રણમાં ખીલ્યું ગુલાબ:સારા ખેલ તો ઇન નિગાહોં કા હી તો થા, આપને હટાઈ નહીં, ઔર હમને ઝુકાઈ નહ

એક મહિનો પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક

પિનાકીએ સોશિયલ મીડિયા પર પોતાનું પર્સનલ એકાઉન્ટ ઓપન કરીને તાજી ગતિવિધિ જોવાનું શરૂ કર્યું. 38 નવી ફ્રેન્ડ રિક્વેસ્ટ્સ આવી હતી. બધી પુરુષોની હતી. એમાં નવાઇ પામવા જેવું કંઇ ન હતું. પ્રોફાઇલ પિક્ચરમાં પિનાકીનો જોઇને કોઇ પણ ઉંમરનો કોઇ પણ પુરુષ રિક્વેસ્ટ મોકલ્યા વગર રહી ન શકે. પિનાકીએ બધી જ રિક્વેસ્ટ્સ એસેપ્ટ કરી લીધી. પછી જે રોજનું કામ હતું એ શરૂ થઇ ગયું. થોડાં પિક્સ અને થોડી પોસ્ટ અપલોડ કરીને પિનાકી રાહ જોવા લાગી કે કેવો રિસ્પોન્સ મળે છે. પિનાકી ખરેખર એટલી રૂપાળી હતી કે એની ખૂબસૂરતીના ખેતર ઉપર લાઇક્સનો અને કોમેન્ટ્સનો અનરાધાર વરસાદ કાયમ વરસતો જ રહેતો હતો. રસિક પુરુષો તરફથી આવતું પ્રશંસાનું ચોમાસુ ચાર માસનું નહીં પણ બારમાસી હતું. જે નવા મિત્રો બન્યા એમાં એક નામ પિનાકીને આકર્ષી ગયું. એ નામ હતું સુકેશ નામના યુવાનનું. ફોટામાં તો એ હેન્ડસમ દેખાતો હતો. એનો બેપરવા લુક ચુંબકની જેમ પિનાકીને ખેંચી રહ્યો હતો. બહુ થોડા સમયમાં બંને અંગત મેસેજીસની આપ-લે કરવા સુધી પહોંચી ગયાં. એક દિવસ પિનાકીએ પૂછી લીધું, ‘આર યૂ મેરિડ ઓર સિંગલ?’ જવાબ આવ્યો, ‘આઇ એમ સિંગલ એન્ડ રેડી ટુ મિંગલ.’પિનાકી હસી પડી. મનોમન બોલી ગઇ, યહ ભી ચાલુ આઇટમ નિકલા. રૂપાળી છોકરી જોઇ નથી કે લાળ ટપકાવવાનું શરૂ કર્યું નથી! એ વધુ કંઇ પૂછે તે પહેલાં સામેથી વધુ એક મેસેજ આવ્યોઃ ‘તમે મેરિડ છો કે સિંગલ, એ હું પૂછતો નથી કારણ કે મને ખબર છે કે તમે મારા માટે જ સર્જાયા છો. તુમ્હે જમીં પર બુલાયા ગયા હૈ મેરે લિયે...‘ આ વાત પર પિનાકી ઓવારી ગઇ. જગતની કોઇ પણ રૂપગર્વિતાને પોતાની પ્રશંસા સાંભળવી ગમતી હોય છે. પિનાકીને પોતાની પ્રશંસા પણ ગમી ગઇ અને સુકેશની શૈલી પણ ગમી ગઇ. પછી તો બહુ ઝડપથી બંને બહુ નજીક આવી ગયાં. રોજ બબ્બે કલાક સુધી ચેટ કર્યાં વગર ચેન ન પડે એવી હાલત સુધી પહોંચી ગયાં. પિનાકી જેટલી રૂપાળી હતી એટલી જ બુદ્ધિશાળી હતી. કોઇ અવળચંડા પુરુષે એક વિધાન કર્યું છે, જે ખૂબ જ પ્રચલિત થયું છે: ‘બ્યૂટી એન્ડ બ્રેન ડોન્ટ ગો ટુગેધર.’ અર્થાત્ રૂપાળી સ્ત્રીઓ બુદ્ધિશાળી હોતી નથી. આ વિધાન સરાસર ખોટું છે, એનો સૌથી મજબૂત પુરાવો પિનાકી હતી. સુકેશ સાથેના સંબંધની બાબતમાં એ દિલની સાથે સાથે દિમાગથી પણ કામ લઇ રહી હતી. એ વિચારતી હતી, સુકેશે આપેલી માહિતીમાંથી પોતાના ભવિષ્યની સ્થિરતા આંકી રહી હતી. સુકેશના કહેવા પ્રમાણે એ પોતાના ત્રણેક વર્ષથી શરૂ થયેલા બિઝનેસમાં મહિને પાંચેક લાખ રૂપિયા પાડી લેતો હતો. ભવિષ્યમાં પાંચ લાખમાંથી પાંચ કરોડ સુધી પહોંચવાની એ ટકોરાબંધ ખાતરી આપતો હતો. લગ્ન કરવાની બાબતમાં એ વચનબદ્ધ હતો. શું એ સાચું બોલતો હશે? પિનાકી જાણતી હતી કે સોશિયલ મીડિયા પર જાતજાતનું ચીટિંગ ચાલતું હોય છે. કેટલાય પરણેલા અને મોટી ઉંમરના પુરુષો ફેક એકાઉન્ટ બનાવીને છોકરીઓને ફસાવવાની બદમાશી કરતા હોય છે. સુકેશ પણ એવો નહીં હોય એ કેવી રીતે જાણવું? ખૂબ ઊંડો વિચાર કર્યાં પછી પિનાકીએ ઉપાય શોધી કાઢ્યો. તેણે પોતાની બેસ્ટ ફ્રેન્ડ ચિરાગીને વિશ્વાસમાં લીધી. ચિરાગી બહુ સાધારણ દેખાવની છોકરી હતી. સહેજ શ્યામવર્ણી, એકવડિયા બાંધાની, નમણાશ વિનાનો ચહેરો ધરાવતી અને સામાન્ય વસ્ત્રો પહેરતી એક સરેરાશ મિડલ ક્લાસ યુવતી. સ્વભાવમાં ખૂબ સરળ અને સંસ્કારોમાં ઉત્તમ. પિનાકી જે કહે એ બધું જ કરવા તૈયાર. પિનાકીએ ટૂંકમાં ચિરાગીને બધી વાત જણાવી દીધી. પછી પોતાની યોજના સમજાવી, ‘સુકેશ મને મળવા માટે ઉતાવળો થયો છે. મેં એને કદીયે રૂબરૂમાં જોયો નથી. એને જાણવાની વાત તો દૂર રહી, એના માટે મારે તારી મદદની જરૂર છે.’ ચિરાગીએ તૈયારી દર્શાવી, ‘બોલ, મારે શું કરવાનું છે?’ ‘તારે ચિરાગીને બદલે પિનાકી બનીને સુકેશને મળવા જવાનું છે. હું એને આવતીકાલે સાંજે છ વાગે ‘પિનાઝ’ રેસ્ટોરાંમાં મળવાનું ગોઠવું છું. તું પણ નિર્ધારિત સમયે પહોંચી જજે. હું તમારાથી પચાસેક મીટર્સ દૂર રહીને સુકેશને અને તેની બીહેવિયરને જોતી હોઇશ.’ પિનાકીએ કહ્યું. ચિરાગીને પિનાકીની યોજના પૂરેપરી સમજાઇ નહીં, ‘આવું કરવાથી શું થશે?’ પિનાકી ચિરાગીના ભોળપણ પર હસી પડી, ‘ડોબી, આટલુંય નથી સમજતી? એક કામ તો એ થશે કે સુકેશ ખરેખર યુવાન છે કે આધેડ તે પરખાઇ જશે. બીજું કે, એ સાચો પ્રેમી છે કે ભમરો એની પણ ખબર પડી જશે. સુકેશે મારા પિક્સ જોયા છે. મારી જગ્યાએ તને આવેલી જોઇને એ શું કરે છે એ પણ સમજાઇ જશે.’ ચિરાગી સંમત થઇ ગઇ. એ રાત્રે સોશિયલ મીડિયા પર ચેટિંગ કરતી વખતે સુકેશે ફરી એક વાર રૂબરૂમાં મળવાનો ભારપૂર્વક આગ્રહ કર્યો, એટલે પિનાકીએ દિવસ, સમય અને સ્થળ જણાવી દીધાં: ‘આવતીકાલે સાંજે શાર્પ છ વાગે ‘પિનાઝ’ રેસ્ટોરાંમાં આપણે મળીશું. હું કોર્નરનું ટેબલ રિઝર્વ કરાવી દઉં છું.’ ‘સાંજે છ વાગે?’ સુકેશ ભડકી ઊઠ્યો, ‘એ સમયે તો ‘પિનાઝ’માં સારી એવી ભીડ હોય છે.’ ‘આપણે ભીડમાં જ મળવું છે, કોઇ પણ પુરુષને પહેલી વાર એકાંતમાં મળવાની મારી જરા પણ તૈયારી નથી.’ આટલું કહીને પિનાકીએ ચેટ પૂરી કરી દીધી. બીજા દિવસે નિર્ધારિત સમય કરતાં દસ મિનિટ પહેલાં બંને સખીઓ ‘પિનાઝ’માં પહોંચી ગઇ. ચિરાગી જાણીજોઇને જરા પણ તૈયાર થયા વિના આવી હતી. તે દૂરના ખૂણાના ટેબલ પાસેની ખુરશીમાં ગોઠવાઇ ગઇ. પિનાકી પ્રવેશદ્વારથી સહેજ દૂર એક વૃક્ષની આડશમાં સંતાઇને ઊભી રહી. છ વાગવામાં બે મિનિટની વાર હતી ત્યારે એક ડાર્ક બ્લ્યૂ કલરની મોંઘી કાર