તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચારોના વૃંદાવનમાં:રન-વે પર દોડે, પણ ઊડી ન શકે, એવું વિમાન શા ખપનું?

ગુણવંત શાહ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફિલસૂફીની દૃષ્ટિથી જોઇએ તો, કહી શકાય કે આપણા અસલ ‘સ્વ’થી દૂર થતાં જવું એ દંભનું મૂળ છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિથી જોઇએ તો, દંભ અપર્યાપ્તતાની લાગણીનું સંતાન ગણાય

‘મારા જીવનમાં સૌથી સુખદ ઘટના બની, તે એ કે હું જન્મ્યો !’ ચ. જી. વેલ્સ આ વાત કહે તે એને શોભે, બાકી આપણે જો આવું કહીએ, તો લોકો હસવા જ માંડે! મનુષ્ય ઝરણું બનવા સર્જાયો છે, પરંતુ એ લગભગ ગટરની માફક વહેતો રહે છે. ઝરણું પણ વહે છે અને ગટર પણ વહે છે, પરંતુ ઝરણું વહે ત્યારે જે સંગીત સંભળાય તે સંગીત ગટર વહે ત્યારે નથી સંભળાતું. શું વહે છે, એ વાતે બધો તફાવત પડી જાય છે. ઝરણું કાયમ સ્વચ્છ હોય છે. તમે કદી ગંદું ઝરણું જોયું છે? તમે કદી સ્વચ્છ ગટર જોઇ છે? સ્વચ્છતા અને સંગીત વચ્ચેના સુમેળને લોકો ઝરણું કહે છે. ઝરણાનો જન્મ ઊંચી કક્ષાએથી થતો હોય છે. એ ઊંચી કક્ષા ઝરણાને સતત વહેતું રાખે છે. વહેવું અને સતત વહેવું એ પ્રત્યેક ઝરણાનો સ્વધર્મ છે. દેવપ્રયાગ વટાવ્યા પછી ઝરણાના જીવનમાં જે ક્રાંતિ આવે તેને પરિણામે ગંગાનો જન્મ થાય છે. જો ગંગામાતા મનુષ્યના સંપર્કમાં ન આવી હોત, તો એ સર્વથા સ્વચ્છ હોત. જ્યાં વહેણ છે, ત્યાં સ્વચ્છતા હોવાની. જ્યાં બંધિયારપણું હોય, ત્યાં ગંદકી હોવાની. મનુષ્ય જેવું ગંદું પ્રાણી પ્રભુએ બીજું બનાવ્યું નથી. સૃષ્ટિ સ્વચ્છ જ હોય છે. જંગલ સ્વચ્છ જ હોય છે, પરંતુ ખાબોચિયું કદી સ્વચ્છ નથી હોતું! કારણ સ્પષ્ટ છે. ખાબોચિયું કદી વહેતું નથી. વિમાનનો જન્મ રન-વે પર દોડવા માટે નહીં, પણ ઊડવા માટે થયો છે. ઊડવું એ વિમાનનો સહજ ધર્મ છે. મનુષ્ય સિવાયના કોઇ પણ પ્રાણીમાં દંભનું નામોનિશાન નથી હોતું. આપણી કિડની જ્યારે કામ કરતી અટકી જાય ત્યારે ડાયાલિસિસ દ્વારા મનુષ્યને નવજીવન પ્રાપ્ત થાય છે. અખંડ સૌભાગ્યવતી કિડનીદેવી મૃત્યુ પામે પછી મનુષ્ય લાંબું નથી જીવતો. આખરે દંભ એટલે શું? દંભની કેમિસ્ટ્રી સમજવા જેવી છે. ફિલસૂફીની દૃષ્ટિથી જોઇએ તો, કહી શકાય કે આપણા અસલ ‘સ્વ’થી દૂર થતાં જવું એ દંભનું મૂળ છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિથી જોઇએ તો, દંભ અપર્યાપ્તતાની લાગણીનું સંતાન ગણાય. સામાજિક દૃષ્ટિકોણથી જોઇએ તો, દંભ માણસને સામાજિક સલામતી આપનારું ઔષધ છે. વર્ષો પહેલાં કાશીમાં એક અનોખી ક્લબ જાણીતી હતી, જેનું નામ હતું : ‘થલવા ક્લબ’. એ ક્લબમાં કેવળ આળસુ માણસોને જ પ્રવેશ મળતો. આળસુ માણસોની ક્લબમાં કામગરા માણસની ઝાઝી પ્રતિષ્ઠા નથી હોતી. ક્યારેક થલવા