દેશ-વિદેશ:યુક્રેનમાંથી અનાજ બહાર કાઢવાની યુએન પ્રેરિત સંધિમાં રશિયા પાછું ફરે છે

19 દિવસ પહેલાલેખક: જય નારાયણ વ્યાસ
  • કૉપી લિંક
  • યુક્રેનમાંથી ઘઉંની નિકાસ શરૂ થાય એ માટે યુએન સાથે મળીને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ એર્દોગને મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો

પાણી એ પંચમહાભૂતોનું એક છે જેનાથી આપણો દેહ બને છે અને જેમાં મૃત્યુ બાદ એ વિલીન થઈ જાય છે. પાણી વગર જીવન શક્ય નથી. પણ પાણી જ્યારે મબલખ ઉપલબ્ધ હોય ત્યારે આપણે એની કિંમત પણ નથી કરતા. કદાચ એટલે જ કહેવત પડી હશે કે અમુક વસ્તુ તો ‘પાણીના મૂલે’ વેચાય છે. રશિયા-યુક્રેન યુદ્ધનાં એ બંને દેશોને માઠાં પરિણામ ભોગવવાં પડી રહ્યાં છે. કિવમાં અત્યારે ઊભી થયેલી વીજળી અને પાણીની તંગી એનું ઉદાહરણ છે, જેનું કારણ 10 ઓક્ટોબરથી મોટાપાયે સર્જાયેલો પાવરકટ છે. મહિનાઓથી ચાલતા યુદ્ધના તાજેતરના તબક્કામાં યુક્રેનનાં શહેરો પર રશિયન બોમ્બનો વરસાદ શરૂ થયો હતો. રશિયાએ મિસાઇલ અને ડ્રોન હુમલાની આડશમાં વીજળી ટ્રાન્સમિશન અને વોટર-પમ્પિંગ સ્ટેશન, હીટિંગ સુવિધાઓ અને અન્ય મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું છે, જેણે દેશની પાવર ગ્રીડને નુકસાન પહોંચાડ્યું છે અને સત્તાવાળાઓને ઊર્જા વપરાશ પર નિયંત્રણો લાદવાની ફરજ પડી છે. લાખો યુક્રેનિયનોએ હવે શિયાળા દરમિયાન, જ્યારે તાપમાન શૂન્યથી નીચે જાય છે ત્યારે ક્ષતિગ્રસ્ત અથવા નષ્ટ થયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધાર રાખવો પડશે અને હીટિંગ સિસ્ટમનો અભાવ વિનાશક પરિણામો લાવી શકે છે. શિયાળો નજીક આવતાં, રશિયા જાણીજોઈને યુક્રેનના લોકોને પાણી, વીજળી અને ગરમી જેવી મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રાખી દબાણ બનાવવા માગે છે. આ એક પ્રકારનો યુદ્ધ અપરાધ છે. રશિયા એક બાજુ સિવિલિયન સાઇટ્સને નિશાન બનાવવાનો ઇન્કાર કરે છે, પરંતુ હુમલાઓને નકારી કાઢતું પણ નથી. કિવમાં, નિયમિત, અનિશ્ચિત અને કલાકો સુધી ચાલતા અંધારપટને કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આવો જ હુમલો ખારકિવ અને યુક્રેનનાં અન્ય શહેરોમાં પણ થયો છે. 30 લાખ જેટલી વસતી ધરાવતાં શહેર કિવના 80 ટકા વપરાશકારો આ હુમલાને કારણે પાણી વગર બેઠા છે કેમ કે પમ્પિંગ માટે જરૂરી વીજમથકોને નુકસાન થયું છે. માત્ર પાણી જ નહીં મળે એવું નથી પણ વીજળી કપાઈ ગઈ હોવાને કારણે બીજો ભય એ પણ ઊભો થયો છે કે ગેસ પુરવઠો પણ ખોરવાશે. રશિયા દ્વારા કરવામાં આવી રહેલ મિસાઇલ હુમલાને કારણે આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કિવના નાગરિકો માટે થયું છે. રશિયાએ યુક્રેન પર કાળા સમુદ્રનાં તેનાં વહાણો પર ડ્રોન હુમલો કરી સલામત શિપિંગ કોરિડોરનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકી એ બહાના હેઠળ આ હુમલો કર્યો હતો. ઉપરાંત કાળા સમુદ્રમાં અનાજની હેરફેર માટે થયેલ યુનાઈટેડ નેશન્સ-પ્રાયોજિત સમજૂતીમાંથી પણ હટી જવાની જાહેરાત કરી જેના પગલે અનાજની હેરફેર માટેના જહાજો બોસ્ફરસની સામુદ્રધુની જે તુર્કીની નજીક આવેલી છે ત્યાં રાહ જોતાં ઊભા રહી ગયા. યુક્રેન વિશ્વના સૌથી મોટા અનાજ નિકાસકારોમાંનું એક છે, અને આ પગલાથી તેની નિકાસ આવક પર તો અસર થાય જ પરંતુ ભૂખમરો વેઠી રહેલા મધ્ય-પૂર્વ અને આફ્રિકામાં સ્થિતિ વધુ વણસે એવી શક્યતા ઊભી થઈ. આમ, આ યુદ્ધ માત્ર યુક્રેનના કિવ જેવા શહેરોમાં જ તબાહી મચાવી રહ્યું છે એવું નથી પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચેની અનાજની હેરફેર માટેની સમજૂતીને પણ પાયામાંથી ઘા કરી રહ્યું છે. 22 જુલાઈએ જ્યારે અનાજના સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, ત્યારે યુક્રેનના કૃષિ પ્રધાન સોલસ્કીએ યુક્રેન પાસે નિકાસ કરવા માટે 10 બિલિયન ડોલર મૂલ્યનું અનાજ અને વધારાના 20 બિલિયન ડોલરનાં અન્ય કૃષિ ઉત્પાદનોનો અંદાજ લગાવ્યો હતો. અત્યાર સુધીમાં, યુક્રેને લગભગ ત્રણ બિલિયન ડોલરની કિંમતનું 95 લાખ ટન અનાજ વિશ્વના બજારોમાં મોકલ્યું છે. રશિયાએ આરોપ મૂક્યો છે જે રીતે યુએન યુક્રેનને અનાજની નિકાસમાં મદદ કરી રહ્યું છે તે રીતે વૈશ્વિક બજારોમાં રશિયન અનાજ અને ખાતરની નિકાસમાં અવરોધો દૂર કરવામાં મદદ કરવા માટે જે સમાંતર કરાર કર્યો હતો તેનું સન્માન કરતું નથી. અનાજ અને ખાતરનું વહન કરતા રશિયન માલિકીનાં જહાજો પરના પ્રતિબંધો હટાવવાના વચનોનું પાલન થયું નથી. રશિયાના આ કરારમાંથી હટવાની જાહેરાતથી વૈશ્વિક ખાદ્ય કટોકટીનો ભય અને ચિંતાઓ ફરી ઊભી થઈ હતી. જોકે છેલ્લા અહેવાલ મુજબ સદ્નસીબે રશિયાએ બ્લેક-સી કોરિડોર દ્વારા અનાજની નિકાસને મંજૂરી આપવા માટે યુએન-સમર્થિત કરારમાં ફરીથી જોડાવા જાહેરાત કરી દુનિયાને હાશકારો આપ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી કે મોસ્કો આ કરારમાં ફરીથી જોડાશે, અને કહ્યું કે તેને કિવ તરફથી પર્યાપ્ત બાંયધરી મળી છે કે તે રશિયા સામે લશ્કરી કાર્યવાહી માટે આ સુરક્ષિત દરિયાઇ કોરિડોરનો ઉપયોગ કરશે નહીં. રશિયાએ હાલ આ બાંયધરી પૂરતી માની કરારના અમલીકરણને ફરી શરૂ કર્યું છે. યુક્રેનમાંથી ઘઉંની નિકાસ શરૂ થાય એ માટે યુએન સાથે મળીને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. જુલાઈ કરારની શરતો હેઠળ યુક્રેન તરફ જતાં અને આવતાં જહાજોનું રશિયન, તુર્કી, યુક્રેનિયન અને યુએન અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. આ વખતે પણ જ્યારે રશિયા આ કરારમાંથી ખસી ગયું ત્યારે અંકારા, મોસ્કો, કિવ અને સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થી સાથેની વાટાઘાટો પછી કરાર ફરી એકવાર કાર્યરત થયો. ઇસ્તંબુલ ખાતે જે સંયુક્ત સંકલન કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે તેની દેખરેખ હેઠળ અત્યાર સુધીમાં 97 લાખ મેટ્રિક ટનથી વધુ અનાજ અને અન્ય ખાદ્ય પદાર્થોને યુક્રેનના બારાઓ પરથી બહાર નીકળવા દેવામાં આવી છે. આનાથી મુખ્ય અનાજ નિકાસકાર યુક્રેન પર રશિયન આક્રમણને કારણે સર્જાયેલી વૈશ્વિક ખાદ્ય કટોકટીમાં ખૂબ જ જરૂરી રાહત મળી છે. આ રાહત કેટલી ટકાઉ છે તે તો આવનાર સમય જ કહેશે પણ હાલ પૂરતો ભૂખમરાથી પીડાતી દુનિયાએ રાહતનો દમ ખેંચ્યો છે. ⬛ (લેખક ગુજરાતના આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે.)

અન્ય સમાચારો પણ છે...