તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચારોના વૃંદાવનમાં:સરદાર પટેલ અને વી.પી. મેનનનો સંબંધ કેવો? ત્રણ શબ્દો બસ છે: ‘કરિષ્યે વચનં તવ’ (ગીતા)

2 મહિનો પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક
  • સરદારને વી.પી. મેનન જેવા ઉચ્ચાધિકારી મળ્યા. સરદાર અને વીપી વચ્ચે જે સંબંધ રચાયો, તેમાં ‘synergy’ પ્રગટ થઈ તેથી દેશના નક્શાને આજનો આકાર મળ્યો

સરદાર પટેલ પરાક્રમી પુરુષ હતા. પરાક્રમમાં ત્રણ બાબતો સંતાયેલી હોય છે : પ્રાણશક્તિ, સાહસ અને દૂરંદેશી. પ્રાણશક્તિ હોય ત્યાં જબરો વિલપાવર હોવાનો. સાહસ હોય ત્યાં જોખમ હોવાનું જ. જોખમ સાવ ગણતરી વિનાનું નથી હોતું. દૂરંદેશી હોય ત્યાં લાંબા ગાળાનું હિત જોવાની દૃષ્ટિ હોય. આ ત્રણે બાબતો જ્યારે એક જ વ્યક્તિમાં ભેગી થાય ત્યારે દેશને ‘સરદાર’ મળે. એવા સરદારમાં ચરોતરની માટીની સુગંધ હતી. એ સુગંધનું નામ હતું: સામર્થ્ય. સરદાર ભૂમિપુત્ર હતા. વૈદિક ઋષિની કલ્પનાનો ભૂમિપુત્ર આખાબોલો હોય તોય ઋજુ હોય. એ ભૂમિપુત્ર નિખાલસ હોય તોય ભોળો નહીં હોય. એ ભક્ત હોય તેથી ‘નિરપેક્ષ, શુચિ(પવિત્ર) અને દક્ષ’ (ગીતા:અધ્યાય-૧) હોવાનો. સરદાર અંદરથી દૃઢ વૈરાગી હતા અને વૈરાગી હતા તેથી ત્યાગ એમનો સ્થાયીભાવ હતો. કશુંક જતું કરતી વખતે પણ સરદારને પ્રયત્ન કરવો પડતો ન હતો.

સરદારને વી.પી. મેનન જેવા ઉદ્યમી, વફાદાર અને કર્તવ્યપરાયણ એવા ઉચ્ચાધિકારી (આઈ.સી.એસ.)મળ્યા. કેવો સુયોગ? મોર્ડન મેનેજમેન્ટમાં બોસના હાથ નીચે કામ કરનાર સિનિયર અધિકારીનું મહત્ત્વ ઘણું વધારે ગણાય છે. એ અધિકારી પૂરેપૂરો વિશ્વસનીય હોય અને બોસ પ્રત્યે ઊંડો આદર ધરાવતો હોય ત્યારે જે સીનર્જી પ્રાપ્ત થાય ત્યારે 2+2=5 જેવું સમીકરણ સિદ્ધ થાય એમ બને. સરદાર અને વીપી વચ્ચે જે સંબંધ રચાયો, તેમાં ‘synergy’ પ્રગટ થઇ તેથી દેશના નકશાને આજનો આકાર મળ્યો. સમાંતરે વડાપ્રધાન પંડિતજીને કૃષ્ણ મેનન જેવા ભ્રષ્ટ અને અવિશ્વસનીય સાથી મળ્યા. પરિણામે ચીને 1962માં દેશ સામે પ્રચંડ આક્રમણ કર્યું ત્યારે કારમી હારને કારણે પંડિતજીને આઘાત લાગ્યો અને અંતે તેમનો દેહવિલય થયો. મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ સ્વરાજ મળ્યું તે પછીના ભયંકર દિવસો દરમ્યાન આ બે મેનનો કેવા હતા તેનું માઈક્રો-એનાલિસીસ કરવું જોઈએ. એક હતા સરદારના જમણા હાથ સમા વી.પી.મેનન અને બીજા હતા નેહરુના વહાલા સાથી કૃષ્ણ મેનન. એક મેનને સરદારના ઈશારા ઝીલીને દેશને એક તાંતણે બાંધ્યો અને બીજા મેનને ડાબેરી દંભ આચરીને દેશના શત્રુઓની સંખ્યા વધારી! યુનોમાં લાંબા પ્રવચનો કૉફીનાં કપ પીતાં રહીને કર્યાં, ચીનની લડાઈ વખતે ભારતના પક્ષે કોણ હતું? કોઈ નહીં!

