તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનના હકારની કવિતા:નિસ્બતની ઊજળી સોબતનો સત્સંગ

20 દિવસ પહેલાલેખક: અંકિત ત્રિવેદી
  • કૉપી લિંક

સમજણ ન સાથે આવે છે, ન સાથે જાય છે. સમજણ મૂકી તો માયા પણ છૂટી. દૃશ્ય જોઈએ છીએ એમાં સમજણ ઉમેરાય છે. સમજણ નામ પાડે છે. અર્થો દુનિયા આપે છે. દુનિયા અને સમજણ બંને અરસપરસ છે. જે દિવસે આંખની સમજણ આછી થશે એ દિવસે ભીતરનો મારગ ઊજળો થશે. પળવારમાં તો ફૂલો પરથી ઊડી જાય છે ઝાકળ! સૂરજ સહેજ આકરો થાય અને ઝાકળ પોતાને રસ્તે... એનું ઊડી જવું પંખી જેવું નથી કે બીજે ક્યાંક ડાળ શોધે! એ તો એને મળેલી ક્ષણોમાં જીવી જાય છે. એને એની જાતને માણતાં આવડે છે. એટલે જ તો એ એક ટીપું પણ કેમ ન હોય, છતાં હજારો સૂર્યનું અજવાળું પ્રગટાવે છે. ઠોકરો મળે છે ત્યારે નસીબની મળે છે. કાં તો તાકાતથી ઊભી કરેલા અભિમાનની હોય છે! જેમણે પ્રત્યેક પગલે પથ્થરો જ વાવ્યા છે એને ઠોકર જ મળવાની છે. હા, પથ્થરો વાવીએ ત્યારે એને પાણી નથી સિંચવાનું એની ખાત્રી હોય છે. જેમાં કશુંક ઊગે છે. એને પાણીની જરૂર પડે છે જેનાથી વાગે છે એ તો કરેલા કરમની કરતાલો વગાડે છે. ગઝલ જ્યારે આપોઆપ લખાય, ત્યારે ઈશ્વર અને ભાવક વચ્ચેનું એકાંત ખરી પડે છે. અસ્તિત્વ કાનમાં ગઝલ કહેતું હોય અને આપણે કાગળ ઉપર એને ટપકાવીએ ત્યારે કક્કો સ્વયં કવિતા બને છે. મૂળાક્ષર વિધાતાના હસ્તાક્ષર બને છે. રંજ થાય ત્યારે મનોરંજનમાં ધ્યાન કેન્દ્રિત કરવું. માટીપગા બધા જ થવાના છે, પણ આંખો સામે જેમને ઈશ્વર માનીને પૂજ્યા હોય એ બધા માટીપગા થાય ત્યારે દુઃખ થાય. જ્યારે દુઃખ થાય ત્યારે સારું વાંચીને મન હળવું કરવું. દૃશ્ય જોયું એમાં સમજણ અને દુનિયા ઉમેરાઈ એટલે જીવવા અને જીરવવા મળ્યું. ઉર્વીશ વસાવડા ગુજરાતી ગઝલના ઊજળા કાવ્યકર્મનો મુકામ છે. ‘જીવનના હકારની આ કવિતા’માં નિસ્બતની સોબતનો સત્સંગ છે. ⬛ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...