આપણા સૂર્યમંડળ સમાન રચના ધરાવતો ભુવર્લોક પૃથ્વી પરથી સત્કર્મો કરીને મોક્ષ પામી ચૂકેલા સિદ્ધાત્માનું વસવાટ સ્થળ છે, જેમનું મુખ્ય કાર્ય સ્વર્ગલોકમાં રહેલા દેવોનાં કામમાં મદદ કરવાનું તેમ જ કેટલીક વખત મનુષ્યને યોગ્ય દિશા ચીંધવાનું છે. સ્વર્ગની માફક અહીં પણ પુષ્કળ ઐશ્વર્ય છે. તેના મોહમાં ફસાયેલો આત્મા પુનઃ મનુષ્ય અવતાર ધારણ કરીને જન્મ-મરણનાં વિષચક્રમાં ગતિમાન થઈ જાય છે! બેઝિકલી, પૃથ્વી એટલે મૃત્યુલોક. અહીંના જીવોનો આયુષ્યકાળ નિશ્ચિત છે. ભૂલોક પર આત્મા નશ્વરદેહરૂપે જન્મ લે છે અને અવધિ પૂરી થતાં મૃત્યુ પામે છે. જન્મ-મરણનું આ ચક્ર જુદા જુદા સ્વરૂપમાં ચાલ્યા રાખે છે. પ્રાણી, પશુ, વનસ્પતિ કે પછી નિર્જીવ પદાર્થ… દરેક પાસે પોતાનું એક ચોક્કસ આયુષ્ય છે. પરંતુ સાત પૃથ્વી ધરાવતાં આપણા ભૂમંડળમાં પૃથ્વી સિવાયનાં પણ છ એવા ગ્રહોનું વર્ણન છે, જ્યાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ સદીઓથી ચાલ્યું આવે છે : (1) જંબુદ્વીપ (2) પ્લાક્ષદ્વીપ (3) સલમલી દ્વીપ (4) કુશદ્વીપ (5) ક્રૌંચદ્વીપ (6) શકદ્વીપ અને (7) પુષ્કરદ્વીપ. જેમાંથી જંબુદ્વીપ એટલે આપણી પૃથ્વી! બાકીનાં છ દ્વીપો (વિવિધ ગ્રહો) આકાશગંગામાં પૃથ્વીની ફરતે અબજો યોજનને અંતરે ભ્રમણ કર્યા રાખે છે. શ્રીમદ્ ભાગવતમમાં જણાવ્યાનુસાર, જંબુદ્વીપ સિવાયનાં છ દ્વીપો પર આવેલા સમુદ્રો વધુ અફાટ અને અનંત રીતે વિસ્તરેલા છે. તેની આજુબાજુનો જમીન વિસ્તાર પૃથ્વી કરતાં ક્યાંય વધુ છે. આ ગ્રહો પર વસી રહેલા જીવો પણ મનુષ્યદેહ ધરાવે છે, તેઓ પણ જન્મ-મરણનાં ચક્રને અનુસરે છે! અલબત્ત, તેમનો આયુષ્ય-કાળ આપણા કરતાં ઘણો વધારે છે, કારણ કે પ્લાક્ષદ્વીપથી માંડીને શકદ્વીપ સુધીનાં તમામ દ્વીપો પર હજુ પણ ત્રેતાયુગ ચાલી રહ્યો છે એવી માન્યતા છે. વેદ-પુરાણનો આશરો લઈને અગર ખગોળશાસ્ત્રીઓ આ તમામ ગ્રહો સુધી પહોંચવામાં સફળ રહ્યા તો ખરેખર શક્ય છે કે, આપણી સામે પૃથ્વી સિવાયનું એક એવું વિશ્વ ખૂલી જાય જ્યાં ઉચ્ચ સ્તરનું જીવન જીવાઈ રહ્યું છે! ભૂલોકથી 70,000 યોજન અધોદિશામાં આવેલા સાત પ્લાનેટરી સિસ્ટમ (અધોલોક) - અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ - ને શાસ્ત્રોમાં ‘બિલા સ્વર્ગ’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. તેમનું સ્થાન ભલે ઊર્ધ્વલોક અને ભૂલોકની નીચેનું હોય, છતાં અધોલોકનું રાચરચીલું અને સુખ-સગવડો સ્વર્ગલોક કરતાં પણ વધારે છે. મટિરિયાલિસ્ટિક પ્લેઝર (ભૌતિક ચીજવસ્તુનો આનંદ) અહીં વધુ પ્રમાણમાં છે. એનું મુખ્ય કારણ એ કે, ઊર્ધ્વલોક અને ભૂલોકમાંથી પણ અધોગતિ મેળવીને અહીં આવી પડેલા જીવોને આધ્યાત્મિકતા કે મોક્ષપ્રાપ્તિ સાથે કશી નિસ્બત જ નથી. તેમને ફક્ત ધનવૈભવ અને એશ્વર્યમાં રસ છે! અધોલોકમાં ક્યાંય સૂર્યપ્રકાશનું નામોનિશાન નથી. ચારેકોર કાળું ડિબાંગ અંધારું છે! જેને કુદરતી રીતે પ્રકાશિત કરી શકવું અસંભવ છે, આથી અધોલોકનાં જીવ પોતાનાં ગ્રહોને પ્રકાશિત કરવા માટે હીરામોતી-માણેકનાં પરાવર્તન (રિફ્લેક્શન)નો ઉપયોગ કરે છે! કુદરતી સૂર્યપ્રકાશની ગેરહાજરી હોવાને કારણે દિવસ-રાતનું કોઇ ચક્ર અહીં ચાલુ નથી. આથી તેમને સમયનો કોઇ ભય જ નથી! આધ્યાત્મિકતાનો અભાવ હોવાને કારણે અધોલોકનાં જીવોનો શારીરિક દેખાવ પ્રમાણમાં થોડો ભયાનક! મોટા શિંગડા, અણીદાર લાંબા નખ, પીળા પડી ગયેલા ધારદાર દાંત એ એમની ઓળખ છે. પુરાણોમાં જેનાં સવિસ્તાર વર્ણન અપાયા છે એ, દાનવ-દૈત્ય-કાલકેય-રાક્ષસ-નાગ વગેરે જીવોનું પોતપોતાનાં લોકમાં રાજ છે. મોક્ષપ્રાપ્તિની ઇચ્છાથી વિમુખ થઈ ચૂકેલા આ જીવો, સતત ભૌતિક ઐશ્વર્યમાં જ રમમાણ રહે છે. તેમનાં માટે સંભોગ, મદિરાપાન અને નાચગાન એ જ જીવન છે! મૃત્યુથી અંતર બની રહે તેમ જ તેઓ અજર રહી શકે એ માટે ખાસ પ્રકારનાં પેયનું પાન કરે છે, જે તેમને તમામ પ્રકારની શારીરિક તકલીફો અને આધિવ્યાધિ-ઉપાધિથી દૂર રાખે છે. ઊર્ધ્વલોકનાં જીવોથી તદ્દન વિપરીત એવું ભોગવિલાસી જીવન જીવી રહેલા અધોલોકનાં જીવો ક્યારેય મોક્ષપ્રાપ્તિનો અનુભવ નથી કરી શકતાં. તેમને સુખી થવા માટે સતત સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. તપ-સાધના-યોગ વડે તેમને સર્વપ્રથમ ભૂલોક સુધી પહોંચવાની તક મળે છે, પરંતુ ત્યાર બાદ ઊર્ધ્વલોકમાં પહોંચવા માટે તેમણે પોતાનું સમગ્ર જીવન આત્મ-સાક્ષાત્કાર માટે સમર્પિત કરી દેવું પડે છે! ⬛ bhattparakh@yahoo.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.