આટલી ભૂમિકા પછી એક ગ્રંથની વાત કરવી છે, જેમાં કેટલીક એવી વાતો વાંચવા મળે છે, જે ઝાઝી ઉપલબ્ધ નથી : ‘V.P.Menon: The Unsung Architect of Modern India,’ by Narayani Basu, પ્રકાશક: Simon & Schuster, A CBS Company, (London, New york, Sydney, New Delhi) કિંમત-રૂ.799/- પાનાં-440 પુસ્તક પથારીમાં રાતે વાંચવાનું શરૂ કર્યું, તે ત્યાં સુધી કે ઊંઘને કારણે વાંચવાનું અશક્ય બની ગયું. લેખિકા નારાયણી બસુ વી.પી. મેનનનાં ગ્રેટ ગ્રાન્ડ ડોટર થાય. પોતે ઇતિહાસકાર છે અને વિદેશી બાબતોનું પૃથક્કરણ કરનારાં તજ્્જ્ઞ છે. એમણે પોતે લાંબી રીસર્ચ કર્યા પછી આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉત્તમ ગ્રંથો આપ્યા છે. પોતાના પરદાદાને ન્યાય મળે તેવી ઐતિહાસિક સામગ્રી એકઠી કરીને એમને આ અદ્્ભુત ગ્રંથની રચના કરી છે. પુસ્તકને અંતે દોઢ પાનાંમાં Epilogue લખ્યો છે તે સૌપ્રથમ વાંચવા યોગ્ય છે. એમાં ભારતના છેલ્લા વાઇસરોય માઉન્ટબેટન લખે છે:

મેનન અને સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચેની મૈત્રી, સથવારો અને સમજણ જ એવી હતી કે દેશી રાજ્યોનું ભારતીય યુનિયનમાં વિલીનીકરણ ચોક્કસપણે થઇ શકે, જે કોંગ્રેસને અને ભાવિ સરકારને પણ માન્ય હોય... એ બાબત કેટલી કરુણ છે કે આ મહાન સરકારી અધિકારીની સેવાનો સદુપયોગ (સરદારના ગયા પછી) ફરીથી ન થયો! આ પ્રકરણને અંતે પુસ્તકનું છેક છેલ્લું સ્પષ્ટ વાક્ય છે: ‘આવા મનુષ્યની સ્મૃતિને જાહેર પ્રજાની નજરમાંથી નીકળી જતાં બહુ વાર નહીં લાગે.’ વાક્ય છેલ્લું છે, પરંતુ સાવ જ સાચું છે. આજની પેઢીમાં કેટલા માણસો વી.પી.મેનનના નામ અને કામથી પરિચિત હશે? સરદાર પટેલના પ્રદાનમાં આ કર્તવ્યતત્પર બ્યુરોક્રેટે વેઠેલા ઉજાગરા કેટલા ઉપકારક હતા? આ ગ્રંથ વાંચીએ તો જ સમજાય કે હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરની સમસ્યાઓ કેટલી વિકરાળ હતી અને તેમાં સરદાર પટેલની દક્ષતા પાછળ કોનું ફળદ્રુપ ભેજું દેશહિતમાં રાતદિવસ એક કરી રહ્યું હતું. એ વી.પી.