આવીને ઊભી રહી ગઇ. એક હેન્ડસમ યુવાન બહાર નીકળ્યો. પિનાકી અવાક્ બની ગઇ. સુકેશે પોતાના પ્રોફાઇલ પિકમાં જે ચહેરો મૂક્યો હતો તે સાચો હતો. બાપ રે! કોઇ યુવાન આટલો હેન્ડસમ હોઇ શકે? પિનાકીને દોડીને સુકેશ પાસે પહોંચી જવાનું મન થઇ આવ્યું, પણ એ અટકી ગઇ. સુકેશની કસોટી કરવાનું તો હજી બાકી જ હતું. સામાન્ય દેખાવની ચિરાગીને જોઇને એ પાંચ-દસ મિનિટમાં જ મુલાકાત પૂરી કરીને બહાર નીકળે ત્યારે એની સામે પ્રગટ થવું એવો નિર્ણય પિનાકીએ કરી લીધો. હવે પછી શું થાય છે એ જોવા માટે એ તત્પર થઇ ગઇ. સુકેશ પૌરુષસભર ચાલમાં કદમ ભરતો રેસ્ટોરાંમાં દાખલ થયો. દૂરના કોર્નર ટેબલ પર એણે નજર નાખી. અજાણી યુવતીને ત્યાં બેઠેલી જોઇને એ જરા અચકાયો. પછી છેક પાસે જઇને તેણે સહેજ ઝૂકીને પૂછ્યું, ‘આર યૂ પિનાકી?’ કામદેવ જેવા સોહામણા યુવાનને પોતાની સામે ઝળૂંબી રહેલો જોઇને બાપડી ચિરાગી તો આભી જ બની ગઇ. આવો હેન્ડસમ પુરુષ તો એણે સપનામાં પણ જોયો નહોતો. એના ગળામાંથી માંડમાંડ અવાજ નીકળ્યો, ‘માયસેલ્ફ… ચિ… પિ… આઇ એમ પિનાકી. આવી ગયા તમે? બહુ સમયસર આવ્યા છો. મેં ધાર્યું હતું કે તમે મોડા પડશો.’ ‘મોડા પડવાની આદત સ્ત્રીઓને હોય છે, પુરુષોને નહીં. આઇ એમ સુકેશ. ચેટિંગ તો આપણે બહુ કર્યું પણ મળીએ છીએ પહેલીવાર.’ આટલું કહીને સુકેશે જમણો હાથ લંબાવ્યો. ચિરાગીએ પણ એવું કરવું પડ્યું. હૂંફાળા હસ્તધૂનન પછી સુકેશે પૂછી લીધું, ‘તમારા પ્રોફાઇલ પિકમાં દેખાતો ચહેરો બીજા કોઇનો છે.’‘હા, એ મારી બેસ્ટ ફ્રેન્ડનો પિક છે. હું એટલી બધી આકર્ષક નથી. એટલે સોશિયલ મીડિયા પર હું એનો જ ફોટો મૂકું છું. એટલે તો તમે મને મળવા માટે દોડી આવ્યા. જો મારો ફોટો મૂક્યો હોત તો કદાચ…’ એ પછી પૂરો એક કલાક બંને વાતો કરતા રહ્યાં. સુકેશે પોતાની વિચારધારા સ્પષ્ટ કરી દીધી, ‘તમારી વાત સાચી પણ છે અને ખોટી પણ છે. પહેલી નજરે રૂપાળો ચહેરો સૌને આકર્ષે છે, પણ આખું જીવન એના પર ચાલતું નથી. સાડીનો રંગ અને ભાત ગમે તેટલા આકર્ષક હોય પરંતુ સાડીની કિંમત એના પોત પરથી નક્કી થાય છે. એક જ વાર ધોવાથી જે રંગ ઊતરી જાય એવી સાડીને શું કરવાનું?’ ચિરાગીને સૂધ પણ ન રહી કે સુકેશના વાક્્પ્રવાહમાં એ ક્યારે, કેવી રીતે અને ક્યાં સુધી ખેંચાતી રહી. સુકેશને પણ આ સાધારણ દેખાતી છોકરીનું વાણીવર્તન ગમી ગયું. એણે પૂછી લીધું, ‘શરૂઆતમાં આપણે જે હસ્તધૂનન કર્યું એને હું હસ્તમેળાપ માની લઉં?’ ચિરાગીએ કહી દીધું, ‘હા, પણ મારે એક કબૂલાત કરવાની છે. હું પિનાકી નથી પણ ચિરાગી છું. પિનાકી તમારી કસોટી કરતી હતી.’ ‘ઓહ! એવું હતું? તો મને કહેવા દે કે એ કસોટીમાં હું પાસ થયો છું અને ખુદ પિનાકી ફેલ થઇ છે. આઇ હેવ ફોલન ફોર યૂ, ચિરાગી.’⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...