ગુનો નથી પણ વારેવારે સરકારનો વિરોધ કરવો એ એક બીમારી છે ને વધારે કરીશ તો પછી એ ‘દેશદ્રોહ’ ગણાઇ જશે. વળી, સેન્ડવિચમાં જે ચટણી હોય છે એ ઘણી વસ્તુઓનું મિશ્રણ છે. જો દેશમાં ચટણીની જેમ ‘મિશ્ર સરકાર’ બને એ દેશની તબિયત માટે સારું નહીં. વળી, સેન્ડવિચ બનાવનારા બ્રેડની જાડી ધારને કાપી નાખે એમ જો ‘મજબૂત સરકાર’ નહીં હોય તો દેશની ધાર એટલે કે સીમા પરના પ્રદેશો કપાઈને અલગ થઈ જશે. એ વાત તને કે મને ચાલશે? નહીં ને? અરે, આગલી-પાછલી બધી સરકારોમાં મોંધવારી તો વધેલી જ ને વધશે જ. બ્રો, તને 30 વરસ પહેલાંનો બ્રેડનો ભાવવધારો ખબર છે?’ ‘ના!’ ‘તો પછી ત્યારે ના કેમ બોલ્યો ને હવે..?’ ‘ત્યારે હું 2 વરસનો હતો, મારૂં નામ બોલતાયે નહોતું આવડતું!’ ‘એમાં સરકાર શું કરે? ત્યારે તારી મમ્મી દૂધમાં બોળીને બ્રેડ ખવડાવતી. આજેય એ રીતે મમ્મી જ ખવડાવે છે?’ ‘મમ્મી પર નહીં જા! લોજિક પર જા,’ મિત્ર ભડક્યો. ‘લોજિક છે! સેન્ડવિચમાં ટામેટાં હોયને? જ્યારે ટામેટાના ભાવ વધ્યા, ત્યારે તેં વિરોધ કરેલો?’ ‘ત્યારે નહોતો કર્યો એટલે આજેય વિરોધ નહીં કરવાનો?’ ‘જો સેન્ડવિચમાં ‘વિચ’ શબ્દ છે. વિચ-એટલે ડાકણ.’ મેં ગૂગલી નાખી. ‘ડાકણને બ્રેડ સાથે શું લેવાદેવા?’, મિત્ર અકળાયો. ‘મહેંગાઈ ડાઈન ખાઇ ગઇ-ગીત સાંભળેલું? મોંધવારી નામની ડાકણ હંમેશાં નડે, જેમ હંમેશાં સેન્ડવિચ પર ‘સૉસ’ હોય. પણ ‘અફસોસ’ તું નહીં સમજે!’’ મને ઓલમોસ્ટ પાગલ માનીને મિત્ર ભડક્યો, ‘કહેવા શુ માગે છે?’ ‘લિસન, બ્રેડને હિંદીમાં ‘પાઉં’ કહેવાય. ‘પાઉં’ એટલે કે એક જમાનામાં પગથી લોટ ગૂંદવામાં આવતો. તને પણ ભગવાને પગ આપ્યા છે, તો પગ ઉપાડ ને વિદેશ જતો રહે ને ત્યાં જોઈએ એટલી સેન્ડવિચ ખાજે, ડોલરમાં કે પાઉન્ડમાં પૈસા ચૂકવજે ત્યારે ગણતરી કરતા સમજાશે કે અહીંયા બ્રેડ કેટલી સસ્તી છે.’ મેં એને ડરાવ્યો. ‘પણ હું ફોરેન શું કામ જાઉં? ખાલી બ્રેડ મોંઘી થઈ-એમ કહ્યું એટલે?’ … પછી મેં ઈતિહાસનો દાવ અજમાવ્યો: ‘જો ફ્રેન્ચક્રાંતિ વખતે એક ગરીબે ફ્રાન્સની રાણીને કહેલું કે ‘અમારી પાસે ખાવા બ્રેડ નથી!’ તો રાણીએ કહેલું ‘બ્રેડ નથી તો કેક ખાઓ!’ ‘પણ કેકમાં ઈંડાં હોય. હું શાકાહારી છું!’, મિત્ર કન્ફ્યુઝ્ડ! ‘ઇંડાં વિનાની કેક પણ મળે છે, એ ખા.’ ‘પણ કેક તો બ્રેડથીયે વધારે મોંઘી છે!’,એણે લાચારીથી કહ્યું. ‘તો ચૂપચાપ બ્રેડ ખા, જે ભાવે મળે એમાં!’ મેં વોર્નિંગ ફેંકી. મિત્રે કંટાળીને કહ્યું,‘ભલે!’ મેં એના ખભે હાથ મૂકીને કહ્યું, ‘જો સાંભળ, બ્રેડ ભલે મોંધી હોય પણ દેશમાં હજી સુધી આપણને મળે છેને? એનો ગર્વ કર. ગરીબ દેશોમાં લોકોને એય નથી મળતી.’ ‘વાત સાચી.’ એ તરત માની ગયો. ‘બીજી મહાન વાત ખબર છે? સાંભળીશ તો બ્રેડની જેમ ફૂલી જઈશ. 1983માં સુનીલ ગાવસ્કર નામના ભારતીય ક્રિકેટરે, ડૉન બ્રેડમેન નામના મહાન વિદેશી ક્રિકેટરનો વર્લ્ડ-રેકોર્ડ તોડેલો ત્યારે સૌ ગાવસ્કરને ઇન્ડિયાનો ‘બ્રેડમેન’ કહેતા.’ ‘અચ્છા?’ એ ખુશ થયો. ‘ … અને બ્રેડમેન શબ્દમાં પણ ‘બ્રેડ’ આવે છેને? તો બ્રેડના ભાવધારાની લપ મૂક ને આ દેશની સિદ્ધિઓ તરફ જો.’ ‘રાઈટ!’ મિત્ર હરખાયો. ‘... ને ચલ, હવે મને બ્રાઊન-બ્રેડવાળી સેન્ડવિચ ખવડાવ.’ એણે ચમકીને મારી સામે જોયું અને મેં મોં ફેરવી લીધું. એન્ડ ટાઈટલ્સ ઈવ: ખાવાનું બનાવતા આવડે છે? આદમ: હા, સેન્ડવિચ. { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...