મેનનની ગ્રાન્ડ ડોટર એવા વિદુષી નારાયણી બસુએ પિતૃઋણ ચૂકવીને આ ગ્રંથની રચના કરી તેથી આપણે સૌ લેખિકાનાં ઉપકૃત છીએ. ગ્રંથ અંગ્રેજીમાં છે અને દેેશની બધી ભાષાઓમાં અનુવાદ થાય તે ઇચ્છનીય છે. જો એવું બને તો સરદાર પટેલનો આત્મા જ્યાં હોય ત્યાંથી અનુવાદકો પર જરૂર પોતાના આશીર્વાદ વરસાવે. નિવૃત્ત થયા પછી પણ દેશમાં અને નગરોમાં યોજાતા સેમિનારોમાં વી.પી.મેનન પોતાના પ્રવચનોમાં દેશના એકીકરણની વાતો પ્રવચનોમાં કરતા જ રહ્યા. સાથોસાથ બે પુસ્તકોમાં એમણે દેશના એકીકરણની કથા લખવાનું મહાકાર્ય પણ પૂરું કર્યું : 1 The Transfer of power in India 2 The Story of Integration of the Indian States. આવા બંને ગ્રંથો લખવાનું મેનનસાહેબે સરદાર પટેલને આખરી વચન આપ્યું હતું. પ્રકાશનનું કામ ભારતીય વિદ્યાભવન દ્વારા કરવામાં આવ્યું હતું. નારાયણીના આ ગ્રંથના પાન 416 પર વાંચવા મળતો એક પ્રસંગ ઘણુંબધું કહી જાય છે. ભુવનેશ્વરમાં પંડિતજી હદયરોગના શિકાર બન્યા પછીની વાત છે. વર્ષ 1960 પછી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારમાં હોમ સેક્રેટરી શ્રી એચ.વી.આર.આયંગરે એક લેખમાં સરદાર પટેલનાં વખાણ કર્યાં ત્યારે શું બન્યું? બીજે જ દિવસે તંત્રી ફ્રેન્ક મોરાઇસ દોડતા આયંગરને ત્યાં પહોંચ્યા અને બોલી ઊઠ્યા : ‘HVR, હવે તમે વડાપ્રધાનના શ્વાનઘરમાં (ડોગહાઉસ)માં રહેવાના. હું અત્યારે સીધો નાસ્તાના ટેબલ પરથી આવ્યો છું. ટેબલ પર જવાહર, ઇન્દિરા અને વિજયાલક્ષ્મી પંડિત સાથે હતાં. જવાહર શાંત હતા કારણ કે હૃદયરોગના હુમલા પછી સારવાર લઇ રહ્યા હતા. ઇન્દિરાએ લેખ વાંચ્યો હતો. એમના ગુસ્સાનો કોઇ પાર ન હતો. તેઓએ ઉગ્ર સ્વરે કહ્યું : ‘આ આયંગર વળી કઇ બલાનું નામ છે? એ સરદાર પટેલ અંગે આવું બધું શા માટે લખે છે?’ લેખિકા નોંધે છે : ‘નેહરુએ ખંતપૂર્વક અને ઊંડી ગણતરીપૂર્વક સરદાર પટેલની છબિ લોકોના મનમાંથી ભૂંસાઇ જાય તેવો પ્રયત્ન શરૂ કર્યો હતો.’ આ આક્ષેપ નેહરુના જીવનના છેલ્લા દિવસ સુધી એમને વળગેલો જ રહ્યો હતો.’ વી.પી. મેનન આગળ નોંધે છે કે : ‘હું આ વાત જાણું છું કારણ કે મારી સાથે પણ આવું વારંવાર બનતું હતું.’ હજી આગળ મેનનના શબ્દો વાંચો: ‘કદાચ એ માટે સરદાર અંગેની જબરી ઇર્ષ્યા જવાબદાર હતી....