ક્લબના કોઇ કામગરા સભ્યે આળસુ હોવાનો દંભ નહીં કર્યો હોય શું? દંભ કદાચ સમગ્ર માનવજાતની ભાવતી વાનગી છે. દંભ માણસને ઘણાબધા સંઘર્ષને ઓછું કરનારું લુબ્રિકંટ ગણાય. દંભને કારણે સમાજનું માળખું ટકી જાય છે. માળખું ટકી જાય છે, પરંતુ સમાજનો આત્મા ખતમ થાય છે. કેટલાંય લગ્નસંબંધો કેવળ દંભને કારણે નભી જતા હોય છે. કેટલાક બૉસ એવા હોય છે, જેમને જોરથી લાફો મારવાનું મન થાય. એવા બૉસને વિનયપૂર્વક ‘યસ સર’ કહેવું પડે, ત્યારે મન પર શું વીતતું હશે? કેટલીક વિધવા સ્ત્રીઓ માટે વૈધવ્ય પણ મુક્તિદાતા બની રહે છે. આવી ખાનગી સમજણ ખાનગી જ રહેવા પામે છે. દંભી સમાજ મહદ્ અંશે ડાયાલિસિસ પર જીવતો રહે છે. ગટર ક્યારે પણ ઝરણું હોવાનો ડોળ નથી કરતી. ખાબોચિયું ક્યારે પણ નદી હોવાનો દંભ નથી કરતું. પાવાગઢ ક્યારે પણ હિમાલય હોવાનો દંભ નથી કરતો. ગણિકા ક્યારે પણ ગૃહિણી હોવાનો દંભ નથી કરતી. ચિમ્પાન્ઝી ક્યારે પણ મનુષ્ય હોવાનો દંભ નથી કરતો. બાખડી ભેંસ કદી પણ યુવાન પાડી હોવાનો દંભ નથી કરતી. કેવળ મનુષ્ય જ દંભનો કોન્ટ્રાક્ટર હોવામાં સંસ્કૃતિના વિકાસનું ગૌરવ લેતો હોય છે. પોતે જે ‘નથી’, તે ‘છે’ એમ બતાવવામાં માણસ કેટલો શ્રમ વેઠે છે? રોગની દુનિયામાં કેન્સર ‘સુપરસ્ટાર’ ગણાતું જણાય છે. મલેરિયા કે ટાઇફોઇડનાં માનપાન કેન્સર આગળ ફિક્કાંફચ જણાય. વાત સાવ સાચી, પરંતુ મલેરિયાને કેન્સરની અદેખાઇ નથી આવતી. આપણા સાચકલા અસ્તિત્વ સાથે આપણા બનાવટી અસ્તિત્વની સમાંતર સરકાર સતત ચાલતી રહે છે. પરિણામે માણસ પોતે હોય તેવો પ્રગટ નથી થતો, પરંતુ ‘જેવો હોવો જોઇએ’ તેવો પ્રગટ થતો રહે છે. આવી બનાવટ અત્યંત પીડાકારક હોય છે. આવી પીડાનું બીજું નામ રોગ છે. રાજસ્થાનમાં ઊંટની વસતિ સતત ઘટતી જાય છે. દુનિયામાં હાથીને જો પર્યાવરણીય સંરક્ષણ ન મળે, તો હાથીનું અસ્તિત્વ જોખમમાં આવી પડે એવી પરિસ્થિતિ છે. આફ્રિકાનાં જંગલોમાં હાથીઓનાં ઝૂંડને કેવળ આનંદમય જીવન જીવતું જોયું છે. હાથીનું પરિવારજીવન ‘આનંદ’ની વ્યાખ્યા જેવું હોય છે. હાથીની જળક્રીડા અને વપ્રક્રીડા નજરે જોયા પછી મનોમન પ્રશ્ન થાય : ‘હાથીઓની જમાતમાં ક્યાંય દંભ જેવું કશુંક હશે ખરું? 700-800 હાથીઓને સપરિવાર સ્થળાંતર કરતા જોયા પછી થાય કે હાથીને કાયમી નિવાસસ્થાન જેવું કશું જ હોતું નથી. હાથીઓનું ઝૂંડ જ્યાં 10-12 દિવસ મુકામ કરે ત્યાં હજારો વૃક્ષનાં પાંદડાં ખવાઇ જાય છે. હાથીઓનું ઝૂંડ પછી અન્ય વિસ્તારમાં ચાલી જાય છે. આમ હાથીઓની જમાત માટે સ્થળાંતર કરવું એ કાયમી ઘટના હોય છે. સમય વીતે પછી જે વૃક્ષો ફરીથી લીલાં થયાં હોય, ત્યાં હાથીજમાત ફરીથી જઇ પહોંચે છે. પર્યાવરણ સચવાઇ જાય છે અને જંગલ જળવાઇ જાય છે. સ્થળાંતર કરવાનો સમય આવે ત્યારે લીલાં પાંદડાંના ભારા પીઠ પર લાદીને