પાકિસ્તાન ડાયરી:રુહી બાનો : દુખદ વિદાયનાં બે વર્ષ

ઝાહિદા હિના16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક લોકો એવા હોય છે, જેમને સુખ સદતું નથી અને એવું જ રુહી બાનો સાથે પણ થયું

જાન્યુઆરી આવતાં જ રુહી બાનોની યાદ આવી જાય છે. આજથી બે વર્ષ પહેલાં તેઓ આ ફાની દુનિયામાંથી વિદાય લઇ ગયાં હતાં. હિંદુસ્તાન સાથે પણ એમને ગાઢ સંબંધ હતો. એ પ્રખ્યાત તબલાંવાદક અલ્લાહરખાનાં પુત્રી અને ઝાકિર હુસેનનાં ઓરમાન બહેન હતાં. વર્ષોજૂની વાત છે જ્યારે પાકિસ્તાની ટેલીવિઝન પર રુહી બાનોની બોલબાલા હતી. એ જ્યારે નટખટ, તોફાની પાત્રમાં આવતાં ત્યારે લોકો પોતાનાં તમામ દુ:ખ ભૂલી જતાં અને એમની સાથે હસવા લાગતાં. એ ગંભીર ડ્રામામાં જોવા મળતાં, ત્યારે એમણે જે મુદ્દાને પોતાના પાત્ર દ્વારા વ્યક્ત કર્યો હોય તે અંગે લોકો વિચારતાં. ઉદાસ ડ્રામાઓમાં તેઓ પોતાના પાત્રમાં એવા ઓતપ્રોત થઇ જતાં કે લોકોની આંખોમાં આંસુ આવી જતાં. એ વર્સેટાઇલ અભિનેત્રી હતાં. જોકે કેટલાક લોકો એવા હોય છે, જેમને સુખ સદતું નથી અને એવું જ રુહી બાનો સાથે પણ થયું. એમનાં લગ્ન થયાં અને એ એક પુત્રનાં માતા બન્યાં જે એમને જીવથી વહાલો હતો. જોકે દાંપત્યજીવનમાં એવા ગૂંચવાડા ઊભા થયા કે પતિથી અલગ થવું પડ્યું. રુહી બાનો માટે હવે એમનો એકમાત્ર પુત્ર જ સર્વસ્વ હતો અને પછી યુવાન પુત્રનું ધોળા દિવસે થયેલું ખૂન રુહી બાનોને આઘાત આપી ગયું. એમનું માનસિક સંતુલન બગડી ગયું. એ લાહોરના રસ્તા પર ફરતાં રહેતાં અને લોકો એમની સાથે ગેરવર્તન કરતાં રહેતાં. એક દિવસ કેટલીક મહિલાઓએ એમને માનસિક રોગીઓની સારવાર માટે બનેલી સંસ્થા ‘ફાઉન્ડેશન હાઉસ’માં દાખલ કર્યાં. અફસાના નિગાર નીલમ અહમદ બશીર, ડ્રેસ ડિઝાઇનર બીજી અને શીમેલ એસોસિએશનનાં પ્રમુખ આશી બટ્ટે ત્યાં ફાઉન્ડેશન હાઉસમાં એમની ખૂબ સારી સંભાળ રાખી. ફાઉન્ડેશન હાઉસમાં ‘રુહી બાનો કી કહાની રુહી બાનો કી જબાની’ નામનો એક કાર્યક્રમ યોજાયો જેમાં રુહીના શો-બિઝનેસમાં આવવા અને પછી દિલ ભાંગી પડવાથી એમને છોડીને જવા સુધીનો એક ખાસ ડ્રામા રજૂ કરવામાં આવ્યો. એમાં મુખ્ય ભૂમિકા રુહીએ પોતે જ ભજવી હતી. આમાં સામેલ લોકો ઘણા સમય પછી રુહીને પરફોર્મ કરતા જોઇને તેમને તાળીઓના ગડગડાટથી દાદ આપી રહ્યા હતા. રુહી બાનો લાહોરમાં રહેતાં હતાં અને ઘણા લોકોની નજર એમનાં ઘર પર હતી. કરોડો રૂપિયાની કિંમતનું એ ઘર રુહી માટે સંકટરૂપ બની ગયું હતું. એમનાં પર જીવલેણ હુમલો પણ થયો, પણ અફસોસ, આજ સુધી એમનાં પર હુમલો કરનારાઓને શોધી શકાયા નથી. ⬛

અન્ય સમાચારો પણ છે...