જો સરદારના જીવનકાળ દરમિયાન દેશના એકીકરણનું કામ પૂર્ણ થયું ન હોત તો પછી હું એકલો એ કામ પૂરું કરી શક્યો ન હોત. જ્યારે કામ ચાલતું હતું ત્યારે હાર્ટએટેકની પરવા કર્યા વિના સરદારે કામ ચાલુ રાખવાના પ્રયત્નો કર્યાં હતા. મને ખબર છે કે સરદાર કેવા પાવરફૂલ હતા. તેઓ એવા મનુષ્ય હતા, જેમની સામે પડવાની કોઇની હિંમત ન હતી.’ (પાન-416-417) વર્ષ 1951ના માર્ચ મહિનામાં વી.પી. મેનનના ધ્યાનમાં એક કૌભાંડી ચેક આવી ગયો હતો, જેમાં સર પ્રતાપસિંહ તથા (ઇન્દિરા ગાંધી સાથે લગ્નથી જોડાયેલા) ફિરોઝ ગાંધીની સંડોવણી સ્પષ્ટ હતી. નેહરુ મેમોરિયલ મ્યુઝિયમમાં બધું જળવાયેલું છે. આશ્ચર્ય નથી કે એ કૌભાંડ દબાવી દેવામાં આવ્યું હતું. મેનને HVR આયંગરને સલાહ આપી કે આ ચેકની વાત આયંગરે વડાપ્રધાન નેહરુના ધ્યાન પર લાવવી જોઇએ. એમાં પ્રધાનમંડળના બે પ્રધાનો અને વડાપ્રધાનના જમાઇની સંડોવણી હતી.’ પછી તો વી.પી. મેનનની નિયુક્તિ ઓડિશાના રાજ્યપાલ તરીકે થઇ હતી. એ કેવળ દેખાવ હતો. એ નિયુક્તિ માત્ર બે મહિનામાં જ ખતમ થઇ. વી.પી. મેનન માટે પંડિતજીનો અણગમો એટલો તો તીવ્ર હતો કે એ ખાઇ પૂરી શકાય તેવી ન હતી. વી.પી. મેનનના પ્રદાનને કદી મૂલવી ન શક્યા અને કદી માફ પણ કરી ન શક્યા! સરદારના અત્યંત વિશ્વાસુ અને સમર્થ ઉચ્ચાધિકારીએ કરેલી અનન્ય દેશસેવાનો બદલો આટલો ક્રૂર અને આટલો કરુણાંત! વિચારી જુઓ, વી.પી. મેનનને પદ્મશ્રી પણ મળ્યો ન હતો! માની લઇએ કે સરદાર પેદા જ થયા ન હોત તો! એમને અન્યાય થાય એ વાતનો જ છેદ ઊડી જાય છે. મારો અભિપ્રાય જાણવો છે? સરદાર પેદા જ ન થયા હોત, તોય પંડિતજી વડાપ્રધાન તરીકે સફળ થયા ન હોત, કારણ કે એમની પાસે શાસકને છાજે તેવા સામર્થ્ય, પાણી કે મિજાજ કે હિંમત (mettle)નો અભાવ હતો આ વાતે સંમત થવાનું ફરજિયાત થોડું છે? વી.પી. મેનન પંડિતજી અંગે લખે છે : ‘He was a good, honest man, but for one, he was terribly emotional.’ (પાન-416) આ વાતે સંમત થવાનું શક્ય ખરું? જરૂરી પણ ખરું! *** B નિવૃત્ત થયા પછી બેંગ્લોરમાં વી. પી. મેનનના નિવાસનું નામ હતું : ‘Shelter.’ તુમ્હેં ખૂબસૂરત નજર આ રહી હૈં! યે રાહેં તબાહી કે ઘર જા રહી હૈં! - નિત્યાનંદ તુષાર (હિંદી કવિ) Blog:http://gunvantshah.wordpress.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser