તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહજ સંવાદ:સંસ્કૃતિ, સોમનાથ અને સંસ્કૃત

3 મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક

કેટલાંક સ્થાન-વિશેષની નજીક જાવ એટલે અલગ જ અહેસાસ થાય કે, અરે, એકવીસમી સદીમાં આવો લાખ વર્ષ પહેલાંનો યુગ? હા, સોમનાથ એવી જગ્યા છે. તેના પ્રકાશ અને ધ્વનિ (લાઇટ એન્ડ સાઉન્ડ) પ્રસ્તુતિ માટે સ્ક્રિપ્ટ લખવાની આવી અને તેના અવાજ માટે અમિતાભ બચ્ચનને મળવાનું બન્યું. તે દિવસોમાં સોમનાથ મહા દેવાલય, તેની આસપાસના સ્થાનો અને યુગાંતરોથી ઘૂઘવતો સમુદ્ર, નગરજનો, પ્રવાસીઓ, સાંકડી ગલીમાં વસેલું શહેર, રેલવે સ્ટેશન, આરતી અને ઘંટારવ... આનો અનુભવ અને અભ્યાસ થયા ત્યારે આ ત્રણ શબ્દોનું મહત્ત્વ અધિક સમજાયું. સંસ્કૃતિ, સોમનાથ અને સંસ્કૃતનો અહીં દેખાતો અને ન દેખાતો સંગમ પણ નિહાળવા મળે, તેને માટે મન, મસ્તક અને હૈયું ત્રણે હોવાં જોઈએ! અમિતાભ સાથે આખી પટકથા વાંચવાનું થયું, ત્યારે સોમનાથ પરિસરમાં સમુદ્રની સમક્ષ એક યોગી ઊભો હોય વર્ષોથી તેવા સ્તંભની ચર્ચા થઈ. સુદૂર દુનિયાના બીજા છેડે પહોંચવા આ સ્તંભની સીધી રેખાએ સમુદ્રમાં હલેસાં મંડાય! સમુદ્ર સંતાનો જેવા ખલાસીઓ અને મુસાફરોનો ઇતિહાસ છે તે દુનિયાનો સૌથી જૂનો સાગરિક ઇતિહાસ છે. …અને આ પરિસરમાં? પ્રભાસ ખંડમાં તેનું વર્ણન છે, પૃથ્વી પરનો જંબુદ્વીપ નવ વિભાગમાં ફેલાયેલો છે. તેનો એક ભાગ ભારત. તેનો નવમો ભાગ તે સૌરાષ્ટ્ર અને તેનો નવમો ભાગ એટલે પ્રભાસ! વેદ-પુરાણ સર્વત્ર પ્રભાસ ભૂમિ કેન્દ્રસ્થાન છે. કેવું હશે આ પ્રાચીન નગરોનું રૂપાંતર? મિનુર, મીનનગર, હરનગર, શિવનગર, સુરપતન, સોમનાથપુર, પટ્ટણદેવ, દેવપત્તન, હિરણ્યરસ... વૈદિક ગણતરી પ્રમાણે 7,99,25,118 વર્ષ પૂર્વે ત્રેતાયુગમાં શ્રાવણ શુક્લ પક્ષમાં આ દેવાલય રચાયું. એક કથા છે કે ત્રેતા યુગમાં શિવભક્ત રાવણ અહીં આવ્યો અને સ્વર્ણિમ સોમનાથ દેવાલયની રચના કરી. બીજી શતાબ્દીમાં શિવભક્ત પાશુપત બ્રાહ્મણોએ વધુ સાંસ્કૃતિક સ્પર્શ આપ્યો. ત્રણ વાર નિર્માણ અને પછી જિર્ણોદ્ધારનો સિલસિલો. ભલે આક્રમક આવ્યા અને લૂંટફાટ, મંદિર ભંજન કરી ગયા. દરેક જમાનામાં તે વળી પાછું ઊભું થયું. સંસ્કૃતિનો સૌથી ધ્યાન દોરે તેવો આ ‘વિશેષ’ છે, વિનાશમાંથી નિર્માણ. ગુજરાતી પ્રજાનો આ ડી.એન.એ! બીજી વિશેષતા પણ જુઓ. ચૌલાદેવી શિવને સમર્પિત નૃત્યાંગના પણ ગઝનવી આવ્યો, ત્યારે તેણે શત્રુને પરાસ્ત કરવાની વ્યૂહરચના આપીને બ્રાહ્મણ પૂજારીઓને મોહમ્મદ ગઝનવી સાથે મોકલીને એવો રસ્તો ભૂલાવ્યો કે રસ્તામાં જ અર્ધી સેના મોતને શરણ થઈ. આ દંતકથા વિસ્મૃત નૃત્યકારની ઐતિહાસિક ભૂમિકાનો અંદાજ આપે છે. ત્રીજી વાત નોંધવા જેવી છે. જૈન કવિ હેમચંદ્રાચાર્ય અને શૈવ પાશુપત આચાર્ય બૃહસ્પતિએ સાથે મળીને આ દેવાલયનો જિર્ણોદ્ધાર કરાવ્યો. રાજવી કુમારપાળ જૈન હોવા છતાં 1169માં અહીં ભગવાન શિવને માથું ટેકવા આવ્યો હતો. રાણી અહલ્યાબાઈએ અગમચેતી રાખીને આખું મંદિર ભૂમિગત બનાવડાવ્યું જેથી તેનો ધ્વંસ થઇ ન શકે. જય સોમનાથ એ માત્ર ભક્તિની ઘોષણામાત્ર નથી. શક્તિ અને ભક્તિના આ સૂત્ર સાથે અહીં કેટલા બધાંએ સંઘર્ષ કર્યો? એમાંના એક હથીલાના રાજકુમાર હમીરજી ગોહિલ પણ હતા, તેમની પ્રતિમા સોમનાથ પરિસરમાં છે. સ્વાધીન ભારતના નવેમ્બર સુધીમાં અનેક આક્ર્મકો આવ્યા. ગઝનવી, અલફ્ખાન, મુઝફ્ફર ખાન, મોહંમદ બેગડો... છેવટનો પુન:નિર્માણનો પ્રસંગ 13 નવેમ્બર, વિક્રમ સંવતના નૂતન વર્ષે, સરદાર વલ્લભભાઈના સંકલ્પથી! સંસ્કૃતિ અને સંસ્કૃત બંને ભારતીય અસ્તિત્વનો આત્મા છે. સોમનાથ નજીક હવે સંસ્કૃત વિશ્વવિદ્યાલય સ્થપાયું છે. એક આખી યુનિવર્સિટી પ્રાચીનતમ ભાષાના શિક્ષણ અને સાહિત્ય માટે બંધાય તે પણ વીરલ ઘટના છે. ગોપબંધુ મિશ્રા તેના કુલપતિ છે. વિદ્વાન સૌજન્યશીલ શિક્ષક. હમણાં આ યુનિવર્સિટીમાં એક સમારોહ થયો. સંસ્કૃતના બે વિદ્વાનોને સુવર્ણચંદ્રક એનાયત થયો. હિન્દી અને સંસ્કૃત ભાષામાં પ્રસ્તુતિ થઈ. હમણાંથી સંસ્કૃત પ્રત્યેની ભાવના અને પુન:સ્મરણનું વાતાવરણ ગુજરાતમાં પ્રવર્તે છે. અતિ બજારવાદના જમાનામાં સંપૂર્ણપણે તો તે શક્ય નથી, પણ તેનાં ભાષાકીય ગૌરવને સ્થાપિત કરી શકાય. પોરબંદર, ભાગવત વિદ્યાપીઠ, ડાહ્યાભાઇ શાસ્ત્રીની પાઠશાળા, સોમનાથ યુનિવર્સિટી, દ્વારિકા શારદાપીઠ કોલેજ વગેરે જગ્યાઓએ તેવો પ્રયત્ન પરિણામ તરફ છે, પરંતુ હજુ આ પાઠશાળાઓને અન્ય વિદ્યાકેન્દ્રો જેટલી સુવિધા મળે તેમ સોમનાથ ટ્રસ્ટના સચિવ-મંત્રી પી.કે. લહેરીએ કહ્યું તે સમારંભમાં જરૂરી લાગ્યું. સંસ્કૃત વેરવિખેર માળા જેવી સ્થિતિમાં છે. સંસ્કૃત ભારતી તેને એકસૂત્રમાં પરોવવા પ્રયત્નશીલ છે. ગુજરાત સંસ્કૃત અકાદમી ઘણા વર્ષોથી પ્રવૃત્ત છે અને ઘણા ગ્રંથો પ્રકાશિત પણ કર્યાં છે. ‘આષાઢસ્ય પ્રથમ દિવસે...’ કોરોનાને કારણે બે વર્ષથી પ્રયોજાતો નથી, પણ આ કાર્યક્રમમાં સંસ્કૃત વિદ્વાનોનું સન્માન થાય છે. વેદ પંડિતોને પણ ગૌરવ સન્માન અપાય છે. આ વર્ષે ટંકારામાં રહેતા મુનિ દયાલ (માવજીભાઈ પરમાર) હવે 85 વર્ષના છે. મૂળ વ્યવસાય દરજીનો, પણ આ અભ્યાસુ આત્માએ ચારે વેદોનું ગુજરાતીમાં ભાષ્ય કર્યું, જેમાં 7084 પાનાંમાં 20379 મંત્રના અનુવાદ છે! ગુજરાત સંસ્કૃત અકાદમી તેમને એક લાખ ધનરાશિ સાથે ગૌરવ સન્માન આપશે એ જાણ્યું એટલે રાજ્યપાલે એક લાખ રૂપિયા ઉમેરવાની ઈચ્છા જણાવી. ટંકારા મુનિ દયાલના નિવાસસ્થાને અને રાજભવનમાં બે સ્થાનેથી કાર્યક્રમ સંપન્ન થશે. ⬛vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...