લઇ જવાનો વિચાર હાથીકુળનાં વૃદ્ધોને નથી આવતો. આવતીકાલની ચિંતા કેવળ માનવજાતને જ સતાવે છે. તમે જંગલોમાં જઇને સર્વેક્ષણ કરો. તમને ક્યાંય દંભી હાથી જોવા નહીં મળે. આખા સહરાના રણમાં ફરી વળો, પરંતુ તમને ક્યાંય દંભી ઊંટ જોવા નહીં મળે. હા, એક વાત ચોક્કસ અને તે એ કે તમે દુનિયા આખી ખૂંદી વળો, તમને એક પણ દંભમુક્ત મનુષ્ય જોવા નહીં મળે. ફ્રાન્સનો મહાન અસ્તિત્વવાદી વિચારક જ્યાં પોલ સાર્ત્ર ‘દંભ’ માટે ‘bad faith’ જેવા બે શબ્દો પ્રયોજે છે. અસ્તિત્વવાદી સાર્ત્રની વિચારધારામાં દંભને કોઇ જ સ્થાન નથી. સાર્ત્ર ‘bad faith’ કોને કહે તે સમજાવવા માટે એક ઉદાહરણ આપે છે. એક યુવક બીજી યુવતી સાથે થિયેટરમાં ફિલ્મ જોવા માટે જાય છે. થિયેટરના અંધારામાં યુવક યુવતીના ઘૂંટણના ઉપરના ભાગ પર મિનિ સ્કર્ટ વટાવીને હાથ ફેરવવાની શરૂઆત કરે છે. યુવતીને યુવકની આવી ચેષ્ટા ખૂબ જ ગમે છે, પરંતુ યુવતી એવો દેખાવ કરે છે કે શું થઇ રહ્યું છે એનાથી પોતે સાવ જ અજાણ હોય! સાર્ત્ર કહે છે કે યુવતી જે દેખાવ કરે છે, તેમાં ભારોભાર બનાવટ (bad faith) છે. આવી બનાવટ કોઇ પણ માનવેતર પ્રાણીમાં જોવા નથી મળતી. હા, દંભને કારણે સમાજનું માળખું ટકી જાય છે, પરંતુ જીવનનું सत्व सत्य નષ્ટ થાય છે. ટૂંકમાં પૃથ્વી પર એવો કૃત્રિમ, સિન્થેટિક અને બનાવટી સમાજ જીવી રહ્યો છે, જે સમાજ સત્યવિરોધી, સહજવિરોધી, જીવનવિરોધી અને વાસ્તવવિરોધી બની ગયો છે. ગીતાના અઢારમા અધ્યાયમાં કૃષ્ણ એક એવું વિધાન કરે છે, જેમાં અસ્તિત્વવાદની વિચારધારાનો અણસાર હોય. કૃષ્ણ કહે છે : સહજ કર્મમાં દોષ હોય તોયે ન છોડવું, સર્વ કર્મે રહે દોષ, ધુમાડો જેમ અગ્નિમાં. (18, 48) (અનુવાદ : કિ. ઘ. મશરૂવાળા) આજે તો એવી પરિસ્થિતિ છે, જેને કારણે આપણો આદિવાસી સમાજ પણ અસહજ અને સિન્થેટિક બનતો જાય છે. આદિવાસીનું સ્મિત પણ હવે સ્વચ્છ નથી રહ્યું! આફ્રિકાના શ્યામસુંદર આદિવાસીઓ હવે કોકા-કોલા પીએ છે, પાણી નથી પીતા. મને એક ગામ બતાવવામાં આવેલું, જ્યાં એક પણ દુકાન ન હતી. આખા ગામમાં કેવળ એક જ દુકાન જોવા મળી, જ્યાં કોકા-કોલા વેચાતું હતું! ગામનાં આદિવાસીઓ પાણી પીવાની ટેવ લગભગ ભૂલી ગયા હતા! ⬛ }}} પાઘડીનો વળ છેડે ‘લોરેન્સ ઓફ અરેબિયા’ જેવી યાદગાર ફિલ્મમાં રણનો રહેવાસી નાયકને પૂછે છે : ‘તને રણ કેમ ગમે છે?’ નાયક જવાબ આપે છે: ‘મને રણ ખૂબ જ ગમે છે કારણ કે રણ કાયમ સ્વચ્છ જ હોય છે.’ નોંધ: 1. બાળકનાં તમામ દુ:ખોની શરૂઆત એ પરીકથા વાંચતો બંધ થઇ જાય પછી જ થતી હોય છે 2. આવકવેરો ભરવો પડે એવી મહત્ત્વાકાંક્ષા ઘણા ગરીબોને રહેતી હોય છે, 3. રનવે પર દોડી શકે, પરંતુ ઊડી ન શકે, એવું વિમાન શા કામનું? સહજ ખોરવાય છે. Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...